જોશી, પ્રબોધ (જ. 1926; અ. 1991) : એકાંકીકાર અને નાટ્યકાર. અમદાવાદમાં ‘રંગમંડળ’ તથા ગુજરાત કૉલેજની નાટ્યરજૂઆતોમાં પ્રકાશ આયોજન અને સન્નિવેશની રચના કરી નાટ્યક્ષેત્રે પ્રવેશ કર્યો. નાનાલાલના ‘જયા–જયંત’ અને મુનશીના ‘છીએ તે જ ઠીક’ની રજૂઆત સાથે તે સંકળાયેલા હતા. 1953માં મુંબઈ ઇન્ટર-કૉલેજિયેટ એકાંકી સ્પર્ધામાં ‘માફ કરજો, આ નાટક નહિ થાય’ લખ્યું ત્યારથી માંડી અત્યાર સુધીમાં 500 જેટલાં એકાંકી એમને નામે છે. યુવક-મહોત્સવોમાં દાયકા સુધી પોણા ભાગનાં સફળ એકાંકી એમનાં લખેલાં હોય એવું નોંધાયું છે. એમનાં અનેકાંકી નાટકોમાં ‘પત્તાંની જોડ’, ‘કદમ મિલાકે ચલો’ વગેરે રંગભૂમિની ભાષા પ્રયોજનારાં લોકપ્રિય નાટકો તરીકે જાણીતાં છે. ‘રમત રમાડે રામ’, ‘કલાપી’ તથા ‘પૂનમ કી રાત’ વગેરે ફિલ્મોના કથાસંવાદો એમણે લખ્યા હતા. રાષ્ટ્રીય પ્રસારણમાં લોકપ્રિય બનેલ ટેલિવિઝન સિરિયલ ‘નુક્કડ’ના અનેક અંશો પણ તેમણે લખ્યા હતા. તેમણે અખબારોમાં વિપુલ પ્રમાણમાં કટારલેખન પણ કર્યું હતું. ‘રંગભૂમિના સર્વસંગ્રહ’ ગણાયેલા પ્રબોધ જોશીએ તખ્તાપરક નાટ્યકાર તરીકે નોંધપાત્ર પ્રદાન કર્યું છે.
હસમુખ બારાડી