ઝદાનફ, આંદ્રેઈ ઍલેક્સાન્દ્રોવિચ (જ. 26 ફેબ્રુઆરી 1896, મારિયુપોલ, યુક્રેન; અ. 1948) : સોવિયેત સરકાર અને સામ્યવાદી પક્ષના અગ્રણી હોદ્દેદાર વહીવટકર્તા. 1915માં રશિયાના બૉલ્શેવિક પક્ષમાં જોડાયા તથા પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન રશિયન સેનામાં પ્રચારનું સંચાલન કર્યું. યુદ્ધ પછી પક્ષના માળખામાં આગળ વધતાં વધતાં 1930માં પક્ષની કેન્દ્રીય સમિતિમાં સભ્ય બન્યા. 1934માં લેનિનગ્રાદના શક્તિશાળી પક્ષીય સંગઠનમાં સર્જેઈ કિરોવના સ્થાને મંત્રી તરીકે આવ્યા. 1939માં પક્ષના સર્વોચ્ચ સંગઠન પૉલિટબ્યૂરોમાં સ્થાન મળ્યું. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન 29 મહિનાના લેનિનગ્રાદના જર્મન ઘેરાવા વખતે ઝદાનફે પોતાની નેતૃત્વશક્તિનો પરિચય કરાવ્યો. સ્ટાલિનના જમણા હાથ સમા ઝદાનફે 1946માં સાહિત્ય અને કળાજગતમાંથી રાજકીય વિરોધીઓને દૂર કર્યા.
ઝદાનફવાદ એટલે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સોવિયેત સંઘે અપનાવેલી સાંસ્કૃતિક નીતિ. આ નીતિ અન્વયે કળાજગત પર કડક સરકારી અંકુશ લાદવામાં આવ્યા તથા પશ્ચિમવિરોધી પૂર્વગ્રહોને પોષવામાં આવ્યા. ધીમે ધીમે તેને બૌદ્ધિક પ્રવૃત્તિનાં તમામ ક્ષેત્રો સુધી વિસ્તારવામાં આવી. આમાં સાહિત્ય, દર્શનશાસ્ત્ર, જીવવિજ્ઞાન, વૈદકશાસ્ત્ર તથા અન્ય શાસ્ત્રોનો સમાવેશ થતો હતો. સોવિયેત સંઘના સામ્યવાદી પક્ષની મધ્યસ્થ સમિતિએ પક્ષના મંત્રી અને સાંસ્કૃતિક બાબતોના નિર્ણાયક ઝદાનફ દ્વારા તૈયાર કરવામાં આવેલ ઠરાવને (1946) આધારે આ નીતિનો અમલ શરૂ કરવામાં આવ્યો. ‘ઝ્વેઝ્દા’ અને ‘લેનિનગ્રાદ’ નામનાં બે સાહિત્યનાં સામયિકો મુખ્યત્વે આનો ભોગ બન્યાં. આ બંને સામયિકોએ વ્યંગકાર મિખાઇલ ઝોક્ચેન્કો અને કવિ આન્ના આખ્માતોવાની અરાજકીય, મધ્યમવર્ગીય, વ્યક્તિવાદી કૃતિઓ પ્રસિદ્ધ કરી હતી.
સોવિયેત જીવનમાંથી તમામ પાશ્ચાત્ય અસરોને આ નીતિ વડે ભૂંસી નાખવાનો પ્રયત્ન થયો. રશિયન પ્રશિષ્ટ સાહિત્ય પર રૂસો, બાયરન અને ડિકન્સની અસર હતી તેવા અભિપ્રાય સબબ શરૂઆતના વિવેચકો અને ઇતિહાસકારોની નિંદા કરવામાં આવી. પાશ્ચાત્ય સંશોધનો અને વૈજ્ઞાનિક સિદ્ધાંતો મૂળભૂત રીતે રશિયાનું પ્રદાન છે તેવું પ્રતિપાદિત કરવામાં આવ્યું. ઝદાનફના રહસ્યમય મૃત્યુ (1948) પછી પણ પચરંગીપણા (cosmopolites) વિરુદ્ધની આ ઝુંબેશ સ્ટાલિનના અવસાન (1953) સુધી ચાલુ રહી.
નવનીત દવે