જૉઇન્ટ સ્ટૉક બૅંક : જાહેર કંપનીથી ખાનગી બૅંકોને અલગ પાડવા ‘જૉઇન્ટ સ્ટૉક બૅંક’ પરિભાષા વપરાતી હતી. 100 વર્ષ પહેલાં ઇંગ્લૅન્ડમાં બૅંક ઑવ્ ´ગ્લૅન્ડ જૉઇન્ટ સ્ટૉક બૅંક હતી. 1825–26 દરમિયાન બૅંકિંગ-ક્ષેત્રે કટોકટીનો કાળ હતો છતાં પણ તે સમયે કોઈ પણ જૉઇન્ટ સ્ટૉક બૅંક નિષ્ફળ ગઈ ન હતી, જ્યારે 80 જેટલી ખાનગી ઇંગ્લિશ બૅંકો બંધ કરવી પડી હતી. આ બાબત જોઇન્ટ સ્ટૉક બૅંકની સધ્ધરતાની સાબિતી પૂરી પાડે છે. જૉઇન્ટ સ્ટૉક બૅંકો વધુ સધ્ધર અને લોકપ્રિય હતી. 1826ના ઇંગ્લૅન્ડના કાયદાએ જૉઇન્ટ સ્ટૉક બૅંકિંગના વિકાસને મંજૂરી આપી; પરંતુ તેની અમુક શરતો હતી; જેવી કે, અમર્યાદિત જવાબદારી, લંડનથી 130 કિમી.ના વિસ્તારમાં બૅંકિંગ ધંધો કરવો ઇત્યાદિ. 1833 સુધી બૅંક ઑવ્ ઇંગ્લૅન્ડની ઇજારાશાહી જૉઇન્ટ સ્ટૉક બૅંકો ઉપર રહી. ખાનગી બૅંકો સ્થાનિક બૅંકો ગણાતી; પરંતુ શાખાઓના વિસ્તરણથી જૉઇન્ટ સ્ટૉક બૅંકો ખૂબ વિસ્તરી. 1840 અને 1890 દરમિયાન આશરે 155 ખાનગી બૅંકો નિષ્ફળ ગઈ અને પાછળથી 949 શાખાઓ ધરાવતી 10 મોટી જૉઇન્ટ સ્ટૉક બૅંકો પણ નિષ્ફળ ગઈ. ત્યારબાદ જૉઇન્ટ સ્ટૉક બૅંકોનું એકીકરણ કરવામાં આવ્યું અને ઘણી ઓછી જૉઇન્ટ સ્ટૉક બૅંકો બાકી રહી. આજે જૉઇન્ટ સ્ટૉક બૅંકો વેપારી બૅંકો તરીકે ઓળખાય છે. બૅંકિંગ વિષય ઉપર લખનારા લેખકો સિવાય ‘જૉઇન્ટ સ્ટૉક બૅંક’ શબ્દ આજે કોઈ વાપરતું નથી. વ્યવહારની ર્દષ્ટિએ જોઈએ તો આજની બધી જ વર્ગીકૃત (શેડ્યુલ્ડ) બૅંકો એ જૉઇન્ટ સ્ટૉક બકો જ છે.
શ્રીકૃષ્ણ ગોપીનાથ દેવભાનકર