જૉહૉક્સ લિયોન (જ. 1 જુલાઈ 1879, પૅરિસ; અ. 28 એપ્રિલ 1954, પૅરિસ) : ફ્રાન્સના સમાજવાદી મજૂર-નેતા તથા શાંતિ માટેના નોબેલ પુરસ્કાર વિજેતા (1951). સોળમા વર્ષે દીવાસળીના કારખાનામાં કામદાર તરીકે દાખલ થયા. 1906માં દીવાસળીના કામદારોના રાષ્ટ્રીય સ્તરના મજૂરમંડળના મંત્રી બન્યા. 1909માં કૉન્ફેડરેશન જનરલ દ ટ્રાવલના મહામંત્રી નિમાયા. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) પૂર્વે જર્મનીના મજૂર-નેતાઓ સાથે મળીને યુદ્ધવિરોધી ચળવળ સંગઠિત કરવાનો પ્રયાસ કર્યો; પરંતુ થોડાક સમય પછી ફ્રાન્સની સક્રિય યુદ્ધનીતિને ટેકો જાહેર કર્યો. 1916માં મિત્રરાષ્ટ્રોનાં મજૂરમંડળોની પરિષદ સમક્ષ તેમણે રજૂ કરેલા અહેવાલમાં આંતરરાષ્ટ્રીય મજૂર-સંગઠન(ILO)ની સ્થાપનાની પૂર્વભૂમિકા સ્પષ્ટ કરી હતી. 1919માં વર્સાઇલ્સ શાંતિ પરિષદમાં તેમણે હાજરી આપી હતી. આ પરિષદમાં ઇન્ટરનેશનલ લેબર લેજિસ્લેશન કમિશનની સ્થાપના કરવામાં આવી હતી, જેના તેઓ એક સૌથી સક્રિય સભ્ય હતા. તેમણે ઇકૉનૉમિક કાઉન્સિલની સ્થાપના કરવાની કરેલી જોરદાર હિમાયતના પરિણામે 1925માં તેની સ્થાપના કરવામાં આવી. તેઓ કારકિર્દીની શરૂઆતથી જ મજૂરમહાજન-પ્રેરિત ક્રાંતિકારી ઔદ્યોગિક સંઘવાદ(revolutionary syndicalism)ના જોરદાર સમર્થક રહ્યા. અર્થકારણના સંચાલનમાં મજૂરમંડળોની ભાગીદારી હોવી જ જોઈએ, છતાં મજૂરચળવળ રાજકારણથી પર હોવી જોઈએ એવું તેમનું મંતવ્ય હતું.
બીજા વિશ્વયુદ્ધ(1939–45)ની શરૂઆતમાં સ્થપાયેલી જર્મની-પરસ્ત (vichi) સરકારે જૉહૉક્સની ધરપકડ કરી તેમનો હવાલો જર્મન સરકારને સોંપ્યો. તેને પરિણામે યુદ્ધના અંત સુધી તેમણે એ જર્મની હસ્તકના યુદ્ધકેદીઓની છાવણી(concentration camp)માં જેલવાસ ભોગવ્યો હતો. 1949માં ઇન્ટરનેશનલ કૉન્ફેડરેશન ઑવ્ ફ્રી ટ્રેડ યુનિયન્સની સ્થાપનામાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી.
આંતરરાષ્ટ્રીય શાંતિ માટેના તેમના પ્રયાસોને બિરદાવવા માટે 1951નું શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર તેમને એનાયત કરવામાં આવ્યો હતો.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે