ઝીટા કણ (zeta particle) : વિદ્યુતભારવિહીન વજનદાર ઉપ-પરમાણ્વીય (subatomic) કણ. હૅમ્બર્ગની ડૉઇશ ઇલેક્ટ્રૉનેન સિંક્રોટોન’ (DESY) નામની રિસર્ચ લૅબોરેટરીમાં, ઉચ્ચ ઊર્જા-ભૌતિકશાસ્ત્રીઓના એક જૂથ દ્વારા 1984માં તેની શોધ થઈ હતી. આ સંસ્થાના સંશોધકોએ 9.5 ગીગા ઇલેક્ટ્રૉન વોલ્ટ (GeV) જેટલી ઊર્જા ઇલેક્ટ્રૉન અને પૉઝિટ્રૉન –ધનવિદ્યુતભાર ધરાવતા ઇલેક્ટ્રૉનના પ્રતિકણ – વચ્ચે થતા સંઘાત (collision) દરમિયાન, ભારે મેસોન તરીકે ઉત્પન્ન થતા રેડિયોઍક્ટિવ ‘અપસાઇલો’ કણની ક્ષય-નીપજ(decay product)માંથી ઝીટા કણને શોધી કાઢ્યો હતો. [1 GeV = 109 eV = એક અબજ eV]
હજી સુધી વિજ્ઞાનીઓ ઝીટા કણનું વર્ગીકરણ કરી શક્યા નથી. તેનું ખૂબ મોટું દ્રવ્યમાન, તટસ્થ વિદ્યુતભાર અને પ્રમાણમાં મોટા જીવનકાળને કારણે તે લૅપ્ટોન (q, v) કણ નથી તેમજ પરમાણુના ન્યૂક્લિયસની રચના કરતા પ્રોટૉન તથા ન્યુટ્રૉનની જેમ તે ક્વાકર્સનો પણ બનેલો નથી. અમુક નિરીક્ષકોએ એમ પણ સૂચવ્યું કે બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી પીટર હિગ્ઝે સૂચવ્યા મુજબ સ્થૂળ અસ્તિત્વ ધરાવતી પરિકલ્પિત વસ્તુ (hypothetical extity) અનુસાર, ઝીટા કણ એક પ્રકારનો ‘હિગ્ઝ’ કણ પણ હોઈ શકે. નબળી આંતરક્રિયાઓ માટે ‘વિન-બર્ગ સલામે’ એક બહુસ્વીકૃતવાદ આપેલો છે. આ વાદ પ્રમાણે અત્યંત લઘુ અવધિવાળાં નબળાં ન્યૂક્લિય બળો અને મંદ વિદ્યુતભારોની જાળવણી (conservation) થતી નથી જેને કારણે સ્વત: સમમિતિ ખંડન તરીકે ઓળખાતી યાંત્રિક રચના ઉદભવે છે. આવી યાંત્રિક રચના ઉદભવે તે માટે 1983માં શોધાયેલાં W અને Z જેવા વજનદાર મધ્યસ્થી સદિશ બોઝોન કણનું અસ્તિત્વ જરૂરી છે. વળી તેમાં એક વધુ પ્રકારના કણ હિગ્ઝ કણની પણ આવશ્યકતા રહે છે. તે એક એવું ક્ષેત્ર ઉત્પન્ન કરે છે જેમાંથી મધ્યસ્થી બોઝોન કણ તેનું દ્રવ્યમાન પ્રાપ્ત કરે છે. હિગ્ઝ કણ માટેના સ્વીકૃત (postulated) ગુણધર્મોમાંથી કેટલાક ગુણધર્મો ઝીટા ધરાવે છે, જે નિરીક્ષકોને એક એવા નિષ્કર્ષ પ્રતિ દોરી જાય છે કે ઝીટા કણ એક પ્રકારનો અમાન્ય હિગ્ઝ કણ છે. ઝીટા કણ અંગેનો ખ્યાલ અતિ જૂનો છે. આધુનિક વિજ્ઞાનમાં તેનો ખાસ ઉલ્લેખ જોવા મળતો નથી.
એરચ મા. બલસારા