જેનર, એડવર્ડ (જ. 17 મે 1749, બર્કલી, ગ્લાસ્ટરશાયર; અ. 26 જાન્યુઆરી 1823, બર્કલી) : બળિયાની રસીના શોધક. જન્મ ઇંગ્લૅન્ડના ગામડામાં એક પાદરીને ત્યાં થયો. 5 વર્ષની ઉંમરે પિતાનું અવસાન થયું. પાદરી મોટા ભાઈએ જેનરને ઉછેર્યા. નાનપણથી જ કુદરત તરફ પ્રેમ હતો, જે તેમના મૃત્યુ સુધી કાયમ રહ્યો. તેમણે પાઠશાળા(grammar school)માં અભ્યાસ કર્યો. પછી 13 વર્ષની ઉંમરે તબીબી તાલીમાર્થી તરીકે અભ્યાસ શરૂ કર્યો. 8 વર્ષ દરમિયાન ઔષધશાસ્ત્ર અને વાઢકાપનું ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું. સેંટ જ્યૉર્જ હૉસ્પિટલના જાણીતા સર્જન જ્હૉન હંટરના વિદ્યાર્થી તરીકે 21 વર્ષની
ઉંમરે લંડન આવ્યા. હંટર સાથેની ગાઢ મૈત્રી 1793માં હંટરના અવસાન સુધી તેવી જ રહી. જીવશાસ્ત્રને લગતી ઘટનાઓમાં જીવંત રસ, બનતી ઘટનાઓનું સૂક્ષ્મ અને વ્યવસ્થિત નિરીક્ષણ કરવાની ટેવ અને પ્રાયોગિક સંશોધન પર આધાર રાખવાનો આગ્રહ તેમને હંટર પાસેથી મળ્યાં. હંટર જેનરને હંમેશાં સલાહ આપતા કે વૈજ્ઞાનિક ઘટના માટે એકલું વિચારવાનું પૂરતું ગણવું નહિ પણ તેને તાત્કાલિક પ્રાયોગિક ધોરણે ચકાસી જોવી. જીવશાસ્ત્રમાં અભ્યાસ અને અનુભવ મેળવવા ઉપરાંત જેનરે નૈદાનિક શલ્યકર્મ(clinical surgery)માં પ્રભુત્વ મેળવ્યું. લંડનમાં 2 વર્ષ રહ્યા પછી તેમણે 1773માં બર્કલીમાં ઔષધશાસ્ત્રના વ્યવસાયમાં ઘણી સફળતા અને લોકચાહના મેળવી. ઔષધશાસ્ત્રના જ્ઞાનમાં વધારો થાય તે માટે તેમણે તે અંગેના સંશોધનલેખો પણ પ્રસિદ્ધ કર્યા. તેમને સંગીતનો ભારે શોખ હતો. સંગીતસભામાં વાયોલિન વગાડવા જતા. કાવ્યો પણ લખતા. પ્રકૃતિવાદી તરીકે તે પક્ષીઓની માળા બાંધવાની રીત અને ટેવો તેમજ કોયલ જેવાં પક્ષીઓના સ્થળાંતરનું સૂક્ષ્મ નિરીક્ષણ કરતા. હંટર માટે જીવશાસ્ત્રના નમૂના પણ એકઠા કરતા.
અઢારમા સૈકામાં બળિયા એટલે શીતળાના ફેલાવાનું પ્રમાણ ઘણું ઊંચું હતું. તેના વાવર વખતે ઘણાં મરણ નીપજતાં. તેના હુમલામાંથી કદાચ કોઈ બચતું તો બચનાર વ્યક્તિનો ચહેરો કદરૂપો થઈ જતો. રોગના પ્રતિકાર માટે ફક્ત એક જ ઉપાય હતો. તેમાં શીતળાના હળવા રોગથી પીડાતા દર્દીમાંથી તે દ્રવ્ય કાઢી તેને તંદુરસ્ત માણસના શરીરમાં દાખલ કરવામાં આવતું. તેને રસી મૂકવા(inoculation)ની પ્રક્રિયા કહેવામાં આવે છે. રસી મૂકવાની આ પદ્ધતિ પૂર્વમાંથી આવી, જે બે પરિકલ્પના પર આધાર રાખે છે : જે વ્યક્તિને બળિયા નીકળ્યા હોય તેને ફરીથી તેની અસર થતી નથી અથવા જે વ્યક્તિને બળિયાની રસી મૂકવામાં આવી હોય તેને બળિયાની અસર થતી નથી. જેનરે જોયું કે જે વ્યક્તિને ગો-શીતળા નીકળ્યા હોય તેને શીતળા નીકળતા નથી. 1796માં જેનરે એક યુવતીનાં આંગળાંના ગો-શીતળાના જંતુઓની રસી જેમ્સ ફિક્સ નામના 8 વર્ષના બાળકને મૂકી. બાળકને સાધારણ તાવ આવ્યો અને શીતળાની સામાન્ય અસર થઈ. તે જ બાળકને જુલાઈની 1લી તારીખે બળિયા ટાંક્યા તો તેને બળિયાનો રોગ લાગુ ન પડ્યો. તેથી છોકરામાં શીતળાની રસીથી બળિયા સામે પ્રતિકારની શક્તિ આવી અને તેને શીતળા સામે પૂરેપૂરું રક્ષણ મળ્યું એ વાતની પ્રતીતિ થઈ. 1797માં તેણે રૉયલ સોસાયટીને પોતાના આ પ્રયોગનું એક સંશોધન પેપર મોકલી આપ્યું. પણ તેનો અસ્વીકાર થયો. ત્યાર પછી જેનરે 1798 સુધીમાં બીજા આવા વધુ પ્રયોગો કરી ‘ઍન ઇન્ક્વાયરી ઇનટૂ ધ કૉઝીઝ ઍન્ડ ઇફેક્ટ્સ ઑવ્ ધ વૅરિયૉલિક વૅક્સિન’ પુસ્તિકા છપાવી. આ પુસ્તિકાની તાત્કાલિક બહુ અનુકૂળ અસર ન થઈ. તેથી જેનરે લંડન જઈ ત્યાં રસી મુકાવનારા સ્વયંસેવકો શોધવા માંડ્યા. 3 મહિના સુધી તો તેને આ કાર્યમાં સફળતા મળી નહિ. સર્જન હેન્રી ક્લાઇન, જ્યૉર્જ પિયરસન અને વિલિયમ વુડવિલ(જેમને જેનરે રસીના નમૂના આપ્યા હતા)ના યત્નો દ્વારા બળિયાની રસી લોકપ્રિય થવા માંડી, જે યુરોપ અને અમેરિકામાં પ્રસાર પામી. પિયરસને જેનરની શોધની પ્રતિષ્ઠા પોતાના નામે ચડાવવાનો પ્રયત્ન કર્યો. શીતળાની રસી મૂકવામાં ઘણી તકલીફો હતી. ઘણી વખતે રસી મૂકનાર તે મૂકવાની પદ્ધતિથી માહિતગાર ન હતા. કેટલાક જેનરની પ્રતિષ્ઠાને ધોકો પહોંચે તે માટે જાણીજોઈને ખોટી રીતે રસી મૂકતા. કેટલીક વખતે શુદ્ધ રસીના અભાવને લીધે પણ આમ બનતું. આ બધાંની પરવા કર્યા વગર જેનરે પોતાનું કાર્ય આગળ ચાલુ રાખ્યું અને બળિયા ટંકાવવાની પદ્ધતિ પૂર્ણ કરી. આ કાર્ય પાછળ જેનરને પોતાના વ્યવસાયમાં ખૂબ આર્થિક નુકસાન ભોગવવું પડ્યું. આ કારણસર ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટે ઠરાવ કરી 1802માં 10,000 પાઉન્ડ અને 1806માં 20,000 પાઉન્ડ જેનરને આપ્યા.
શીતળાની રસીની શોધ માટે જેનરને ઘણાં માનપત્રો મળ્યાં, સાથે સાથે તેમનો પુષ્કળ વિરોધ પણ થયો, છતાં તેમણે તેમનું તે કાર્ય અવિરતપણે ચાલુ રાખ્યું હતું. શીતળાના રોગની નાબૂદીનું માન જેનરને ફાળે જાય છે. 1815માં પોતાની પત્નીના અવસાન બાદ જેનરે જાહેર જીવનમાંથી નિવૃત્તિ લીધી.
પ્રવીણસાગર સત્યપંથી