જૈન, હરિકૃષ્ણ (જ. 28 મે 1930, ગુડગાંવ, હરિયાણા) : ભારતના કૃષિવિશારદ. પિતાનું નામ નેમચંદ. અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી. તેમણે 1949માં બી.એસસી. વનસ્પતિશાસ્ત્ર અને 1951માં એમ.એસસી. સમકક્ષ ઍસોશિયેટ, આઇ.એ.આર.આઇ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમે પાસ કરી. 1952માં રૉયલ કમિશનની સાયન્સ રિસર્ચ ફેલોશિપ મેળવી 1955માં યુનિવર્સિટી ઑવ્ વેલ્સમાંથી પીએચ.ડી. થયા.
તેમણે કૃષિસંશોધન અને કેળવણી ક્ષેત્રે અગ્રગણ્ય ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા (આઇ.એ.આર.આઇ.), દિલ્હીમાં 1956થી 1984 સુધી 28 વર્ષ સેવા આપી, જે પૈકી 10 વર્ષ આનુવંશિંક વિભાગના વડા અને બીજાં 7 વર્ષ સંસ્થાના નિયામકપદે હતા. 1984થી 1992 સુધીનાં 8 વર્ષ ઇન્ટરનૅશનલ સર્વિસ ફૉર નૅશનલ ઍગ્રિકલ્ચર રિસર્ચ (આઇ.એસ.એન.એ.આર.), હેનમાં શરૂઆતમાં સિનિયર રિસર્ચ ફેલો અને ત્યારબાદ 1986થી ડેપ્યુટી ડિરેક્ટર-જનરલ તરીકે સેવા આપી.
આઇ.એ.આર.આઇ.ની ખાસ કરીને વિભાગીય વડા તથા નિયામક તરીકેની સેવા દરમિયાન, સંસ્થા તથા તેનાં 14 વિભાગીય કેન્દ્રોના વહીવટ અને વિકાસમાં ઘણો ફાળો આપ્યો અને વધુ ઉત્પાદન આપતી જાતોના વિકાસ-કાર્યક્રમને સબળ નેતૃત્વ પૂરું પાડ્યું. ઉપરાંત જમીન અને પિયત, પાણી, વપરાશ, વ્યવસ્થાનાં તેમજ ઊર્જાવ્યવસ્થા વિકાસ અને યોગ્ય વપરાશનાં સંશોધનો માટે મજબૂત પાયો નાખ્યો. સાથોસાથ કૃષિ અનુસ્નાતક શિક્ષણ અને વિસ્તરણ કાર્યક્રમના વહીવટ અને વિકાસમાં પણ ખૂબ નોંધપાત્ર ફાળો આપ્યો.
તેમણે વિશ્વના વિવિધ દેશોનો બહોળો પ્રવાસ કરી આંતરરાષ્ટ્રીય કૃષિસંશોધનના સંકલનમાં ઘણું યોગદાન આપ્યું. તે ઇન્ટરનૅશનલ મેઝ ઍન્ડ વીટ ઇમ્પ્રૂવમેન્ટ સેન્ટર (ઈમીટ), મેક્સિકો, ઇન્ટરનૅશનલ બોર્ડ ફૉર પ્લાન્ટ જિનેટિક, ઇન્ટરનૅશનલ ઍગ્રિકલ્ચર રિસર્ચ, કૅનબરા જેવી વિવિધ સંસ્થાઓનાં વહીવટમંડળોના સભ્ય તરીકે રહ્યા. આઈ.એસ.એન.એ.આર.ના ડેપ્યુટી ડિરેક્ટર-જનરલ તરીકે વિશ્વના 30 દેશોનાં કૃષિસંશોધન નીતિ અને સંસ્થાકીય વ્યવસ્થા-વિકાસમાં તેમણે ફાળો આપ્યો. આ ઉપરાંત તેમણે ઘણી સંસ્થાઓમાં મહત્વના હોદ્દેદાર તરીકે માર્ગદર્શન આપ્યું.
તેમણે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિચારગોષ્ઠીમાં ભાગ લીધો અને અનેક વૈજ્ઞાનિક ચર્ચાસભાઓનું પ્રમુખપદ સંભાળ્યું. વિશ્વનાં વિવિધ વૈજ્ઞાનિક અને ટૅક્નિકલ જર્નલોમાં તેમના 100 ઉપરાંત લેખો પ્રસિદ્ધ થયા. (કેટલાંય જર્નલોમાં તેમણે તંત્રી/સહતંત્રી તરીકે સેવાઓ આપી.)
જવાહરલાલ નેહરુ ફેલોશિપ, રફી એહમદ કિડવાઈ ઍવૉર્ડ, શાંતિ- સ્વરૂપ ભટનાગર મેમૉરિયલ પ્રાઇઝ, બોરલૉગ ઍવૉર્ડ, પદ્મશ્રી વગેરેથી તેમનું સન્માન થયેલું છે.
આઇ.એ.આર.આઇ. સંસ્થા તરફથી