ઝીંગા (prawn) : સંધિપાદ સમુદાયના સ્તરકવચી વર્ગનું પ્રાણી. તે મેલેકોસ્ટ્રેકા ઉપવર્ગનું ડેકાપોડા શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે. ઝીંગાની મીઠા પાણીની સામાન્ય જાતિને પેલીમોન મેલ્કોલ્મસોની કહે છે, જે ક્ષારવાળું પાણી ધરાવતી નદીઓમાં જોવા મળે છે. તેનો રંગ ભૂરાશ પડતો લીલો હોય છે. જ્યારે ખારા પાણીનાં ઝીંગાને પિતિયસ પ્રજાતિમાં મૂકવામાં આવે છે. આ બંને પ્રકારોમાં કેટલાક સૂક્ષ્મ ભેદ સિવાય ઘણું સામ્ય રહેલું છે. ગુજરાતમાં નર્મદા નદીમાં મેક્રોબ્રેંક્સ રોઝનબર્ગી નામના મોટા કદના ઝીંગા મળી આવે છે.

ઝીંગા

આ પ્રાણી 2થી 8 સેમી. લાંબું અને પાર્શ્વ બાજુએથી ચપટું હોય છે. તેની વિવિધ જાતિઓના કદમાં નોંધપાત્ર તફાવત જોઈ શકાય છે. ઝીંગાની કેટલીક જાતિ 20થી 40 સેમી.  જેટલી લંબાઈ ધરાવે છે. આ પ્રાણીનો દેહ બે ભાગમાં વિભાજિત થયેલો હોય છે. અગ્ર બાજુએ આવેલો ભાગ શીર્ષોરસ (cephalothorax) અને પશ્ચ બાજુએ આવેલો ભાગ ઉદર તરીકે ઓળખાય છે. શીર્ષોરસ એ શીર્ષ પ્રદેશના પાંચ ખંડો અને ઉરસ પ્રદેશના 8 ખંડોના જોડાણથી રચાય છે. શીર્ષોરસનું કદ મોટું, સખત અને અખંડીય રચના ધરાવે છે. તેના પર આવેલા બાહ્ય કંકાલના રક્ષણાત્મક કવચને પૃષ્ઠકવચ (carapace) કહે છે. તેવી જ રીતે વક્ષ બાજુના ભાગમાં વક્ષકવચ(sternum) આવેલું હોય છે. ઉદરપ્રદેશ છ, સ્પષ્ટ, હલનચલન કરી શકે તેવા ખંડો ધરાવે છે. પ્રત્યેક ખંડ પર રક્ષણ માટે ઉદરીય કવચો આવેલાં હોય છે. ઉદરના છેલ્લા ખંડમાં, પશ્ચ બાજુએ, એક ત્રિકોણાકાર પુચ્છિકા (telson) આવેલી હોય છે. આ પ્રાણીની લાક્ષણિકતા તરીકે અગ્ર બાજુના પૃષ્ઠકવચમાંથી, દાંત જેવા પ્રવર્ધો ધરાવતું અંગ  આવેલું હોય છે જેને તુંડ (rostrum) કહે છે. વર્ગીકરણની ર્દષ્ટિએ આ અંગ અગત્યનું છે. તુંડની બંને બાજુએ, આંખની એક જોડ આવેલી હોય છે જે સદંડી પ્રકારની હોય છે. આંખની પાર્શ્વ બાજુએ એક એક સ્પર્શિકા (antennule) અને સ્પર્શક (antenna) તરીકે ઓળખાતાં સંવેદી અંગો આવેલાં હોય છે, શીર્ષોરસની વક્ષ બાજુએ ઉપાંગોની પાંચ જોડ આવેલી હોય છે, જેમના દ્વારા પ્રાણી રેતી, જમીન કે પથ્થર પર ચાલી શકે છે. ઉદરપ્રદેશમાં આવેલાં ઉપાંગોને પ્લવનપાદક (pleopod) કહે છે, જેનો ઉપયોગ પ્રાણી તરવા માટે કરે છે. છેલ્લા ઉદરીય ખંડનાં ઉપાંગો પુચ્છપાદક (uropod) કહેવાય છે. માદામાં પ્લવનપાદકો દ્વિખંડી હોય છે, જેના આધારે નર અને માદાને ઓળખી શકાય છે. પુચ્છિકા અને પુચ્છપાદકોનાં વિશિષ્ટ હલનચલન દ્વારા ઝીંગો પાછળની દિશામાં પણ તરી શકે છે. શીર્ષ પ્રદેશમાં આવેલાં રૂપાંતરિત ઉપાંગોને ‘મુખાંગો’ કહે છે, જેની દ્વારા પ્રાણી ખોરાક લઈ શકે છે.

ખોરાકની ર્દષ્ટિએ માછલી કરતાં ઝીંગાનું માંસ વધુ સ્વાદિષ્ટ હોય છે. તે અપૃષ્ઠવંશી હોવાથી માંસમાં અસ્થિઓ હોતાં નથી. આથી આ માંસ રાંધવા અને ખાવામાં વધુ સરળ અને સુલભ બને છે. ઝીંગાના માંસમાં ગ્લાયકોજનનું પ્રમાણ વધારે હોવાથી તે વધુ મીઠાશવાળું જણાય છે. અલબત્ત, તેની કિંમત વધુ હોવાથી શ્રીમંત વર્ગના લોકોમાં પ્રિય છે. ખોરાક તરીકે માત્ર માંસલ પ્રદેશનો ઉપયોગ થતો હોવાથી આ પ્રાણીનો ઉદરપ્રદેશ ઉપયોગમાં લેવામાં આવે છે. માછીમારો આ ભાગને પૂંછડી તરીકે ઓળખે છે.

ઑક્ટોબરથી મે મહિના સુધીમાં પુખ્ત વયના ઝીંગા મોટી સંખ્યામાં કિનારાથી દૂર આવેલા દરિયા-વિસ્તારમાં જોવા મળે છે. દક્ષિણ ભારતમાં કર્ણાટક સિવાય, સૌથી વધારે ઝીંગા જુલાઈથી સપ્ટેમ્બર માસ દરમિયાન પકડવામાં આવે છે, જ્યારે કર્ણાટકમાં ઑગસ્ટ અને જાન્યુઆરીથી એપ્રિલના સમયગાળાનો ઉપયોગ થાય છે. ગુજરાતમાં સૌથી વધારે ઝીંગા ડિસેમ્બરની આસપાસ મળી આવે છે, જ્યારે મહારાષ્ટ્રમાં લગભગ બારેય મહિના તેની પ્રાપ્તિ થાય છે.

ઝીંગાને પકડવા માટે આધુનિક પદ્ધતિમાં ટ્રૉલર(Trawler) હોડીનો ઉપયોગ કરવામાં આવે છે અને ટ્રૉલર જાળ વપરાય છે. અલબત્ત, જુદી જુદી પરિસ્થિતિમાં તેમાં ફેરફારો જોવા મળે છે. ઝીંગાના વેચાણથી સૌથી વધુ હૂંડિયામણ મળે છે. કુલ દરિયાઈ સંપત્તિમાંથી મળતા હૂંડિયામણના 90 % જેટલો હિસ્સો માત્ર ઝીંગાને ફાળે જાય છે. આ આર્થિક પાસાને ધ્યાનમાં રાખીને ઝીંગાનો ઉછેર કૃત્રિમ રીતે કરવાની દિશામાં ભારત સરકારે કેટલાંક નોંધપાત્ર પગલાં ભરેલાં છે. કેરળમાં માછીમારો ડાંગરનો પાક લીધા બાદ, તે ખેતરોનો ઉપયોગ ઝીંગાના ઉછેર માટે કરે છે. ઘણી પ્રયોગશાળાઓ ઝીંગાનાં બચ્ચાંનું સંવર્ધન કરી, એના આગળના ઉછેર માટે વિના મૂલ્યે વિતરણ કરે છે. આ ઉપરાંત કર્ણાટક, બંગાળ, મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત વગેરે રાજ્યોમાં ઝીંગાના ઉછેર અંગેના સઘન પ્રયત્નો હાથ ધરાયા છે.

દિલીપ શુક્લ