જેમ્સ બૉન્ડ : વીસમી સદીના છઠ્ઠા અને સાતમા દાયકામાં વિશ્વભરમાં સિનેમાના રૂપેરી પડદા પર વિખ્યાત બનેલું કાલ્પનિક પાત્ર. સતત ઘાતકી પ્રવૃત્તિઓથી ધમધમતા દુશ્મનના અત્યંત શસ્ત્રસજ્જ આમાં શસ્ત્ર વગર ઘૂસી જઈ, તેનો નાશ કરીને સુંદરીઓ સાથે મોજ માણતો સોહામણો જાસૂસ જેમ્સ બૉન્ડ બ્રિટિશ પત્રકાર બૅંકર ઇયાન લકેસ્ટર ફ્લેમિંગ(1906–1964)ની નવલકથાશ્રેણીનું મુખ્ય કાલ્પનિક પાત્ર છે. તે પાત્ર પરથી બનેલી ફિલ્મોએ મનોરંજનના ક્ષેત્રે એક નવો પ્રવાહ શરૂ કર્યો.
ઇયાન ફ્લેમિંગે પોતાની કારકિર્દી દરમિયાન નૌકાદળના જાસૂસી વિભાગમાં પણ સેવા આપી હતી અને તેના અનુભવો તેમણે નવલકથાઓમાં આલેખ્યા હતા જેમાં દસ્તાવેજી સચ્ચાઈ હતી, છતાં તેણે સર્જેલો જેમ્સ બૉન્ડ જાણે અતિમાનવ છે. તે જવાંમર્દ અને દિલેર જાસૂસ છે, તેનો કોડ નં. 007 છે. તે કોઈને પણ મારી નાખવાનો પરવાનો ધરાવે છે. વૈભવશાળી જીવનનો શોખીન જેમ્સ બૉન્ડ દેશ અને દુનિયા માટે જાનની બાજી લગાવવા હંમેશાં તત્પર રહે છે. તેનું માનીતું હથિયાર .25 બેરેટા રિવૉલ્વર છે. વિશ્વને કબજે કરવાની મહત્વાકાંક્ષા ધરાવતા વિકૃત મગજના વિજ્ઞાનીઓ, ઘાતકી તરંગ ધરાવતા તવંગરો, દાણચોરો, માદક પદાર્થોના વેપારીઓ વગેરે સાથે તે બાથ ભીડે છે. ઇયાન ફ્લેમિંગે જેમ્સ બૉન્ડ નામ જમૈકાના એક પક્ષીશાસ્ત્રીના નામ પરથી લીધું હતું.
જેમ્સ બૉન્ડની વાર્તાઓ પરથી બનેલી ફિલ્મોએ જેમ્સ બૉન્ડના પાત્રને નાનાં બાળકોના હૃદયમાં કાયમી સ્થાન અપાવ્યું.
1962માં ટેરેન્સ યંગના દિગ્દર્શન હેઠળ સૌપ્રથમ બૉન્ડ ફિલ્મ ‘ડૉ. નો’ બની, જેમાં અનેક યુવાનોની કસોટી પછી રંગમંચના કલાકાર સીન કોનેરીની જેમ્સ બૉન્ડના પાત્ર માટે પસંદગી કરવામાં આવી. ‘ડૉ. નો’ની સફળતા બાદ જાણે વણજાર ચાલી. ‘ફ્રૉમ રશિયા વિથ લવ’ (1964), ‘ગોલ્ડફિંગર’ (1964), ‘થંડરબૉલ’ (1965), ‘યૂ ઓન્લી લિવ ટ્વાઇસ’ (1967) અને ‘ડાયમન્ડ્સ આર ફૉર એવર’ (1971) સીન કોનેરીને ચમકાવતી ફિલ્મો હતી. સીન કોનેરી જેમ્સ બૉન્ડ તરીકે ફિક્કો લાગતો હોવાથી જ્યૉર્જ લેઝેન્બી નામના અભિનેતાએ તે પાત્રને અને ‘ઑક્ટૉપસી’(1983)માં જેમ્સ બૉન્ડના પાત્રને સુપેરે નિભાવ્યું. જેમ્સ બૉન્ડ ચિરયુવાન પાત્ર છે. તેને ભજવનાર કલાકારની ઉંમર વરતાવા લાગે એટલે નવા કલાકારની શોધ થાય. ‘ધ લિવિંગ ડે લાઇટ્સ’ (1987) અને ‘લાઇસન્સ ટુ કિલ’ (1989) ફિલ્મોમાં જેમ્સ બૉન્ડનું પાત્ર ટિમોથી ડાલ્ટને ભજવ્યું છે. જેમ્સ બૉન્ડના પાત્રમાં સીન કોનેરીને લેવાનું બંધ કરાયા પછી રોજર મૂર જ્યારે જેમ્સ બૉન્ડનું પાત્ર ભજવતો હતો ત્યારે 1983માં સીન કોનેરીને જેમ્સ બૉન્ડના પાત્રમાં રજૂ કરતી ફિલ્મ ‘નેવર સે નેવર અગેઇન’ રજૂ થઈ હતી. ‘ઑક્ટોપસી’ ફિલ્મમાં કબીર બેદી જેવા ભારતીય કલાકાર અને વિજય અમૃતરાજ જેવા ટેનિસ ખેલાડીને અને અનેક ભારતીય સુંદરીઓને અભિનયની તક મળી હતી.
નરેન્દ્ર જોશી