ઝનક ઝનક પાયલ બાજે : નૃત્ય અને સંગીતપ્રધાન હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1955; કથા અને સંવાદ : દીવાન શરર; દિગ્દર્શન : વી. શાંતારામ; સંગીતદિગ્દર્શન : વસંત દેસાઈ; ગીતરચના : હસરત જયપુરી; નૃત્યદિગ્દર્શન : ગોપીકૃષ્ણ; કલાનિર્દેશન : કનુ દેસાઈ; છબીકલા : જી. બાળકૃષ્ણ; મુખ્ય કલાકારો : ગોપીકૃષ્ણ, સંધ્યા, કેશવરાવ દાતે, મદનપુરી, મુમતાઝ, ચૌબે મહારાજ, નાના પલશીકર, મનોરમા, ચંદ્રકાન્તા, ચમનપુરી; નિર્માણસંસ્થા : રાજકમલ કલામંદિર પ્રા. લિ.
નૃત્યકાર મંગલ મહારાજની અભિલાષા હતી કે ‘ભારત નટરાજ’નો જે ખિતાબ તેમણે તેમની યુવાવસ્થામાં નૃત્યસાધના દ્વારા પ્રાપ્ત કર્યો હતો તે તેમનો પુત્ર ગિરધર પણ પ્રાપ્ત કરે. તે માટે નૃત્યમાં કુશળ જોડીદારની જરૂર પડે. શરૂઆતમાં મંગલ મહારાજની નજર રૂપકલા પર પડે છે, પરંતુ કલાક્ષેત્રે તેની હલકી છાપને લીધે તેને બદલે પિતા અને પુત્ર બંને નીલાને પસંદ કરે છે. નીલા ઉચ્ચ કોટિની નૃત્યકલાથી અનભિજ્ઞ હોય છે. મંગલ મહારાજની નૃત્યકલાથી તે પ્રભાવિત થાય છે અને તે તેમની શિષ્યા બને છે. મંગલ મહારાજ તેને નૃત્ય શીખવવાનું શરૂ કરે છે, પરંતુ તેના અગાઉના ગુરુ મણિબાબુને તે ગમતું નથી. એક વાર ગિરધર અને નીલા ‘રાધા-કૃષ્ણ’ નૃત્ય કરતાં હોય છે :
નૈન સો નૈન નાહીં મિલાઊં,
દેખત સૂરત આવત લાજ, સૈંયા…
તે જોઈને મણિબાબુને તેમની ઈર્ષા થાય છે અને બંને પ્રેમમાં પડ્યાં છે એવી કપોલકલ્પિત વાત તે મંગલ મહારાજને ઠસાવવાનો પ્રયાસ કરે છે. શરૂઆતમાં મંગલ મહારાજ મણિબાબુની વાત માનવાનો ઇનકાર કરે છે, પરંતુ થોડાક દિવસ પછી એક વાર ગિરધર અને નીલાને પાશ્ચાત્ય સંગીતના તાલે નૃત્ય કરતાં જોઈને મંગલ મહારાજ ગુસ્સે થાય છે અને આવેશમાં આવીને તે પોતાની લાકડી ગિરધર પર ઝીંકે છે. ગિરધરને પગમાં ઈજા થાય છે. નીલા મણિબાબુની બદદાનત પારખી જાય છે અને તેમની સાથેનો પોતાનો ગુરુ-શિષ્યા સંબંધ કાપી નાખે છે. મંગલ મહારાજ વારાણસી જતા રહે છે. તેમની ગેરહાજરીમાં નીલા ગિરધરની સેવાચાકરી કરે છે. બંને એકબીજાની વધુ ને વધુ નજીક આવતાં જાય છે. તે બંને મળીને ‘રતિ-મદન’ નૃત્ય-નાટિકાની રચના કરે છે. મણિબાબુ નીલા અને ગિરધરના સંબંધો વિશે ફરી મંગલ મહારાજની કાનભંભેરણી કરે છે. નીલા અને ગિરધરને એકબીજાથી વિખૂટાં પાડવાના ઇરાદાથી મંગલ મહારાજ તે બંનેને ‘વિશ્વામિત્ર-મેનકા’ નૃત્ય રજૂ કરવાનું કહે છે. નૃત્યની અસર તળે બંને પ્રેમીઓ વિખૂટાં પડે છે, પરંતુ ‘ભારત નટરાજ’નો ખિતાબ જીતવા માટે જોડીદાર તો જોઈએ જ. મંગલ મહારાજ હવે તે માટે રૂપકલાને પસંદ કરે છે. તે સહન ન થતાં નીલા આપઘાત કરવાના ઇરાદાથી નદીમાં પડતું મૂકે છે, પરંતુ એક સાધુ તેને બચાવી લે છે. નીલા ગીત ગાય છે :
જો તુમ તોડો પિયા,મૈં નાહીં તોડું રે,
તોરી પ્રીત તોડી, કૃષ્ણ, કૌન સંગ જોડું રે ?
ગિરધર તે સાંભળી જાય છે અને તેની પાસે આવે છે. તે નીલાને ચાહે છે, પરંતુ નીલા હવે તેને સ્વીકારવા તૈયાર થતી નથી.
‘ભારત નટરાજ’નો ખિતાબ જીતવા માટે ગિરધર નૃત્ય હરીફાઈમાં ભાગ લે છે ખરો, પરંતુ છેલ્લી ઘડીએ જોડીદાર તરીકે રૂપકલા તેમાંથી ખસી જાય છે. નીલા તેનું સ્થાન લે છે અને સાથે નૃત્ય કરવા ગિરધરને રંગમંચ પર ઘસડી જાય છે. ગિરધર ‘ભારત નટરાજ’નો ખિતાબ જીતી જાય છે. અંતે મંગલ મહારાજ નીલા અને ગિરધરના પ્રેમસંબંધોને બહાલી આપે છે.
શાસ્ત્રીય નૃત્યો અને સંગીતને લીધે આ ચલચિત્ર ખૂબ લોકપ્રિય થયું હતું.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે