જોહાનિસબર્ગ : દક્ષિણ આફ્રિકાનું મોટામાં મોટું નગર, ભૌગોલિક સ્થાન 26° 12´ દ. અ. અને 28° 05´ પૂ. રે.. સમૃદ્ધ ઔદ્યોગિક કેન્દ્ર. સોનાની ખાણો પર આધારિત ઉદ્યોગોનું મથક. તે ટ્રાન્સવાલ પ્રાંતના દક્ષિણે, સોનાનો જથ્થો ધરાવતી ટેકરીઓની હાર વચ્ચે, સમુદ્ર સપાટીથી 1,756 મી. ઊંચાઈ પર વસેલું છે. તેનું ક્ષેત્રફળ 443 ચોકિમી. તથા નગરની વસ્તી 56,35,127 અને મહાનગરની વસ્તી 80,00,000 (2020) છે. મેટ્રો શહેરની વસ્તી આશરે એક કરોડ જેટલી છે. ઓણીસમી સદીના ઉત્તરાર્ધમાં સોનાની ખાણોની શોધ થતાં ત્યાં વસવાટ શરૂ થયો. 1886માં તેને નગરનો દરજ્જો પ્રાપ્ત થયો. તે ડરબનથી 483 કિમી., કેપટાઉનથી 1,287 કિમી. તથા પ્રિટોરિયાથી 160 કિમી. અંતરે આવેલું છે. દક્ષિણ આફ્રિકાના અતિ ગીચ વસ્તીવાળા પ્રદેશમાં વિકસ્યું છે. દક્ષિણ આફ્રિકાની ભૂતપૂર્વ સરકારની રંગભેદનીતિ મુજબ આ નગર શ્વેત અને અશ્વેત લોકોના અલાયદા વસવાટો વચ્ચે વિભક્ત થયેલું છે; દા. ત., નગરના ઉત્તર તરફના વિસ્તારમાં શ્વેત વસ્તી ધરાવતાં પરાં તો દક્ષિણ તરફના વિસ્તારમાં સોવેટો, નાન્સફિલ્ડ અને લેનાશિયા જેવા અશ્વેત લોકોના વસવાટો પથરાયેલા છે.

શહેરની આબોહવા 10° સે. અને 20° સે. તાપમાન વચ્ચે રહે છે. તથા વાર્ષિક સરેરાશ વરસાદ 760 મિમી. પડે છે. નગરની બાજુમાં સોનાની ખાણો હોવાથી તેના પર આધારિત ખાણ-ઉદ્યોગનો ત્યાં વિકાસ થયો છે તથા વિશ્વની તેને લગતી મોટામાં મોટી પેઢીઓ ત્યાં આવેલી છે. ઉપરાંત દક્ષિણ આફ્રિકાની મોટામાં મોટી ઔદ્યોગિક અને નાણાકીય પેઢીઓનાં મુખ્ય મથકો ત્યાં કેન્દ્રિત થયેલાં છે. શૅરબજાર ત્યાં ધીકતો ધંધો કરે છે. સોનાના ઉત્પાદન ઉપરાંત ઔદ્યોગિક હીરા (industrial diamonds), યુરેનિયમ, ખાણ-ઉદ્યોગનાં ઉપકરણો, સ્વચાલિત વાહનોના છૂટા ભાગ, ટ્રાન્ઝિસ્ટર, વીજળી તથા વાહનવ્યવહારનાં સાધનો, રસાયણો, ઇજનેરી અને છાપકામની વસ્તુઓ અને ખાદ્યપ્રક્રમણના એકમો નગરમાં વિકસ્યા છે. દક્ષિણ આફ્રિકાના કુલ રાષ્ટ્રીય ઉત્પાદન(GNP)માં આ ઉદ્યોગોનો ફાળો ખ્ જેટલો છે.

પર્યટનની ર્દષ્ટિએ નગરમાં જોવાલાયક બાંધકામોમાં 230 મી. ઊંચાઈ ધરાવતા 2 મિનાર (જેમાં એક રેડિયો તથા બીજો ટેલિફોનનો મિનાર છે), (50 માળનું વિશાળ મકાન) જેમાં જુદાં જુદાં કાર્યાલયો છે; મોટું રેલમથક, નાટ્યગૃહો, કલાકેન્દ્ર, વસ્તુસંગ્રહાલય, સર્પ-ઉદ્યાન, પ્રાણીસંગ્રહાલય તથા પક્ષીઓ માટેનું અભયારણ્ય ઉલ્લેખનીય છે.

નગરમાં વિટવૉટર્સરૅન્ડ યુનિવર્સિટી (સ્થાપના 1903), રૅન્ડ આફ્રિકન યુનિવર્સિટી (સ્થાપના 1966), શિક્ષણની તાલીમ માટેની કૉલેજો, સાઉથ આફ્રિકા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅડિકલ રિસર્ચ તથા 1903માં સ્થપાયેલ ટૅક્નિકલ કૉલેજ છે. તે સિવાય અન્ય વિદ્યાશાખાઓનું શિક્ષણ આપતી સંસ્થાઓનો પણ વિકાસ થયેલો છે.

આ નગર દક્ષિણ આફ્રિકાનાં મહત્વનાં બધાં જ નગરો સાથે રસ્તાઓ, રેલવે તથા વિમાની સેવાઓથી જોડાયેલું છે. તેનું આંતરરાષ્ટ્રીય વિમાનમથક  24 કિમી. અંતરે છે.

પ્રારંભમાં આ નગર ટ્રાન્સવાલનો ભાગ હતો; પરંતુ 1899–1902 દરમિયાન થયેલા દક્ષિણ આફ્રિકાના યુદ્ધ પછી તેના પર બ્રિટિશ શાસન લાદવામાં આવ્યું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે