જ્ઞાનેશ્વર, સંત (જ. 1275, આળંદી, મહારાષ્ટ્ર; અ. 1296, આળંદી, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના ભક્તિ-સંપ્રદાયના પ્રખર પ્રવર્તક તથા ભાગવત ધર્મના પ્રવક્તા. પિતાનું નામ વિઠ્ઠલપંત તથા માતાનું નામ રખુમાબાઈ. 4 સંતાનોમાં જ્ઞાનદેવ બીજા ક્રમના. નિવૃત્તિ નામના મોટા ભાઈ જ્ઞાનેશ્વરના આધ્યાત્મિક અને પારમાર્થિક ગુરુ. પિતા વિઠ્ઠલપંતે વિશ્વંભરે સ્વપ્નામાં આપેલી આજ્ઞાનું પાલન કરવા ઇન્દ્રાયણી નદીના તટ પર વસેલા અલંકાપુરના સિદ્ધેશ્વરપંતની કન્યા રુક્મિણી સાથે લગ્ન કર્યાં ખરાં; પરંતુ સંન્યાસ લેવાની તીવ્ર ઇચ્છા હોવાથી એક દિવસ વહેલી સવારે કોઈને કશું જ કહ્યા વગર તેમણે ગૃહત્યાગ કરી તીર્થક્ષેત્ર કાશી જઈ સંન્યાસ લીધો, ચૈતન્યાશ્રમ નામ ધારણ કરી કાશીના એક આશ્રમમાં શાસ્ત્રાધ્યયન અને વેદાન્તચિંતનમાં જીવન ગાળવા લાગ્યા. થોડાક દિવસ પછી કાશીના તેમના ગુરુ રામાનંદ સ્વામીનો આળંદીમાં અકસ્માત્ વિઠ્ઠલપંતનાં પત્ની રુક્મિણી સાથે ભેટો થઈ ગયો. રુક્મિણીની કથની સાંભળીને તે દ્રવી ઊઠ્યા અને તેને તથા તેના પિતાને સાથે લઈને તેઓ કાશી ગયા; ત્યાં વિઠ્ઠલપંતને ફરી ગૃહસ્થાશ્રમ સ્વીકારવાની તેમણે આજ્ઞા કરી. ગુરુની આજ્ઞા માથે ચડાવીને વિઠ્ઠલપંત રુક્મિણી સાથે ફરી સંસાર માંડવાના હેતુથી આળંદી પાછા આવ્યા; પરંતુ તેમનું આ પગલું રૂઢિ અને પરંપરાથી તદ્દન વિરોધી હોવાથી બંને પતિ-પત્ની લોકનિંદાનો ભોગ બન્યાં; એટલું જ નહિ, પરંતુ તે વખતના શિષ્ટ સંપ્રદાયનાં બ્રહ્મવૃંદોએ તેમનો બહિષ્કાર કર્યો તથા સગાંસંબંધીઓએ તેમનો ત્યાગ કર્યો. પરિણામે તેમને 12 વર્ષ સુધી ગામની બહાર ઝૂંપડીમાં એકલવાયું જીવન ગાળવું પડ્યું. આ જીવનકાળ ઈશસ્તવન અને આધ્યાત્મિક ચિંતનમાં તેમણે ગાળેલો. આ વર્ષો તેમનાં ચારે સંતાનોના સંસ્કારઘડતર માટે પાયારૂપ બન્યાં. બાહ્ય પરિસ્થિતિ સંપૂર્ણપણે પ્રતિકૂળ હોવા છતાં કુશાગ્રબુદ્ધિ ધરાવતાં આ ચારેય બાળકોના માનસ પર નાનપણથી જ વિદ્યાના અલૌકિક સંસ્કાર પડ્યા.
પોતાના ત્રણેય પુત્રોના યજ્ઞોપવીત સંસ્કાર કરવા માટે વિઠ્ઠલપંતે બ્રહ્મવૃંદોની સભા સમક્ષ આજીજી કરીને સંમતિ માગી અને પ્રાયશ્ચિત્ત કરવાની તૈયારી પણ દર્શાવી, પણ બ્રાહ્મણસભાએ તે વિનંતી ન સ્વીકારતાં તીવ્ર આઘાતની અવસ્થામાં પત્નીને લઈને બાળકોને જાણ કર્યા વગર પ્રયાગ ગયા અને ત્રિવેણીસંગમમાં પડતું મૂકીને બંનેએ જીવનનો અંત આણ્યો.
માતાપિતાથી વિખૂટાં પડેલાં બાળકો દુ:ખી તો થયાં; પરંતુ તેમણે માનસિક સંતુલન જાળવી રાખ્યું અને નિત્યક્રમમાં પરોવાયાં. તે જમાનામાં પૈઠણ નગર દક્ષિણ કાશી તરીકે ઓળખાતું. એક દિવસ જ્ઞાનેશ્વરે મોટા ભાઈ નિવૃત્તિનાથને પૈઠણ જઈ ત્યાંનાં બ્રહ્મવૃંદોની સભામાં યજ્ઞોપવીત સંસ્કાર માટે સંમતિ મેળવવાનું સૂચવ્યું. નિવૃત્તિનાથે જ્ઞાનેશ્વરનું આ સૂચન સ્વીકાર્યું. ચારેય બાળકો પૈઠણ ગયા; પરંતુ ત્યાંનાં બ્રહ્મવૃંદોએ પણ કોઈ સંન્યાસીના પુત્રોને યજ્ઞોપવીત આપવા માટે શાસ્ત્રોની સંમતિ નથી એમ કહીને તેમની વિનંતીનો અસ્વીકાર કર્યો.
અહીં જ્ઞાનેશ્વરની તપશ્ચર્યાની શક્તિની પરીક્ષા કરે તેવો વિસ્મયકારક બનાવ બન્યો. એક દિવસ આ બાળકો ગોદાવરી નદીના તટ પર બેઠાં હતાં ત્યારે ગામના યુવાન તોફાનીઓએ તેમની નિર્ભર્ત્સના કરવાના હેતુથી ત્યાં ઊભેલા એક પાડા તરફ નિર્દેશ કરીને ‘તેનું નામ પણ જ્ઞાનેશ્વર જ છે’ એવું ઉપહાસમાં કહ્યું અને પૂછ્યું કે તમારાં બંનેનાં નામ સરખાં જ છે તો શું તમે બંને સરખા જ છો ? જ્ઞાનેશ્વરે જવાબ આપ્યો કે શરીરથી ભલે બંને જુદા છીએ છતાં બંનેનું આત્મરૂપ સરખું જ છે. વાત અહીં પતી નહિ. તોફાનીઓએ જ્ઞાનેશ્વરને કહ્યું કે અહીંના કેટલાક લોકો કહે છે તે મુજબ જો તમે ખરેખર બાલયોગી હો તો આ પાડાના મુખે વેદપઠન કરાવો. આ સાંભળીને જ્ઞાનેશ્વરે પાડા પાસે જઈ તેના મસ્તક પર હાથ ફેરવ્યો અને જોતજોતામાં પાડાના મુખમાંથી ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદની ઋચાઓનું પઠન થવા લાગ્યું ! આ ચમત્કારથી પૈઠણના બ્રાહ્મણોએ શરમથી માથાં ઝુકાવ્યાં અને પશ્ચાત્તાપ કર્યો.
પછી પૈઠણમાં રહી જ્ઞાનેશ્વરે અધ્યાત્મના ગ્રંથો પર વિદ્વત્-સમાજ સમક્ષ જાહેર પ્રવચનો કર્યાં, ત્યાર પછી આ ચારેય બાળકો અહમદનગર જિલ્લાના પ્રવરા નદી પર વસેલા નેવાસે ગામે આવ્યાં. કિંવદંતી મુજબ અહીં પણ ચમત્કારવાળી એક બીજી ઘટના ઘટી. જ્ઞાનેશ્વર ગામમાં પ્રવેશતા હતા ત્યારે ગામની સીમ પર એક સ્ત્રી પોતાના પતિના મૃતદેહ પાસે બેસીને આક્રોશ કરતી હતી. તેના પતિ વિશે પૃચ્છા કરતાં જ્ઞાનેશ્વરને જાણવા મળ્યું કે તેનું નામ સચ્ચિદાનંદ હતું અને તે ગામનો કુલકર્ણી (તલાટી) હતો. આ સાંભળીને જ્ઞાનેશ્વર બોલી ઊઠ્યા કે સત્, ચિત્ અને આનંદ ત્રણેનો મિલાપ જે માણસમાં હોય તેનું મૃત્યુ કેમ કરીને સંભવે ! આટલું કહીને જ્ઞાનેશ્વરે મૃતદેહ પર પ્રેમથી હાથ ફેરવ્યો અને તરત જ તે મૃત શરીરમાં નવેસર પ્રાણસંચાર થયો.
પોતાના આધ્યાત્મિક ગુરુસમા મોટા ભાઈ નિવૃત્તિની આજ્ઞા મુજબ જ્ઞાનેશ્વરે ગામના શિવમંદિરમાં બેસીને ગીતાનું 9000 જેટલી ઓવી(કડી)ઓમાં મરાઠી ભાષાંતર કર્યું. જ્ઞાનેશ્વરના મુખમાંથી ઉચ્ચારાયેલા શબ્દેશબ્દને સચ્ચિદાનંદ બાબાએ અક્ષરદેહ આપ્યો. ‘ભાવાર્થદીપિકા’ નામનો આ ગ્રંથ જ્ઞાનેશ્વરરચિત હોવાથી સામાન્ય રીતે તે ‘જ્ઞાનેશ્વરી’ નામથી જ ઓળખાય છે.
‘જ્ઞાનેશ્વરી’ની રચનાનું કામ પૂરું થયેથી આ ચારેય બાળકોએ પંઢરપુર જઈ સંત નામદેવનાં દર્શન કર્યાં. નામદેવ ઉપરાંત ચોખા મેળા, નરહરિ સોનાર અને ગોરા કુંભાર જેવા તે જમાનાના સંતો જ્ઞાનેશ્વરના અનુયાયી બન્યા. આ બધાંએ સાથે મળીને ભારતવર્ષનાં તીર્થક્ષેત્રોનું પર્યટન કર્યું અને પંઢરપુર પાછાં આવ્યાં. પછી બધાં આળંદી પહોંચ્યાં.
જ્ઞાનેશ્વરની કીર્તિ સર્વત્ર પ્રસરી. તે જમાનાના એક હઠયોગી ચાંગદેવે પણ જ્ઞાનેશ્વરને મળવાનું નક્કી કર્યું. અહંકારી ચાંગદેવ મુલાકાત પૂર્વે પત્ર દ્વારા જ્ઞાનેશ્વરને પોતાના આગમનની સૂચના આપવા માગતા હતા; પરંતુ જ્ઞાનદેવ ઉંમરમાં નાના અને જ્ઞાનમાં ચડિયાતા હોવાથી પત્રના મથાળા વિશે અવઢવ થવાથી તેમણે પોતાના શિષ્ય સાથે જ્ઞાનદેવને કોરો કાગળ મોકલ્યો. નિવૃત્તિનાથે જ્ઞાનદેવને ચાંગદેવના કોરા કાગળના જવાબમાં તત્વચિંતનયુક્ત જવાબ મોકલવાની સલાહ આપી. જ્ઞાનદેવે 65 ઓવીઓની રચના કરી ચાંગદેવને મોકલી. ‘ચાંગદેવ પાસષ્ઠી’ નામથી ઓળખાતી આ રચનાઓ વાંચતાં જ ચાંગદેવનો અહંકાર નાશ પામ્યો; એટલું જ નહિ, પરંતુ જ્ઞાનેશ્વરની ઉચ્ચકોટિની જ્ઞાનસાધના પ્રત્યે તેમના મનમાં આદરભાવ જાગ્યો. તે પોતાના શિષ્યસમુદાય સાથે જ્ઞાનેશ્વરને મળવા આળંદી પહોંચ્યા. ચાંગદેવના આગમનના સમાચાર તેના શિષ્ય દ્વારા મળ્યા ત્યારે જ્ઞાનેશ્વર અને પરિવારનાં અન્ય બાળકો એક દીવાલ (compoundwall) પર બેઠાં હતાં. સમાચાર જાણતાં જ નિવૃત્તિનાથે ચાંગદેવનું સામૈયું કરવાની જ્ઞાનદેવને સલાહ આપી. જે તેમણે સ્વીકારી અને તેની સાથે જ ચારેય બાળકો સાથે તે ઓટલો જ ચાંગદેવની દિશામાં ખસવા લાગ્યો. આ ચમત્કારથી જ્ઞાનેશ્વરની શ્રેષ્ઠતામાં ચાંગદેવની શ્રદ્ધા ર્દઢ થઈ. તેઓ મુક્તાબાઈના શિષ્ય બન્યા.
હવે પોતાનું જીવનકાર્ય પૂરું થયું હોવાથી પોતે સમાધિ લેવી જોઈએ એવો વિચાર જ્ઞાનેશ્વરને આવ્યો. ત્યારે તેમની ઉંમર માત્ર 22 વર્ષની હતી. સમાધિ લેવા માટેના દિવસ પૂર્વે નામદેવ જેવા બધા જ તત્કાલીન સંતો જ્ઞાનેશ્વરનાં અંતિમ દર્શન માટે આળંદી પહોંચ્યા. ગામના સિદ્ધેશ્વરના મંદિર પાસે નિર્ધારિત દિવસે આ મહાન સત્પુરુષ બધા સંતોની ઉપસ્થિતિમાં ગુફામાં પ્રવેશ કરી બ્રહ્મલીન થયા.
‘ભાવાર્થદીપિકા’ (જ્ઞાનેશ્વરી) અને ‘ચાંગદેવ પાસષ્ઠી’ ઉપરાંત જ્ઞાનેશ્વરે ‘અમૃતાનુભવ’ નામના ગ્રંથની અને કેટલાક અભંગોની પણ રચના કરી છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે