જૉલી તુલા : ઘન અને પ્રવાહી પદાર્થનું વિશિષ્ટ ઘનત્વ (સાપેક્ષ ઘનતા) શોધવાની કાલગ્રસ્ત રચના. જર્મન ભૌતિકશાસ્ત્રી ફિલિપ ફૉન જૉલીએ શોધેલી આ તુલામાં એક છેડે બાંધેલી પાતળી, લાંબી અને પેચદાર સ્પ્રિંગ હોય છે. સ્પ્રિંગના નીચેના છેડે વજન પલ્લું (weight pan) હોય છે અને તેની નીચે નમૂનો મૂકવા માટે પાતળા તારની બનેલી રચના હોય છે. આપેલ પદાર્થનું વિશિષ્ટ ઘનત્વ શોધવા માટે તેને જૉલી તુલામાં, પહેલાં હવામાં અને પછી પાણીમાં લટકાવવામાં આવે છે. પદાર્થને હવામાં અને પાણીમાં લટકાવતાં સ્પ્રિંગમાં તણાવ પેદા થાય છે, જે બંને માધ્યમમાં અલગ અલગ હોય છે. સ્પ્રિંગના તણાવમાં જોવા મળતા આ તફાવત પરથી પદાર્થે પાણીમાં ગુમાવેલું વજન જણાઈ આવે છે. પદાર્થના હવામાંના વજનને પદાર્થે પાણીમાં ગુમાવેલા વજન વડે ભાગવાથી પદાર્થની સાપેક્ષ ઘનતા મળે છે.
ભૂસ્તરશાસ્ત્રમાં પણ નાના કદનાં ખનિજ, રત્નો તથા ઉપરત્નોની વિશિષ્ટ કે સાપેક્ષ ઘનતા માપવા માટે આ તુલાનો ઉપયોગ કરવામાં આવે છે. સૌપ્રથમ સ્પ્રિંગ સાથે રાખેલા દર્શકનો આંક (a) તેની સાથેના સ્કેલ ઉપર નોંધવામાં આવે છે. ત્યાર પછી ખનિજ કે રત્ન કે ઉપરત્નને તુલાના ત્રાજવામાં રાખી સ્કેલ ઉપર દર્શકનું સ્થાન (b) નોંધવામાં આવે છે. છેવટે પદાર્થને પાણીમાં લટકાવીને દર્શકનું સ્થાન (c) નોંધવામાં આવે છે.
પદાર્થનું હવામાં વજન = (b–a)
પદાર્થનું પાણીમાં વજન = (c–a)
પ્રવાહીની સાપેક્ષ ઘનતા શોધવા માટે પાણીમાં તથા આપેલા પ્રવાહીમાં અદ્રાવ્ય હોય તેવો યોગ્ય ઘન નમૂનો પસંદ કરવામાં આવે છે. આ ઘન નમૂનાને પહેલાં પાણીમાં અને પછી આપેલા પ્રવાહીમાં લટકાવી તેનું વજન નોંધવામાં આવે છે. ઘન પદાર્થના નમૂનાએ પાણીમાં ગુમાવેલું વજન અને એ નમૂનાએ પ્રવાહીમાં ગુમાવેલા વજનનો ગુણોત્તર, આપેલા પ્રવાહીની સાપેક્ષ ઘનતા દર્શાવે છે.
રાજેશ શર્મા
ગિરીશભાઈ પંડ્યા