ઝવેરાત
હીરા, રત્નો વગેરે જડીને બનાવેલાં સોનું, ચાંદી અને અન્ય કીમતી ધાતુઓનાં આભૂષણો. આ આભૂષણો તૈયાર કરવા માટેનો ઉદ્યોગ તે ઝવેરાત–ઉદ્યોગ. ઝવેરાતનો ઉપયોગ માનવી પોતાની જાતને શણગારવા અને વધુ આકર્ષક બનાવવા ઉપરાંત ધાર્મિક અથવા તાંત્રિક કારણોસર તેમજ પોતાની સંપત્તિ અને શ્રીમંતાઈ દર્શાવવા પણ કરતો આવ્યો છે. મોટાભાગનું ઝવેરાત સોનું, પ્લૅટિનમ, ચાંદી, રહોડિયમ જેવી કીમતી ધાતુઓ ઉપર હીરા, માણેક, નીલમ, મોતી જેવાં રત્નો લગાડીને સુંદર કોતરકામ સાથે તૈયાર કરવામાં આવે છે. હવે કુદરતી ઉપરાંત સંશ્લેષિત રત્નોનો ઉપયોગ પણ થવા માંડ્યો છે. શરીરનાં વિવિધ અંગો ઉપર પહેરવામાં આવતાં આવાં આભૂષણોમાં પહોંચી, પીન, એરિંગ, ગળાનો હાર, નથડી વગેરેનો સમાવેશ થાય છે.
માથામાં શીશફૂલ, ચાતક, ચોટીફૂલ, મોલી, સૂરબંગ અને મુગટ; કપાળ ઉપર દામણી, ટીકો, ઝૂમર; કાનમાં કર્ણફૂલ, એરિંગ, વાળીઓ, ઝૂમખાં, તીડ, પતંગ, ઘૂઘરીધાર, માછલી, ચૂની, લટકણ; ગળામાં ચંદનહાર, મગમાળા, કંઠી, મોરમાળા, હાંસડી, ચંપાકલી, ગલચંદ; હાથમાં બાજુબંધ, અનંત, નવરત્ન, લૉકેટ, કડું અથવા કડલાં, પાટલા, ગજરા, બંગડીઓ, પહોંચી, વીંટી; કમર ઉપર કંદોરો, ઝૂડો, કમરબંધ; પગમાં પગપાનિયાં, ઝાંઝરી, છડા, કડલાં વગેરે અને પગનાં અંગૂઠા-આંગળાંમાં પગપાન, વીંછિયાં વગેરે આભૂષણો પહેરાય છે. ઉપરાંત ગળામાં પહેરવાની સાંકળી, હીરાજડિત ઘડિયાળ અને ઘડિયાળના પટ્ટા, ખમીસનાં બટન, માથામાં નાખવાની પીન વગેરે પણ પ્રચલિત છે.
પ્રાગૈતિહાસિક ગુફાવાસીઓ અને શિકારીઓ પ્રાણીઓનાં દાંત, નખ, શિંગડાં અને હાડકાંનો ઉપયોગ કરતા. ફ્રાન્સ અને સ્પેનની ગુફાઓમાં તેના અવશેષો મળી આવ્યા છે. તે પહેલાંનો માનવી કદાચ પોતાના વાળમાં પક્ષીઓનાં પીછાં લગાવીને તથા પોતાના શરીરને પાંદડાં અને ફૂલો વડે શણગારતો હશે. કાળક્રમે વૈજ્ઞાનિક પ્રગતિ અને સંશોધનના પ્રદાનથી આ કળામાં ફેરફાર થતા ગયા અને અગાઉની સાદી ચીજવસ્તુઓને બદલે કીમતી ધાતુઓ અને તે પછીના સમયમાં ધાતુઓ અને રત્નોનો ઉપયોગ શરૂ થયો. આ માટે વિવિધ પ્રકારનાં રત્નોને કાપીને ચોક્કસ ઘાટ આપી, પહેલ પાડી તેમને ચમકદાર બનાવી તેમને બહુમૂલ્ય ધાતુના આકર્ષક રચનાવાળા દાગીનામાં બેસાડવામાં આવે છે. આવાં 84 પ્રકારનાં રત્નોમાં પન્નું, માણેક, મોતી, હીરા, નીલમ, પોખરાજ, વૈદૂર્ય (લસણિયો), ગોમેદક વગેરે પ્રચલિત છે. રત્નોના ઘાટ મુખ્યત્વે : (i) ગુલાબી ઘાટ, (ii) મિશ્રિત ઘાટ અને (iii) પટલ ઘાટ – એમ ત્રણ પ્રકારના હોય છે. રત્નોના કાપ કરવાના મુખ્ય પ્રકારો બ્રિલિયન્ટ કટ, સ્ટ્રેપ કટ, કાર્બોશન કટ અને રોઝ કટ છે. આ રત્નો ઉપર નકશીકામ અને રંગકામ પણ કરી શકાય છે. કોતરકામ કરવાની કળાનો પ્રારંભ જર્મનીમાં થયો હતો. રત્નોની સફાઈ કરવા રત્ન પ્રમાણે અલગ અલગ પ્રકારનું દ્રવ્ય વાપરવામાં આવે છે.
ઈ. સ. પૂ. 3500ના અરસામાં કળાકારીગરોએ જોયું કે સોનાને તપાવી તેનાં પાતળાં પતરાં બનાવી તેમને વિવિધ ઘાટ આપી શકાય છે. તે જ પ્રમાણે ચાંદી, તાંબું અને કાંસાનો પણ આભૂષણો બનાવવા માટે ઉપયોગ થઈ શકે છે. ઈ. સ. પૂ. 2000ના ગાળામાં ઇજિપ્તના લોકોએ પહોંચી, પીન, દામણી-ઝૂમર, પેન્ડન્ટ અને વીંટી માટે રત્નોનો ઉપયોગ શરૂ કર્યો. તેમનું માનવું હતું. કે રત્નો જાદુઈ શક્તિ ધરાવે છે. અને તેથી તે ધારણ કરવાથી લાભ થાય છે. તેઓના ઝવેરાતમાં રત્નો ઉપરાંત કાચ અને મીનાકારીનો પણ ઉપયોગ થયો હતો. તેઓ ખભા અને છાતીના ભાગને ઢાંકી દેતા મણકાવાળા કૉલર, પેક્ટરલ તરીકે ઓળખાતા ઉરપ્રદેશના દાગીના અને મુગટ તથા પહોંચી, નૂપુર, એરિંગ અને વીંટી પહેરતા હતા.
ગ્રીકો સામાન્ય રીતે બારીક નકશીકામ ધરાવતું ઝવેરાત વાપરતા અને ક્વચિત જ તેમાં રત્નો જડવામાં આવતાં. સોના અને ચાંદીના તાર ગૂંથીને બનાવેલ ફિલિગ્રી તરીકે ઓળખાતું નાજુક આભૂષણ તેઓ પહેરતા. રોમન લોકો તેમના ઝવેરાતમાં સોના ઉપરાંત અવારનવાર રત્નોનો ઉપયોગ કરતા.
મધ્યયુગની શરૂઆતમાં ઈ. સ. 700ની આસપાસ, યુરોપમાં ઝવેરાત રાજવી કુટુંબના સભ્યોને પહેરવાની ચીજ હતી પણ ઈ. સ. 1200થી 1400 વચ્ચે સમૃદ્ધ મધ્યમવર્ગ ઉદભવતાં તેણે સામાજિક મોભા (status) માટે પીન, બકલ, શીર્ષ-અલંકાર અને વીંટી જેવી જણસો પહેરવાની શરૂઆત કરી. ઈ. સ. 1500માં કીમતી પથ્થરોનો વપરાશ વધતાં બાંય પર બાંધવામાં આવતાં કફલિંક ભારે પેન્ડન્ટો અને ગળામાં પહેરવાની સાંકળીમાં રત્નો જડવાનાં શરૂ થયાં. સ્ત્રીઓ તેમના કેશગુંફનમાં પણ મોતીની કે રત્નોની માળા ગૂંથતી. આ અરસામાં જ ઘડિયાળ પણ બનવા માંડી. લોકો તેને પેન્ડન્ટ (pendant) – ઝૂમણામાં પહેરવા માંડ્યાં. રત્ન-કર્તનની કળાનો વિકાસ થતાં 1600થી 1700ના અરસામાં હીરાનો વપરાશ વધુ થવા માંડ્યો.
આફ્રિકન કારીગરો હાડકાં, રંગીન પીંછાં, હાથીદાંત, લાકડું કે ધાતુનાં રંગબેરંગી આભૂષણો બનાવતા. આજે પણ છીપલાં કે ખાસ પ્રકારનાં બીજ(seeds)ના હાર, હાથીદાંત કે હાડકાંના કાનમાં પહેરવાના દાગીના અને કાંસાની બંગડીઓ આફ્રિકનોમાં બહુ પ્રચલિત છે.
ચીનમાં સુંગ વંશના સમય (960–1279) દરમિયાન ઝવેરાતનો ઉપયોગ લોકપ્રિય બન્યો. ચીનના લોકો ચાંદી, મીનાકારી, પીંછાં અને મરકત(jade)ને પસંદ કરતા. મરકતને ઘણી વાર કાપીને અથવા પૉલિશ કરીને ધાતુમાં જડવામાં આવતું. જાપાનનું ઝવેરાત પણ ચીનને મળતું આવતું હતું. તેમણે તલવાર અને અન્ય ખાસ વસ્તુઓ શણગારવા માટે ઝવેરાતનો ઉપયોગ પ્રથમ શરૂ કર્યો હતો. ત્યારબાદ ઝવેરાતને આભૂષણ તરીકે વાપરવાનું શરૂ કર્યું.
અમેરિકામાં ઈ. સ. 1500 પહેલાંની કળાને પૂર્વ કોલંબિયન કળા કહેવાતી. આ સમયની ઇન્કા સંસ્કૃતિ સોના અને ચાંદીના ધાતુકામમાં પાવરધી હતી. તેમાં વીંટી, બાજુબંધ અને એરિંગનો સમાવેશ થતો હતો. મેક્સિકો અને મધ્ય અમેરિકાના માયા ઇન્ડિયનો સોનું, મરકત અને અન્ય સ્થાનિક પદાર્થોમાં બનેલાં પહોંચી, મોટા હાર અને ખાસ મહોરાં જેવાં ઝવેરાતનો ઉપયોગ કરતા.
ભારતીય ઝવેરાતની કળા ઈસુ ખ્રિસ્ત પહેલાંના ત્રણથી ચાર સૈકાઓ અગાઉની છે તેમ ખોદકામ કરતાં મળી આવેલા સંસ્કૃતિના અવશેષો તથા અજંતા અને તક્ષશિલામાંની કૃતિઓ ઉપરથી જણાઈ આવે છે. હડપ્પા સંસ્કૃતિમાં પણ સોનાનાં આભૂષણો જણાયાં છે. વેદ-પુરાણમાં દેવદેવીઓનાં જાતજાતનાં અને ભાતભાતનાં વિવિધ ઝવેરાતવાળાં વર્ણનો આવે છે; જેમાં હાર, બાજુબંધ, કંકણ, કુંડળ, મેખલા વગેરે હોય છે. પુરાણકાળમાં અકીક, ગાર્નેટ પથ્થરોના આકારો, મુદ્રાઓ, પૂજા-સામગ્રી રાખવાનાં પાત્રો, વાળમાં નાંખવાની પીન, મણકા, સોનાના સિક્કા, અંગૂઠાની તેમજ આંગળી ઉપરની વીંટીઓ વગેરે મુખ્ય વપરાશમાં હતાં. ચાંદીના પોલા દાગીનામાં લાખ કે કાચ પૂરવામાં આવતા. અત્યારના યુગમાં કાચ અને લાખની જગ્યાએ પ્લાસ્ટિક વાપરવામાં આવે છે. ચાંદી પછી સોનાનો ઉપયોગ મુખ્ય બની રહ્યો. તેમાં સોનાના ગુણધર્મોએ અગત્યનો ભાગ ભજવ્યો છે. સોનામાં દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે, જેથી થાપાની નીચેનાં અંગમાં સોનાના દાગીના પહેરવાથી લક્ષ્મીનો શાપ ઊતરવાની ભીતિ હોઈ ત્યાં સોનાના દાગીનાઓનો વપરાશ થતો નથી.
ગુપ્તકાળમાં સોનાના સિક્કા બનાવવામાં આવતા. મુઘલોએ સોનાના સિક્કા બહાર પાડેલા. વીંટી અને રત્નજડિત તેમજ સોનાની મૂર્તિઓ વાપરવાથી શરૂ થયેલી કળા વિકસી અને ભારતીય ઝવેરાતની કલાકૃતિઓની સુંદરતાની સરખામણી જૂનીપુરાણી ઇજિપ્તની સુંદર કલાત્મક કૃતિઓ સાથે થતી હતી. પંદરમી, સોળમી અને સત્તરમી સદીમાં ભારતની મુલાકાતે આવતા પરદેશીઓ રાજ્યદરબારમાં તથા સમાજના બધા સ્તરના લોકોએ પહેરેલું ઝવેરાત જોઈ અંજાઈ જતા. ઝવેરાતનો શોખ અને દેશની જાહોજલાલીને દર્શાવતાં 1503થી 1508 વચ્ચે ઇટાલીના લુડોવિકા ડી વર્થેમાએ ભારતની મુલાકાત વખતે નોંધ્યું છે કે વિજયનગરમાં હિંદુ રાજાના ઘોડાને જે ઝવેરાત પહેરાવવામાં આવેલું તે આપણા કેટલાક શહેરની કિંમત કરતાં પણ વધી જાય છે. મુઘલકાળમાં રાજ્યમાં એટલું ઝવેરાત રહેતું કે તેના 360 ભાગ પાડવામાં આવતા, જેથી રાજા રોજ એક ભાગની મુલાકાત લઈ શકે. મુઘલ તિજોરીના વર્ણનમાં નોંધાયું છે કે માથા ઉપર પહેરવાની પીન, આંકડીવાળાં ઘરેણાં(brooch)માં બે હજાર તો વલયો છે; જેમાં કીમતી રત્નો, હીરા, માણેક, પન્નું વગેરે છે. અકબરના સમયમાં પાઘડી ઉપર કલગી અને સોનાના બંધ શરૂ થયા. ‘અકબરનામા’નાં ચિત્રોમાં હિન્દુ અને મુસ્લિમ નર્તકીઓને મુસ્લિમ અને હિંદુ પદ્ધતિઓનાં આભૂષણો પહેરતી દર્શાવી છે. મીનાકારી કામ આ સમયમાં પહેલી વાર પ્યાલા, વીંટીઓ વગેરેમાં દેખાયું. મુઘલકાળનું ઝવેરાત અંદરથી પોલું રહેતું અને સોનાના દાગીનામાં લાખ ભરવામાં આવતી. જહાંગીર ગાદી ઉપર આવ્યો ત્યાં સુધીમાં ઝવેરાતની રચનાઓમાં ઘણા ફેરફારો આવ્યા. સૂરતના બંદરેથી યુરોપમાં બનેલી ભેટસોગાદો જહાંગીરને ભેટ મોકલાતી. અહીંના કારીગરો આવી રચનાઓની નકલ કરતા. તે સમયમાં રત્નજડિત રાજસિંહાસન પણ બનાવેલું. પાઘડી ઉપર પીંછાં પર પણ રત્ન જડવાનું શરૂ થયું હતું. અકબર ઉપર ઈરાની રચના(design)નો પ્રભાવ હતો, જ્યારે શાહજહાં ઉપર યુરોપિયન રચનાઓનો પ્રભાવ હતો. તેનું ભારતીયકરણ થયાનું જણાય છે. મહારાજા ભીમસિંગ પહેરતા તેવું રાજપૂતાના શૈલીનું ઝવેરાત જયપુરની તિજોરીમાં હતું. તેનો પણ મુઘલકાળની ઝવેરાતની રચના ઉપર પ્રભાવ પડ્યો. 1775માં ફરીદાબાદ અને ઔંધમાં ચાંદી ઉપર વાદળી-ભૂરો મીનો ચઢાવવાની કળા વિકસી હતી. 1851માં લીલો, પીળો અને જાંબલી મીનો પણ વિકસ્યો. 1775થી 1797 દરમિયાન કાબુલના કારીગરોની મદદથી ગુલાબી મીનો બનારસમાં પ્રચલિત થયો, જે બનારસની ખાસિયત ગણાઈ. આ કળા 1923 પછી મૃતપ્રાય બની. જયપુર મીનાકારી કામ માટેનું શ્રેષ્ઠ કેન્દ્ર બન્યું. દક્ષિણ ભારતની ઝવેરાતની કલાકારીગરી મુઘલ કલાકારીગરી કરતાં તદ્દન ભિન્ન રહી. દક્ષિણ ભારતમાં મંદિર માટેના ઝવેરાતની કલા વિકસી. લગ્ન માટેનું ઝવેરાત પણ ભિન્ન પ્રકારનું હોય છે અને આમ, ઝવેરાત બનાવવાની કળામાં વિભિન્ન, વિશિષ્ટ તત્વો સંમિલિત થતાં રહ્યાં. રૉબર્ટ ક્લાઇવે જગતશેઠને સોનાની અત્તરની પેટી ભેટ આપેલી. ભારતીય ઝવેરાતનું યુરોપિયન સ્ત્રીઓને ઘેલું લાગેલું. 1864માં મુંબઈમાં 10,670 સોનીઓ તેઓની જરૂરિયાત માટે કામ કરતા હતા. આ સમયે યુરોપિયનની વસ્તી નવ હજારની જ હતી; પરંતુ તેઓ તેમના દેશમાં નિકાસ કરવામાં રસ લેતા, જેથી આ સમયમાં યુરોપિયન ઘાટવાળાં ઘરેણાં બનાવવાનું કામ ખૂબ વિકસ્યું અને નિકાસ શરૂ થઈ. યુરોપિયન ઝવેરાત ઉપર પણ ભારતીય કળાની અસર થઈ. 1851માં લંડનમાં ઝવેરાતનું મોટું પ્રદર્શન ભરાયું, જેના કારણે આખી દુનિયામાં ભારતની ઝવેરાતની કળા પ્રસિદ્ધિ પામી. ઈસ્ટ ઇન્ડિયા કું.એ પ્રદર્શિત કરેલા ભારતીય ઝવેરાતમાંથી પણ સારી પ્રેરણા પ્રાપ્ત થઈ. આમ, વિવિધ તબક્કે ઝવેરાતઉદ્યોગ અને કળા વિકસ્યાં. ભારતનું મયૂરાસન, કોહિનૂર હીરો, મૉસ્કોના જોસિયા સંગ્રહાલયમાં હાલ છે તે 28 કૅરેટનું સુંદર ભારતીય મોતી, ગોળકોંડાની ખાણમાંથી મળેલો રીજેન્ટ હીરો, કોલરની ખાણમાંથી મળેલો ‘મહાન મોગલ’ હીરો વગેરે પ્રખ્યાત છે.
ઝવેરાતમાં વપરાતી સામગ્રી : પ્રાણીઓનાં કવચ આકર્ષક દેખાવને લીધે અને સહેલાઈથી મળી આવતાં હોવાને લીધે ઝવેરાત માટે ઉપયોગમાં લેવાતાં હતાં. કાચબાનાં કવચ અને મોટા કાચબાની ઢાલને ગરમીથી સપાટ કરી તેને જોઈતો આકાર આપી આભૂષણ બનાવી શકાય છે. 1640માં મેસેક્યૂબેટમાં કાયદાથી 4 સફેદ શંખલા–માછલી અથવા 2 બ્લ્યુસની કિંમત એક પેની જેટલી ગણવામાં આવતી. વેલ્ક કવચના મણકા આશરે અડધા ઇંચના હોય છે, જ્યારે બ્લ્યુસના મુશ્કેલીથી નાના કકડા કરીને તેમાંથી આભૂષણો બનાવવામાં આવતાં. બંનેમાં છિદ્રો પાડીને તેમને સાથે ભરવામાં આવતાં. આ કવચની કંઠીઓ બનાવવા ભારે જહેમત ઉઠાવવી પડતી. યુરોપથી આવતા વહાણવટીઓ તેનો વિનિમય તરીકે અથવા ઝવેરાત તરીકે ઉપયોગ કરતા. તેની કિંમત એેક વારની $ 750 તરીકે ગણવામાં આવતી. યુરોપિયનો દ્વારા આ ઝવેરાતનો વિનિમય માટે ઉપયોગ કારગત નીવડ્યો નહિ. કવચનું ઝવેરાત બનાવવું હાલની સારામાં સારી સાધનસામગ્રી વડે પણ મુશ્કેલ છે અને તે ખૂબ ઝીણવટભર્યો કસબ માગી લે છે. કવચ હજુ પણ બટન, નકશીવાળાં અને અન્ય આભૂષણો બનાવવા ઉપયોગમાં લેવામાં આવે છે. આ માટે વપરાતાં સાધનો હજુ જૂના પ્રકારનાં જ છે.
સોનું : ચળકાટવાળી અને ટીપી શકાય તેવી ધાતુ હોવાને લીધે તથા તેને કાટ લાગતો ન હોવાથી માનવ દ્વારા ઘણા વખતથી સોનાનો ઉપયોગ થતો રહ્યો છે. સોનાને જે આકારમાં ઘડવું કે ટીપવું હોય, રેણ કરવું હોય અથવા તેને બીજી ધાતુ સાથે મિશ્ર કરવું હોય તો તે વધુ સુગમ પડે છે. સોનાનાં આભૂષણો બનાવવામાં, તેમાં કાં તો થોડું તાંબું અથવા ચાંદી ઉમેરી તેને કઠણ બનાવવું પડે છે. શુદ્ધ સોનાને 24 કૅરેટનું સોનું કહેવામાં આવે છે. 12 કૅરેટમાં 50 % સોનું અને અન્ય બીજી ધાતુ હોય છે. સોનાને સખત બનાવવા તાંબું વાપરવામાં આવે ત્યારે તેનો રંગ લાલાશ પડતો અને જ્યારે તેમાં ચાંદી ઉમેરવામાં આવે ત્યારે તે આછો પીળો રંગ હોય છે. પ્રાચીન સમયમાં સોનાની મિશ્રધાતુ ઇલેક્ટ્મ અગત્યનું સ્થાન ધરાવતી. પ્લિનીના જણાવ્યા પ્રમાણે તેમાં 1 ભાગ ચાંદી અને 4 ભાગ સોનું હોય છે.
તાંબું અને કાંસું : કાંસાની શોધથી માનવની ટૅકનિકલ જાણકારીમાં ઘણો વધારો થવા પામ્યો. કાંસું એ તાંબું અને કલાઈની મિશ્રધાતુ છે. તેની શોધ આકસ્મિક રીતે થઈ હતી. તાંબાના સઘન ખનિજ અંગે યોજાયેલા શિબિર પ્રસંગે પ્રગટાવેલા અગ્નિકુંડોમાંથી નીકળેલી રાખમાંથી તે મળી આવ્યું હતું. તાંબાની મિશ્રધાતુને સહેલાઈથી ઢાળી શકાય છે. કાંસું તાંબા કરતાં વધુ સખત હોય છે. તેની શોધ પછી તત્કાલ તેનો ઝવેરાતમાં ઉપયોગ થવા માંડ્યો હતો.
લોહ : પ્રાચીનકાળમાં લોખંડ કીમતી ધાતુ ગણાતું, કારણ કે તે બહુ જ અલ્પ પ્રમાણમાં મળતું. નોસસની નજીકના ક્રેટ ટાપુ પર મધ્ય પિનોઅન કાળ(ઈ. સ. પૂ. 2000થી 1500)માં કબરોમાંથી લોખંડની હાથની વીંટીઓ મળી આવેલી છે. લોખંડ પર તરત જ કાટ લાગતો હોવાથી તેનાં ઘરેણાં પ્રચલિત બન્યાં નથી.
ચાંદી : ઝવેરાતની ધાતુ તરીકે ચાંદી ઘણા વખતથી લોકપ્રિય છે. કેટલીક સંસ્કૃતિઓ તેને પવિત્ર ગણતી અને ચાંદીને ચંદ્ર સાથે અને સોનાને સૂર્ય સાથે સરખાવવામાં આવતું. તે તન્ય અને ટીપાઉ ધાતુ હોવાથી સોનાની જેમ તેનો ઉપયોગ કરવામાં આવે છે. 925 ભાગ ચાંદી સાથે 75 ભાગ તાંબું મેળવી તેને સખત બનાવી તેનાં આભૂષણો બનાવી શકાય છે. આ મિશ્રધાતુને સ્ટર્લિંગ સિલ્વર કહેવામાં આવે છે.
પ્લૅટિનમ : વીસમી સદીની શરૂઆતમાં કીમતી ઝવેરાત માટે પ્લૅટિનમ ધાતુ વપરાવા માંડી. તે વધુ સખત હોવાથી તેમાં રત્નોને સહેલાઈથી જડી શકાય છે. તેમાંથી બનાવેલા દાગીના સોનાના દાગીના કરતાં વજનમાં હલકા હોય છે. તેમાં નકશીકામ પણ વધુ સારી રીતે કરી શકાય છે. તેના પર કાટ લાગતો નથી. સોનાના દાગીના કરતાં તેના દાગીના વધુ કીમતી ગણાય છે. ઢોળ ચડાવવા માટે હવે રહોડિયમ ધાતુ પણ વપરાય છે.
ઝવેરાતમાં મીનો (enamel) : કાચ બનાવવાની પદ્ધતિની સાથે ઇજિપ્તમાં ઝવેરાત પર મીનાકામ ઉપસાવવાની પદ્ધતિ શોધવામાં આવેલી. મીનો નીચા ગલનબિંદુવાળો કાચનો જ એક પ્રકાર છે. ઝવેરાત માટે વપરાતી સોનું, ચાંદી, કાંસું, પ્લૅટિનમ વગેરે ધાતુ કરતાં તેનું ગલનબિંદુ નીચું હોવું જરૂરી છે. મીનો બનાવતાં પહેલાં તેના જુદા જુદા અંશો ચોક્કસ પ્રમાણમાં એકત્ર કરવામાં આવે છે અને પછી તેમને કાચમાં પિગાળીને એકઠા કરવામાં આવે છે. આ રીતે મળતા મીના કાચનો ભૂકો ધાતુ પર ગરમ કરી પિગાળવામાં આવે છે અને તે જોઈએ તે રીતે લગાડી શકાય છે. બ્રિટનમાં લોહયુગના અવશેષોના વિશ્લેષણથી એવું માલૂમ પડ્યું છે કે તે વખતે વપરાતા મીનાકામમાં 43 % સિલિકા, 33 % લેડ-ઑક્સાઇડ, 10 % સોડિયમ; 10 % કૉપર-ઑક્સાઇડ અને બાકીની અશુદ્ધિઓ હતી. તેનું ગલનબિંદુ 685° સે. હતું. તેનો રંગ લાલ હતો. તેમાં તાંબાને લીધે લીલો રંગ આવવો જોઈતો હતો, પણ તેને ધુમાડાવાળી જ્યોતથી પિગાળેલ હોવાથી તે લાલ રંગનો બની જાય છે.
મેલેકાઇટ પિગમેન્ટ તરીકે ઇજિપ્તમાં જાણીતું હતું. તેમાં ટિન ઑક્સાઇડ ઉમેરવામાં આવતાં તે અપારદર્શક વાદળી રંગ ધારણ કરે છે, પણ તે કૉપર-ઑક્સાઇડ ન હોય તો સફેદ રંગ ધારણ કરે છે. મીનામાં અન્ય ઑક્સાઇડ (ધાતુ) ઉમેરવાથી જુદી જુદી જાતના રંગના મીના બનાવી શકાય છે. મીનાને સહેલાઈથી બ્રશ કરી શકાય છે. તેને આભૂષણમાં લગાડવામાં આવે છે. મેઘધનુષ્યના રંગવાળું મીનાકામવાળું ઝવેરાત પહેલાં સંગ્રહસ્થાન માટે મૂલ્યવાન ખજાનો ગણાતું હતું.
નિયેલો : ઝવેરાત અને આયુધોને શણગારવા માટે કાળા ચમકાટવાળા સૅટીનના સંયોજનને નિયેલો કહેવામાં આવતું. ચાંદી, સીસું, તાંબું અને ગંધકને પિગાળી મળતા પદાર્થનો ભૂકો કરી તેને મીનાકામની જેમ લગાડવામાં આવતો. બીજી પદ્ધતિમાં શણગાર માટેની વસ્તુ પર જોઈતા પ્રકારની ડિઝાઇન કોતરી તેને ગરમ કરી તેના પર નિયેલોની લાકડી ઘસવામાં આવતી. ધાતુને ગરમ કરી તેના પર પણ નિયેલો લગાડી શકાય છે. સોના અને ચાંદીની પાર્શ્ર્વભૂમિકાની સામે નિયેલોનો ઝગમગાટ અતિ સુંદર અસર ઉપજાવે છે. આ પ્રકારની કારીગરીનો એક સુંદર નમૂનો આલ્ફ્રેડ ધ ગ્રૅટના પિતા ઈથેલવુલ્ફ(ઈ. સ. 839–859)ની પ્રખ્યાત વીંટી છે. તેમાં પહેલાંના વખતના ક્રિશ્ચિયન પ્રતીકના બે મોર નિયેલોની રીતે શણગારેલા છે. હાલમાં નિયેલોનો ઉપયોગ કરવામાં આવતો નથી.
રત્નો : ઝવેરાત અને આભૂષણોમાં વપરાતાં કીમતી અને અર્ધકીમતી ખનિજોને રત્નો કહેવામાં આવે છે. ઘણા પ્રકારનાં ખનિજો આમાં આવી જાય છે અને તેમની કિંમત સમય અને સ્થળ પ્રમાણે જુદી જુદી હોય છે. લા ટેનેના કાળથી રત્નો ઝવેરાતમાં વપરાવા માંડેલાં. અર્વાચીન સમયમાં રત્નોનું મૂલ્યાંકન તેના રંગો અને વજન પ્રમાણે કરવામાં આવે છે. પંદરમી સદી પછી હીરાની કિંમત સૌથી વધુ ગણાય છે. રત્નોને અમુક આકારમાં કાપી, પૉલિશ કરી આભૂષણમાં બેસાડવામાં આવે છે. 100થી વધુ કુદરતી પદાર્થો એક અથવા બીજા સમયે ઘરેણાં બનાવવા માટે રત્નો તરીકે વપરાયા છે. જે રત્નો નિર્ભેળ અને ખામીરહિત હોય તે જ ઉપયોગમાં લેવાય છે. ખામીવાળાં અને અશુદ્ધ રત્નો વાપરવાં હિતમાં નથી તેવી માન્યતા પ્રચલિત છે. તેની કિંમત, તેનાં કદ, વજન, રંગ, શુદ્ધિ, ચળકાટ, પહેલ વગેરે પર આધાર રાખે છે. એવું માનવામાં આવે છે કે રત્નો સારા દિવસે ખરીદ્યાં ના હોય અને ખંડિત હોય તો તેનાથી ધાર્યાં કરતાં વિપરીત અસર થાય છે.
રત્નોને પારખવા માટે રાસાયણિક તેમજ એક્સ કિરણ કસોટી કરવી પડે છે. રત્નોને ઓળખવા માટે સ્ફટિકનો આકાર, રંગ, વક્રીભવનાંક, વિદલન, કઠિનતા અને વિ. ઘનતા નક્કી કરવાં પડે. આ ઉપરાંત કેટલાક પ્રકાશીય ગુણધર્મો પણ ઉપયોગી છે.
સ્ફટિક આકાર : એક રત્નથી બીજા રત્નનો સ્ફટિક આકાર જુદો હોય છે. પણ એક જ પ્રકારનાં રત્નોની સમમિતિ (symmetry) એકસરખી હોય છે; દા. ત., હીરા સમાંતર પ્રણાલી સ્ફટિક રચના ધરાવે છે અને મોટેભાગે દ્વિપિરામિડ અથવા અષ્ટફલકીય (octahedron) રચના ધરાવે છે.
રંગ : રત્નોનો રંગ તેની સુંદરતા, કિંમત અને શોભા વધારે છે. રંગ એ રત્નને ઓળખવા માટે સાચો ગુણધર્મ નથી, કારણ કે જુદાં જુદાં રત્નોના રંગ એકસરખા હોય છે, જ્યારે એક જ પ્રકારના રત્નોના રંગ જુદા જુદા હોઈ શકે. ઍક્વામરિન અને પોખરાજ(topaz)નો વાદળી રંગ એકસરખો હોય છે, જ્યારે બેરિલમાં સોરોનાઇટ રંગવિહીન, માર્ગેનાઇટ ગુલાબી અને એમરલ્ડ લીલા રંગનો હોય છે. રત્નોનો રંગ તેમાં રહેલી અશુદ્ધિઓ, ખનિજમાંના અણુઓની જુદી જુદી સંરચનાઓ અને તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણ પર આધાર રાખે છે.
વક્રીભવનાંક : એક જ માધ્યમમાં પ્રકાશના કિરણનો વેગ એકસરખો હોય છે. ઘટ્ટ માધ્યમમાં તેનો વેગ ઘટે છે. રત્નોનું માધ્યમ ઘટ્ટ હોવાને લીધે પ્રકાશનું કિરણ રત્ન અને હવાની સપાટી આગળ વળાંક લે છે. હવામાંના પ્રકાશના વેગ અને રત્નમાંના પ્રકાશના વેગના ગુણોત્તરને રત્નનો વક્રીભવનાંક ગણવામાં આવે છે. રત્નનો વક્રીભવનાંક વધુ તેમ તેનો ચળકાટ પણ વધુ હોય છે. ઘણી વખત રત્નમાંથી પસાર થયેલા પ્રકાશના કિરણનું જુદા જુદા રંગોમાં વિઘટન થાય છે. તેને પ્રકાશનું અપકિરણ (dispersion) કહેવામાં આવે છે. જુદાં જુદાં રત્નોનું અપકિરણ જુદું જુદું હોય છે. હીરાના પહેલ બરાબર પાડેલા હોય તો તેમાં સુંદર અપકિરણ થાય છે.
વિદલન (cleavage) : કેટલાંક ખનિજો અમુક ચોક્કસ દિશામાં વિદલન પામીને તેને એકસરખી સપાટી બક્ષે છે. વિદલન એક અથવા વધુ દિશામાં હોઈ શકે; જેમ કે, પોખરાજ ફક્ત એક જ દિશામાં અને હીરો અનેક દિશામાં વિદલન પામે છે. વિદલન અને પ્રભંગ (fracture) બે જુદી પ્રણાલીઓ છે. પ્રભંગને કારણે ખનિજ એકસરખી સપાટી ધારણ ન પણ કરે. કેટલાંક ખનિજો વિશિષ્ટ પ્રભંગ ધરાવે છે. સ્ફટિકનું વિદલન અને પ્રભંગ તેમાં જોડાયેલ પરમાણુની રચના પર આધાર રાખે છે. વિદલન ‘સંભેદ’ નામથી પણ ઓળખાય છે.
વરણાત્મક અવશોષણ (selective absorption) : હીરો અને રંગવિહીન ગોમદક તેના ચળકાટ અને ત્રિપાર્શ્ર્વીય તેજસ્વિતા-(prismatic fire)ના કારણે વધુ કીમતી ગણાય છે. અન્ય રત્નોમાં રંગની સુંદરતાને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. રત્નોના રંગો ચોક્કસ તરંગલંબાઈવાળા પ્રકાશના વરણાત્મક અવશોષણને આભારી છે. સામાન્ય રીતે રત્નમાંના ધાતુના ઑક્સાઇડની અશુદ્ધિઓને લીધે પ્રકાશનાં કિરણોનું અવશોષણ શક્ય છે.
બહુવર્ણતા (polychroism) : કેટલાંક રત્નો બહુવર્ણતા બતાવે છે. માણેક, નીલમ અને પન્નું દ્વિવર્ણતા (dichroism) બતાવે છે. એટલે કે બે જુદી જુદી સપાટીથી જોતાં બે જુદા વક્રીભવનાંકો જોવા મળે છે. તેથી તે બે જુદી જુદી દિશામાં બે પ્રકારના રંગો બતાવે છે. ઍલેક્ઝેન્ડ્રાઇટ ત્રણ રંગો બનાવે છે કારણ કે તે ત્રિવર્ણતા (trichroism) દર્શાવે છે.
તારકર્દશ્ય (asterism) : કેટલાંક રત્નો પ્રકાશીય અસરને લીધે ઘણી ઊંચી કિંમત ધરાવે છે. તારકરત્નો(star stones)નો આમાં સમાવેશ કરી શકાય. તે તારકર્દશ્ય બતાવે છે. કેટલાંક કાર્બોકોન પ્રણાલી પ્રમાણે કાપેલાં રત્નોમાં ચમકીલા અંતર્વેશ (lustrous inclusions) હોય છે, ત્યાંથી પ્રકાશનાં કિરણો ચારે દિશામાં રેખીય પરાવર્તન દ્વારા બહાર આવે છે અથવા તે તારાની જેમ પ્રકાશતા હોય છે. તેને તારકર્દશ્ય કહેવામાં આવે છે. તારકર્દશ્ય ષટ્કિરણીય (six-rayed) અથવા ચતુષ્કિરણીય (four-rayed) હોઈ શકે છે. માણેક જેવાં કેટલાંક રત્નો ચતુષ્કિરણીય તારકર્દશ્ય બતાવે છે. નીલમ ક્વાર્ટ્ઝ અને પીરોજામાં આ ઘટના જોવા મળે છે.
લસણિયા, ટુર્મેલિન, ક્વાર્ટ્ઝ, ડાયોપ્સાઇડ, સ્કેપોલાઇટ અને અન્ય રત્નોમાં રેશમી તેજનો ઝબકારો જોવા મળે છે.
સ્ફટિકમણિ (opal) જેવાં રત્નોમાં રંગોની લહર જોવા મળે છે. તે પ્રકાશનાં કિરણોના વ્યતીકરણ (interference) અને વિવર્તન(diffraction)ને કારણે હોય છે.
કઠિનતા : રત્નની કઠિનતા એક અગત્યનો ગુણધર્મ છે. આભૂષણ કે ઝવેરાતમાં વપરાતાં રત્નો સારી કઠિનતા ધરાવતાં ન હોય તો તે ઝવેરાત લાંબો વખત ઉપયોગમાં ન આવી શકે. રત્ન અથવા ખનિજની કઠિનતા ‘મોઝ’ સ્કેલમાં માપવામાં આવે છે. પદાર્થોની સાપેક્ષ કઠિનતા 1થી 10 સુધી હોય છે. 7થી વધુ કઠિનતાવાળાં રત્નો જ ઝવેરાત માટે ઉપયોગી ગણાય છે. ક્વાર્ટ્ઝની સાપેક્ષ કઠિનતા 7 છે. તેના પર સ્ટીલની છરીના આંકા પડતા નથી. હીરો સૌથી વધુ કઠિન પદાર્થ (સાપેક્ષ કઠિનતા = 10) છે તે દરેક વસ્તુ પર આંકા પાડી શકે છે.
વિશિષ્ટ ઘનતા : દરેક ખનિજ કે રત્ન પોતાની વિશિષ્ટ ઘનતા ધરાવે છે. અંબરની વિશિષ્ટ ઘનતા 1.08 છે અને હીરાની વિશિષ્ટ ઘનતા 3.52 છે.
એક અંદાજ મુજબ આભૂષણો બનાવવા માટે ભારતની સોનાની માંગ વાર્ષિક 150 ટન જેટલી છે, જે પૈકી અંદાજિત 50 ટન જૂના દાગીના ગાળીને મેળવવામાં આવે છે; જ્યારે બાકીનું આયાત કરવામાં આવે છે.
ભારતમાં અને તેમાં ખાસ કરીને સૂરત અને હવે સમગ્ર ગુજરાતમાં છૂટાંછવાયાં સ્થળોએ હીરાઉદ્યોગ ફૂલ્યોફાલ્યો છે. સૂરત ઉપરાંત પાલનપુર, અમદાવાદ, અમરેલી, ભાવનગર તેમજ સૌરાષ્ટ્રનાં ઘણાં ગામોમાં આ ઉદ્યોગ વિકસ્યો છે અને તેમાં લાખો લોકો રોકાયેલા છે. ભારતમાં કાચા હીરાનું ખાસ ઉત્પાદન નથી. આમ છતાં અત્યારે કટ અને પૉલિશ કરેલા હીરામાં ભારતનો ક્રમ અગ્રગણ્ય છે. 20મી સદીના છેલ્લા દાયકામાં ભારતમાંથી થયેલી હીરાની આયાતનિકાસના આંકડા નીચે પ્રમાણે છે :
રફ (બિનઘડાયેલ) રત્નપાષાણની આયાત | … 7.23 | કરોડ કૅરેટ |
દુનિયાભરમાં ‘રફ’ ઘડતર | … 10.10 | કરોડ કૅરેટ |
ભારતમાં ‘રફ’નું ઘડતર | … | 70 % |
કટ અને પૉલિશ કરેલા હીરાની નિકાસ | … 286.8 | કરોડ
અમેરિકન ડૉલર |
દુનિયાભરની માગ | … 750 | કરોડ
અમેરિકન ડૉલર |
ભારતનો હિસ્સો | … 38 % |
રંગીન રત્નો અને સોનાના ઝવેરાતની ભારતની નિકાસ
(મૂલ્ય અમેરિકન ડૉલરમાં – લાખમાં)
83–84 | 86–87 | 92–93 | 94–95 | ||
1. | હીરા | 11086.3 | 15107.1 | 28675.6 | 40200.91 |
2. | રંગીન રત્નો | 382.1 | 474.3 | 935.0 | 141.46 |
3. | સોનાનું ઝવેરાત | 777.5 | 687.6 | 2859.8 | 485.78 |
4. | મોતી | 66.3 | 83.6 | 34.9 | |
5. | સોના સિવાયનું ઝવેરાત | 18.8 | 27.8 | 100.5 | |
6. | કૃત્રિમ રત્નો | 52.0 | 16.0 | 53.0 | |
7. | કપડાં/ફૅશન ઝવેરાત | 6.0 | 86.0 | 12.8 | 26.53 |
8. | બીજા દેશોને કરેલું
વેચાણ |
13.5 | 16.5 | 69.7 | |
9. | કુલ | 12402.5 | 16498.9 | 32741.3 | 40854.68 |
(જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના સૌજન્યથી)
આમ, ઉપરની વિગત પરથી જણાશે કે દુનિયામાં વપરાતા દસ હીરામાંના સાત હીરા ભારતમાં પૉલિશ કરેલા હોય છે. મુખ્ય ખરીદદારો જોઈએ તો 20મી સદીના છેલ્લા દાયકાના નિકાસના આંકડા મુજબ અમેરિકા 31.43 %, બૅલ્જિયમ 15.88 %, જાપાન 14.69 %, હૉંગકૉંગ 24.59 %, થાઇલૅન્ડ 3.25 %, ઇઝરાયલ 2.67 %, સ્વિટ્ઝર્લૅન્ડ 1.06 % અને અન્ય દેશો 6.43 % છે. ઝવેરાતની દુનિયાભરની માગ કુલ 10 અબજ અમેરિકન ડૉલરની હોવાનો અંદાજ છે. નીચેના આંકડા પરથી જણાશે કે તેમાં ભારતનો હિસ્સો 30 કરોડ અમેરિકન ડૉલરનો છે, જેથી આ ઉદ્યોગના વિકાસની પુષ્કળ તકો રહેલી છે.
આમ હીરાઉદ્યોગ અને ઝવેરાતની દુનિયાની માગમાં હજી પણ ભારત ખૂબ નિકાસ વધારી શકે તેવી શક્યતા છે અને તે માટેની જાણકારી, સાહસિકતા અને ઉદ્યમશીલતાની સાથે નીચા મજૂરી-દર પણ છે. ઝવેરાતમાં વીંટી, ચેઇન, એરિંગ, બંગડીઓ, ઘડિયાળના પટ્ટા, કફલિન્ક્સ, હાર વગેરે મોટા પ્રમાણમાં બને છે. જડતરથી બનતું ઝવેરાત વ્યક્તિગત ધોરણે ડિઝાઇન પ્રમાણે કારીગરે બનાવવાનું રહે છે અને આવા ફક્ત મશીનથી જ નહિ બનેલા દાગીના માટે પરદેશીઓમાં વધુ માગ હોય છે, જેથી વધુ બજાર મળી રહે છે. ભારતની કુલ નિકાસના 20મી સદીના છેલ્લા દાયકાના આંકડા મુજબ ઝવેરાતની નિકાસ 17.81 % જેટલી હતી જે આ ઉદ્યોગનું મહત્ત્વ દર્શાવે છે.
હાલમાં હસ્તકળા કરતાં યંત્રો દ્વારા બનાવેલું ઝવેરાત વધુ પ્રચલિત છે. જોકે અત્યંત મૂલ્યવાન દાગીના હસ્તકળા દ્વારા બનાવવામાં આવે છે. વિજ્ઞાનની પ્રગતિનો લાભ ઝવેરાતના વિવિધ નમૂના બનાવવા માટે મળી શકે તેવી કમ્પ્યૂટર-સુવિધા પણ હવે વિકસી છે તે મુજબ ગ્રાહકની આકૃતિ કમ્પ્યૂટર ઉપર ઉપસાવી પસંદ થનાર ઝવેરાત કેવું લાગશે તે દર્શાવી ઝવેરાતની પસંદગીની તક વધારવામાં આવી છે.
રમેશચંદ્ર શુક્લ