જૉઇન્ટ સ્ટૉક કંપની : કંપની ધારા 1956ની કલમ 566 અનુસાર કંપની કે જેની પાસે કાયમી ભરપાઈ થયેલી મૂડી હોય અથવા જેની મૂડી નિશ્ચિત શૅરોમાં વહેંચાયેલી હોય, અથવા જેનું સ્ટૉકમાં રૂપાંતર કરી શકાય તેવી મૂડી ધરાવતી હોય અને શૅર કે સ્ટૉક ધરાવનાર વ્યક્તિ જ કંપનીનો સભ્ય બની શકે એવો સિદ્ધાંત જે કંપનીએ સ્વીકાર્યો હોય એવી કંપની. ઔદ્યોગિક ક્રાંતિ પછી વેપાર-ઉદ્યોગનો ખૂબ વિકાસ થયો. સંસાધનો, યંત્રો, આવિષ્કારો, સૂક્ષ્મ કાર્યવિભાજન, કૌશલ અને પ્રવીણતાવાળી કામગીરી વગેરેને કારણે વેપારી એકમોનાં કદ વિકસ્યાં અને મોટાં થતાં ગયાં અને વધારે પ્રમાણમાં મૂડીરોકાણની જરૂર પડી. પરિણામે ભાગીદારી પેઢી કરતાં વધુ મૂડી મેળવી શકાય અને મોટા પાયા પરના વેપારધંધાનાં જોખમો ઉઠાવી શકાય તેવું વેપારી-વ્યવસ્થાતંત્ર ઊભું કરવાની જરૂરિયાત ઉપસ્થિત થઈ. તેમાંથી જૉઇન્ટ સ્ટૉક કંપનીનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. આવી કંપનીઓના વહીવટ પર નિયંત્રણ અને દેખરેખ રાખવા ભારતમાં 1956નો કંપની અધિનિયમ ઘડવામાં આવ્યો. તેને કાયદાના ફરજંદ (creature of law) તરીકે ઓળખવામાં આવે છે.
કંપની સમાન હેતુ માટે ભેગી થયેલી વ્યક્તિઓની સંસ્થા છે. એટલે કે નફો કરવા માટે ભેગી થયેલી વ્યક્તિઓનું સ્વૈચ્છિક મંડળ છે; તેની મૂડી ફેરબદલ થઈ શકે તેવા સ્ટૉક કે શૅરો રૂપે વહેંચાયેલી હોય છે અને શૅરની માલિકી મેળવવી એ કંપનીના સભ્યપદ માટેની પૂર્વશરત હોય છે. આમ સંયુક્ત સ્ટૉક કે શૅરધારકોની બનેલી મંડળી કે પેઢી હોવાથી તે જૉઇન્ટ સ્ટૉક કંપની કહેવાઈ.
1956ના કંપની-ધારાની કલમ 566 અનુસાર જૉઇન્ટ સ્ટૉક કંપનીની કેટલીક લાક્ષણિકતાઓ નીચે મુજબ તારવી શકાય :
(1) સ્વૈચ્છિક મંડળ : કંપની નફો કમાવાના હેતુથી એકઠી થયેલ વ્યક્તિઓનું સ્વૈચ્છિક મંડળ છે. તેમાં સભ્યો કોઈ ચોક્કસ હેતુથી કોઈ પણ જાતના દબાણ વગર જોડાય છે. સભ્ય પોતાની ઇચ્છા મુજબ કંપનીમાંથી છૂટો પણ થઈ શકે છે.
(2) કાનૂની વ્યક્તિત્વ : કંપની કાયદા-સર્જિત વ્યક્તિ છે. તેનો ઉદભવ અને અંત કાયદા દ્વારા આવે છે. કંપનીને કોઈ જાતનું ભૌતિક અસ્તિત્વ નથી; પરંતુ કાયદાની ર્દષ્ટિએ તે વ્યક્તિ ગણાય છે. અન્ય વ્યક્તિઓની જેમ કંપની દાવો માંડી શકે છે, મિલકતો ખરીદી શકે છે, કરાર કરી શકે છે તેમજ દેવું કરી શકે છે.
(3) કાયમી અસ્તિત્વ : કાયદા મુજબ તેને કાયમી અસ્તિત્વ પ્રાપ્ત થાય છે. તેનો જન્મ કાયદા મુજબ અને અંત પણ કાયદા મુજબ જ આવે છે. કંપનીના શૅરધારકો આવે-જાય તેની કંપનીના અસ્તિત્વ પર અસર પડતી નથી. આમ કંપનીનું આયુષ્ય લાંબું હોય છે.
(4) સામાન્ય મહોર : કંપની અધિનિયમ હેઠળ રચાયેલ કૃત્રિમ વ્યક્તિ હોવાથી તેનું અસ્તિત્વ તેની સામાન્ય મહોર દ્વારા વ્યક્ત થાય છે. મહોર કંપનીની સંમતિ દર્શાવે છે. કંપનીનાં મહત્વનાં દસ્તાવેજો, કરારો, પ્રમાણપત્રો તથા રોજબરોજના વ્યવહારોમાં કંપનીની સંમતિ દર્શાવવા સામાન્ય મહોરનો ઉપયોગ થાય છે.
(5) શૅરમૂડી : કંપનીની મૂડી નાના નાના સરખા હિસ્સા રૂપે વહેંચાયેલી હોય છે. આ દરેક હિસ્સાને શૅર કહેવામાં આવે છે. (અગાઉ તેને સ્ટૉક કહેતા.) ગમે તે વ્યક્તિ શૅર ખરીદીને કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. આ રીતે મોટા પ્રમાણમાં મૂડી ભેગી થઈ શકે છે.
(6) શૅરની ફેરબદલી : કોઈ પણ શૅરધારક શૅરની માલિકીની સરળતાથી ફેરબદલી કરી શકે છે. શૅરબજારમાં તેને વેચી તેમજ ખરીદી શકે છે.
(7) મર્યાદિત જવાબદારી : સભ્યે કંપનીમાં જેટલી રકમ રોકીને શૅર લીધા હોય તેમાં વણચૂકવાયેલી રકમ પૂરતી જ તેની જવાબદારી બને છે. કંપનીનું દેવું કે નુકસાન ગમે તેટલું હોય છતાં સભ્યની મિલકત તે માટે ટાંચને પાત્ર ગણાતી નથી.
(8) પ્રતિનિધિઓ દ્વારા વહીવટ : કંપનીનું ભૌતિક અસ્તિત્વ ન હોવાથી તેના માલિકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ તેનો વહીવટ કરે છે. સામૂહિક રીતે તેને સંચાલક મંડળ (board of directors) તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મુખ્ય સંચાલક (managing director) બધો વહીવટ સંભાળે છે.
(9) કાનૂની નિયંત્રણ : કંપનીમાં જાહેર જનતાનાં નાણાં રોકાયેલાં હોવાથી, કંપનીનો વહીવટ અને સંચાલન યોગ્ય રીતે ચાલે તે હેતુથી કંપની ઉપર સરકાર જુદા જુદા કાયદાઓની જોગવાઈઓ દ્વારા નિયંત્રણ રાખે છે. કાયદાની જોગવાઈઓનું પાલન કરવા વહીવટકર્તા બંધાયેલા હોય છે.
કંપનીના પ્રકાર : જૉઇન્ટ સ્ટૉક કંપનીનું જુદાં જુદાં ર્દષ્ટિબિંદુથી નીચે પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવે છે :
(ક) કંપનીના મુખ્ય 3 પ્રકાર દર્શાવી શકાય :
(i) અધિકારપત્રિત (ચાર્ટર્ડ) કંપની – તેની સ્થાપના રાજ્યના અધિકારપત્ર દ્વારા થાય છે; (ii) ખાસ ધારાસર્જિત કંપની – તેની સ્થાપના સરકાર કે રાજ્ય સરકારના ખાસ કાયદાથી થાય છે; (iii) રજિસ્ટર્ડ કંપની – તેની સ્થાપના કંપની અધિનિયમ પ્રમાણે નોંધણી કરાવીને થાય છે.
(ખ) જવાબદારીની ર્દષ્ટિએ કંપનીના મુખ્ય ત્રણ પ્રકાર પાડી શકાય :
(i) શૅરકંપની : તે કંપનીની સ્થાપના શૅરમૂડીથી કરવામાં આવી હોય છે અને તેના સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શૅરની અંકિત (રોકેલી) કિંમત પૂરતી મર્યાદિત હોય છે. (ii) બાંયધરી-કંપની : આ કંપનીમાં સભ્યોની જવાબદારી તેમણે સ્થાપના-સમયે આપેલી બાંયધરીની રકમ પૂરતી મર્યાદિત હોય છે. કંપનીના વિસર્જન-સમયે કંપનીની સંપત્તિ ઓછી પડે તો આ રકમ ચૂકવવાની જવાબદારી ઉપસ્થિત થાય છે. (iii) અમર્યાદિત કંપની : આ કંપનીમાં સભ્યોની જવાબદારી વૈયક્તિક માલિકીની જેમ અમર્યાદિત હોય છે. કંપનીના વિસર્જન-સમયે ચુકવણી માટે સભ્યની અંગત મિલકત પણ જવાબદાર ગણાય છે.
(ગ) નોંધણીના સ્થાનની ર્દષ્ટિએ કંપનીના મુખ્ય 2 પ્રકાર પાડી શકાય : (i) દેશી કંપની : ભારતમાં 1956ના કંપની અધિનિયમ અનુસાર ભારતની સંસદના ખાસ કાયદાથી અસ્તિત્વમાં આવેલી કંપની; (ii) વિદેશી કંપની : ભારત સિવાયના કોઈ પણ દેશમાં નોંધાયેલી ખાસ અધિકારપત્ર દ્વારા સ્થપાયેલી કંપની.
(ઘ) વર્ચસ્ની ર્દષ્ટિએ કંપનીના મુખ્ય 3 પ્રકાર પાડી શકાય : (i) શાસક કંપની : આ કંપની અન્ય કંપનીના
50 %થી વધુ શૅર ધરાવતી હોય છે અને તે બીજી કંપનીના બહુમતી ડિરેક્ટરો નીમવાનો અધિકાર ધરાવે છે. મુખ્ય કંપની કે હોલ્ડિંગ કંપની તરીકે પણ તે ઓળખાય છે. (ii) ગૌણ કંપની : આ કંપનીના 50 %થી વધુ શૅર અથવા બહુમતી ડિરેક્ટરો નીમવાની સત્તા અન્ય કંપની ધરાવતી હોય છે. તેને પેટા કંપની કે સબસિડિયરી કંપની પણ કહેવાય છે. (iii) સરકારી કંપની : આવી કંપનીની ઓછામાં ઓછી 51 % જેટલી મૂડી રાજ્ય કે કેન્દ્ર સરકાર અથવા એકથી વધુ રાજ્યસરકારો ધરાવતી હોય છે; દા. ત., ભારત ઇલેક્ટ્રૉનિક્સ લિમિટેડ, હિંદુસ્તાન મશીન ટૂલ્સ લિમિટેડ.
(ચ) સભ્યસંખ્યાની ર્દષ્ટિએ મુખ્ય 2 પ્રકાર પાડવામાં આવે છે : (i) ખાનગી કંપની : આવી કંપની પોતાના ધારાધોરણ અનુસાર (1) શૅરની ફેરબદલી કરવાના સભ્યોના હક પર નિયંત્રણ રાખે છે. (2) સભ્યોની સંખ્યા 50 જેટલી મર્યાદિત રાખે છે. (3) શૅર કે ડિબેંચર ખરીદવા માટે જાહેર જનતાને નિમંત્રણ આપવા પર પ્રતિબંધ મૂકે છે. (4) નામના છેડે ‘પ્રાઇવેટ લિમિટેડ’ લખે છે. (ii) જાહેર કંપની : ભારતીય કંપની અધિનિયમમાં જાહેર કંપનીની વ્યાખ્યા નથી; પરંતુ તેમાં જણાવ્યા પ્રમાણે જે કંપની ખાનગી ન હોય તે જાહેર કંપની કહેવાય છે. આ રીતે જાહેર કંપનીની સમજૂતી નીચે પ્રમાણે આપી શકાય : જાહેર કંપની એટલે (1) જે કંપનીમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ ગમે તેટલા સભ્યો હોય. (2) તે કંપની જાહેર જનતાને શૅર કે ડિબેંચર ખરીદવા આમંત્રણ આપી શકતી હોય. (3) તેના શૅરની બદલી મુક્ત રીતે થઈ શકતી હોય. (4) આવી કંપનીના સભ્યોની જવાબદારી મોટે ભાગે મર્યાદિત હોય છે. (5) આવી કંપનીના નામને છેડે ‘લિમિટેડ’ શબ્દ લખવો જરૂરી હોય છે.
જૉઇન્ટ સ્ટૉક કંપનીના ધંધાકીય લાભ : તેના વિવિધ પ્રકારના લાભ આ મુજબ છે : (1) કંપનીમાં વૈયક્તિક માલિકી અને ભાગીદારીની સરખામણીમાં વિશાળ મૂડીભંડોળ ઊભું કરી શકાય છે. (2) કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શૅર પૂરતી મર્યાદિત હોય છે. (3) કંપનીને કાયદા દ્વારા અલગ અસ્તિત્વ પ્રાપ્ત થયેલ હોવાથી તેના સભ્યો આવે-જાય તેની કંપની પર અસર પડતી નથી. (4) કંપનીનું લોકશાહી રીતે સંચાલન થાય છે. (5) નિષ્ણાતોની સેવાનો લાભ લઈ કંપનીનું સંચાલન કાર્યક્ષમ બનાવી શકાય છે. (6) કંપનીના શૅરધારકો કંપનીના શૅરની સરળતાથી ફેરબદલી કરી શકે છે. (7) કંપનીમાં વિશાળ પ્રમાણમાં મૂડી એકઠી થઈ શકતી હોવાથી અને કાર્યક્ષમ સંચાલનને કારણે મોટા પાયે ઉત્પાદનના લાભ મેળવી શકાય છે. (8) કંપનીનું શૅરભંડોળ વિશાળ હોવાથી તેમજ તેની પાસે વિપુલ પ્રમાણમાં મિલકત હોવાથી બજારમાં કંપનીની શાખ ઊંચી રહે છે. (9) કાયદા પ્રમાણે સંચાલન થતું હોવાથી ધંધામાં સ્થિરતા આવે છે.
મર્યાદાઓ : કંપની સ્વરૂપના અનેક લાભ હોવા છતાં તેની આ પ્રમાણે કેટલીક મર્યાદાઓ પણ છે : (1) વેપારી વ્યવસ્થાના સ્વરૂપમાં કંપનીની સ્થાપના-વિધિ જટિલ અને લાંબી છે. (2) ઘણી વાર અપ્રામાણિક પ્રાયોજકો કંપનીના સ્વરૂપ વિશે જનતાને છેતરે છે. (3) શૅરદીઠ મતાધિકારને કારણે એકાધિકારનું વલણ વહીવટમાં જોવા મળે છે. (4) કંપનીમાં ધંધાનાં રહસ્યો જાળવી શકાતાં નથી. (5) કંપનીના સંચાલકો સંચાલનમાં ગેરરીતિઓ આદરી શકે છે. (6) નિર્ણયો ઝડપથી લઈ શકાતા નથી. (7) કંપનીમાં ભારે વહીવટી ખર્ચ થાય છે. (8) સંચાલનમાં ડગલે ને પગલે કાનૂની મર્યાદાઓ–નિયંત્રણો અવરોધરૂપ બને છે. (9) કંપનીઓ પર ભારે કરવેરા નાખવામાં આવે છે.
આજના કંપની-યુગમાં ધંધાદારી જગતમાં કંપની-સ્વરૂપનું વર્ચસ્ જોવા મળે છે તેના પાયામાં તેની સામાજિક ઉપયોગિતા રહેલી છે. કંપની-વ્યવસ્થાના સ્વરૂપને કારણે આધુનિક ઔદ્યોગિક વિકાસ અને આધુનિક જનતાની પ્રગતિ શક્ય બની છે.
ચંદ્રકાન્ત સોનારા