જોસેફસન, બ્રિયાન ડી.

January, 2014

જોસેફસન, બ્રિયાન ડી. (જ. 4 જાન્યુઆરી 1940, કાર્ડિફ, વેલ્સ) : ‘જોસેફસન અસર’ માટે એસાકી લીયો અને જેવર ઇવાર સાથે 1973નું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી. કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી બી.એ. અને એમ.એ. થઈ 1964માં ત્યાંથી જ પીએચ.ડી.ની ઉપાધિ પણ મેળવી. માત્ર 22 વર્ષની યુવાન વયે કૅમ્બ્રિજના વિદ્યાર્થી તરીકે તેમણે ‘જોસેફસન અસર’નો સિદ્ધાંત આપ્યો. ‘જોસેફસન અસર’ મુખ્યત્વે ટનલ બેરિયરના અતિપ્રવાહના ગુણધર્મોનું સૈદ્ધાંતિક પૂર્વકથન (prediction) આપે છે. અભ્યાસ પૂરો કર્યા પછી 1967માં કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં સંશોધનકાર્યમાં જોડાયા. એક વર્ષ માટે યુનિવર્સિટી ઑવ્ ઇલિનૉયમાં સહાયક સંશોધન પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. 1973માં નોબેલ પારિતોષિક મળ્યું. તે પછી કૅમ્બ્રિજમાં રિસર્ચના સહાયક નિર્દેશક અને ભૌતિકશાસ્ત્રના રીડર તરીકે તેમની નિમણૂક થઈ હતી.

રાજેશ શર્મા