જેટલી અરુણ ( જ. 28 ડિસેમ્બર, 1952 ; અ. 24 ઑગસ્ટ, 2019, દિલ્હી, ) : ભાજપના અગ્રણી નેતા. વર્ષ 2014માં કેન્દ્રમાં મોદી સરકારનાં મંત્રીમંડળમાં કેન્દ્રીય નાણાં, સંરક્ષણ અને કૉર્પોરેટ એમ ત્રણ-ત્રણ મોટાં મંત્રાલયો ધરાવતા નેતા. દેશમાં ઇતિહાસમાં ઐતિહાસિક નોટબંધી (વિમુદ્રીકરણ) લાગુ થયું, રૂ. 2000નું મૂલ્ય ધરાવતી ચલણી નોટો અમલમાં આવી અને દેશમાં પરોક્ષ કરવેરાનો અત્યાર સુધીનો સૌથી મોટો સુધારો ગણવામાં આવે છે એ જીએસટી (ચીજવસ્તુઓ અને સેવા વેરો) જેટલીના નાણામંત્રીનાં ગાળામાં લાગુ થયો
પિતા મહારાજ કિશન અને માતા રતન પ્રભા. પિતા ધારાશાસ્ત્રી અને માતા ગૃહિણી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ 1957થી 1969 સુધી દિલ્હીની સેન્ટ ઝેવિયર્સ સિનિયર સેકન્ડરી સ્કૂલમાં મેળવ્યું. શરૂઆતનાં વર્ષોમાં ઇજનેર બનવા ઇચ્છતા જેટલીએ 1973માં દિલ્હી યુનિવર્સિટીની શ્રી રામ કૉલેજ ઑફ કૉમર્સમાંથી વાણિજ્ય શાખામાં સ્નાતકની પદવી મેળવી. 1977માં દિલ્હી યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત ફૅકલ્ટી ઑફ લૉમાંથી એલએલ.બીની પદવી મેળવી.
દિલ્હી યુનિવર્સિટીમાં કૉલેજકાળથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના નેતા જેટલી 1974માં દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના પ્રમુખ બનીને બહાર આવ્યાં. 1973માં રાજ નારાયણ અને જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં ભ્રષ્ટાચારવિરોધી આંદોલનમાં અગ્રણી યુવાન વિદ્યાર્થી નેતાઓમાં સામેલ. જયપ્રકાશ નારાયણે તેમને વિદ્યાર્થીઓ અને યુવા સંગઠન માટે રાષ્ટ્રીય સમિતિના સંયોજક બનાવ્યા. કટોકટી દરમિયાન 19 મહિના જેલવાસ ભોગવ્યો. પહેલાં અંબાલા જેલ અને પછી તિહાર જેલમાં રાખવામાં આવ્યા. જેલમાં તેમનો પરિચય અટલબિહારી વાજપેયી, એલ કે અડવાણી, નાનાજી દેશમુખ જેવા જનસંઘના નેતાઓ સાથે થયો. આ રીતે તેમણે સત્તાવાર રીતે રાજકીય પ્રવેશ કૅમ્પસમાં નહીં, પણ જેલમાં કર્યો હતો એવું કહીએ તો પણ ચાલે, કારણ કે જેલમાંથી છૂટીને તેઓ જનસંઘમાં સામેલ થયા.1977માં જેટલી દિલ્હી એબીવીપીના પ્રમુખ બન્યા અને એબીવીપીના અખિલ ભારતીય સચિવ બન્યા. 1980માં ભાજપની યુવા પાંખના પ્રમુખ બન્યા.
રાજકીય કારકિર્દીની સાથે સાથે 1977થી ભારતની સર્વોચ્ચ અદાલત અને કેટલાંક રાજ્યોની હાઈ કોર્ટમાં ધારાશાસ્ત્રી તરીકે પ્રૅક્ટિસ શરૂ કરી. જાન્યુઆરી, 1990માં દિલ્હી હાઈ કોર્ટ દ્વારા સિનિયર એડવોકેટ તરીકે નિમણૂક થઈ. 1980ના દાયકામાં તેઓ રામ જેઠમલાનીના સહાયક સ્વરૂપે વિવિધ મહાનુભાવોના સંપર્કમાં આવ્યા. 1989માં વી પી સિંહ સરકારે ભારતના અધિક સૉલિસિટર જનરલ તરીકે નિમણૂક કરી તથા બોફોર્સ કૌભાંડમાં તપાસ કરવા પેપરવર્ક કર્યું. દરમિયાન રામ જેઠમલાનીએ ઇન્ડિયન એક્સપ્રેસ મારફતે રાજીવ ગાંધી સામે દરરોજ એક સવાલ કરતો લેખ લખ્યા, જેના કારણે કૉંગ્રેસની સાખને બહુ મોટો ફટકો પડ્યો. આ કામમાં તેમને અરુણ જેટલીએ બહુ મદદ કરી. તેમના ક્લાયન્ટમાં જનતા દળના શરદ યાદવથી લઈને કૉંગ્રેસના માધવરાવ સિંધિયા અને ભાજપના એલ કે અડવાણી સામેલ. ઉપરાંત કોકા-કોલા સામે પેપ્સીકો જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓના કેસ સર્વોચ્ચ અદાલતમાં લડ્યા. રાજસ્થાન હાઈ કોર્ટમાં કોકા કોલા માટે કેસ લડ્યાં.
1991થી ભાજપની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય. 1999ની લોકસભાની ચૂંટણી અગાઉ ભાજપના પ્રવક્તા બન્યાં. 13 ઑક્ટોબર, 1999ના રોજ વાજપેયી સરકારમાં તેમની રાજ્ય કક્ષાના કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે નિમણૂક થઈ. ઉપરાંત રાજ્ય કક્ષાના કેન્દ્રીય ડિસઇન્વેસ્ટમેન્ટ મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકેની વધારાની જવાબદારી મળી. 23 જુલાઈ, 2000ના રોજ રામ જેઠમલાનીએ કેન્દ્રીય કાયદા, ન્યાય અને કૉર્પોરેટ મંત્રી તરીકે રાજીનામું આપ્યા પછી જેટલીને આ મંત્રાલય વધારાની જવાબદારી તરીકે સુપરત થયું. નવેમ્બર, 2000માં કેન્દ્રીય કાયદા, ન્યાય અને કંપની તથા જહાજ મંત્રી બન્યાં. વર્ષ 2000માં એશિયા વીક મૅગેઝિને ભારતના સૌથી નવયુવાન અને ઉદય થઈ રહેલા રાજકારણીઓની યાદીમાં જેટલીનું નામ સામેલ કર્યું.
1 જુલાઈ, 2002નાં રોજ તમામ મંત્રીપદો પરથી રાજીનામું આપીને ભાજપના મહાસચિવ અને રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે કામગીરી કરી. 29 જાન્યુઆરી, 2003ના રોજ મંત્રીમંડળમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ તથા કાયદા અને ન્યાય મંત્રી તરીકે પુનરાગમન કર્યું. વર્ષ 2004માં ભાજપની લોકસભાની ચૂંટણીમાં હાર થયા પછી જેટલીએ વકીલાત ફરી શરૂ કરી. વર્ષ 2009માં પણ લોકસભાની ચૂંટણીમાં અડવાણીના નેતૃત્વમાં ભાજપનો પરાજય થયો.
દરમિયાન જેટલી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાતા રહ્યા.
3 જૂન, 2009ના રોજ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ એલ. કે. અડવાણી દ્વારા જેટલીની રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે પસંદગી થઈ. જૂન, 2009માં ધારાશાસ્ત્રી તરીકે વ્યવસાયિક કામગીરીમાંથી નિવૃત્તિ લીધી. વર્ષ 2011માં અણ્ણા હઝારેના નેતૃત્વમાં ભ્રષ્ટાચારવિરોધી આંદોલનને ટેકો આપ્યો. તેમણે જન લોકપાલ બિલને પણ સમર્થન આપ્યું. વર્ષ 2002માં તેમણે ભારતના બંધારણમાં 84મો સુધારો પ્રસ્તુત કરીને વર્ષ 2026 સુધી સંસદીય બેઠકો 543 રાખવાની જોગવાઈ સફળતાપૂર્વક કરી.
વર્ષ 2014માં પહેલી વાર અમૃતસર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડ્યા, પણ કૉંગ્રેસના ઉમેદવાર અમરિન્દર સિંઘ સામે પરાજય થયો. પછી તેમને ગુજરાતમાંથી ભાજપે રાજ્યસભાના સાંસદ બનાવ્યા. માર્ચ, 2018માં ઉત્તરપ્રદેશમાંથી રાજ્યસભાનાં સાંસદ તરીકે ફરી ચૂંટાયા.
મે, 2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં એનડીએ સરકાર બન્યાં પછી જેટલી કેન્દ્રીય નાણાંમંત્રી બન્યા. સાથે સાથે કૉર્પોરેટ અને સંરક્ષણ મંત્રાલયની જવાબદારી પણ સંભાળી. સપ્ટેમ્બર, 2016માં તેમણે સ્વેચ્છાએ આવેક જાહેરાત કરવાની યોજના જાહેર કરી. તેમના નાણાંમંત્રી તરીકેના કાર્યકાળમાં જ પ્રધાનમંત્રી મોદીએ 9 નવેમ્બર, 2016ના રોજ કાળાં નાણાંને નિયંત્રણમાં લેવા, આતંકવાદી સંસ્થાઓનો નાણાકીય સ્રોત બંધ કરવા વગેરે કારણો દર્શાવીને રૂ. 500 અને રૂ. 1000ની ચલણી નોટોનું વિમુદ્રીકરણ કરવાની જાહેરાત કરી. એટલું જ નહીં સાથે સાથે રૂ. 2000ની ચલણ નોટ પ્રસ્તુત કરી, જેનું પણ સપ્ટેમ્બર, 2023 પછી વિમુદ્રીકરણ કરવાની જાહેરાત તાજેતરમાં મોદી સરકારે કરી છે. જેટલીના કાર્યકાળમાં 30 જૂન, 2017ની મધરાતે ચીજવસ્તુઓ અને સેવા વેરા (જીએસટી)નો અમલ 1 જુલાઈ, 2017થી લાગુ કરવાની જાહેરાત થઈ.
વર્ષ 2005માં હાઈ બ્લડ પ્રેશર (ઉચ્ચ રક્તચાપ)નું નિદાન થયા પછી પહેલી વાર બાયપાસ સર્જરી કરાવી. વર્ષ 2014માં 117 કિલોગ્રામનું વજન ઉતરાવવા ગૅસ્ટ્રિક બાયપાસ સર્જરી કરાવી. મે, 2018માં કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવી. ફેબ્રુઆરી, 2019માં સૉફ્ટ-ટિશ્યૂ સાર્કોમાના એક દુર્લભ સ્વરૂપનું નિદાન થયું અને અમેરિકામાં સારવાર મેળવી. 9 ઑગસ્ટ, 2019ના રોજ નવી દિલ્હીમાં એમ્સમાં ભરતી કરવામાં આવ્યાં, જ્યાં તેમનું 66 વર્ષની વયે અવસાન થયું.
ડિસેમ્બર, 1999માં દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન (ડીડીસીએ)ના પ્રમુખ બન્યાં અને પછી વર્ષ 2012 સુધી રહ્યા.
12 સપ્ટેમ્બર, 2019ના રોજ દિલ્હીના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલીને અરુણ જેટલી સ્ટેડિયમ કરવામાં આવ્યું. 28 ડિસેમ્બર, 2020ના રોજ ગૃહ મંત્રી અમિત શાહે અરુણ જેટલી સ્ટેડિયમમાં અરુણ જેટલીની પ્રતિમાનું લોકાર્પણ કર્યું.
કેયૂર કોટક