જીવાણુજન્ય રોગો
વિવિધ પ્રકારના જીવાણુઓને કારણે પ્રાણીઓમાં અનેક રોગ ઉદભવે છે. તેની વિગતો નીચે મુજબ છે :
1. કાળિયો તાવ
આ રોગ ઍન્થ્રેક્સ તથા વૂલ સૉર્ટર્સ ડિસીઝના નામે પણ જાણીતો છે. આ રોગ ગાય, બળદ, ભેંસ, ઘેટાંબકરાં, ઘોડા, ડુક્કર, ઊંટ તથા કૂતરાંને થાય છે. આ રોગનો ચેપ પશુઓમાંથી માણસને પણ લાગી શકે છે.
કાળિયો તાવ એક અતિતીવ્ર પ્રકારનો ચેપી રોગ હોઈ જીવાણુરક્તસંક્રમણ દ્વારા પશુનું અચાનક મૃત્યુ થાય છે; તેમાં મૃતદેહનાં નાક, ગુદા, મોં, કાન, યોનિ વગેરે જેવા દરેક કુદરતી દ્વારમાંથી કાળા રંગનું લોહી નીકળે છે તેથી આ રોગને કાળિયો તાવ કહે છે. આવું કાળું લોહી થીજી જતું નથી તેથી આ રોગને સહેલાઈથી ઓળખી શકાય છે.
આ રોગ બેસિલસ ઍન્થ્રેસિસ બૅક્ટેરિયાને લીધે થાય છે. આ બૅક્ટેરિયા લોહીમાંથી બહાર નીકળી હવાના સંસર્ગમાં આવતાં જ પોતાની ફરતું એક કવચ ધારણ કરી લે છે અને બીજાણુ(spore)માં રૂપાંતર પામે છે જેથી બીજાણુ અવસ્થામાં તેના પર ગરમી, સૂર્યનો તાપ કે જંતુનાશક દવાઓની અસર થતી નથી અને તે પ્રતિકૂળ વાતાવરણનો સામનો કરવાની શક્તિ ધારણ કરે છે. આ અવસ્થામાં જમીન, ઘાસ, ઊન, સેન્દ્રિય વસ્તુઓ વગેરે ઉપર તે વર્ષો સુધી જીવંત રહી શકે છે અને અનુકૂળ વાતાવરણ મળે ત્યારે ફરી તે બૅક્ટેરિયામાં રૂપાંતર પામી રોગ પેદા કરી શકે છે. આ કારણે જ આ રોગમાં મૃત્યુ પામેલા જાનવરના શરીરની મરણોત્તર (postmortem) તપાસ કરવાની મનાઈ કરવામાં આવી છે.
ગુજરાતમાં આ રોગ છૂટોછવાયો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો તથા દક્ષિણ ગુજરાત વગેરે સ્થળોએ જોવામાં આવે છે. ઉનાળામાં તથા દુકાળના અરસામાં તેનું પ્રમાણ વધુ જોવા મળે છે.
આ રોગ સામાન્ય રીતે જમીન ઉપરથી ચેપ લાગીને થાય છે. રોગકારક બૅક્ટેરિયા અથવા તેના બીજાણુઓ સામાન્ય રીતે ખોરાકપાણી દ્વારા પશુશરીરમાં પ્રવેશી વૃદ્ધિ અને વિકાસ પામે છે અને લોહી દ્વારા આખા શરીરમાં ફેલાઈને જીવલેણ વિષ ઉત્પન્ન કરે છે. આને પરિણામે રોગનાં કેટલાંક લક્ષણો નજરે પડે છે.
લક્ષણો : ગાય, બળદ, ભેંસ અને ઘેટાંમાં આ રોગ અતિતીવ્ર અથવા તીવ્ર એમ બે પ્રકારે જોવા મળે છે. અતિતીવ્ર પ્રકારના રોગમાં ઢોર ઓચિંતું મૃત્યુ પામે છે અથવા તાવ અને શરીરમાં ધ્રુજારીનાં ચિહનો જણાય, શ્વાસ લેવામાં મુશ્કેલી લાગે અને એક-બે કલાકમાં મૃત્યુ થાય. મૃતદેહનાં નાક, ગુદા, મોઢું તથા યોનિ માટે કાળું તથા થીજે નહિ તેવું લોહી નીકળતું જોવા મળે છે.
તીવ્ર પ્રકારના રોગમાં ઢોર સુસ્ત લાગે, આંખો લાલ દેખાય, એકથી ત્રણ દિવસ તાવ આવે, શરીરનું તાપમાન 40o સે.થી 42o સે. જેટલું રહે, હૃદયના ધબકારા વધી જાય, ખોરાક લેવાનું બંધ કરે, દુધાળાં ઢોર દૂધ ઓછું આપે કે તદ્દન બંધ કરી દે અથવા લોહીવાળું દૂધ આપે, ગાભણ પશુમાં ગર્ભપાત થાય, શરીરનો નીચેનો ભાગ સૂજી જાય, લોહીયુક્ત ઝાડા થાય તેમજ મોં, નાક, કાન, ગુદામાંથી ઘેરા કાળા રંગનો રક્તસ્રાવ થાય અને મૃત્યુ પછી પણ તે ચાલુ રહે છે. આ લોહી થીજતું નથી. મૃતદેહ ખૂબ જ ફૂલી જાય છે અને બરોળ પણ ખૂબ જ મોટી થઈ ગઈ હોય છે.
નિદાન : આ રોગનું નિદાન તેનાં ખાસ લક્ષણો એટલે કે ઓચિંતું મૃત્યુ તથા કાળા રંગના, થીજે નહિ તેવા રક્તસ્રાવ દ્વારા સહેલાઈથી કરી શકાય છે. પ્રયોગશાળામાં સૂક્ષ્મદર્શક વડે લોહીના પરીક્ષણ દ્વારા રોગના જીવાણુઓ પારખી શકાય છે. જીવાણુ-સંવર્ધન દ્વારા પ્રયોગશાળામાં રોગનું ચોક્કસ નિદાન કરાવી શકાય. શબછેદન દ્વારા મરણોત્તર તપાસ કરવામાં રોગ ફેલાવાનો ડર હોવાથી તેમ કરવાની મનાઈ છે.
ઉપચાર : અતિતીવ્ર પ્રકારના રોગમાં તત્કાળ મૃત્યુ થતાં ઉપચાર કરવાનો મોકો મળતો નથી. તીવ્ર પ્રકારના રોગમાં સમયસર પશુચિકિત્સક દ્વારા કરાવેલ સારવારથી પશુ બચી શકે છે. તેથી આ રોગનું કોઈ લક્ષણ જણાય કે તરત જ પશુદાક્તરનો સંપર્ક કરી તેમની સલાહ લેવી જરૂરી છે.
નિયંત્રણ : જે વિસ્તારમાં સામાન્ય રીતે રોગ થતો હોય તેવા વિસ્તારમાં પશુઓને રોગ પ્રતિબંધક રસી વર્ષમાં એક વાર મુકાવવી જોઈએ (જુઓ પૃ. 827 પરની સારણી). રોગી જાનવરનાં દૂષિત થયેલ ઘાસ, છાણ, મૂત્ર, પથારી વગેરે બાળી નાખવાં જોઈએ તથા તે જગ્યાને પણ જંતુનાશક દવાથી સાફ કરવી જોઈએ. આ રોગથી મૃત્યુ પામેલ ઢોરની ચામડી ઉતારવી નહિ અને મૃતદેહ ઊંડા ખાડામાં ચૂનો નાખી દાટવો અથવા બાળી નાખવો જોઈએ. આવાં પગલાં લેવાથી રોગનો ફેલાવો અટકાવી શકાય છે. આ રોગ પશુઓમાંથી માણસમાં પણ ફેલાતો હોઈ ઘટતી કાળજી લેવી આવશ્યક છે.
નલિનકાન્ત મનહરલાલ શાહ
2. ગળસૂંઢો
આ રોગ સાકરડો, ગલગુટો, હેમરેજિક સેપ્ટિસીમિયા અથવા એચ. એસ. (Haemorrhagic Septicaemia) તથા પાસ્ચુરેલોસિસના નામે પણ ઓળખાય છે. ગળસૂંઢો સાંસર્ગિક રોગ છે. મુખ્યત્વે તે ગાય, બળદ, ભેંસ વગેરેમાં જોવા મળે છે.
પાસ્ચુરેલા મલ્ટોસિડા નામના બૅક્ટેરિયાથી આ રોગ થાય છે. આ બૅક્ટેરિયાઓ સૂક્ષ્મદર્શક વડે જોતાં નાના દબાયેલા દંડાણુ આકારના દેખાય છે અને તેના પર કવચ જોવા મળે છે.
આ રોગ ખાસ કરીને વર્ષાઋતુમાં (જૂનથી સપ્ટેમ્બર માસ દરમિયાન) વ્યાપક પશુરોગ રૂપે જોવા મળે છે. જોકે વર્ષ દરમિયાન ગમે તે સમયે તે છૂટોછવાયો થાય છે. આ ભયંકર અને જીવલેણ રોગનું પ્રમાણ ગુજરાતમાં ખૂબ જ ઊંચું છે. રોગગ્રસ્ત વિસ્તારમાં બેત્રણ જાનવરના મૃત્યુથી રોગચાળાની શરૂઆત થાય છે અને દરરોજ બેચાર જાનવર રોગમાં સપડાય છે અને મૃત્યુ પામે છે. ઢોરોમાં અસ્વસ્થતા અને મૃત્યુનું પ્રમાણ 50 %થી 100 % જેટલું જોવા મળે છે.
સામાન્ય રીતે જે વિસ્તારમાં આ રોગ અવારનવાર થતો હોય તે વિસ્તારમાં તંદુરસ્ત પશુઓમાં રોગકારક બૅક્ટેરિયા શ્વાસનળી અને ગળામાં વસવાટ ધરાવતા હોય છે પરંતુ તે સુષુપ્ત અવસ્થામાં હોય છે. જ્યારે વાતાવરણમાં અચાનક ફેરફાર થાય, હવામાં ભેજનું પ્રમાણ અનહદ વધી જાય, ખૂબ વરસાદ પડે, જાનવરને લાંબી મુસાફરી કે વધુ પડતા કામનો થાક લાગે ત્યારે તેની શારીરિક શક્તિ ઘટી જવાથી બૅક્ટેરિયાની અચાનક વૃદ્ધિ થાય છે અને તેમનું પ્રાબલ્ય વધે છે. આવા સૂક્ષ્મ જીવો લોહીમાં ભળી રક્તસંક્રમણરૂપમાં અનેક પ્રકારનાં તીવ્ર રોગલક્ષણો પેદા કરે છે. બૅક્ટેરિયાનો પ્રસાર તંદુરસ્ત વાહકપશુ દ્વારા થાય છે. તે ઉપરાંત રોગગ્રસ્ત પશુની લાળમાં રહેલા જીવાણુઓ ખોરાક, પાણી, ગૌચરને દૂષિત કરે છે અને આવાં દૂષિત ખોરાક-પાણી દ્વારા રોગ અન્ય ઢોરોમાં ફેલાય છે.
લક્ષણો : આ રોગ ગાય-ભેંસમાં મુખ્યત્વે તીવ્રરૂપે જોવા મળે છે. રોગનાં લક્ષણો કયા આંતરિક અંગ ઉપર રોગની અસર વધુ છે તેના પર આધારિત છે. આ રોગ ગળા ઉપરના સોજા રૂપે વધુ પ્રમાણમાં દેખાતો હોઈ તેને ગળસૂંઢો નામ આપવામાં આવ્યું છે. ગળસૂંઢાનાં લક્ષણો નીચે દર્શાવેલ પ્રકારોમાં જોવા મળે છે.
(1) અધસ્ત્વક્ રૂપ (subcuteneous form) : પશુ એકાએક બીમાર થઈ જાય છે. શરીરનું તાપમાન 41o સે. સુધી પહોંચે છે. જાનવર ખાતું બંધ થઈ જાય છે, આંખો લાલ દેખાય છે, લાળ પડે છે, ગળાના ભાગ ઉપર, ઝાલર ઉપર તથા આગળના બે પગ વચ્ચેના ભાગે સોજા આવે છે, જે ગરમ અને પીડાકારી હોય છે. પશુ શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવે છે પરિણામે શ્વાસોચ્છવાસની ક્રિયા દરમિયાન તેનું મોં ખુલ્લું જોવા મળે છે. જીભ પણ સૂજેલી અને મોઢામાંથી બહાર નીકળેલી હોય છે. સામાન્ય રીતે પશુ 24 કલાકમાં મૃત્યુ પામે છે.
(2) વક્ષ રૂપ (pneumonic form) : આ પ્રકારમાં જાનવરની આંખ લાલ થઈ જાય છે અને તેમાંથી પાણી નીકળે છે. જાનવરને 43o સે.થી 45o સે. જેટલો તાવ હોય છે. નાડીની ગતિ તેમજ શ્વાસોચ્છવાસની ક્રિયા ઝડપી બને છે. આ પ્રકારમાં ફેફસું અને શ્વાસવાહિની પકડાય છે તથા કફને કારણે શ્વાસ લેતાં ખાસ પ્રકારનો અવાજ (ઘરેરાટી) થાય છે. પશુ લગભગ 24 કલાકમાં મૃત્યુ પામે છે.
(3) આંત્ર રૂપ (intestinal form) : આ રૂપમાં લોહીયુક્ત ઝાડા મુખ્ય લક્ષણ છે. જાનવરને 41o સે. જેટલો તાવ રહે છે. ક્યારેક તાવ ન પણ જોવા મળે.
(4) પ્રમસ્તિષ્ક રૂપ (cerebral form) : આ પ્રકારમાં રોગની અસર મુખ્યત્વે મસ્તિષ્ક ઉપર થાય છે. પરિણામે મગજનો સોજો ઉદભવે છે. જાનવર ઉત્તેજિત થઈ ગોળ ગોળ ફરે છે તો ક્યારેક કોઈ પણ વસ્તુ જોડે તેનું માથું અથડાવે છે. મોઢામાંથી ફીણ પડે છે અને મૃત્યુ પામે છે. આ રૂપ જોકે ભાગ્યે જ જોવા મળે છે.
નિદાન : રોગનાં લક્ષણો ઉપરથી સહેલાઈથી રોગનિદાન થઈ શકે છે. પ્રયોગશાળામાં બીમાર પશુનાં લોહી અને સોજાના પ્રવાહીમાંથી સૂક્ષ્મદર્શક વડે પરીક્ષણ અને જીવાણુસંવર્ધનની પદ્ધતિથી જીવાણુને ઓળખી શકાય છે તથા સસલા કે સફેદ ઉંદરનો ઉપયોગ કરી જૈવિક પરીક્ષણથી પણ રોગનું સચોટ નિદાન કરી શકાય છે.
ઉપચાર : સમયસર સારવારથી જાનવરને બચાવી શકાય છે. આ માટે સલ્ફાસમૂહની દવાઓ વધુ ફાયદાકારક જણાયેલ છે. ખાસ કરીને ચોમાસાની શરૂઆતમાં રોગલક્ષણો જણાય ત્યારે બીમાર ઢોરને અલગ કરી પશુદાક્તરની સલાહ પ્રમાણે સારવાર અને દેખભાળ કરવી જરૂરી છે.
નિયંત્રણ : રોગને અટકાવવાનો ઉત્તમ ઉપાય રોગ સામે પ્રતિકારક રસી મુકાવવાનો છે. આ રસી જાનવરોને વર્ષાઋતુ પહેલાં મે-જૂન માસમાં દર વર્ષે મુકાવી દેવી જોઈએ. 6 માસ ઉપરના દરેક પશુને રસી મુકાવવી જરૂરી છે. ગાભણ જાનવરને પણ રસી મૂકી શકાય છે. રસીની કોઈ આડઅસર નથી. આ રસી પશુ-દવાખાનાં કે સારવારકેન્દ્રો દ્વારા વિનામૂલ્યે મૂકવામાં આવે છે.
નલિનકાન્ત મનહરલાલ શાહ
3. ગાંઠિયો તાવ
આ રોગને બ્લૅક ક્વાર્ટર (B.Q.) તથા બ્લૅક લેગના નામથી પણ ઓળખવામાં આવે છે. આ રોગ પશુઓના થાપાના સ્નાયુઓમાં થતો, જીવલેણ અને તીવ્ર ચેપી ગણાય છે. તેમાં સ્નાયુકોપ થઈને સોજો આવે છે જે તીવ્ર વિષમયતા(toxaemia)માં પરિણમતાં ઢોરનું મૃત્યુ થાય છે.
ગાંઠિયો તાવ સામાન્ય રીતે ગાય, ભેંસ જેવા બળદ વર્ગનાં પ્રાણીઓમાં વિશેષ જોવા મળે છે પરંતુ ક્યારેક ઘેટાં, બકરાં, ડુક્કર, હરણ વગેરેમાં પણ થાય છે. આ રોગ ખાસ કરીને 6થી 18 મહિના સુધીની વયનાં અને દૂબળાં કરતાં તંદુરસ્ત પશુમાં વિશેષ જોવા મળે છે – ક્યારેક મોટી ઉંમરનાં જાનવરો પણ આ રોગમાં સપડાય છે. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન કે ત્યારબાદ અથવા પૂરના પાણીના ભરાવાના સમયે વધુ જોવા મળે છે પરંતુ વર્ષના કોઈ પણ સમયે તે થઈ શકે છે. ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં તે જોવા મળે છે.
ગાંઠિયો તાવ ક્લૉસ્ટ્ર્રિડિયમ સોવીઆઇ નામના બૅક્ટેરિયાથી થાય છે. ઘણી વાર ક્લૉસ્ટ્રિડિયમ સેપ્ટિકમ નામના બૅક્ટેરિયા પણ આ રોગ કરે છે. આ રોગના બૅક્ટેરિયા બીજાણુ સ્વરૂપે જમીનમાં સુષુપ્તાવસ્થામાં લાંબો સમય સુધી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ જીવતા રહી શકે છે.
આ રોગ જમીન દ્વારા ચેપ લાગી ફેલાય છે. બૅક્ટેરિયા તંદુરસ્ત પશુના શરીરમાં, ખાસ કરીને આંતરડાંમાં હોય છે અને છાણ દ્વારા ગૌચર તથા જમીનને દૂષિત કરે છે. બૅક્ટેરિયા કે બીજાણુઓ પગ તથા મોઢા ઉપરના જખમો દ્વારા અથવા દૂષિત ખોરાકપાણી દ્વારા જાનવરના શરીરમાં દાખલ થઈને રોગ ઉત્પન્ન કરે છે. ખોરાકપાણી મારફતે પ્રવેશેલો બૅક્ટેરિયા કે બીજાણુ આંતરડાંની ત્વચાને ભેદીને લોહી દ્વારા થાપા કે ખભાના સ્નાયુઓમાં જમા થાય છે; ત્યાં અનુકૂળ વાતાવરણ મળતાં વિકાસ અને વૃદ્ધિ પામી વિષ પેદા કરે છે. આ વિષ સ્નાયુઓમાં અને લોહીમાં ભળી વિષમતા પેદા કરે છે, જે રોગનાં લક્ષણો દ્વારા જોવા મળે છે અને છેવટે મૃત્યુ નિપજાવે છે.
લક્ષણો : આ રોગમાં જાનવર સુસ્ત દેખાય છે. તેનું શરીર તપે છે. જાનવરના પાછલા પગના ઉપલા થાપે અથવા ખભા કે અન્ય ભાગ ઉપર સોજો આવે છે તેથી જાનવર લંગડું ચાલે છે. શરૂઆતમાં પગના થાપા ઉપરનો સોજો ગરમ અને પીડાકારક હોય છે. આ સોજામાં ચામડી નીચે વાયુ ભરાય છે અને સોજા ઉપરની ચામડી કાળી પડે છે. સોજાવાળા ભાગ ઉપર આંગળી વડે દબાવતાં અંદરની હવાને લીધે વાદળી જેવું પોચું લાગે છે અને કરકરો અવાજ થાય છે. સોજા ઉપર કાપ મૂકવાથી કે તેમાં સોય ભોંકવાથી તેમાંથી ગંધ મારતો વાયુ નીકળે છે અને ફીણવાળું, ખાટી વાસવાળું, લોહીયુક્ત કાળા રંગનું પ્રવાહી ટપકવા માંડે છે. સ્નાયુઓના તંતુ સડેલા જણાય છે. કેટલીક વાર સોજાવાળો ભાગ ભીનો લાગે છે અને તેના ઉપરથી વાળ સહેલાઈથી ઉખેડી શકાય છે, જેનાં મૂળ પણ વાસ મારતાં હોય છે. જેમ જેમ સોજાનું પ્રમાણ વધતું જાય તેમ તેમ વિષમયતાને કારણે જાનવરની સ્થિતિ બગડતી જાય છે. જાનવર વાગોળવાનું બંધ કરે છે. નાડીના ધબકારા વધે છે, અશક્તિ વધે છે, સ્નાયુકંપન થાય છે, શ્વાસોચ્છવાસમાં મુશ્કેલી જણાય છે અને પશુ 12થી 48 કલાકમાં મૃત્યુ પામે છે.
નિદાન : સામાન્ય રીતે રોગ થતો હોય તેવા વિસ્તારમાં અચાનક નાની ઉંમરનાં તંદુરસ્ત ઢોર મૃત્યુ પામે ત્યારે ગાંઠિયા તાવની શક્યતા તપાસવી. રોગગ્રસ્ત પશુના થાપાની ચામડી પરના સોજાનાં લક્ષણો દ્વારા આ રોગનું નિદાન કરવામાં આવે છે. આ ઉપરાંત થાપા ઉપરના સોજાના પ્રવાહી અને પશુચિકિત્સક દ્વારા મરણોત્તર તપાસ સમયે લીધેલ લોહી અને સ્નાયુના ટુકડા જેવા નમૂનાનું પ્રયોગશાળામાં જીવાણુઓની હાજરી જાણવા માટે પરીક્ષણ કરી ચોક્કસ નિદાન થઈ શકે છે.
નિયંત્રણ : રોગી પશુનું ઓચિંતું મૃત્યુ થતાં સારવાર માટે સમય રહેતો નથી. રોગની શરૂઆતમાં સમયસર યોગ્ય સારવાર મળે તો ઢોર બચી શકે છે. આ ચેપી રોગ હોઈ ચોમાસાની શરૂઆત પહેલાં જ આ રોગ સામે રક્ષણ આપતી પ્રતિકારક રસી જાનવરોને મુકાવી દેવી જોઈએ. 6 માસ ઉપરના કોઈ પણ જાનવરને દર વર્ષે આ રસી મુકાવવી જરૂરી છે. રસીની કોઈ આડઅસર થતી નથી.
નલિનકાન્ત મનહરલાલ શાહ
4. ક્ષયરોગ
માનવજાતના મહાવ્યાધિ જેવો ક્ષયરોગ પશુઓમાં પણ થાય છે. ક્ષયરોગ ગાય, ભેંસ, બળદ, ઘેટાં, બકરાં, ડુક્કર, ઘોડા, કૂતરા, મરઘાં તથા જંગલી જાનવરોમાં થાય છે પરંતુ દરેક પશુના રોગની તીવ્રતા કે પ્રમાણ અલગ અલગ હોય છે. ગાય, બળદ, ભેંસ, ડુક્કર અને મરઘાંમાં આ રોગ વારંવાર જોવા મળે છે, જ્યારે ઘોડા, ઘેટાં, બકરાં, કૂતરા, બિલાડામાં ભાગ્યે જ થાય છે. દુધાળાં પશુઓમાં વારંવાર પ્રસૂતિ, વધુ દૂધઉત્પાદનનો અતિશ્રમ વગેરે રોગ થવામાં અને ક્ષતસ્થળની વૃદ્ધિમાં મદદરૂપ બને છે.
ક્ષયરોગ ભારતનાં લગભગ તમામ રાજ્યોમાં જોવા મળે છે. પશુના ક્ષયરોગના બૅક્ટેરિયાની વિવિધ પ્રકારની વશ્યતા જુદી જુદી હોય છે. રોગકારક બૅક્ટેરિયાના મુખ્યત્વે 3 પ્રકાર છે. જેમાં માયકોબૅક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ પ્રકારના બૅક્ટેરિયા મનુષ્ય અને કૂતરાં માટે રોગકારક નીવડે છે, જ્યારે અન્ય પશુમાં ભાગ્યે જ જોવા મળે છે. માયકોબૅક્ટેરિયમ બૉવિસ પ્રકારના બૅક્ટેરિયા મુખ્યત્વે ગાય, ભેંસ, બળદને રોગકારક નીવડે છે. પરંતુ અન્ય વાગોળનારાં પશુઓ ડુક્કર અને મનુષ્યમાં પણ તે રોગ પેદા કરી શકે છે. જ્યારે માયકોબૅક્ટેરિયમ ઍવિયમ પ્રકારના બૅક્ટેરિયા મુખ્યત્વે મરઘાં પૂરતા રોગકારક હોય છે પરંતુ ઢોર, ડુક્કર અને મનુષ્યમાં પણ તે રોગ પેદા કરી શકે છે. ક્ષયરોગના બૅક્ટેરિયાની આસપાસ ખાસ પ્રકારનું પ્રાવરણ હોવાથી તે બહારના વાતાવરણની પ્રતિકૂળતાઓનો સામનો કરી લાંબો સમય જીવંત અને રોગકારક રહી શકે છે.
રોગી જાનવરનાં ફેફસાંમાંથી થતો સ્રાવ, છાણ વગેરે દ્વારા હવા, ખોરાક, પાણી, ગૌચર વગેરે બૅક્ટેરિયાથી દૂષિત થાય છે અને આવી દૂષિત વસ્તુઓના સંસર્ગમાં આવતાં તંદુરસ્ત પ્રાણીઓને ચેપ લાગે છે. રોગી જાનવરના દૂધમાં જીવાણુઓ હોવાથી નાનાં વાછરડાં અને મનુષ્યને ચેપ લાગવાનો ભય રહેલો છે. પરંતુ દૂધને સારી રીતે ઉકાળવાથી અથવા પાશ્ચરીકરણથી બૅક્ટેરિયાનો નાશ કરી શકાય છે. સામાન્ય રીતે શ્વાસોચ્છવાસ અથવા ખોરાક, પાણી કે દૂધ દ્વારા જીવાણુઓ શરીરમાં પ્રવેશે છે. શરીરમાં તેમનું પ્રાથમિક સ્વરૂપ સૂક્ષ્મ કણમય કણાર્બુદ રૂપે હોય છે. આવા અનેક કણાર્બુદોના સમૂહથી ગુલિકા (tubercle) બને છે. ઢોરોને ક્ષયના બૅક્ટેરિયાનો હુમલો લસિકાતંત્ર પર થાય છે અને ત્યાંથી જીવાણુઓ આખા શરીરમાં ફેલાય છે. આમ છતાં મગજ, થાયમસ ગ્રંથિ કે સ્નાયુઓમાં તે રોગ કરતા નથી. બૅક્ટેરિયા મુખ્યત્વે ઢોરોનાં ફેફસાં અને યકૃતમાં અડ્ડો જમાવી પેશીનાશ કરીને નાની ગુલિકાઓ કરે છે અને આ પ્રાથમિક કેન્દ્રમાંથી ચેપ શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે તેમજ ધીરે ધીરે વૃદ્ધિ પામી લક્ષણો પેદા કરે છે.
લક્ષણો : ઢોરને મુખ્યત્વે ફેફસાંમાં રોગની અસર વધુ હોય છે. તેમાં ઢોર નબળું પડતું જાય છે કે ન્યુમોનિયા થાય છે. વારંવાર સૂકી ઉધરસ આવે છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, આફરો આવે છે, લસિકાગ્રંથિઓ મોટી થઈ જાય છે. અન્ય અવયવોમાં થયેલ રોગનાં ખાસ લક્ષણો દેખાતાં નથી. દુગ્ધગ્રંથિમાં રોગ થાય ત્યારે આઉની ઉપરનો ભાગ કઠણ જણાય છે અને દૂધમાં પણ ફેરફાર જણાય છે.
નિદાન : રોગનાં લક્ષણો એટલે કે ખોરાક લેવા છતાં ઢોરનું દિવસે દિવસે દૂબળા થતા જવું, ઉધરસ આવવી, ગળાના ભાગમાં લસિકાગ્રંથિઓ મોટી થવી વગેરે દ્વારા ક્ષયરોગનું અનુમાન થઈ શકે છે. પ્રયોગશાળામાં ગળફો કે રોગગ્રસ્ત અવયવોમાંથી બૅક્ટેરિયાનું પરીક્ષણ અને સંવર્ધન અથવા પ્રાયોગિક પ્રાણીનું ઇન્જેક્શન દ્વારા જૈવિક પરીક્ષણ કરીને નિદાન કરવામાં આવે છે. પશુચિકિત્સક દ્વારા મૃતદેહની મરણોત્તર તપાસમાં રોગનાં ક્ષતસ્થળો જોઈને પણ રોગનું નિદાન થઈ શકે છે. આ ઉપરાંત, જીવતા જાનવરમાં ક્ષયરોગનું નિદાન ટ્યુબરક્યુલિન ચકાસણીથી પણ કરી શકાય છે. તેમાં ક્ષયના બૅક્ટેરિયાના અર્કનું 0.1 મિલિ, ઇન્જેક્શન ચામડીના પડમાં જ રહે તે રીતે આપવામાં આવે છે અને 48 કલાક પછી ચામડીના તે ભાગની જાડાઈમાં થયેલ વધારો, તે ભાગમાં સોજો, દુખાવો વગેરે લક્ષણો ઉપરથી રોગનિદાન કરવામાં આવે છે.
નિયંત્રણ : આ રોગ જીર્ણ પ્રકારનો હોઈ શરીરમાં તે ધીરે ધીરે ફેલાય છે. આ રોગ થયા પછી માણસની જેમ જાનવરોમાં પણ તે અતિખર્ચાળ અને લાંબા ગાળાની સારવાર પ્રક્રિયા છે. સારવારની અસર અંગે જાણવું પણ કપરું છે. ઉપરાંત રોગી પશુ સારવાર દરમિયાન રોગ ફેલાવી શકે છે. ઉપર્યુક્ત પરિસ્થિતિમાં નિદાન અને નિકાલનો અભિગમ અપનાવી દરેક જાનવરનું ટ્યુબરક્યુલિન ચકાસણીથી નિદાન કરાવી રોગી જાનવરનો સત્વરે નિકાલ કરવો એ જ સલાહભર્યું છે. પશુચિકિત્સક દ્વારા વર્ષમાં એક વાર આવી ચકાસણી અવશ્ય કરાવીને તેમની સલાહ મુજબ પગલાં લેવાં જોઈએ.
નલિનકાન્ત મનહરલાલ શાહ
5. પ્રક્ષય
આ રોગ પૅરાટ્યુબરક્યુલોસિસ અથવા યોહનસનો રોગ (J.D.), પૅરાક્ષય, જીર્ણ અતિસાર વગેરે નામે પણ ઓળખાય છે.
પ્રક્ષય પણ ક્ષયરોગના જેવા જીવાણુઓથી થતો ચેપી રોગ છે. આ રોગ માયકોબૅક્ટેરિયમ પૅરાટ્યુબરક્યુલોસિસ નામના બૅક્ટેરિયાથી થાય છે. ખાસ કરીને આ રોગ ગાય, બળદ, ભેંસ વગેરેમાં જોવા મળે છે. ઢોરમાં તે દીર્ઘકાલીન રોગ તરીકે ફેલાય છે. પરદેશી અને સંકર ઓલાદનાં જાનવરોને વધારે અસર થવાનો સંભવ છે. ઘેટાંબકરાંને થતો આ રોગ ઢોરને થતા રોગ જેટલો દીર્ઘકાલીન હોતો નથી.
ઢોરમાં આ રોગનો ઉદભવકાળ 1થી 3 વર્ષનો ગણાય છે. આમાં વાછરડાં ગ્રહણશીલ હોઈ રોગ ધારણ કરે છે. પરંતુ રોગનો વિકાસ ધીરે ધીરે થાય છે અને રોગનાં ચિહ્નો આશરે 2 વર્ષ પછી દેખાવા માંડે છે. પુખ્ત વયનાં જાનવરોમાં પણ ચેપ લાગે છે પરંતુ તે રોગલક્ષણો દર્શાવતાં નથી અને રોગના જીવાણુઓના વાહક તરીકે ભાગ ભજવે છે. તેવાં પશુઓમાં પણ અતિશ્રમ, વારંવારની પ્રસૂતિ, નબળો ખોરાક વગેરે પરિબળોને કારણે રોગનાં લક્ષણો ઉદભવે છે. રોગી પશુના છાણમાં રહેલ જીવાણુઓ દ્વારા ખોરાક, પાણી, જમીન, ગૌચર વગેરે દૂષિત થાય છે. આવા પ્રદૂષિત ખોરાક અને પાણીના ગ્રહણથી આ રોગનું સંચારણ થાય છે. એક જ સ્થળે વધુ જાનવરો બાંધવામાં આવતાં હોય ત્યાં ચેપ લાગવાની શક્યતા વધુ હોવાથી રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે. રોગગ્રસ્ત જાનવરની દૂધઉત્પાદનશક્તિ, શારીરિક શક્તિ તથા પ્રજનનશક્તિને માઠી અસર પહોંચે છે. રોગના જીવાણુઓ શરીરમાં લાંબા સમય સુધી જીવંત રહી શકતા હોવાથી તંદુરસ્ત પશુઓને ચેપ લાગવાનો સતત અવકાશ રહેલો છે. વધુ પડતા ચૂનાવાળી જમીનમાં જીવાણુઓ જીવી શકતા નથી તેમજ સૂર્યનો તાપ અને સૂકી હવા પણ જીવાણુઓ માટે પ્રતિકૂળ છે.
લક્ષણો : રોગના જીવાણુઓ ખોરાકપાણી વાટે શરીરમાં પ્રવેશીને આંતરડાંની ત્વચામાં જમા થાય છે. શેષાંત્ર અને સ્થિરાંત્ર આ રોગનાં મુખ્ય સ્થાન છે. અહીં જીવાણુઓનો ધીરે ધીરે વિકાસ અને વૃદ્ધિ થાય છે. આ બધાં આંત્રમાં શ્લેષ્મકલા જાડી થઈ જાય છે અને તેમાં લહેરિયા રૂપમાં કરચલીઓ પડે છે અને ઝાડા વાટે અસંખ્ય જીવાણુઓ બહાર પડતા રહે છે. આંતરડાંની ત્વચાને નુકસાન થવાથી ખોરાકનાં પોષક તત્વો લોહીમાં ભળતાં નથી અને વારંવાર ઝાડા થાય છે. પશુઓમાં સંગ્રહણ અથવા સતત પ્રવાહી જેવું છેરણ એ પ્રધાન રોગચિહન છે. ગમે તેટલી દવા કરવા છતાં છેરવાનું અટકતું નથી. અત્યંત અને સતત છેરવાનું ચાલુ રહેવાથી શરીરમાંથી પ્રવાહી તત્ત્વો ઘટી જાય છે, ઢોર સુકાવા માંડે છે, એકદમ દૂબળું પડી જાય છે અને ફક્ત હાડચામ બાકી રહે છે. છેવટે મૃત્યુ પામે છે. અન્ય લક્ષણોમાં અશક્તિ, દૂબળો બાંધો, ગળાના ભાગ ઉપર સોજો, દૂધઉત્પાદનમાં ઘટાડો, ખોરાકનું બરાબર પાચન ન થવું, સૂકી ચામડી વગેરેનો સમાવેશ થાય છે. પાંડુરોગની અસર જોવા મળે છે. થાપાના સ્નાયુઓ ક્ષીણ થઈ જાય છે. ઝાડા બંધ થઈ સુધારો જણાય; પરંતુ થોડા સમયમાં જ ફરી ચિહનો દેખાવા માંડે, ક્ષીણતા અને અશક્તિ વધે અને છેવટે મૃત્યુ થાય છે.
નિદાન : રોગનાં લક્ષણો, ખાસ કરીને, અવારનવાર થતા પાતળા ઝાડા અને જાનવરની સુકાઈ રહેલી કાયા નિદાનમાં મદદરૂપ નીવડે છે. પ્રયોગશાળામાં છાણની તપાસ કે આંતરડાંની શ્લેષ્મત્વચાની ચકાસણી કરી આ રોગના જીવાણુઓને ઓળખીને સચોટ નિદાન થઈ શકે છે. ક્ષયરોગના નિદાન માટેની ટ્યુબરક્યુલિન ચકાસણીની જેમ જ જ્હૉનિન ચકાસણી વડે ઢોર, ઘેટાં વગેરેમાં પ્રક્ષય રોગનું નિદાન કરી શકાય છે. મૃત્યુ પામેલ જાનવરની મરણોત્તર તપાસ પશુચિકિત્સક દ્વારા કરાવવાથી પણ આ રોગનું નિદાન થઈ શકે છે.
નિયંત્રણ : આ રોગની કોઈ અસરકારક દવા નથી. રોગ દીર્ઘકાલીન છે. આથી આ રોગના નિયંત્રણ માટે પણ ક્ષયરોગમાં જણાવ્યા મુજબ નિયંત્રણનાં પગલાં લેવાં આવશ્યક છે. રોગી ઢોરને અલગ રાખવું જોઈએ. દરેક મોટા ઢોરની વર્ષમાં એક વાર પશુચિકિત્સક દ્વારા જ્હૉનિન કસોટી વડે ચકાસણી કરાવી લઈ નિદાન અને નિકાલનો અભિગમ આ રોગ માટે પણ અપનાવવો જરૂરી છે.
નલિનકાન્ત મનહરલાલ શાહ
6. એન્ટેરોટૉક્સીમિયા
આ રોગને માથાવઢાનો રોગ, માથાવટું, ઠેકડિયું, આંત્રવિષમયતા, ઈ. ટી. વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે.
આ રોગ ક્લૉસ્ટ્રિડિયમ વેલ્સાઇ ટાઇપ ડી નામના બૅક્ટેરિયાને કારણે થાય છે. આ રોગ ખાસ કરીને ઘેટાંમાં થતો જીવલેણ રોગ છે, જે તીવ્ર પ્રકારની વિષમયતા પેદા કરે છે.
ઘેટાને મોટે ભાગે આ રોગ ચોમાસા દરમિયાન કે પછી થાય છે કારણ કે ઉનાળામાં લીલા ચારાના અભાવ પછી જ્યારે ચોમાસામાં તાજું લીલું ઘાસ ચરવા મળે છે ત્યારે ઘેટાં ખૂબ ઠાંસી ઠાંસીને ખાય છે જેથી તેનાં આંતરડાંમાં રહેલા ક્લૉસ્ટ્રિડિયમ વેલ્સાઇ ટાઇપ ડીના જીવાણુઓને જોઈતું હવા વગરનું વાતાવરણ મળી જાય છે. તેથી તેમનો વિકાસ અને વૃદ્ધિ થઈ આંતરડાંમાં એપ્સિલોન નામનું વિષ પેદા થાય છે. આ વિષ લોહીમાં ભળી રક્તસંક્રમણના રૂપમાં રોગનાં લક્ષણો પેદા કરે છે.
જીવાણુજન્ય રોગોના રસીકરણ અંગે માહિતી | ||||
રોગનું નામ | રોગપ્રતિ–
કારક રસીનું નામ |
રસીથી
મળતા રક્ષણનો સમય |
રસી
મુકાવવાનો સમય |
નોંધ |
કાળિયો
તાવ |
ઍન્થ્રેક્સ
સ્પોર વૅક્સિન |
1 વર્ષ | રોગચાળો
જણાય ત્યારે |
રોગચાળાવાળા
વિસ્તારમાં જ રસી મૂકવી હિતાવહ છે. રસીની આડઅસર નથી. |
ગળસૂંઢો | એચ. એસ.
વૅક્સિન |
6થી 9
માસ |
દર વર્ષે
ચોમાસા પહેલાં |
6 માસ ઉપરના કોઈ
પણ જાનવરને ચોમાસા પહેલાં રસી મૂકવી. |
ગાંઠિયો
તાવ
આંત્રવિષ જ્વર (એન્ટેરો ટૉક્સીમિયા) |
બી. ક્યુ.
વૅક્સિન
ઈ. ટી. વૅક્સિન |
1 વર્ષ
1 વર્ષ |
દર વર્ષે
ચોમાસા પહેલાં
દર વર્ષે ચોમાસા પહેલાં |
6 માસ ઉપરના કોઈ
પણ જાનવરને મૂકી શકાય. રસી ફક્ત જે વિસ્તારમાં રોગચાળો હોય ત્યાં મૂકવી હિતાવહ છે. ગુજરાત રાજ્યમાં ઘેટાંમાં જ રસી મૂકવાની પ્રથા અમલમાં છે. મોટાં જાનવરોમાં રોગ નોંધાયેલ નથી. |
લક્ષણો : રોગનો હુમલો એકાએક થાય છે. ઘેટાંમાં ઉશ્કેરાટ જણાય છે, તે દોડે છે, લથડે છે, માથું વઢાતું હોય તેમ માથું આંચકા મારે છે, તેથી માથાવઢાના રોગ તરીકે તે ઓળખાય છે. કેટલીક વાર ઘેટું ચક્કર ચક્કર ફરે છે. કેટલાંક ઘેટાં કલાકો સુધી મૂર્છિત અવસ્થામાં પડ્યાં રહીને અંતે મૃત્યુ પામે છે. કેટલાંક ઘેટાં 2થી 4 કલાકમાં જ મૃત્યુ પામે છે. કેટલીક વાર બચી ગયેલાં જાનવરોને લકવાની અસર જણાય છે. મૃત્યુનું પ્રમાણ ખૂબ મોટું હોય છે. મરણોત્તર તપાસમાં નાના આંતરડામાં રક્તસ્રાવ જોવા મળે છે. મૃત ઘેટાનાં મૂત્રપિંડ તપાસતાં તે પોચાં પડી ગયેલાં અને માવાદાર જણાય છે, તેથી આ રોગને વૃકોદર કે માવાદાર મૂત્રપિંડના રોગ (pulpy kidney) તરીકે પણ ઓળખવામાં આવે છે.
નિદાન : રોગનાં લાક્ષણિક ચિહનો તથા મોટા પ્રમાણમાં મૃત્યુ જણાતાં આ રોગની સંભાવના થાય છે. મરણોત્તર તપાસમાં શવચ્છેદન દ્વારા આંતરડાંમાં રક્તસ્રાવ અને માવાદાર મૂત્રપિંડનાં લક્ષણોથી પણ આ રોગનું નિદાન કરી શકાય છે. છાણ કે આંતરડાના પ્રવાહીનું પ્રયોગશાળામાં પરીક્ષણ કરાવતાં આ રોગનું સચોટ નિદાન કરી શકાય છે.
નિયંત્રણ : રોગને અટકાવવા માટેની રસી ચોમાસા પહેલાં મુકાવી દેવી જોઈએ. આ રસી દર વર્ષે મુકાવવી જરૂરી છે.
નલિનકાન્ત મનહરલાલ શાહ
7. બોવાઇન પ્લુરોન્યુમોનિયા
પશુઓમાં થતો આ રોગ ‘માયકોપ્લાઝમા માયકોઇડિસ વેરાયટી બૉવિસ’ નામના બૅક્ટેરિયાઓથી થાય છે. આ રોગ યુરોપ, એશિયા, આફ્રિકા તથા ઑસ્ટ્રેલિયા ખંડના દેશોમાં જોવા મળે છે. ભારતમાં ખાસ કરીને અસમ રાજ્યમાં આ રોગ વધુ પ્રમાણમાં જોવા મળે છે.
આ રોગ મુખ્યત્વે ગાયબળદમાં થાય છે તથા કોઈક વાર ભેંસ, યાક, હરણ, નીલગાય વગેરેમાં પણ જોવા મળે છે.
રોગના જીવાણુઓ રોગી જાનવરના સીધા સંપર્કથી ફેલાય છે. રોગી જાનવરના ઉચ્છવાસ વાટે મોટી સંખ્યામાં રોગના જીવાણુઓ બહાર આવે છે, જે તેની નજીકમાં રહેતાં તંદુરસ્ત પશુમાં શ્વાસોચ્છવાસની પ્રક્રિયા દરમિયાન દાખલ થાય છે અને તેમાં રોગ ઉત્પન્ન કરે છે. આમ ઘનિષ્ઠ સહવાસમાં રાખવામાં આવતાં પશુઓમાં રોગનો ફેલાવો ઝડપથી થાય છે. આ ઉપરાંત માંદા જાનવરે દૂષિત કરેલાં ખોરાકપાણી ઇત્યિાદિ દ્વારા પણ તે ફેલાય છે. ગરમ અને ભેજવાળું વાતાવરણ રોગને ફેલાવવામાં મદદ કરે છે. દીર્ઘકાલીન રોગમાં સપડાયેલ જાનવર વાહક બની જાય છે અને આવા જાનવરના નાકના પ્રવાહીમાં 2થી 3 વર્ષ સુધી રોગના જીવાણુઓ નીકળ્યા કરે છે.
લક્ષણો : રોગકર્તા જીવાણુઓનો પશુશરીરમાં પ્રવેશ થયા પછી, જીવાણુઓની સંખ્યા, તેની રોગકારકતા અને પશુની રોગપ્રતિકારક શક્તિ જેવાં પરિબળોને આધારે, 10 દિવસથી માંડીને 260 દિવસ બાદ રોગનાં ચિહનો પ્રદર્શિત થાય છે; તેમાં મુખ્યત્વે પશુને તાવ આવે છે, દૂધ-ઉત્પાદનમાં ઘટાડો નોંધાય છે, ભૂખ લાગતી નથી, બેચેની જણાય છે. તીવ્ર હુમલામાં સખત ખાંસી આવે છે. ઉચ્છ્વાસ કાઢતી વખતે અવાજ આવે છે, હાંફ ચડે છે, નસકોરાં પહોળાં થાય છે અને તેમાંથી પ્રવાહી નીકળે છે, લાળ પડે છે. ગળામાં સોજો આવે છે. રોગગ્રસ્ત જાનવરને ફેફસાં અને તેના આવરણનો સોજો આવે છે.
નિદાન : તંદુરસ્ત પશુઓને રોગી પશુ સાથે રાખવામાં આવ્યાં હોય તેવી માહિતી તથા શ્વસનતંત્રને અસર કરતાં આગળ જણાવેલ લાક્ષણિક ચિહનો આ રોગના નિદાનમાં ઉપયોગી બને છે. આ ઉપરાંત રોગી પશુના શરીરમાંથી મેળવેલા નમૂનામાંથી પ્રયોગશાળામાં જીવાણુઓના સંવર્ધન દ્વારા તથા સૂક્ષ્મદર્શક વડે જીવાણુઓના પરીક્ષણ દ્વારા રોગનું નિદાન ચોક્કસ રીતે કરી શકાય છે.
સારવાર : ટાયલોસિન ટાર્ટરેટ નામની દવા 2થી 5 મિ.ગ્રા. પ્રતિ કિગ્રા. શરીરના વજનની માત્રામાં 12 કલાકના સમયગાળે રોગી પશુને આપતાં અસરકારક નીવડે છે. સ્પાયરામાયસિન અને લિંકોમાયસિન નામનાં પ્રતિજૈવિક ઔષધો પણ આ રોગની સારવારમાં વપરાય છે.
નિયંત્રણ : રોગી જાનવર રોગ ફેલાવવામાં અગત્યનો ભાગ ભજવતું હોઈ તેને તંદુરસ્ત જાનવરોના સહવાસથી અલગ કરી દેવું જોઈએ. રોગચાળા દરમિયાન પશુઓની હેરફેર ઉપર નિયંત્રણ લાદવું જોઈએ. રોગપ્રતિબંધક ઉપાય તરીકે આ રોગ સામેની રસી મુકાવવી જોઈએ.
નલિનકાન્ત મનહરલાલ શાહ
8. મરઘાંમાં થતા જીવાણુજન્ય રોગો
મરઘાંમાં થતા અનેક પ્રકારના રોગો : (1) બૅક્ટેરિયાજન્ય રોગો, (2) વિષાણુ(virus)જન્ય રોગો, (3) ફૂગજન્ય રોગો, (4) પરોપજીવીથી થતા રોગો, (5) ત્રુટિજન્ય રોગો અને (6) અન્ય રોગો.
બૅક્ટેરિયાથી થતા રોગોમાં મુખ્યત્વે : (1) પુલોરમ રોગ, (2) ફાઉલ ટાઇફૉઇડ, (3) ફાઉલ કૉલેરા, (4) કોલિબેસિલોસિસ અથવા કૉલિસેપ્ટિસીમિયા તથા (5) ક્રૉનિક રેસ્પિરેટરી રોગો છે.
8.1 પુલોરમ રોગ
સાલ્મોનેલા પુલોરમ પ્રકારના જીવાણુથી થતો આ રોગ ખાસ કરીને નાનાં બચ્ચાંમાં જોવા મળે છે. મોટાં પક્ષીઓને પણ તે થઈ શકે છે. પહેલાં આ રોગ બેસિલરી વાઇટ ડાયેરિઅ’ (B.W.D.) નામથી ઓળખાતો હતો. પરંતુ સફેદ ઝાડા એ રોગનું ખાસ લક્ષણ ન હોવાથી, હવે તેને પુલોરમના નામથી જ ઓળખવામાં આવે છે.
રોગનો ફેલાવો : (1) રોગિષ્ઠ મરઘીમાંથી ઈંડાં દ્વારા પેદા થતાં બચ્ચાંમાં મુખ્યત્વે આ રોગ ફેલાય છે. બહારથી તંદુરસ્ત દેખાતા રોગના વાહક પક્ષીના અંડાશયમાં રોગના જીવાણુ હોય છે, જે ઈંડા દ્વારા બચ્ચામાં આવીને રોગનો ફેલાવો કરે છે. સામાન્ય રીતે રોગિષ્ઠ પક્ષી 10 %થી 20 % રોગયુક્ત ઈંડાં આપે છે. (2) હેચિંગ, સેક્સિંગ અને વૅક્સિનેશન દરમિયાન તેમજ બ્રૂડર હાઉસમાં રોગિષ્ઠ બચ્ચાના સહવાસમાં આવતા તંદુરસ્ત બચ્ચામાં રોગ ફેલાય છે. ચેપયુક્ત ખોરાક તેમજ પાણી દ્વારા પણ આ રોગનો ફેલાવો થાય છે. મરણ પામેલ બચ્ચાં, બિછાત(litter)ના ભૂસાનો કચરો તેમજ મરઘાઘરનાં સાધનો દ્વારા પણ રોગ ફેલાય છે.
રોગનાં લક્ષણો : આ રોગ મુખ્યત્વે નાનાં બચ્ચાંમાં થાય છે. રોગનો ફેલાવો ઈંડાં દ્વારા થયેલ હોય ત્યારે મૃત્યુ-પ્રમાણની શરૂઆત પ્રથમ દિવસથી થાય છે અને વધારેમાં વધારે મૃત્યુ-પ્રમાણ પાંચથી સાત દિવસની વચ્ચે જોવા મળે છે. બચ્ચાંની ગીચતા, બ્રૂડર હાઉસની સ્વચ્છતા તથા બ્રૂડર હાઉસના તાપમાન ઉપર મૃત્યુ-પ્રમાણનો આધાર રહે છે અને તે 2 %થી 5 % સુધી પહોંચી શકે છે. આવાં બચ્ચાં પહેલા અઠવાડિયામાં મૃત્યુ પામે છે. તેમાં કોઈ ચોક્કસ પ્રકારના રોગનાં ચિહ્ન જોવા મળતાં નથી. આવાં બચ્ચાં ખૂણામાં અથવા પ્રકાશ હોય ત્યાં બધાં ભેગાં થઈ જાય છે. પીંછાં ખરબચડાં થઈ જાય છે અને પાછળના ભાગનાં પીંછાં પીળાશ પડતી હગારથી ખરડાયેલાં જોવા મળે છે.
જે બચ્ચાંને બ્રૂડર હાઉસમાંથી અથવા વહન દરમિયાન રોગનો ચેપ લાગ્યો હોય તેમનો બીમારીનો સમયગાળો લાંબો રહે છે અને મૃત્યુ-પ્રમાણ ઓછું જોવા મળે છે. આવાં બચ્ચાંને ઝાડા થાય છે, પીંછાં ખરબચડાં થઈ જાય છે તેમજ પગના સાંધામાં સોજો જોવા મળે છે. રોગિષ્ઠ બચ્ચાંમાંથી સાજાં થયેલ પક્ષી પુખ્ત ઉંમરનાં થાય ત્યારે તેમાં રોગનાં કોઈ ચિહનો જોવા મળતાં નથી. પરંતુ આવાં પક્ષી રોગનાં વાહક હોય છે અને ઈંડાં દ્વારા રોગનો ફેલાવો કરે છે. આવાં પક્ષીમાં ઈંડાંનું ઉત્પાદન 10 %થી 20 % જેટલું ઓછું રહે છે.
મરણોત્તર ચિહનો : જે બચ્ચાં પહેલા અઠવાડિયા દરમિયાન મૃત્યુ પામે છે તેમાં કોઈ ખાસ મરણોત્તર ચિહનો જોવા મળતાં નથી. રોગની પાછલી અવસ્થામાં મૃત્યુ પામેલ બચ્ચાં યકૃત, હૃદય, ફેફસાં તથા પેષણી(gizzard) ઉપર ટાંકણીના માથાના કદની સફેદ ગાંઠો જોવા મળે છે. અંધાંત્ર(caecum)ની અંદર ચીઝ જેવો પીળો ઘટ્ટ પદાર્થ જામી ગયેલ જોવા મળે છે. બ્રૉઇલર પક્ષીમાં કોઈ વખત સાંધામાં પીળાશ પડતું ઘટ્ટ પ્રવાહી જોવા મળે છે.
પુખ્ત ઉંમરના પક્ષીમાં મરણોત્તર ચિહનો અંડાશય સિવાય અન્ય અવયવોમાં હોતાં નથી. અંડાશય ઉપર રહેલા અંડકોષોનો આકાર તેમજ રંગ બદલાઈ જાય છે. કોઈ વખત અંડકોષ ઉપર રક્તસ્રાવ જોવા મળે છે. ક્યારેક અંડકોષમાંની પીળી જરદી સૂકી થઈને ચીઝ જેવી દેખાય છે.
રોગનું નિદાન : (1) બચ્ચાંમાં પહેલા અઠવાડિયા દરમિયાન ઊંચું મરણ-પ્રમાણ પુલોરમ રોગ હોવાનું સૂચવે છે. (2) જીવિત બચ્ચાંમાં રોગનાં ચિહ્નો પરથી પુલોરમ રોગ વિશે ખ્યાલ આવી શકે છે. (3) ચોક્કસ પ્રકારનાં મરણોત્તર ચિહ્નો, જેવાં કે યકૃત, હૃદય, ફેફસાં તથા પેષણીની સપાટી ઉપર સફેદ નાની નાની ગાંઠો હોવી એ આ રોગનાં સૂચક છે. (4) યકૃત તથા પીળી જરદીના નમૂનામાંથી પ્રયોગશાળામાં જીવાણુના અલગીકરણ દ્વારા રોગનું ચોક્કસ નિદાન કરી શકાય છે. (5) ઈંડાં આપતી મરઘીના લોહીનો રૅપિડ સ્લાઇડ ઍગ્લુટિનેશન ટેસ્ટ કરવાથી રોગનું ચોક્કસ નિદાન કરી શકાય છે. લોહીનું આવું પરીક્ષણ ફાર્મ પર કરી શકાય છે તથા તેનું પરિણામ તરત જાણી શકાય છે.
સારવાર : રોગની સારવાર માટે ફ્યૂરાઝિલિડોન નામની દવા અસરકારક માલૂમ પડેલ છે. આ દવા ખોરાકમાં 0.04 % પ્રમાણે 10 દિવસ આપવી જોઈએ. આ દવા નેફિટન, ફ્યૂરાલ્ટિન, ફ્યૂરાસૉલ, ફ્યૂકૉક્સ જેવાં જુદાં જુદાં નામથી બજારમાં ઉપલબ્ધ છે.
નિયંત્રણ : ઈંડાં-સેવનગૃહમાં સેવવાનાં ઈંડાં રોગમુક્ત રહે તે માટે ઈંડાં આપતી મરઘીઓનાં લોહીનું પરીક્ષણ કરાવવું તથા આ પરીક્ષણ બાદ જ ઈંડાં સેવવા માટે મૂકવાં. રોગિષ્ઠ મરઘીઓનાં ઈંડાંનું સેવન કરવું નહિ. ઇન્ક્યુબેટર સંપૂર્ણ રીતે જીવાણુરહિત કરવા 5 મિલિ. ફૉર્મલિન અને 3 ગ્રામ પોટૅશિયમ પરમૅંગેનેટનું મિશ્રણ દર 25 સેમી. દીઠ અડધા કલાક સુધી રાખવું. તેની ધુમાડીથી પુલોરમ રોગ અટકાવી શકાય છે.
રોગમાંથી બચી ગયેલ પક્ષી રોગવાહક બનતાં હોવાથી માંસ-ઉત્પાદન માટે રાખવાં નહિ. બ્રૂડરને પણ જંતુરહિત કર્યા બાદ બચ્ચાં ઉછેરવાં. રોગથી મૃત્યુ પામેલાં બચ્ચાંનો નાશ કરવો. ખોરાક તથા પાણીનાં સાધનોને જીવાણુરહિત કરવાં. બિછાત (litter) અવારનવાર બદલતા રહેવું. રોગ આવતો અટકાવવા ફ્યૂરાઝિલિડોન 100 ગ્રામ પ્રમાણે એક ટન ખોરાકમાં 10 દિવસ માટે આપવી.
8.2 ફાઉલ ટાઇફૉઇડ
સાલમોનેલા ગૅલિનેરમ નામના જીવાણુથી થતો આ રોગ પુખ્ત ઉંમરનાં પક્ષીઓમાં, ખાસ કરીને 3થી 5 મહિનાની ઉંમરનાં પક્ષીઓમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે અને રોગમાં મરણપ્રમાણ 20 %થી 30 % રહે છે. બચ્ચામાં રોગ જવલ્લે જ થાય છે, જ્યારે પુલોરમના રોગમાં આથી ઊલટું જોવા મળે છે.
રોગનો ફેલાવો : રોગનો ફેલાવો ખાસ કરીને ઈંડાં દ્વારા થાય છે. પરંતુ હગારથી ખરડાયેલ ખોરાક, પાણી તેમજ બિછાત દ્વારા પણ રોગ ફેલાય છે. રોગવાહક પક્ષીની હગારમાં પણ રોગના જીવાણુ હોય છે, જે ખોરાક તેમજ પાણીને દૂષિત કરે છે. રોગથી મરણ પામેલ પક્ષીમાં પણ રોગના જીવાણુ લાંબા સમય સુધી જીવિત રહી શકે છે. તેથી મૃત્યુ પામેલ પક્ષીનો યોગ્ય નિકાલ કરવામાં ન આવે તો બીજાં પક્ષીઓ, ઉંદર, કૂતરાં વગેરે દ્વારા આજુબાજુના ફાર્મમાં આ રોગનો ફેલાવો થઈ શકે છે. પાંજરામાં ઉછેરવામાં આવતાં પક્ષીઓમાં રોગનો ફેલાવો કચરાની ઊંડી બિછાત (deep litter) કરતાં ધીમે થાય છે.
રોગનાં લક્ષણો : સામાન્ય રીતે રોગચાળો પક્ષીની ઈંડાં મૂકવાની શરૂઆતની અવસ્થા દરમિયાન થાય છે. તંદુરસ્ત પક્ષીને જીવાણુનો ચેપ લાગ્યા પછી 4થી 7 દિવસમાં રોગનાં લક્ષણો જોવા મળે છે. રોગ તીવ્ર પ્રકારનો હોય તો પક્ષી કોઈ પણ જાતનાં ચિહનો બતાવ્યા વિના 24 કલાકમાં મૃત્યુ પામે છે. પક્ષીને તાવ આવે છે તથા તાવને લીધે તરસ લાગે છે. અસર પામેલ પક્ષીની હગારમાં પીળાશ પડતા પ્રવાહીયુક્ત યુરેટ્સનું પ્રમાણ વધુ હોય છે, જેની ખરાબ વાસ આવે છે. પક્ષીની કલગી તેમજ ઝાલર ફીકાં પડી જાય છે.
બીમારીનો સમયગાળો લાંબો રહે તો પક્ષીમાં લોહીની ઊણપને કારણે તે ફીકાં તેમજ ક્ષીણ થઈ જાય છે તેમજ ઈંડાંનું ઉત્પાદન પણ ઘટી જાય છે.
મરણોત્તર ચિહનો : તીવ્ર પ્રકારના રોગથી મૃત્યુ પામેલ પક્ષીમાં ફેફસાં તેમજ યકૃતમાં લોહીનો ભરાવો થવા સિવાય ખાસ ચિહનો જોવા મળતાં નથી.
સામાન્ય રીતે જોવા મળતા રોગના પ્રકારમાં પક્ષીનું યકૃત બહારની હવાના સંપર્કમાં આવતાં લીલાશ પડતા રંગનું (કટાઈ ગયેલ કાંસાના રંગનું) થઈ ગયેલું માલૂમ પડે છે જે રોગના નિદાન માટે મહત્વનું છે. ક્યારેક યકૃતની સપાટી ઉપર નાનાં નાનાં સફેદ ટપકાં જોવા મળે છે. જે યકૃતના કોષો નાશ પામેલ છે તેમ સૂચવે છે. કોઈ વખત છાતીના સ્નાયુ તેમજ ફેફસાંમાં લાંબા ગાળા માટે લોહીના ભરાવાને કારણે તેમનો દેખાવ કથ્થાઈ રંગનો થઈ જાય છે. પક્ષીની માંદગીનો સમય લંબાયેલ હોય તો હૃદય તેમજ આંતરડાંની દીવાલ ઉપર નાની નાની ગાંઠો જોવા મળે છે. ઈંડાં આપતાં પક્ષીમાં અંડાશય ઉપર પુલોરમના રોગ જેવાં જ ચિહનો જોવા મળે છે. સામાન્ય રીતે અંડકોષો ફાટી જાય છે અને પીળી જરદી પેટમાં છૂટી થયેલ જોવા મળે છે.
રોગનું નિદાન : (1) જીવિત રોગિષ્ઠ પક્ષીમાં રોગનાં લક્ષણો પરથી અનુમાન થઈ શકે છે. (2) યકૃત પરના ચોક્કસ પ્રકારનાં મરણોત્તર ચિહનો આ રોગનાં સૂચક છે. (3) પ્રયોગશાળામાં યકૃત, હૃદય, બરોળ વગેરેમાંથી જીવાણુના અલગીકરણ દ્વારા રોગનું ચોક્કસ નિદાન થઈ શકે છે. (4) રોગવાહક પક્ષી માટે તેમજ લાંબા ગાળાના રોગમાં લોહીના રૅપિડ સ્લાઇડ ઍગ્લુટિનેશન ટેસ્ટ દ્વારા રોગનું ચોક્કસ નિદાન થઈ શકે છે.
સારવાર : પુલોરમ રોગની માફક આ રોગની સારવાર માટે ફ્યૂરાઝિલિડોન ગ્રૂપની દવાનો ઉપયોગ થઈ શકે છે. જુદા જુદા પ્રકારની પ્રતિજૈવિક(antibiotics)ની જીવાણુ પર થતી અસરનું પ્રયોગશાળામાં પરીક્ષણ કર્યા બાદ ઉપયોગ કરી રોગ કાબૂમાં લાવી શકાય છે.
નિયંત્રણ : ફાર્મ પર નિયમિત રૅપિડ સ્લાઇડ ઍગ્લુટિનેશન ટેસ્ટ દ્વારા પરીક્ષણ કરી અસરગ્રસ્ત જણાયેલાં પક્ષીઓને જુદાં કરી તેમનો નિકાલ કરવો. રોગચાળા દરમિયાન બીમાર જણાતાં પક્ષીઓને જુદાં કરી તેમનો નિકાલ કરવો. રોગને એક પક્ષીમાંથી બીજા પક્ષીમાં ફેલાતો અટકાવવા માટે સ્વચ્છતાનાં યોગ્ય પગલાં લેવાં. રોગથી મૃત્યુ પામેલ પક્ષીને બાળી અથવા દાટી દઈ નિકાલ કરવો. રોગમાંથી બચી ગયેલાં પક્ષી રોગવાહક રહેતાં હોવાથી આવાં પક્ષી ફાર્મ પર રાખવાં નહિ તથા યોગ્ય નિકાલ કરવો. ફ્યૂરાઝિલિડોન 0.01 % પ્રમાણે ખોરાકમાં ભેળવીને આપવાથી રોગ આવતો અટકાવી શકાય છે.
8.3 ફાઉલ કૉલેરા
પાસ્ચુરેલા મલ્ટોસિડા નામના જીવાણુથી થતો આ રોગ ટૂંકી મુદતનો અને લોહીમાં જીવાણુનું અસ્તિત્વ ધરાવનારો છે. રોગ 4 મહિનાથી મોટી ઉંમરના પક્ષીમાં જોવા મળે છે. આ રોગ સૌથી વધુ ઘાતક છે તથા ઘણો ચેપી પણ છે. રોગચાળો શરૂ થવા માટે ઋતુ કે આબોહવાનો ફેરફાર, ખોરાકમાં ફેરફાર, અપૂરતું વેન્ટિલેશન, પરોપજીવીનું સંક્રમણ તથા બીજા રોગો જવાબદાર છે. આવાં કારણો તાણ (stress) ઉત્પન્ન કરે છે તથા શરીરમાં રહેલા જીવાણુનો પ્રકોપ વધતાં રોગ શરૂ થાય છે. મરઘાં કરતાં બતકોમાં આ રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે.
રોગનો ફેલાવો : તંદુરસ્ત તેમજ રોગમાંથી બચી ગયેલાં પક્ષીઓનાં નાકની અંદર સામાન્ય રીતે આ જીવાણુ વસવાટ કરતા હોય છે. રોગિષ્ઠ પક્ષીનાં નાક, મોં તથા આંખમાંથી નીકળતો સ્રાવ ખોરાક-પાણીને દૂષિત કરે છે અને તંદુરસ્ત પક્ષીઓમાં રોગનો ફેલાવો કરે છે. કબૂતર, પોપટ તથા જંગલી પક્ષીઓનાં શરીરમાં પણ આ રોગના જીવાણુ હોય છે અને ફેલાવો કરે છે. રોગથી મૃત્યુ પામેલ પક્ષીની મોટા ભાગની પેશીઓમાં જીવાણુ હોય છે. રોગિષ્ઠ તેમજ મૃત પક્ષીને ચાંચ મારવાથી તંદુરસ્ત પક્ષીમાં રોગ ફેલાય છે. ખોરાકની થેલી, મરઘાંઘરમાં કામ કરતા માણસો તથા સાધનો દ્વારા જીવાણુ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે.
રોગનાં લક્ષણો : અતિ ઉગ્ર પ્રકારનો રોગ ખૂબ જ ટૂંકી મુદતનો હોય છે. મરઘાં કોઈ પણ જાતનાં ચિહનો બતાવ્યાં વિના આકસ્મિક રીતે મૃત્યુ પામે છે.
સામાન્ય રીતે ઉગ્ર પ્રકારના રોગમાં પક્ષીને સફેદ પાણી જેવા અથવા લીલાશ પડતા અમ્લયુક્ત ઝાડા થાય છે. પક્ષી ખાવાનું બંધ કરી દે છે અને સુસ્ત જણાય છે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે તથા નાક અને ચાંચમાંથી પ્રવાહી નીકળે છે. મૃત્યુનું પ્રમાણ 60 % જેટલું રહે છે.
લાંબા સમયથી આવા રોગમાં ઝાલરનો સોજો તથા સાંધાનો સોજો જોવા મળે છે. શ્વાસ લેતાં અવાજ થાય છે તથા નાકમાંથી પ્રવાહી ગળે છે. પક્ષી લંગડાતું ચાલે છે.
મરણોત્તર ચિહનો : અતિ તીવ્ર પ્રકારના રોગમાં ખાસ પ્રકારનાં મરણોત્તર ચિહનો હોતાં નથી. સામાન્ય રીતે હૃદય, પેષણી (gizzard) અને આંત્રપડ (peritoneum) પર રક્તસ્રાવ જોવા મળે છે. આંતરડાંના શરૂઆતના ભાગમાં સોજો જોવા મળે છે, તીવ્ર પ્રકારના રોગમાં યકૃત મોટું દેખાય છે તેમજ યકૃત પર સોજો અને ચાંદી જોવા મળે છે. લાંબા સમયના રોગમાં સાંધા તેમજ કલગીમાં સોજો જણાય છે.
નિદાન : (1) રોગનાં ચિહનો પરથી રોગ વિશે અનુમાન કરી શકાય છે. (2) મરણોત્તર ચિહનો પણ રોગને ઓળખવામાં મદદરૂપ થાય છે. (3) રોગનાં ચિહનો ઉગ્ર હોય ત્યારે લોહીની સ્લાઇડ બનાવી તેને અભિરંજિત કરી સૂક્ષ્મદર્શક વડે જોતાં નાના દબાયેલા દંડાણુ આકારના કવચ સાથેના જીવાણુ દેખાય છે. આમ રોગનું ચોક્કસ નિદાન થઈ શકે છે. (4) મૃત પક્ષીનાં યકૃત તથા હૃદયના લોહીમાંથી સ્લાઇડ બનાવીને તેમાં પણ જીવાણુ જોઈ શકાય છે. (5) રોગિષ્ઠ પક્ષીનાં તથા મૃત પક્ષીનાં ફેફસાં અને યકૃતના નાના ટુકડા પ્રયોગશાળામાં મોકલવાથી જીવાણુના અલગીકરણ દ્વારા રોગનું ચોક્કસ નિદાન થઈ શકે છે. (6) પક્ષીમાંથી એકઠા કરેલા નમૂના સસલા તેમજ ઉંદરને આપી જૈવિક પરીક્ષણ દ્વારા રોગનું નિદાન કરી શકાય છે.
સારવાર : સલ્ફાસમૂહ દવાઓ તેમજ પ્રતિજૈવિક દવાઓ ઉપલબ્ધ છે. તે આપવાથી પક્ષીઓમાં મૃત્યુપ્રમાણ ઘટે છે. પરંતુ સારવાર બંધ કર્યા બાદ ફરીથી મૃત્યુપ્રમાણ ચાલુ થાય છે. સલ્ફાક્વિનોક્ઝોલિન સારવાર માટે ઉત્તમ પુરવાર થયેલ છે. પરંતુ તેનાથી ઈંડાં-ઉત્પાદન ઘટી જાય છે. સલ્ફાક્વિનોક્ઝોલિન ઉપરાંત સલ્ફામેથાઝિન, સલ્ફામેથોઝિન, સલ્ફામેરાઝિન, ટેટ્રાસાઇક્લિન, એરીથ્રોમાયસિન, સ્ટ્રેપ્ટોમાયસિન, પેનિસિલીન વગેરે દવાઓનો ઉપયોગ કરી શકાય છે. પ્રયોગશાળામાં જીવાણુ ઉપર અસર કરતી દવાનું પરીક્ષણ કર્યા પછી, દવાની અસરકારકતાના આધારે ઉપયોગ કરવાથી સારાં પરિણામ મળી શકે છે.
નિયંત્રણ : આ રોગના જીવાણુ ઈંડાં મારફત ફેલાતા નથી. તેથી સારાં પક્ષીઓ મેળવીને તેમને રોગમુક્ત વાતાવરણમાં અલગ રીતે ઉછેરવાં અને તેમને અન્ય પક્ષીઓના સંપર્કમાં આવવા ન દેવાં. બ્રીડિંગ ફ્લૉકમાં નવાં પક્ષીઓ બહારથી લાવી ઉમેરો કરવો નહિ કારણ કે તે જીવાણુવાહક હોઈ શકે છે. શક્ય હોય ત્યાં સુધી મોટી ઉંમરનાં પક્ષી ખરીદવાં નહિ. રોગિષ્ઠ પક્ષીનો નાશ કરવો અથવા યોગ્ય નિકાલ કરવો.
8.4 કૉલિબૅસિલોસિસ (કૉલિસેપ્ટિસીમિયા)
મરઘાંમાં થતા બૅક્ટેરિયાજન્ય રોગોમાંનો આ ઇસ્ચેરિચિયા કૉલાઈ નામના બૅક્ટેરિયાથી થતો ખૂબ જ પ્રચલિત અને બહુ જ સામાન્ય રોગ છે. બ્રૉઇલર પક્ષીઓમાં આ રોગ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. તંદુરસ્ત મરઘાંનાં આંતરડાંમાં તેમજ વાતાવરણમાં જીવાણુ હાજર હોવાથી જ્યારે પણ પક્ષીની રોગપ્રતિકારક શક્તિ(રસીકરણ, ડીબિકિંગ)ને લીધે થતી તાણ ઘટે છે ત્યારે જીવાણુ લોહીમાં દાખલ થાય છે અને હૃદય તથા યકૃતમાં પ્રકોપ ઉત્પન્ન કરે છે. ઉપરાંત પક્ષીઓના અન્ય રોગો જેવા કે રાની ખેત, કૉક્સી ડીઓસિસ, સી.આર.ડી., ચેપી બ્રૉન્કાઇટિસ વગેરે દ્વિતીય ચેપ તરીકે ભાગ ભજવી રોગને વધુ ઉગ્ર બનાવે છે. મરઘાંઉદ્યોગના વિકાસની સાથે સાથે આ રોગનું પ્રમાણ વધતું જાય છે અને મરઘાંપાલક માટે આજકાલ આ રોગ સમસ્યારૂપ બની ગયેલ છે.
મરઘાંમાં આ રોગના જીવાણુના ઘણા જ સીરોટાઇપ પ્રચલિત છે. ખાસ કરીને O1 O2 O27 સીરોટાઇપ રોગ માટે વિશેષ જવાબદાર છે. ઘણી વખત આ રોગકર્તા જીવાણુ ઉંદરની હગારમાંથી પણ આવતા હોય છે. જીવાણુ બહારના વાતાવરણ તેમજ મરઘાં-ઘર અને બિછાતમાં પક્ષીની હાજરીમાં લાંબો સમય જીવિત રહી શકતા હોય છે.
રોગનો ફેલાવો : ઈ. કોલાઈ જીવાણુ મરઘાં-ઘરના વાતાવરણમાં એટલે કે મરઘાં-ઘરની ધૂળનાં રજકણો, કચરો, પક્ષીની હગાર તેમજ આંતરડાંમાં સામાન્ય રીતે રહેતા હોવાથી તેમનું પ્રમાણ વધી જાય ત્યારે રોગનો ફેલાવો થાય છે. ઉપરાંત જીવાણુથી દૂષિત ખોરાક તેમજ પાણી દ્વારા રોગ ફેલાતો હોય છે. મરઘાં-ફાર્મમાં ફરતા ઉંદરની હગારમાંથી પણ આ રોગકર્તા જીવાણુનો ફેલાવો થઈ, રોગ થઈ શકે છે.
ઈંડાં-સેવનગૃહમાં રોગયુક્ત પક્ષીની હગારથી ખરડાયેલાં ઈંડાં સેવન માટે મૂક્યાં હોય તો જીવાણુ ઈંડાંમાં દાખલ થાય છે અને સેવન દરમિયાન અથવા બચ્ચાંની પ્રથમ અઠવાડિયાની ઉંમરમાં મૃત્યુ-પ્રમાણ ઊંચું રહે છે.
આ ઉપરાંત મરઘાં-ઘરમાં અન્ય પરિબળો જેવાં કે પક્ષીની ગીચતા, અપૂરતી હવા, એમોનિયાનું વધુ પડતું પ્રમાણ, અપૂરતો ખોરાક, વાતાવરણમાં ફેરફાર તેમજ અગાઉ જણાવેલ બીજા રોગો વગેરેને લીધે ઈ. કોલાઈ જીવાણુ જે સામાન્ય રીતે ફાર્મમાં હાજર હોય છે, તે આવી તકનો લાભ લઈ રોગકર્તા નીવડે છે.
રોગનાં લક્ષણો : ખાસ કરીને 4થી 8 અઠવાડિયાંની ઉંમરનાં બ્રૉઇલર પક્ષી આ રોગના વધુ પડતા ભોગ બનતાં હોય છે. પક્ષીઓમાં આ શ્વસનતંત્રનો રોગ છે, જ્યારે અન્ય પ્રાણીઓમાં જીવાણુ પાચનતંત્રને અસર કરે છે. રોગગ્રસ્ત પક્ષી સુસ્ત જણાય છે, ખોરાક તથા પાણી લેવાનું બંધ કરે છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, છીંકો ખાય છે અને ખાસ કરીને રાત્રિ દરમિયાન શ્વાસ લેતી વખતે ઘરેરાટી જેવો અવાજ સંભળાય છે. આશરે 20 % પક્ષીઓમાં આ રોગ જોવા મળે છે તથા 5 % પક્ષીઓ મૃત્યુ પામે છે. બચ્ચાંમાં મરણનું પ્રમાણ 100 % સુધી પહોંચે છે. ખોરાક ઓછો લેવાથી વૃદ્ધિ થતી નથી તથા બ્રૉઇલરમાં જરૂરી વજન મળતું નથી.
મરણોત્તર ચિહનો : આ રોગમાં પક્ષીના શરીરમાં ખાસ પ્રકારનાં ચિહ્નો જોવા મળે છે. હૃદય તેમજ યકૃતની દીવાલ પર સફેદ ફાઇબ્રિનનું આવરણ જામી જાય છે. હૃદયની બહારની દીવાલનું આવરણ (pericardium) હૃદય સાથે સફેદ ફાઇબ્રિનયુક્ત આવરણથી સખત રીતે ચોંટેલું રહે છે. યકૃત ઉપરનું આવરણ સહેલાઈથી છૂટું પડી જાય છે. હવાની કોથળી(air sac)માં પણ સફેદ ચીઝ જેવા પદાર્થનો ભરાવો થયેલો જોવા મળે છે, તેમજ દીવાલ જાડી અને અપારદર્શક થઈ ગયેલ હોય છે.
કેટલીક વાર લેયર પક્ષીઓમાં (ઈંડાં મૂકતાં) રોગ થયેલ હોય તો તેમની અંડવાહિનીમાં સખત ચીઝ જેવો પદાર્થ તેમજ ચીઝયુક્ત પ્રવાહી ભરાયેલું જોવા મળે છે.
પક્ષીની શ્વાસનળીની દીવાલ લોહીના ભરાવાને કારણે લાલાશ પડતી દેખાય છે. પક્ષીના શરીરના સ્નાયુઓ પણ તેના કોષો નાશ પામવાને કારણે ફિક્કા પડી ગયેલ જોવા મળે છે. પક્ષીનું શરીર પણ ક્ષીણ થતું જાય છે. લેયર પક્ષીમાં પણ ઉપર્યુક્ત પ્રકારનાં ચિહ્નો જોવા મળે છે. પરંતુ પ્રમાણ બ્રૉઇલર પક્ષી કરતાં ઓછું રહે છે.
નિદાન : (1) રોગનું નિદાન ચોક્કસ પ્રકારના રોગનાં મરણોત્તર ચિહ્નો (યકૃત તેમજ હૃદય પર સફેદ પડતું આવરણ) પરથી થઈ શકે છે. (2) શબ-પરીક્ષણ કર્યા બાદ હૃદય, યકૃત તથા બરોળના નાના ટુકડા પ્રયોગશાળામાં મોકલવાથી જીવાણુના અલગીકરણ દ્વારા પણ ચોક્કસ નિદાન થઈ શકે છે.
સારવાર : આ રોગ સામે જુદા જુદા પ્રકારની પ્રતિજૈવિક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને ક્યૂરાઝોલિડોન, સલ્ફાસમૂહ, એમ્પિસિલિન, એમોક્સિસિલિન, ટેટ્રાસાયક્લિન અને નીઓમાયસિન દવાઓ વપરાય છે. બજારમાં જુદાં જુદાં નામથી તે ઉપલબ્ધ છે. પ્રતિજૈવિક દવાઓ ખોરાક અથવા પાણી સાથે આપવામાં આવે છે. રોગની શરૂઆતની અવસ્થામાં ઉપચાર કરવામાં આવે તો રોગ સહેલાઈથી કાબૂમાં આવી શકે છે.
મોટા ભાગની પ્રતિજૈવિક દવાઓ આ રોગના જીવાણુ પર અસરકર્તા છે. પરંતુ આજકાલ આ દવાઓના બેફામ તેમજ જરૂરત વગરના ઉપયોગથી તેમની અસરકારકતા ઘટી રહી છે અને જીવાણુનું નિયંત્રણ ઘણી વખત નિષ્ફળ જાય છે. તેથી સચોટ ઉપાય માટે પ્રયોગશાળામાં જીવાણુ પર અસર કરતી દવાની ચકાસણી કરવી જોઈએ અને જે દવા અસરકારક હોય તેનો જ ઉપયોગ કરવો જોઈએ.
ઉપચાર : આ રોગને અન્ય રોગો જેવા કે કૉક્સિડિઓસિસ, રાનીખેત, સી.આર.ડી. ચેપી બ્રૉન્કાઇટિસ વગેરે દ્વિતીય ચેપ તરીકે ભાગ ભજવી વધુ ઉગ્ર બનાવે છે. તેથી આવા રોગો અટકાવવા માટેના તમામ ઉપચાર કરવા જોઈએ. મરઘાંને રાનીખેત તથા ચેપી બ્રૉન્કાઇટિસ માટેની રોગવિરોધી રસી મુકાવવી જોઈએ.
મરઘાં-ઘરની સ્વચ્છતા જાળવવા તમામ પગલાં લેવાં જોઈએ. મરઘાં-ઘરની ગીચતા, અપૂરતી હવા તેમજ પ્રકાશની અવરજવર ઍમોનિયાનું વધુ પડતું પ્રમાણ, ઉંદરનું પ્રમાણ, દૂષિત પાણી તેમજ ખોરાક – એ તમામ સ્તરે જરૂરી પગલાં લઈ મરઘાં-ઘર સ્વચ્છ રાખવું જોઈએ. રોગ આવ્યા બાદ નવાં પક્ષી મરઘાં-ઘરમાં મૂક્યા પહેલાં જંતુનાશક દવાથી છંટકાવ કરવો જોઈએ.
8.5 ક્રૉનિક રેસ્પિરેટરી રોગો (સી.આર.ડી.)
માયકોપ્લાઝમા ગૅલિસેપ્ટિકમ નામના જીવાણુથી થતો શ્વસનતંત્રનો આ રોગ છે. સામાન્ય રીતે 4થી 8 અઠવાડિયાંનાં પક્ષીઓમાં તે જોવા મળે છે. સામાન્ય સંજોગોમાં જીવાણુ તંદુરસ્ત પક્ષીના શરીરમાં વસવાટ કરતા હોય છે પરંતુ રસી મૂકવી, ચાંચ કાપવી, કૃમિની દવા આપવી, ઓછા હવાઉજાસવાળી તેમજ અપૂરતી જગ્યા, વાતાવરણમાં ફેરફાર, ખોરાકમાં ફેરફાર તેમજ શ્વસનતંત્રના બીજા રોગો તાણ પેદા કરે છે અને રોગ ઉત્પન્ન કરે છે. જીવાણુ થોડા દિવસથી વધારે પક્ષીના શરીરની બહાર ભાગ્યે જ જીવી શકે છે.
રોગનો ફેલાવો : કેટલાક કિસ્સામાં વાહક પક્ષીઓ ઈંડાં દ્વારા બૅક્ટેરિયાનો ચેપ લગાડે છે. તાણ ઉત્પન્ન કરતાં કારણોથી રોગની શરૂઆત થાય છે અને રોગિષ્ઠ પક્ષીમાંથી તંદુરસ્ત પક્ષીમાં હવા દ્વારા રોગના જીવાણુ ફેલાય છે. દૂષિત ખોરાક તથા પાણી પર રોગ ફેલાવવા માટે તે જવાબદાર છે. પાલતુ તેમજ જંગલી પક્ષી પણ આ રોગનાં જીવાણુને ફેલાવે છે. મરઘાં-ઘરનાં સાધનો, કર્મચારીઓ, ખોરાકની થેલી વગેરે દ્વારા પણ રોગનો ફેલાવો થાય છે.
રોગનાં લક્ષણો : રોગનાં લક્ષણો ધીરે ધીરે વિકાસ પામે છે. વાતાવરણમાં થતા ફેરફાર પર રોગની ઉગ્રતાનો આધાર હોય છે અને અમુક અઠવાડિયાં અથવા મહિના સુધી ચાલે છે. લક્ષણો મુખ્યત્વે શ્વસનતંત્રના બીજા રોગમાં જોવા મળે તેવાં જ હોય છે. રોગિષ્ઠ પક્ષી ખોરાક અને પાણી લેવાનું બંધ કરે છે. આંખ અને નાકમાંથી પ્રવાહી ગળે છે. બચ્ચાં હાંફે છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે તેથી વારંવાર મોં ખોલે છે અને બંધ કરે છે. એનું ગળું પણ ખેંચાય છે. પક્ષીના ગળામાંથી ઘરઘરાટી સંભળાય છે. પક્ષીની નજીક કાન લઈ જતાં ઘડિયાળના ફરતા કાંટાના ટિક-ટિક જેવો અવાજ સંભળાય છે.
બ્રૉઇલરની અંદર વધારે ઉગ્ર સ્વરૂપે લક્ષણો જોવા મળે છે. ખોરાક ઓછો લેવાથી વૃદ્ધિ અટકી જાય છે. મૃત્યુનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે.
ઈંડાં આપતાં પક્ષીઓમાં ખોરાકનું પ્રમાણ ઘટે છે અને ઈંડાં- ઉત્પાદન પણ ઘટે છે જે સતત નીચું રહે છે.
મરણોત્તર ચિહનો : નાક અને શ્વાસનળીમાં ઘાટું પ્રવાહી જોવા મળે છે. શ્વાસનળીમાં સોજો આવે છે. હવાની કોથળીમાં ચીઝ જેવો સફેદ પદાર્થ દેખાય છે. ઉપરાંત હૃદય, યકૃત અને પેટની બખોલમાં પણ આવો સફેદ પદાર્થ હોય છે. ઈંડાં આપતાં પક્ષીમાં પહોળી થઈ ગયેલી અંડવાહિનીની અંદર પ્રવાહી એકઠું થયેલું જોવા મળે છે.
નિદાન : (1) રોગનો ઇતિહાસ, રોગનાં લક્ષણો તથા મરણોત્તર-ચિહનો રોગને ઓળખવામાં મદદરૂપ થાય છે. (2) લોહીના રૅપિડ સ્લાઇડ ઍગ્લુટિનેશન ટેસ્ટથી ચોક્કસ નિદાન થઈ શકે છે. (3) લૅબોરેટરીમાં શ્વાસનળી તથા ફેફસાંના નમૂના મોકલી જીવાણુની તપાસ દ્વારા રોગનું નિદાન થઈ શકે છે.
સારવાર : માંદા પક્ષીની સારવાર કરવી ખર્ચાળ છે. તેથી રોગની શરૂઆતમાં જ તેમનો યોગ્ય નિકાલ કરવો જોઈએ અથવા માંદાં પક્ષીઓને છૂટાં પાડીને તંદુરસ્ત પક્ષીઓને સારવાર આપવી જોઈએ. ખાસ કરીને ટાયલોસિન દવા જીવાણુ પર વધારે અસરકારક છે. તેથી તેનો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. ઉપરાંત ક્યારેક ટેટ્રાસાયક્લિન દવાનો પણ સારવારમાં ઉપયોગ થાય છે. ઇન્જેક્શન પદ્ધતિથી દવા આપવાથી તે વધારે અસરકારક માલૂમ પડેલ છે. દવાના અંશ માંસની અંદર રહેતા હોવાથી સારવાર કરેલ પક્ષીને તાત્કાલિક બજારમાં વેચવાં નહિ.
નિયંત્રણ : રોગિષ્ઠ પક્ષીઓનો નિકાલ કરવો અને મરઘાં-ઘરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો તથા મરઘાં-ઘરને થોડાં અઠવાડિયાં માટે ખાલી રાખવું. જીવાણુરહિત મરઘાંનાં બચ્ચાં મેળવી તેમને જુદી રીતે ઉછેરવાં. મરઘાં લગભગ 10 અઠવાડિયાંનાં થાય ત્યારે લોહીનો સ્લાઇડ ઍગ્લુટિનેશન ટેસ્ટ કરવો તથા એક પણ પક્ષી રોગિષ્ઠ માલૂમ પડે તો એ આખા સમૂહના પક્ષીનો બ્રીડિંગ માટે ઉપયોગ કરવો નહિ. કેમ કે રોગિષ્ઠ મરઘીનાં ઈંડાં સેવવામાં આવે તો બચ્ચાંમાં જીવાણુ આવે છે. પક્ષી એક મહિનાનું થાય ત્યાં સુધી ટાયલોસિન ટારટ્રેટ 5 મિલીગ્રામ પ્રતિ કિલોગ્રામ વજન પ્રમાણે દર 5 દિવસે ઇન્જેક્શન દ્વારા આપવું. ઈંડાંને ટાયલેસિનના દ્રાવણ(8 પી.પી.એમ.)માં 15 મિનિટ બોળવાં, જેથી દવા કોચલા દ્વારા ઈંડાંમાં દાખલ થઈ ઈંડામાં રહેલા જીવાણુનો નાશ કરે છે.
નલિનકાન્ત મનહરલાલ શાહ
એચ. એન. ખેર