જૂથ (group) : મેદાનમાં, રસ્તા ઉપર કે ગાડીમાં અનેક વ્યક્તિઓ માત્ર પાસે પાસે હોય છે; માત્ર એ નજીકપણાને આધારે જૂથ બનતું નથી. જૂથ બનવા માટે વ્યક્તિઓ વચ્ચે કોઈ જાતની મનોવૈજ્ઞાનિક સમાનતા હોવી જરૂરી છે. સરખી માન્યતાઓ અને સરખા આદર્શો ધરાવતી તેમજ સરખાં ધ્યેયો મેળવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભેગી થયેલી અને એકબીજી સાથે સમજણથી ક્રિયા કરતી વ્યક્તિઓના સમૂહને જૂથ કહેવાય.
બે કે વધુ વ્યક્તિઓ એકબીજી સાથે કોઈ પણ પ્રકારના ક્રિયાત્મક (functional) સંબંધોથી સંકળાયેલી હોય ત્યારે તેમનું ‘જૂથ’ રચાયું છે તેમ કહેવાય. જૂથના સભ્યો વચ્ચે હંમેશાં પ્રત્યક્ષ મોઢામોઢ આંતરક્રિયા ન થઈ શકે તોપણ તે સભ્યો વચ્ચે જો અન્ય કોઈ પણ પ્રકારની સામાજિક આંતરક્રિયા થતી હોય તો તેમનું પણ જૂથ રચાયું છે તેમ જ ગણાય.
જૂથના સભ્યો સામાજિક ક્રિયાઓ દ્વારા એકબીજાને અસર કરે છે. જૂથની વ્યક્તિઓને એવું લાગતું હોય છે કે આ જૂથ અમારું છે, અમે આ જૂથના સભ્યો છીએ અને એકબીજા ઉપર આધાર રાખીએ છીએ. કુટુંબ, સગાંસંબંધીઓ, મિત્રોનું વર્તુળ, મનોરંજનની ક્લબ, કર્મચારી સંઘ વગેરે જૂથો છે.
જૂથની રચના : મોટે ભાગે જ્યારે વ્યક્તિઓ એકબીજીની પાસે પાસે હોય, સરખી વય કે જાતિની હોય, સરખા આચારવિચાર, સરખી સંસ્કૃતિ, સરખું શિક્ષણ પામેલી કે સરખા વ્યવસાયમાં હોય કે સરખાં ધ્યેયોથી પ્રેરાતી હોય ત્યારે તેઓ જૂથ રચે છે.
જૂથના પ્રકારો : (1) પ્રાથમિક જૂથ (દા. ત., કુટુંબ)માં સભ્યો વચ્ચે મોઢામોઢના સંબંધો હોય છે. (2) દ્વૈતીયીક જૂથ (દા. ત., ક્રિકેટરસિયાઓનું જૂથ)માં સભ્યો એકબીજાથી ઘણે દૂર હોવા છતાં સરખો રસ ધરાવે છે અને સંદેશાવ્યવહાર વડે આંતરક્રિયા કરતા હોય છે. (3) જે લોકોને આપણા પોતાના ગણીએ એ લોકોનું જૂથ આપણા માટે સ્વકીય જૂથ બને છે. (4) જેમને પારકા ગણીએ એ લોકો આપણા માટે પરકીય જૂથ બને છે. (5) વ્યક્તિ જેમાં સભ્ય હોય એ તેનું સભ્યજૂથ છે. (6) વ્યક્તિ જે જૂથમાં સભ્ય નથી (દા. ત., સ્ટેજ-શોનાં સંગીતકારોનું જૂથ) પણ જે જૂથમાં સભ્ય બનવા માગે છે તે તેને માટે સંદર્ભજૂથ કહેવાય. (7) ઔપચારિક જૂથમાં સભ્યો વચ્ચેના સંબંધોનું માળખું જડ હોય છે. (8) અનૌપચારિક જૂથમાં સંબંધો અને ભૂમિકાઓ કુદરતી અને સ્વયંસ્ફૂર્ત હોય છે.
જૂથ રચાય ત્યારપછી સમય જતાં તેના સભ્યો વિવિધ ભૂમિકાઓ ભજવવા માંડે છે. એમાંની કેટલીક ભૂમિકાઓ બીજાએ સોંપેલી હોય છે જ્યારે કેટલીક ભૂમિકાઓ સભ્યે પોતે પસંદ કરેલી હોય છે.
જૂથ–ધોરણો : પોતાના સભ્યોના વર્તનને કાબૂમાં રાખવા માટે જૂથ નિયમો બનાવે છે; તેણે શું કરવું, શું ન કરવું તે જણાવે છે. જે સભ્ય નિયમનો ભંગ કરે તેને જૂથમાંથી બહાર કાઢવા સુધીની સજા કરવામાં આવે છે. જૂથમાં સતત સામેલ રહેવા માટે મોટા ભાગના સભ્યો નિયમોનું પાલન કરે છે અને સત્તાવાળા સભ્યો સાથે સારા સંબંધો જાળવે છે.
જૂથના વૈજ્ઞાનિક અભ્યાસો : ઑલપૉર્ટ, શેરીફ, લ્યુઇન, ઍશ, કોચ, ફ્રેંચ જેવા મનોવૈજ્ઞાનિકોએ જૂથનાં વિવિધ પાસાં વિશે સંશોધનો કર્યાં છે. ઑલપૉર્ટ વ્યક્તિઓ વચ્ચેની આંતરક્રિયાઓના અભ્યાસ ઉપર ભાર મૂકે છે જ્યારે લ્યુઇન જૂથને એક તંત્ર (system) ગણીને તેનો સમગ્રલક્ષી અભ્યાસ કરે છે.
વ્યક્તિના વર્તન ઉપર જૂથની અસરો : આવી વિવિધ અસરો નોંધવામાં આવી છે : (1) કેટલાક લોકો જૂથના અન્ય સભ્યોની હાજરીમાં વધારે સારી રીતે કાર્ય કરી શકે છે (સુલભતા સ્થાપન : facilitation). (2) કેટલાક લોકો અન્યોની હાજરીમાં સંકોચ અનુભવે છે. તેથી તેમના કાર્યનું પ્રમાણ અથવા ગુણવત્તા ઘટે છે (અવરોધ : inhibition). (3) કેટલાક લોકો એકલા હોય ત્યારે સારા નાગરિકની જેમ વર્તે છે; પણ જેવા ટોળામાં ભળે કે તરત આવેશમાં આવી જઈ અવિચારી, હિંસક વર્તન કરે છે. ‘એ ખરાબ વર્તન તો ટોળાએ કર્યું છે, મેં નહિ’ એમ તેઓ મન મનાવે છે.
જૂથનાં કાર્યો : જૂથ પોતાના સભ્યોને આહાર, આરામ, રક્ષણ, સ્નેહ, સિદ્ધિ, સલામતી, આત્મસન્માન કે વર્ચસ્ જેવી પ્રેરણાઓને સંતોષવામાં મદદ કરે છે. તેથી પોતાને મળેલા સંતોષ પ્રમાણે સભ્ય જૂથની સાથે વધતું-ઓછું તાદાત્મ્ય સાધે છે. જૂથમાં ભળવાથી સરખી રુચિવાળા માણસોને મળાય, ચીલાચાલુ જીવનના કંટાળા કે તંગદિલીમાંથી છુટકારો મળે, નવું નવું શીખીને સર્જક પ્રવૃત્તિ કરી શકાય. આર્થિક લાભ મળે, મોભો, સત્તા અને વગ વધે તેમજ પોતાના વિચારોનો પ્રચાર થઈ શકે.
લોકો જૂથમાં જોડાશે, તેમાં ટકી રહેશે કે તેને છોડી દેશે તેનો આધાર કેટલાક મનોવિજ્ઞાનીઓના મતે સભ્યોને જૂથમાંથી મળતા લાભ કે ફાયદા ઉપર તેમજ, જૂથમાં ભળવાથી તેમણે ચૂકવવી પડતી કિંમત એટલે કે પોતાનાં સાધનો જૂથને ફાળવવાની આવશ્યકતા ઉપર રહેલો છે. જૂથના સભ્યો જૂથમાંથી કંઈક મેળવે છે. કંઈક પોતે જૂથને આપે છે.
જૂથના આદર્શો (ideology) : લાંબા સમય સુધી થતી સભ્યોની આંતરક્રિયામાંથી જૂથના આદર્શો વિકસે છે. તેમાં સભ્યોની સહિયારી (common) માન્યતાઓ, મૂલ્યો અને વર્તનની સ્વીકૃત તરેહોનો સમાવેશ થાય છે. તેથી સભ્યોના વર્તનમાં સમાનતા આવે છે.
જૂથ પોતાનાં ધ્યેયો અને આદર્શો પ્રમાણે પોતાના સભ્યો વર્તે એવી અપેક્ષા રાખે છે. જો વ્યક્તિ એક જ જૂથમાં ભળે, બીજાં જૂથોથી દૂર રહે, તો પોતાના જૂથની અપેક્ષાને સંતોષી શકે. પણ આજનો માનવી એકીસાથે વ્યાવસાયિક સંસ્થા, ધાર્મિક મંડળ અને રાજકીય પક્ષ જેવાં એકબીજાથી સાવ અલગ અલગ જૂથોનો સભ્ય બને છે. દરેક જૂથની માગણીઓ જુદી જુદી અને ઘણી વાર પરસ્પરવિરોધી હોય છે. તેથી માનવી પોતાનાં વિવિધ જૂથોની ભૂમિકાઓ વચ્ચે તીવ્ર સંઘર્ષ અનુભવે છે.
જૂથનું માળખું (structure) : તેના સભ્યો વચ્ચે રહેલા મોભાના અને ભૂમિકાના તફાવતોને આધારે રચાય છે. કેટલાંક જૂથો(દા. ત., સરકારી કચેરી)નું માળખું જડ હોઈ સહેલાઈથી બદલાતું નથી. બીજાં કેટલાંક જૂથો(દા. ત., સંશોધકોનો સમૂહ)ના માળખામાં પરિવર્તન થઈ શકે છે. કેટલાંક જૂથો(દા. ત., લશ્કર)નું માળખું ઊંચું હોય છે; તેમાં હોદ્દાઓની લાંબી નિસરણી હોય છે. અન્ય જૂથોમાં હોદ્દાનાં પગથિયાં બે કે ત્રણ જ હોય છે.
જૂથમાં પરિવર્તન (group change) : જ્યારે જૂથના સભ્યો બદલાય, તેમની વચ્ચે સંઘર્ષ થાય કે જૂથ ઉપર બાહ્ય દબાણો આવે ત્યારે જૂથમાં પરિવર્તન થતું રહે છે.
અસરકારક જૂથ (effective group) : જે જૂથ પોતાનાં ધ્યેયોને સિદ્ધ કરે, સફળ પ્રવૃત્તિઓ કરે, સભ્યોને સંતોષ આપે કે તેમની સર્જક શક્તિનો વિકાસ કરે તેને અસરકારક જૂથ કહે છે. મૅકગ્રેગરના મતે આવા જૂથમાં નિરાંતભર્યું વાતાવરણ હોય છે. જૂથની સામે સ્પષ્ટ લક્ષ્ય હોય છે. એ લક્ષ્યની પ્રાપ્તિ માટે મોટા ભાગના સભ્યો વચ્ચે પ્રામાણિક ટીકાઓ સહિત ચર્ચા થતી રહે છે, સભ્યો એકબીજાને સાંભળે છે, જુદા મંતવ્યને દબાવી દેવામાં આવતું નથી, સહસંમતિથી નિર્ણય લેવાય છે અને સભ્યો રમતની ટીમના ખેલાડીઓની જેમ સહયોગ અને સંકલનથી નિર્ણયોનો અમલ કરે છે.
જૂથ–ગત્યાત્મકતા (group dynamics)
માનવજૂથ એક ગતિશીલ સમષ્ટિ છે. હાલની ઝડપથી બદલાતી જતી પરિસ્થિતિમાં જૂથે ગત્યાત્મક બનવું લગભગ અનિવાર્ય બને છે. જૂથના સભ્યોનાં આચાર-વિચાર, માન્યતાઓ અને મનોવલણો બદલાય છે. જૂથની અંદર સભ્યો વચ્ચેના સંબંધોમાં પણ ફેરફારો થતા રહે છે. જૂથની બહાર બીજાં જૂથોમાં અને વાતાવરણમાં પણ પરિવર્તનો થતાં રહે છે. આ ફેરફારોને સમજવા માટે સમાજ મનોવિજ્ઞાનમાં વિકસેલી સૈદ્ધાંતિક અને વ્યાવહારિક શાખાને જૂથ-ગત્યાત્મકતા કહે છે.
સમાજલક્ષી મનોવિજ્ઞાનીઓ જૂથનો જૂથ તરીકેનો અભ્યાસ કરે છે. વ્યક્તિઓની જેમ જૂથોને પોતાનાં આગવાં લક્ષણો અને ગુણધર્મો હોય છે. આ લક્ષણોનું અવલોકન થઈ શકે છે. તેનું માપન અને વર્ગીકરણ પણ થઈ શકે છે. જૂથો કઈ રીતે વર્તશે તેની આગાહી જૂથનાં પ્રવર્તક બળોના અભ્યાસોને આધારે કરી શકાય છે. જૂથનાં પ્રવર્તક બળોના અભ્યાસને જૂથ-ગત્યાત્મકતાના અભ્યાસો તરીકે ઓળખવામાં આવે છે. જૂથોમાં કેટલીક સ્થિરતા હોય છે અને કેટલુંક પરિવર્તન થતું હોય છે. આ સંદર્ભમાં જૂથની પ્રવૃત્તિઓના પ્રાયોગિક અભ્યાસો પણ કરવામાં આવ્યા છે.
જૂથનું વર્તન કેવું છે, કઈ રીતે ઉદભવે છે અને કઈ રીતે બદલાય છે તેના વૈશ્વિક સ્તર પર અભ્યાસ થયા છે. કુટુંબ, ચર્ચાસભા, રમતની ટુકડી કે કારીગરોના સમૂહમાં ઊપજતાં જૂથ કક્ષાનાં મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિબળોને સમજવા અને સુધારવા માટે તેના સભ્યોના વ્યક્તિગત ઘટકોને તેમજ તેમના આંતરિક સંબંધોને અને જે પરિસ્થિતિમાં જૂથ પ્રવૃત્તિ કરે છે તે પરિસ્થિતિને સમજવાં જરૂરી હોય છે.
ગત્યાત્મકતાનાં પરિણામો : સમય વીતે તેમ જૂથની ગત્યાત્મક આંતરક્રિયામાંથી અનેક મહત્વનાં પરિણામો અને ઘટના ઊપજે છે. દા. ત., (1) જૂથના સભ્યો વચ્ચે મોભા અને ભૂમિકાના તફાવતો સર્જાય છે. (2) જૂથમાં નેતૃત્વ પ્રગટે છે. (3) સભ્યો વચ્ચે સમાન મંતવ્યો અને વિચારો વિકસે છે, જે આખરે લોકમતને ઘડવામાં ફાળો આપે છે. (4) જૂથના સભ્યો વચ્ચે સહકાર, સ્પર્ધા કે સંઘર્ષ શરૂ થાય છે. (5) સભ્યો વચ્ચે સમજણ અને આત્મીયતા અથવા ગેરસમજ અને પૂર્વગ્રહો વિકસે છે, (6) પૂરતી અધિકૃત માહિતીના અભાવમાં જૂથમાં ઘણી વાર અફવા ફેલાય છે. (7) દેખાદેખીથી સભ્યોમાં ફૅશન અને ઘેલછા ફેલાય છે. (8) અસંતુષ્ટ સભ્યો બલિનો બકરો શોધી કાઢી તેના પર આક્રમણ કરે છે. (9) જો સભ્યોમાં લાંબા સમય સુધી હતાશા ચાલુ રહે તો તેઓ આંદોલનો શરૂ કરે છે; કેટલીક વાર ક્રાંતિ પણ લાવે છે.
ગત્યાત્મકતા વિશેનાં મંતવ્યો : વિવિધ વિચારકોએ જૂથની ગત્યાત્મકતાના સ્વરૂપ અને તેનાં પાસાં વિશે આવાં મંતવ્યો આપ્યાં છે : (1) ફ્રૉઇડના મતે જૂથમાં નેતા પોતાના અનુયાયીઓના અધિઅહમ્(super ego)નું કાર્ય કરે છે અને તેમના પિતા જેવી ભૂમિકા ભજવે છે. અનુયાયીઓ પિતા તરફ જેવી લાગણી અનુભવે તેવી જ લાગણીઓ નેતા તરફ પણ તે અનુભવે છે. (2) યુંગના મતે એક જ સમૂહમાં રહેતા લોકો વચ્ચેની આંતરક્રિયામાંથી તેમના અનુભવોને આધારે સામૂહિક અબોધ મન (collective unconscious) વિકસે છે. એમાં તેમની પાછલી પેઢીઓના અનુભવોની સ્મૃતિઓનો સંગ્રહ થાય છે. આ સામૂહિક અબોધ મનનો તેમના વર્તન ઉપર પ્રભાવ પડે છે. (3) લબોંના મતે જૂથના સભ્યોની માનસિક ક્રિયાઓમાં સમાનતા આવવાથી તેમનામાં એક ‘સામૂહિક માનસ’ (group mind) વિકસે છે. સમય વીતતાં આ સમૂહમન સભ્યોની માનસિક ક્રિયાઓથી સ્વતંત્ર અને વધારે પ્રભાવશાળી બનતું જાય છે. આખરે જૂથના સભ્યો પોતાના વ્યક્તિગત વિચારોને છોડી દે છે અને સમૂહમનની ક્રિયાઓથી દોરવાઈ જાય છે. તેઓ સંમોહિત વ્યક્તિની જેમ બહારથી આવતાં જૂથનાં સૂચનોને જ અનુસરે છે. સમૂહમનનો આ ખ્યાલ રહસ્યવાદી છે. તેના ટેકામાં વસ્તુલક્ષી પુરાવા રજૂ થયા નથી. તેથી આધુનિક મનોવિજ્ઞાનીઓ એનો અસ્વીકાર કરે છે. (4) આધુનિક વિચારધારા પ્રમાણે જૂથના વર્તનમાં કશું જ રહસ્યમય નથી. જૂથની માનસિક ક્રિયાઓનો આધાર તેના સભ્યોની માનસિક ક્રિયાઓ ઉપર જ રહેલો છે. એ ખરું કે જૂથમાં ભળે ત્યારે વ્યક્તિનું વર્તન વધારે ઉશ્કેરાટભર્યું અને વધારે સાહસિક હોય છે. પણ તેનું કારણ એ જ કે જૂથમાં વ્યક્તિઓ એકબીજીના આવેગોને ઉત્તેજે છે. જૂથમાં ભય, ક્રોધ કે આત્મવિશ્વાસ ચેપી રોગની જેમ ફેલાય છે. જૂથમાં બીજા સભ્યોના ટેકાની ખાતરી મળે છે અને જૂથમાં વ્યક્તિ કાર્ય કરે ત્યારે તેની નૈતિક જવાબદારી આખા જૂથ વચ્ચે વહેંચાઈ જાય છે; છતાં વ્યક્તિના વ્યક્તિત્વનો સંપૂર્ણ લોપ થતો નથી.
ગત્યાત્મકતા પ્રત્યેનો આનુભવિક અભિગમ : જૂથની ગતિશીલતાને સમજવામાં ક્ષેત્રસિદ્ધાંતના પ્રણેતા કર્ટ લ્યુઇનનો મોટો ફાળો છે. તેમના પ્રયાસોથી મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(MIT)માં શરૂ થયેલી જૂથ ગત્યાત્મકતાની પ્રયોગશાળામાં સંખ્યાબંધ સંશોધનો થયાં છે.
સંબંધિત પ્રયોગોનાં તારણો : જૂથના ગત્યાત્મક વર્તનનાં વિવિધ પાસાંને આવરી લેતા પ્રયોગોને આધારે આ તારણો આપી શકાય : (1) કોચ અને ફ્રેંચનો પ્રયોગ : કારીગરોને જૂથચર્ચા અને જૂથનિર્ણયની તક આપવાથી તેઓ પોતાના કાર્યમાં ફેરફાર કરવાનું સ્વીકારે છે; તેમનો જુસ્સો અને ઉત્પાદન વધે છે. (આવું જ પરિણામ ગૃહિણીઓને અંગે પણ આવ્યું છે.) (2) શેરીફનો પ્રયોગ : જૂથની આંતરક્રિયાને પરિણામે વ્યક્તિ અંગત માન્યતાને છોડી દઈ જૂથનું ધોરણ સ્વીકારે છે. (3) વિચારસર્જન(brain storming)નો પ્રયોગ : સભ્યો અલગ અલગ રહીને મર્યાદિત પ્રમાણમાં જ નવા વિચારો રજૂ કરી શકે છે. પણ એ જ સભ્યોને જૂથમાં ભેગા કરી પરસ્પર વિચારોની આંતરક્રિયાને પ્રેરવામાં આવે ત્યારે નવા વિચારોની સંખ્યા, વિવિધતા અને ઉપયોગિતામાં મોટો વધારો થાય છે. (4) ઑલપૉર્ટનો અભ્યાસ : એકલા રહીને કાર્ય કરવા કરતાં જૂથની હાજરીમાં કાર્ય કરવાથી ઝડપ વધે છે પણ ગુણવત્તા ઘટે છે. (5) લ્યુઇનનો અભ્યાસ : આપખુદ નેતા કરતાં લોકશાહી નેતાની દોરવણી નીચે જૂથની પ્રવૃત્તિઓ વધુ અસરકારક બને છે. (6) જો આપખુદ નેતા સમક્ષ લોકશાહી નેતૃત્વનું નિદર્શન કરવામાં આવે તો એ આપખુદ નેતા વધારે લોકશાહી રીતે વર્તે છે. (7) બે જૂથો વચ્ચે સહકારી પ્રવૃત્તિ કરાવવાથી જૂથો વચ્ચે મૈત્રી વિકસી શકે અને જૂથબંધી દૂર થાય છે. (8) આપખુદ કરતાં લોકશાહી વાતાવરણમાં સભ્યોમાં સામેલગીરી(belongingness)ની લાગણી વધારે તીવ્ર હોય છે. આક્રમકતા ઘટે છે. (9) જ્યારે ચર્ચામાં આખું જૂથ ભાગ લે ત્યારે સભ્યો જૂથનિર્ણયના અમલ માટે વધારે સક્રિય અને પ્રતિબદ્ધ (committed) બને છે. (10) સભ્યોને અન્ય સભ્યોની (દા. ત., મૅનેજરને સામાન્ય કર્મચારીની) ભૂમિકા ભજવવાનું સોંપવાથી તેઓ બીજા સભ્યો સાથેના સંબંધોને વધુ સારી રીતે સમજે છે; તે પોતાનું વર્તન સુધારે છે.
ગત્યાત્મકતાના વ્યાવહારિક ઉપયોગ : જૂથ-ગત્યાત્મકતાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી : (1) સભ્યો વચ્ચેના સંબંધોને સુધારી શકાય છે. (2) બીજાં જૂથો સાથેના સંબંધોને સુધારી શકાય છે. (3) અલગ અલગ વ્યક્તિમાં પરિવર્તન લાવવું કઠિન અને સમયનો દુર્વ્યય કરનારું છે જ્યારે જૂથમાં ઝડપથી અને સરળતાથી પરિવર્તન લાવી શકાય છે. (4) સભ્યોની આંતરક્રિયામાં વધારો કરીને જૂથને વધારે સંગઠિત બનાવી શકાય. (5) જૂથની સમસ્યાઓનો વધારે સંતોષકારક અને સ્થાયી ઉકેલ મળે છે. (6) જૂથના સભ્યોને વધારે સક્રિય અને નિષ્ઠાવાન બનાવી શકાય છે. જૂથ ધ્યેયસિદ્ધિમાં વધારે અસરકારક બને છે. (7) સભ્યોને અને નેતાઓને વધારે સચોટ તાલીમ આપી શકાય છે. (8) વધારે યોગ્ય અને ઝડપી નિર્ણયો લઈ તેનો કાર્યક્ષમ અમલ કરવા સભ્યોને પ્રેરી શકાય છે.
મર્યાદાઓ : જૂથની આંતરક્રિયા ઉપર વધારે પડતો ભાર મૂકવાથી નીચેની અનિષ્ટ અસરો ઊપજે છે : (1) સભ્યોમાં વધારે પડતી અનુરૂપતા સર્જાય છે. તેમના વ્યક્તિત્વનો લોપ થતો હોય છે. (2) કેટલીક વાર ગતિશીલ આંતરક્રિયાઓ વ્યક્તિની સર્જકતાને નિયંત્રિત કરી દે છે. (3) વ્યક્તિમાં અનુકરણશીલતા ઉપજાવે છે, મૌલિકતાને દબાવી દે છે. (4) વ્યક્તિમાં અતાર્કિક અને અનૈતિક વર્તનને પણ પ્રેરી શકે.
સમજપૂર્વકના ઉપયોગથી ગત્યાત્મકતાનાં ઇષ્ટ પરિણામો મળે છે.
ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે