જોતો ડી બોન્દોને (Giotto de Boundone) (જ. 1266; અ. 1337) : ઇટાલિયન ચિત્રકાર અને સ્થપતિ. જોતો અને તેમના ગુરુ ચિમાબુઆ (Cimabua) બંને અદ્યતન કલાના અગ્રયાયી ગણાયા છે. ઇટાલોબાઇઝૅન્ટાઇનની ચીલાચાલુ શૈલીમાંથી તેમણે માનવ-આકૃતિને મુક્ત કરી. તેને મહત્તમ શિલ્પમય ઘનતા અને સ્વાભાવિકતા આપી. શ્યોમાં કલ્પના અને અનુભૂતિને પ્રાધાન્ય આપ્યું. ફ્લૉરેન્ટાઇન ચિત્રકળાના તેઓ જનક બની રહ્યા. તેઓ સાધન વિના સંપૂર્ણ વર્તુળ દોરી શકતા. જોતોનું નામ બાપ્ટિસ્ટેરીની (ફ્લૉરેન્સ) મોઝેક કલા સાથે જોડી શકાય. 1290માં ઍસીસીના ચર્ચ સાથે અને 1300માં રોમનાં ચિત્રો બનાવવામાં વ્યસ્ત રહ્યા. તેમનો ચૌદમી સદીનો પહેલો દશકો એરેનાના દેવળનાં પ્રખ્યાત ભીંતચિત્રો કરવામાં વીત્યો. 1334માં ફ્લૉરેન્સ કેથીડ્રલના સ્થપતિ તરીકે અને નગરરચનાના આયોજક તરીકે તેમની નિયુક્તિ થઈ.
જોતો બાઇઝૅન્ટાઇન કલાથી જુદા પડી વર્ણનાત્મક શૈલી કુશળતાથી પ્રયોજવા લાગ્યા અને સુંદર રેખાંકનકાર તરીકે ખ્યાતિ પામ્યા. વખત જતાં પોત (texture), પ્રભાવ અને અભિવ્યક્તિની સાથોસાથ ચિત્રોમાં ઊંડાણનું તત્વ સિદ્ધ કરી બતાવ્યું. ‘ક્રૂસિફિકેશન’, ‘લૅમન્ટેશન’ અને ‘જોઆકિમ્સ ડ્રીમ’ નામનાં ર્દશ્યચિત્રો આજે પણ પાદુઆના સ્ક્રોવૅગ્ની દેવળમાં અજોડ લેખાય છે. જોતોના મૃત્યુ પછી તેમની શૈલી ઘણાએ અપનાવી – ખાસ કરીને ફ્લૉરેન્ટાઇન કલાકારોએ તેમની આલેખન-શૈલીને બિરદાવી. માઇકેલૅન્જેલો તેમના પ્રશંસક અને ચાહક રહ્યા.
કનુ નાયક