જીવણ (દાસી) [જ. ઈ. સ. 1750 આશરે, ઘોઘાવદર; જીવતાં સમાધિ : ઈ. સ. 1825 (વિ. સં. 1881 આસો વદ અમાસ, દિવાળી) ઘોઘાવદર-ગોંડલ પાસે]
કબીરપંથમાંથી ઊતરી આવેલી રવિ-ભાણ પરંપરામાં, ગુજરાતી ભાષાના સમર્થ ભજનકવિ. ભાણસાહેબ – ખીમસાહેબ – ત્રિકમસાહેબ – ભીમસાહેબ(આમરણ) અને દાસી જીવણ એ મુજબની શિષ્યપરંપરા. ગોંડલ પાસેના ઘોઘાવદર ગામે હરિજન ચમાર જ્ઞાતિમાં જગાભાઈ દાફડા અને સામબાઈને ત્યાં જન્મેલા સંત કવિ ‘દાસી’ જીવણે સગુણ અને નિર્ગુણ સાકાર અને નિરાકાર એમ બંને અધ્યાત્મસાધનાના પ્રવાહોનો સમન્વય સાધીને પુરુષ હોવા છતાં દાસીભાવે – રાધાભાવે પરમતત્વની ઉપાસના કરી છે. નિર્ગુણ – સાકાર કે સગુણ – નિરાકાર પરમ ચેતના આ સંત કવિની વાણીમાં નિરનિરાળાં રૂપો ધારણ કરે છે. યૌગિક રહસ્યાનુભૂતિ, ગુરુમહિમા, બોધ-ઉપદેશ, તત્વચિંતન, ભક્તિ અને ભક્ત-મહિમા, હરિમિલનનો કેફ વર્ણવતાં ‘પ્યાલો’ રૂપક પ્રકારનાં મસ્તી દર્શાવતાં પદો અને વિશેષપણે પ્રેમલક્ષણા ભક્તિનાં ‘કટારી’નાં વિરહ પદો મળી પોણા બસો જેટલી ભજનરચનાઓ લોકભજનિકોને કંઠે (કંઠસ્થ પરંપરાથી) આજે પણ જળવાતી આવી છે.
‘અમારાં રે અવગુણ રે ગુરુજીના ગુણ તો ઘણા હો જી…’, ‘સતગુરુએ મુંને ચોરી શિખવાડી, જ્ઞાન ગણેશિયો ઘડાયો રે…’, ‘મારા ગુરુજીની બલિહારી…’, ‘કહો ને ગુરુજી મારું મનડું ન માને મમતાળુ…’, ‘અજવાળું રે હવે અજવાળું; ગુરુજી તમ આવ્યે મારે અજવાળું…’ જેવાં ગુરુમાહાત્મ્યનું ગાન કરતાં ભજનો; ‘દેખંદા કોઈ આ દિલમાંય ઝણણણ ઝણણણ ઝાલરી વાગે…’, ‘અબધૂ રણ રણ રણ રણ વાગે…’, ‘જા સોહાગણ જા રે ગગનમાં જ્યોત જલત હૈ જા…’, ‘આ જો ને ગગનમાં ગોટકા ખેલે છે જ્ઞાની…’ જેવાં અનાહત નાદ અને સાધનાનો અનુભવ વર્ણવતાં ભજનો; ‘ભૂલ્યા ભટકો છો બારે મારા હંસલા કેમ ઊતરશો પારે ?…’, ‘શું કરવાં સુખ પારકાં ?…’, ‘શાને માટે ભજનો નથી સહેજે સીતારામ ?…’, ‘એવા દોરંગા ભેળાં રે નવ બેસીએ…’, ‘રામભજન બિન નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યું સોતા ?’ જેવાં વૈરાગ્ય-ઉપદેશનાં ચેતવણી પદો; ‘મેં મસ્તાના મસ્તી ખેલું, મેં દીવાના દરશન કા…’, ‘પ્યાલો મેં પીધેલ છે ભરપૂર…’, ‘એ જી એ તો જીવણની નજરુંમાં આયો રે મોરલો ગગનમંડળ ઘર આયો…’ જેવાં અવધૂત-દશાનાં મસ્તી-પદો; ‘સાયાંજીને ક્હેજો રે આટલી મારી વિનતિ રે જી…’, ‘પ્રેમ કટારી આરંપાર નિકસી મેરે નાથકી…’, ‘કલેજા કટારી રે, રુદિયા કટારી રે, માડી ! મુંને મ્હાવે લૈને મારી…’, ‘મીઠાજી મેં જાણ્યો તારો મરંમ…’, ‘મેં પણ દાસી રામ તોરી દાસી…’, ‘એવાં રે કામણિયાં ઓલ્યો કાનુડો જાણે…’, ‘મ્હાવાની મોરલીયે મારાં મનડાં હેર્યાં રે…’, ‘જશોદા જીવનને રે માતાજી મોહનને રે ક્હેજે તારા ક્હાનને…’ અને ‘શામળિયે કરી છે ચકચૂર…’ જેવાં તીવ્ર વિરહવ્યથાનાં – પ્રેમલક્ષણા ભક્તિનાં દિલ-ડોલાવણ પદોમાંનું ભક્તિતત્વ, નિ:સ્વાર્થ વૃત્તિનું આરાધન, પિયુ-પિયાના આરતમય પ્રભુ પ્રત્યેના ઉદગારો, વિરહ-વ્યથાનો સતત ભક્તિપ્રાંજલ સોર્મિલ નારીહૃદયનો આંતરભાવ જીવણને રાધાનો અવતાર ગણવા પ્રેરે છે. લોકો પણ એને રાધાનો અવતાર માને એવું મૃદુ દેહસૌષ્ઠવ જીવણને પ્રાપ્ત થયું હતું.
જીવણ જગમાં જાગિયા, નરમાંથી થિયા નાર;
દાસી નામ દરસાવિયું, એ રાધાના અવતાર.
આવી લોક-કહેતી હતી. એમના ગુરુનું નામ ભીમસાહેબ હતું.
લયકેફમાં પ્રવાહિત થતી એમની ભજનબાની પરમતત્વની એકોપાસનાનું ઉદાહરણ છે. વિરહના ભાવ દર્શાવતાં ભજનો પરજના ઢાળમાં નારીહૃદયની દર્દભરી વ્યથાનું પ્રતીક બને છે. એમનાં કેટલાંક ભજનો પ્રાસંગિક હોવા છતાં મર્મસ્પર્શી છે. દાસીભાવનાં ભજનો નારીહૃદયની સુકોમળ વેદનાનો અનુભવ કરાવે છે. પ્યાલો, કટારી, હાટડી, બંસરી, ઝાલરી, મોરલો, બંગલો વગેરે પરંપરિત રૂપકો લઈને ‘દાસી’ જીવણ તળપદી લોકવાણીમાં અને કેટલાંક ભજનોમાં સાધુકડી હિન્દી-ગુજરાતીમાં અપાર ભાવવૈવિધ્ય ધરાવતાં ભાવગીતો – ભક્તિપદોનું સર્જન કરે છે.
‘દાસી જીવણની શિષ્યપરંપરામાં થયેલા કોટડા સાંગાણીના કડિયા ભક્ત પ્રેમસાહેબ, વિશ્રામસાહેબ, માધવસાહેબ અને અરજણદાસની વાણી પણ રવિ-ભાણ સંપ્રદાયના અનુયાયી ભજનિકોમાં ગવાય છે.
નિરંજન રાજ્યગુરુ