જૈવ પ્રતિનિવેશ (Biofeedback) : જીવોમાં સ્વનિયંત્રણની વિશિષ્ટ વ્યવસ્થા. આ એક એવી પ્રવિધિ છે, જેમાં મનુષ્ય પોતાના શરીરમાં જે ક્ષણે જૈવ ક્રિયાઓ ઊપજતી હોય તે જ ક્ષણે એ ક્રિયાઓ વિશે સ્પષ્ટ માહિતી મેળવે છે અને એ માહિતીને આધારે પોતાની જૈવ ક્રિયાઓને અંકુશમાં લે છે કે તેમાં ઇચ્છિત ફેરફાર કરે છે;
દા. ત., પોતાની શ્વસનક્રિયાનો આલેખ કમ્પ્યૂટરના પડદા ઉપર જોતાં-જોતાં માણસ પોતાની એ ક્રિયાને અંકુશમાં લેવાનો પ્રયત્ન કરે. આમ આ સ્વનિયંત્રણની એક વિશિષ્ટ પદ્ધતિ છે.
અંદરની શારીરિક ક્રિયાઓનું માપન અને નિદર્શન કરવા માટે રક્તચાપ(blood pressure) માપક, વિદ્યુત-મસ્તિષ્કાલેખ (electroencephalogram—EEG) વિદ્યુત-ત્વચાપ્રતિક્ષેપમાપક વગેરે યંત્રો વપરાય છે. વિદ્યુત-મસ્તિષ્કાલેખ યંત્ર મગજમાંથી ઊપજતાં વિદ્યુતચુંબકીય મોજાંને માપે છે. વિદ્યુતત્વચાપ્રતિક્ષેપમાપક યંત્ર ચામડીમાંથી વીજપ્રવાહ કેટલી સરળતાથી પસાર થાય છે તે માપે છે. આવાં યંત્રો જે તે શારીરિક ક્રિયામાં થતા બહુ સૂક્ષ્મ ફેરફારો પ્રત્યે પણ સંવેદનશીલ હોય છે.
જ્યારે માણસ તીવ્ર આવેગથી ઉશ્કેરાયેલો હોય કે માનસિક અસ્વસ્થતા અનુભવતો હોય ત્યારે તેના સંબંધિત અવયવો સાથે ઉપરનાં યંત્રોને જોડીને આંતરિક ક્રિયાઓ માપવામાં આવે છે તેમજ ધ્વનિના સંકેત રૂપે અથવા ચંદા (dial) કે ટેલિવિઝનના પડદા ઉપર વાંકીચૂકી પ્રકાશરેખા રૂપે એ ક્રિયાઓને પ્રદર્શિત કરવામાં આવે છે. એ પણ દર્શાવાય છે કે વ્યક્તિની આ ક્રિયાઓ સાધારણ (normal) કરતાં કેટલે અંશે જુદી પડે છે.
ત્યારબાદ પોતાના શરીરની આંતરિક ક્રિયાઓને કઈ રીતે અંકુશમાં લેવી અને સમધારણ બનાવવી તે વ્યક્તિને નિષ્ણાત દ્વારા શીખવવામાં આવે છે; દા. ત., પોતાના મગજમાંથી ઊપજતા બીજા તરંગોને ઘટાડવા અને આલ્ફા-તરંગો(જે મનની શાંત જાગ્રત અવસ્થા સૂચવે છે)ને મહાવરા વડે ટકાવી રાખવા.
નિષ્ણાતની દેખરેખ નીચે યોગ્ય રીતે ઉપયોગ કરવાથી આ પદ્ધતિ વડે લોહીનું ઊંચું દબાણ ઘટાડી શકાય, આધાશીશી(માઇગ્રેન)ની પીડાને હળવી કરી શકાય તથા અપસ્માર(વાઈ)ના હુમલાનું પુનરાવર્તન ઘટાડી શકાય એમ પશ્ચિમનાં સંશોધનો દર્શાવે છે.
જૈવ પ્રતિનિવેશની પ્રભાવક શક્તિ હજી પૂરેપૂરી જાણમાં આવી નથી. આ પદ્ધતિ મુખ્યત્વે મનોભાર સાથે સંકળાયેલી વિકૃતિઓને નિયંત્રણમાં લઈ શકે છે. એના બીજા કયા ઉપયોગો શક્ય છે અને એની અસર લાંબા સમય સુધી ટકે છે કે નહિ તે વિશે નિર્વિવાદ માહિતી મળતી નથી.
બીજી ઓછી ખર્ચાળ પદ્ધતિઓ કરતાં જૈવ પ્રતિનિવેશ ચડિયાતું પરિણામ આપતી નથી. ભારત અને એશિયાના યોગીઓ તથા ઝેન ગુરુઓ ઉપર દર્શાવેલાં યંત્રોની મદદ વિના પણ પોતાની આંતરિક ક્રિયાઓને ઇચ્છા મુજબ ઝડપી કે ધીમી કરી શકે છે. જૈવ પ્રતિનિવેશ બધી મનોવિકૃતિઓને સુધારી શકતો નથી. પણ અન્ય સારવારની જોડે વાપરવાથી ખૂબ લાભ આપે છે.
ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે