જોશી, શરદ (જ. 3 સપ્ટેમ્બર 1935, સાતારા  મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના અગ્રણી ખેડૂત નેતા. શરૂઆતનું શિક્ષણ સાતારામાં. પુણે યુનિવર્સિટીમાંથી વાણિજ્ય વિષયમાં સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ પછી બે વર્ષ કોલ્હાપુર ખાતે પ્રાધ્યાપક રહ્યા. ત્યાર પછી ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ(IAS)ની પરીક્ષામાં અખિલ ભારતીય સ્તરે ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી કેન્દ્ર સરકારના ટપાલ ખાતામાં જોડાયા (1958–67). 1968–76 દરમિયાન સ્વિટ્ઝર્લૅન્ડમાં બર્ન ખાતે યુનિવર્સલ પોસ્ટલ યુનિયનના માહિતી વિભાગના પ્રમુખ અધિકારી તરીકે સેવાઓ આપી.

સૂકી ખેતીના ક્ષેત્રે પ્રયોગો કરવાના હેતુથી 1973માં ભારત પાછા આવ્યા અને મહારાષ્ટ્રમાં દાવડી નામના નાના ગામમાં ‘અકરા ભૂમિપુત્ર’ નામની ખેડૂત મંડળીના નેજા હેઠળ સહકારી ધોરણે ખેતી શરૂ કરી જેમાં સફળતા સાંપડી નહિ. ત્યાર પછી ચાકણ વિસ્તારમાં 24 એકર જમીન ખરીદી પોતે ખેતી કરવા લાગ્યા. વ્યક્તિગત ધોરણે ઉપાડેલા આ સાહસમાં પણ સફળતા મળી નહિ.

1980થી ખેડૂત-આંદોલનમાં સક્રિય બન્યા. તે જ વર્ષે ચાકણ વિસ્તારના ડુંગળી  ઉત્પાદકોને સંગઠિત કરી તેમને પોષણક્ષમ ભાવો મળવા જોઈએ તે મુદ્દે લડત ઉપાડી. તેમનું આ પ્રથમ આંદોલન હોવા છતાં તેને લોકોનો ખૂબ મોટો ટેકો મળ્યો. ત્યારપછી નાસિક વિસ્તારના શેરડી ઉત્પાદકોને ક્વિંટલ દીઠ રૂપિયા 300નો ભાવ મળવો જોઈએ તે માગણી માટેના આંદોલનનું નેતૃત્વ સંભાળ્યું. પોષણક્ષમ ભાવોના પ્રશ્ને રૂ-ઉત્પાદકોના પક્ષમાં પણ નવી ચળવળ શરૂ કરી. એક મુદ્દાની આવી ચળવળો દરમિયાન અનેક વાર તેમણે કારાવાસ ભોગવ્યો છે તથા તેમની સામે 400 ઉપરાંત ખટલાઓ દાખલ કરાયા હતા.

ખેડૂતોના પ્રશ્નો અંગે તેમણે મરાઠી ભાષામાં પુસ્તકો લખ્યાં છે. ડંકલ પ્રસ્તાવોની તરફેણમાં તેમણે વ્યાખ્યાનો, પરિસંવાદો અને લેખો દ્વારા જનજાગૃતિ પેદા કરી હતી. 1992–93ના વર્ષ દરમિયાન ઉત્તર પ્રદેશના ખેડૂત-નેતા મહેન્દ્ર ટિકાયત સાથે તેમણે દેશના ખેડૂત-આંદોલનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. તે પૂર્વે તેમણે 9 ઑગસ્ટ, 1971ના રોજ ખેડૂતોનું સંગઠન ઊભું કર્યું હતું.

ડિસેમ્બર, 2005માં ‘રિપ્રેઝન્ટેશન ઑવ્ ધ પીપલ્સ ઍક્ટ  ઑવ્ ધ કોન્સ્ટિટ્યૂશન ઑવ્ ઇન્ડિયા’માંથી ‘સોશ્યાલિઝમ’ શબ્દ દૂર કરવાની માંગ કરતો ખરડો રાજ્યસભામાં રજૂ કરેલો. ‘શતકરી મહિલા આઘાડી’ સંગઠન દ્વારા મહિલાઓના મિલકતના અધિકાર સંદર્ભે પણ કામ કર્યું. તેમના ગ્રંથો : ‘ભારત આય વ્યૂ’ (1986), ‘ધ વિમન્સ ક્વેશ્ચન’ (1986), ‘આન્સરિંગ બીફોર ગોડ’ (1984) આ ત્રણ નોંધપાત્ર છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે