જેટ્રોફા : દ્વિદળી વર્ગના કુળ યુફોર્બિયેસી વનસ્પતિની પ્રજાતિ. તેના સહસભ્યોમાં પુત્રંજીવા, એકેલિફા, ક્રોટન વગેરેનો સમાવેશ થાય છે.
જેટ્રોફાની જુદી જુદી જાતોમાં સારી એવી વિવિધતા જોવા મળે છે. આ પૈકી થોડી જાતો આ પ્રમાણે છે :
જે. પેન્ડુરેફોલિયા : દોઢેક મીટર ઊંચા થતા આના છોડ ઉપર લગભગ બારે માસ ગુલાબી-લાલ રંગનાં ફૂલ ઠીક ઠીક પ્રમાણમાં આવે છે. ફૂલ ત્રણેક સેમી. વ્યાસનાં હોય છે. પાન સાધારણ મોટાં હોય છે. ઓછી સંભાળથી પણ તે સારી રીતે ટકી રહે છે. શિયાળામાં છટણી કરવાથી છોડ માપસર રહે છે.
જે. મલ્ટિફિડા : સંસ્કૃતમાં ભદ્રદંતી નામે ઓળખાતા આ ઝાડને અંગ્રેજીમાં coral plant કહે છે. છોડ 2થી 3 મી. ઊંચા થાય છે. પાન પંજા આકારનાં મોટાં હોય છે. ફૂલ નાનાં લાલ રંગનાં, ડાળીને છેડે ઝૂમખામાં, મુખ્યત્વે ઉનાળામાં તથા ચોમાસામાં આવે છે.
જે. પોડેગ્રીકા : 60થી 80 સેમી. ઊંચા થતા આ છોડનું થડ નીચેથી જાડું અને ઉપર જતાં પાતળું હોય છે. પાન મોટાં પંજાદાર હોય છે. કેસરી લાલ રંગનાં ફૂલ મુખ્યત્વે ચોમાસાના પાછલા ભાગમાં આવે છે. આ છોડને બહુ ઓછા પાણીની જરૂર રહે છે.
જે. ગોસિપીફોલિયા (વિલાયતી એરંડો) : દોઢેક મીટર ઊંચા થતા આ છોડને એરંડાનાં પાનના આકારનાં પણ થોડાં નાનાં અને લાલાશ પડતાં લીલાં પાન આવે છે. લાલ રંગનાં નાનાં નાનાં ફૂલ દિવાળીની આસપાસ આવે છે. છોડ ઉપર ઘણી જગ્યાએ રુવાંટી જેવા વાળ હોય છે. ગામડાંમાં વાડામાં આ છોડ થતા હોય છે. આ જાત બહુ ઓછી સંભાળ માગતી હોય છે.
જે. ક્યુરાસ (જમાલગોટા, રતનજોત) : આયુર્વેદિક દવામાં વપરાતું આ એક નાનું ઝાડ છે. તેનાં પાન પંજા આકારનાં હોય છે. આછા પીળા રંગનાં ફૂલ ચોમાસાના પાછલા ભાગમાં આવે છે. એનાં ફળ એરંડાનાં ફળ જેવાં જ થાય છે અને એમાંથી મીજ પણ દિવેલીના જેવી જ નીકળે છે. તેનું તેલ રેચક તરીકે વપરાય છે. આ તેલનો ઉપયોગ લકવા, આમવાત, સાયટિકા જેવા રોગોથી પીડાતા દર્દીઓને ચોપડવામાં વપરાય છે. તેની છાલ ગાઢ નીલો રંગ આપે છે જે કપડાં, મત્સ્યજાળ જેવાંને રંગવામાં વપરાય છે.
મ. ઝ. શાહ