ઝબકાર (twinkling) : કૅલ્સાઇટ અને તેના જેવાં ખનિજો દ્વારા દર્શાવાતો ઝડપી ર્દશ્ય-ફેરફાર. કૅલ્સાઇટ દ્વિવક્રીભવનનો પ્રકાશીય ગુણધર્મ દર્શાવતું લાક્ષણિક ખનિજ છે. તેનો ખનિજછેદ પારગત (transmitted) પ્રકાશમાં લંબચોરસ કંપન દિશાઓ ધરાવે છે. માઇક્રોસ્કોપ પીઠિકા પર રાખી ફેરવતાં તેનો ખનિજછેદ એક સ્થિતિમાં કરકરા કણર્દશ્યવાળી સપાટી, સ્પષ્ટ સીમાઓ અને સ્પષ્ટ સંભેદ-રેખાઓ બતાવે છે. બીજી સ્થિતિમાં એકસરખી સરળ સપાટી, ઝાંખી સીમાઓ અને અસ્પષ્ટ સંભેદ-રેખાઓ બતાવે છે. પીઠિકાની નીચેના ધ્રુવક (polarizer) નિકોલ્સમાંથી બહાર પડતા અને ખનિજછેદમાંથી પસાર થતા પ્રકાશની કંપનદિશાને સમાંતર વારાફરતી ખનિજછેદ ગોઠવાય ત્યારે ઉપર મુજબનું વિરોધાભાસી ર્દશ્ય ઉત્પન્ન થાય છે. નીચેની આકૃતિમાં ધ્રુવક EW કંપન દર્શાવતું ગોઠવેલું છે. પીઠિકાનું ઝડપથી ભ્રમણ કરવામાં આવે તો આ ફેરફાર ઝડપથી ઝાંખા અને
સ્પષ્ટ ર્દશ્ય દ્વારા વારાફરતી દેખાય છે. આ પ્રકારના બદલાતા જતા ર્દશ્યને ઝબકાર તરીકે ઓળખાવાય છે. વધુ તફાવતવાળા વક્રીભવનાંકધારક અન્ય ખનિજો (જેવાં કે રૉમ્બોહેડ્રલ કાર્બોનેટ્સ) પણ આવી જ ર્દશ્ય-અસર ઉત્પન્ન કરતાં હોય છે. દ્વિવક્રીભવનના ગુણધર્મવાળાં બધાં ખનિજો આવી ર્દશ્ય-અસર ધરાવતાં હોવા છતાં વક્રીભવનાંક તફાવતવાળાં હોય તો આ અસર ઓછી રહેતી હોવાથી સ્પષ્ટ બની શકતી નથી.
ગિરીશભાઈ પંડ્યા