જૈનેન્દ્ર વ્યાકરણ (ઈ. સ.ની પાંચમી સદી) : પાણિનીય વ્યાકરણના આધારે દેવનંદીએ રચેલો ગ્રંથ. સ્વર અને વૈદિક પ્રકરણને બાદ રાખી તે 5 અધ્યાયોમાં પૂરો કરાયો છે. આ વ્યાકરણનાં અત્યારે 2 સંસ્કરણો મળે છે : (1) ઔદીચ્ય, તેમાં 3 હજાર સૂત્રો છે અને (2) દાક્ષિણાત્ય, તેમાં 3,700 સૂત્રો છે. દાક્ષિણાત્ય સંસ્કરણમાં સૂત્રોની સંખ્યાના વધારાની સાથે સાથે ઉક્ત ઔદીચ્ય સંસ્કરણનાં મૂળ સૂત્રોમાં પણ સુધારાવધારા થયા છે. અહીં એક શેષ પ્રકરણનો સમાવેશ કરાયો નથી; એ આ વ્યાકરણની વિશેષતા છે. देवोपज्ञमनेकशेषव्याकरणम् । તો વળી, અહીં વપરાયેલી સંજ્ઞાઓ અલ્પાક્ષર છે. સૂત્રપાઠ, ધાતુપાઠ, ગણપાઠ, ઉણાદિસૂત્રો અને લિંગાનુશાસન – એમ પાંચેય અંગો ધરાવતું આ પૂર્ણ વ્યાકરણ છે. આના ઉપર અભયનંદી(ઈ. સ.ની અઢારમી સદી)એ ‘મહાવૃત્તિ’ નામે વ્યાખ્યા લખી છે.
કમલેશ ચોકસી