જીવન (જ. 24 ઑક્ટોબર 1915; અ. 10 જૂન 1987, મુંબઈ) : ચલચિત્ર વ્યવસાયના વીતેલા જમાનાના વિખ્યાત અભિનેતા. આખું નામ ઓમકારનાથ જીવન દુર્ગાપ્રસાદ ધર. પણ તેમણે અભિનેતા તરીકે પોતાનું નામ માત્ર ‘જીવન’ રાખ્યું. આ ટૂંકા નામથી તેઓ યાદગાર બની રહ્યા. કાશ્મીરના પંડિત (બ્રાહ્મણ) પરિવારમાં જન્મ. બાળપણ કાશ્મીરમાં વીત્યું. પિતા ઉચ્ચ સરકારી અમલદાર. શાળા અને કૉલેજનો અભ્યાસ અનુક્રમે ઇન્દોર અને દિલ્હીમાં કર્યો. અભ્યાસ બાદ સ્વતંત્ર મિજાજ ધરાવતા જીવને કાશ્મીરમાં ફોટો સ્ટુડિયો શરૂ કરવાનું નક્કી કર્યું.
1935ના અરસામાં 20 વર્ષની વયે તેઓ સ્થિર છબીકલા શીખવા મુંબઈ આવ્યા અને ફિલ્મ-સ્ટુડિયોમાં સહાયક કૅમેરામૅન તરીકે જોડાયા. એવામાં નિર્માતા-નિર્દેશક મોહનસિંહના પરિચયમાં આવતાં તેમને આ યુવાનનાં બુલંદ અવાજ, અનેરી છટા અને આકર્ષક શરીરસૌષ્ઠવ ગમી ગયાં અને તેમણે જીવનને સૌપ્રથમ વાર ફિલ્મમાં અભિનય કરવાની તક આપી. મોહનસિંહ દ્વારા નિર્મિત ‘ફૅશનેબલ દુનિયા’ (1935) તે જીવનની સિનેકારકિર્દીની પ્રથમ ફિલ્મ. એ પછી 4 વર્ષ બાદ નિર્માતા એ. આર. કારદારની ફિલ્મ ‘સ્વામી’માં જીવનની મહત્વની ભૂમિકા ખૂબ વખણાઈ. ત્યાર પછી ફિલ્મિસ્તાનની ફિલ્મ ‘નાગિન’ અને ‘ચાંદની ચોક’ દ્વારા તે આગવી અદાકારી દાખવતા કલાકાર પુરવાર થયા. ‘પનઘટ’ અને ‘હમારા સંસાર’ જેવી ફિલ્મોમાં મુખ્ય અભિનેતા પણ બન્યા. લગભગ 50થી વધુ ફિલ્મોમાં ‘નારદ’ તરીકે અભિનય કરવાથી તે ‘નારદ’ તરીકે ઓળખાયા. આ રીતે એક જ પાત્રને એક જ કલાકારે વધુમાં વધુ વખત અલગ અલગ ફિલ્મોમાં ભજવ્યું તે કદાચ એક અચંબો ગણાય. જીવને લગભગ 100 ઉપરાંત ફિલ્મોમાં અભિનય કર્યો તેમાં ‘સ્ટેશન માસ્તર’, ‘મેલા’, ‘આમ્રપાલી’, ‘આધી રાત’, ‘અફસાના’, ‘હર હર મહાદેવ’, ‘કાદમ્બરી’, ‘શબનમ’, ‘શોલે’ (જૂનું), ‘રૂપકી રાની ચોરોં કા રાજા’ (જૂનું), ‘ધૂઆં’, ‘બેદર્દી’, ‘મોતીમહલ’, ‘મલિકા’, ‘અનજાન’, ‘દુર્ગેશનંદિની’, ‘બસંત પંચમી’ અને ‘સૂર્યકુમારી’ મુખ્ય છે.
તેમના પુત્ર કિરણકુમારે હિંદી ફિલ્મોમાં વિશેષ ભૂમિકા તરીકે પિતાનો અભિનય-વારસો જાળવી રાખ્યો.
દિનેશ દેસાઈ