જિબ્રાલ્ટર : સ્પેનના એન્ડેલુશિયા પ્રાંતની દક્ષિણ દિશામાં સ્થિત ભૂશિર તથા સ્વાયત્ત બ્રિટિશ વસાહત. ભૌગોલિક સ્થાન : 36° 07’ ઉ. અ. અને 5° 21’ પ. રે.. ભૂમધ્ય સાગર તથા આટલાંટિક મહાસાગર વચ્ચેના પ્રવેશદ્વાર તરીકે તેનું લશ્કરી દૃષ્ટિએ વિશિષ્ટ મહત્વ રહ્યું છે. 711માં તારિક નામના મુસ્લિમ મૂર નેતાએ સ્પેન પર વિજય મેળવવાના હેતુથી ઉત્તર આફ્રિકા તરફથી સ્પેન તરફ કરેલી કૂચના માર્ગમાં આવેલા આ સ્થાનના ખડક પર એક મજબૂત દુર્ગ બાંધેલો. આ ઉપરથી આ સ્થળનું ‘જેબલ અલ્ તારિક’ (The Hill of Tariq) નામ પડેલું, જેના અપભ્રંશ તરીકે પાછળથી આ ભૂશિરનું નામ ‘જિબ્રાલ્ટર’ પડ્યું છે. 4.8 કિમી. લંબાઈ તથા 1.2 કિમી. પહોળાઈ ધરાવતી અહીંની વસાહત કુલ 6.5 ચોકિમી. વિસ્તાર ધરાવે છે. તેની વસ્તી યુનો દ્વારા દર્શાવેલ માહિતી અનુસાર 33,669 (2022) જેટલી છે, જેમાંથી મોટા ભાગના નાગરિકો સ્પૅનિશ તથા ઇટાલિયન મૂળના છે. આ લોકો રોમન કૅથલિક ધર્મના અનુયાયીઓ છે. ત્યાંની આબોહવા ખુશનુમા હોય છે. તાપમાન ઉનાળાના સમયે 16°થી 27° સે. રહે છે. ડિસેમ્બરથી મે વચ્ચેના ગાળામાં આશરે સરેરાશ 722 મિમી. વરસાદ પડે છે. સંગ્રહ કરેલ મીઠા પાણીનો જથ્થો ખૂટે ત્યારે પીવાના પાણીની યુરોપમાંથી આયાત કરવી પડે છે. યુરોપની વાનરોની એકમાત્ર જાતિ બર્બર વાનર અહીં વસે છે.
જિબ્રાલ્ટરની સામુદ્રધુનીની ઈશાને 425 મી. ઊંચાઈ ધરાવતો ‘ધ રૉક’ નામનો ખડક છે જેના પર હાલ બ્રિટિશ કબજા હેઠળનો દુર્ગ છે. આ ખડકની તળેટીમાં જ નાગરિકોની વસાહત છે. સામુદ્રધુનીની બીજી તરફ, સામેના કાંઠા પર 22 કિમી. અંતરે સ્પૅનિશ મોરોક્કોમાં ‘જેબેલ સૂસા’ નામનો 194 મી. ઊંચાઈ ધરાવતો બીજો ખડક છે. ભૂમધ્ય સમુદ્રના પશ્ચિમ છેડાની નાકાબંધી કરવા માટે આ સ્થળ મોખરાનું હોવાથી ફિનિશિયન, કાર્થેજિયન, રોમન તથા વિસિગૉથ લોકોએ વારાફરતી તેના પર કબજો કરેલો.
અહીં હળવા ઉદ્યોગોનો વિકાસ થયો છે, પરંતુ લશ્કર સાથે સંકળાયેલા માણસોની નાગરિક જરૂરિયાતો પૂરી કરવા માટેની આર્થિક પ્રવૃત્તિ સિવાય ત્યાં અન્ય કોઈ આર્થિક પ્રવૃત્તિ થતી નથી. અમુક અંશે પર્યટકો માટે આ સ્થળ શિયાળાની ઋતુમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. નૈસર્ગિક, પુરાણી તથા યુદ્ધમાં વપરાતી વસ્તુઓનાં ત્યાં સંગ્રહાલયો છે.
ઇતિહાસ : 1462માં સ્પેનના શાસકોએ જિબ્રાલ્ટર પર કબજો મેળવ્યો. સ્પેનના વારસાયુદ્ધ દરમિયાન 1704માં બ્રિટિશ સૈનિકોએ તે પોતાને હસ્તક લીધું. 1713માં યુટેક્ટ સંધિ (Treaty of Utrecht) હેઠળ તેના પરની બ્રિટિશ હકૂમતને અધિકૃત માન્યતા આપવામાં આવી. 1726માં સ્પેને તેના પર ફરી કબજો મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં તેને સફળતા સાંપડી નહિ. નૌકાદળના મથક તરીકે ઓગણીસમી સદીથી અત્યાર સુધી તેનું મહત્વ અકબંધ રહ્યું છે. 1869માં સુએઝ નહેર ખુલ્લી મુકાતાં ઇંગ્લૅન્ડ તથા ભારત વચ્ચેના ભૂમધ્ય સાગર મારફતના લશ્કરી તથા નાગરિક પુરવઠા માર્ગ તરીકે જિબ્રાલ્ટરનું મહત્ત્વ વધ્યું.
વીસમી સદીની શરૂઆતમાં આ સ્થળે બંદર બાંધવામાં આવ્યું. પાછળથી આધુનિક ઢબે બંદરનો વિસ્તાર કરવામાં આવ્યો. બ્રિટિશ હકૂમત હેઠળના આ નૌકામથકનો બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન હવાઈ મથક તરીકે પણ ઉપયોગ થયો. આ યુદ્ધ દરમિયાન જર્મન હવાઈ દળના હુમલાને પરિણામે નાગરિકોએ ત્યાંથી હિજરત કરી. આ યુદ્ધના ગાળામાં ઉત્તર આફ્રિકા તરફની મિત્રરાષ્ટ્રોની લશ્કરી કામગીરીના મુખ્ય મથક તથા સંકલન કેન્દ્ર તરીકે જનરલ આઇઝેનહોવરના નેતૃત્વ હેઠળ આ મથકનો ઉપયોગ થયો હતો. આજે પણ નૌકાદળની કવાયતો માટે ‘નાટો’ (NATO) લશ્કરી સંગઠન તેનો ઉપયોગ કરે છે.
1964માં આ વસાહતને આંતરિક સ્વાયત્તતા પ્રદાન કરવામાં આવી. ત્યાંના ગવર્નરની નિમણૂક બ્રિટિશ સરકાર દ્વારા કરવામાં આવે છે. 1967માં આયોજિત જનમતસંગ્રહ (referendum) દ્વારા સ્પેનને બદલે બ્રિટિશ હકૂમત હેઠળ રહેવાની ત્યાંના નાગરિકોએ પસંદગી વ્યક્ત કરી. સ્પેનનો દાવો જોકે ચાલુ છે. 1969માં તેને સ્વતંત્ર સરકાર પ્રાપ્ત થઈ. 2002માં જિબ્રાલ્ટર-વાસીઓએ સંયુક્ત (સ્પેન સાથેના) સાર્વભૌમત્વની દરખાસ્તોનો સામનો કરી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવવાનું પસંદ કર્યું.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે