જાહેર ક્ષેત્ર

January, 2012

જાહેર ક્ષેત્ર : રાજ્યના અંકુશ અને સંચાલન હેઠળની ધંધાદારી અને બિનધંધાદારી પ્રવૃત્તિઓનું સંકુલ. તે ભૌતિક વસ્તુઓ ઉપરાંત સેવાઓનું પણ સર્જન કરે છે. તેમાં સરકારના વહીવટી વિભાગો, સંરક્ષણ અને તેના જેવી બિનનફાલક્ષી પ્રવૃત્તિઓ, રાષ્ટ્રીયકૃત ઔદ્યોગિક એકમો, જનઉપયોગી સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે. જાહેર ક્ષેત્ર હેઠળની પ્રવૃત્તિઓ અને સેવાઓને સામાન્ય રીતે ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવે છે : (1) રાજ્ય દ્વારા પૂરી પાડવામાં આવતી નિ:શુલ્ક સેવાઓ. દા.ત., વહીવટી સેવાઓ, સંરક્ષણ, આંતરિક કાયદો અને વ્યવસ્થા, ન્યાય વગેરે. અર્થશાસ્ત્રની પરિભાષામાં આ બધાંને જાહેર હિત (public good) તરીકે ઓળખવામાં આવે છે. (2) રાજ્યના વહીવટી વિભાગો અને તેને હસ્તક ચલાવવામાં આવતી સેવાઓ. દા.ત., શિક્ષણ, રસ્તાઓ, પુલો, રેલમાર્ગો, ટપાલ, તાર તથા ટેલિફોન સેવાઓ, સાર્વજનિક ઉપયોગની સેવાઓ વગેરે. આ વિભાગમાં આવરી લેવાતી પ્રવૃત્તિઓમાં કેટલીક ધંધાદારી કે નફાલક્ષી તો કેટલીક બિનધંધાદારી એટલે કે બિનનફાલક્ષી સ્વરૂપની છે. (3) સ્વાયત્ત અથવા અંશત: સ્વાયત્ત સંસ્થાઓ મારફત પૂરી પાડવામાં આવતી સાર્વજનિક સેવાઓ. દા.ત., ભારતમાં નાગરિક વિમાન સેવાઓ, વિત્તસેવાઓ પૂરી પાડતી નાણાસંસ્થાઓ જેવી કે, ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કમિશન (ONGC). રાષ્ટ્રીય કે રાજ્ય કક્ષાનાં કાપડ નિગમો. આવી પેઢીઓ, કંપનીઓ કે નિગમો સ્વાયત્ત કે અંશત: સ્વાયત્ત હોવાથી તેમના દ્વારા પૂરી પાડવામાં આવતી વસ્તુઓ કે સેવાઓની કિંમત ‘નહિ નફો નહિ નુકસાન’ના ધોરણે અથવા ‘નફા સહિતની કિંમત’ના ધોરણે અથવા પડતર કિંમત કરતાં પણ ઓછી કિંમતના ધોરણે નક્કી કરવામાં આવતી હોય છે અને તેમાં મુખ્યત્વે ‘ગ્રાહક કેટલો કિંમત-ભાર વહન કરી શકે છે’ તે સિદ્ધાંતને લક્ષમાં રાખે છે. જાહેર ક્ષેત્ર હેઠળ ઉમેરાતી જનઉપયોગી સેવાઓ (public utilities) પણ નફાલક્ષી કે બિનનફાલક્ષી હોઈ શકે છે.

વિકસિત દેશોમાં જાહેર ક્ષેત્રનું વિસ્તરણ મહદ્ અંશે જનઉપયોગી સેવાઓની માલિકી રૂપે અથવા રાજ્ય હસ્તક સંચાલન રૂપે થાય છે. વિકાસશીલ દેશોમાં તે વર્તમાન ઘટકોના રાષ્ટ્રીયકરણ દ્વારા થયેલ હોય છે. દા.ત., 1954માં જીવનવીમાનું રાષ્ટ્રીયકરણ, 1969માં ભારતની ચૌદ મોટી બૅંકોનું રાષ્ટ્રીયકરણ, ઓ.એન.જી.સી. નિગમની સ્થાપના વગેરે.

ભારત જેવા વિકાસશીલ દેશમાં જાહેર ક્ષેત્ર પાછળના મુખ્ય ઉદ્દેશોમાં ગરીબીનિવારણ, રોજગાર-વિસ્તરણ અને સામાજિક ન્યાયની પ્રાપ્તિ; વિશાળ પાયા પર મૂડીરોકાણ માગતા, વધુ આર્થિક જોખમ ધરાવતા તથા પરિપક્વતાનો ગાળો લાંબો હોય તેવા ઉદ્યોગો; ઇજારાશાહી અને નફાખોરી પર અંકુશ; આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ; પાયાના ઉદ્યોગો અને આંતરમાળખા(infra-structure)નો વિકાસ; દેશનાં વણવપરાયેલાં અને નિષ્ક્રિય સાધનોની જમાવટ (mobilisation) દ્વારા રાષ્ટ્રીય ઉત્પાદનમાં વધારો, જનઉપયોગી સેવાઓનું વિસ્તરણ વગેરે ઉદ્દેશોનો ઉલ્લેખ કરવામાં આવે છે. ભારત જેવા અલ્પ સાધનો તથા નબળું ખાનગી ક્ષેત્ર ધરાવતા દેશોમાં રાજ્યની પ્રત્યક્ષ પ્રેરણા અને સહાય દ્વારા જ અત્યાર સુધી જાહેર ક્ષેત્રનો વિકાસ શક્ય બન્યો છે.

જાહેર ક્ષેત્ર(ભારતમાં) : રાષ્ટ્રીય હિસાબકિતાબ રાખવાના સંદર્ભમાં અને આયોજનની ર્દષ્ટિએ ભારતમાં જે જે પ્રવૃત્તિ સરકારના અંદાજપત્ર દ્વારા મળતી નાણાકીય સહાય વડે થાય તે. આ અર્થમાં તેનો વ્યાપ વિશાળ છે અને તેમાં સરકારી વિભાગો ઉપરાંત કેન્દ્ર કે રાજ્ય સરકારની કંપનીઓ, સિંચાઈ અને ઊર્જાની પરિયોજનાઓ, રેલવે, ટપાલ અને તારસેવાઓ, શસ્ત્રસરંજામ ઉત્પાદનનાં કારખાનાં, રાષ્ટ્રીયકૃત બકો, વીમા નિગમો, રાજ્યપ્રેરિત નાણા નિગમો વગેરેનો સમાવેશ થાય છે. 31 માર્ચ 1991ના દિને કેન્દ્રીય જાહેર ક્ષેત્રમાં 246 સાહસો કાર્યરત હતાં. તેમાંથી 163 સાહસો પોલાદ, ખાતરો, ભારે યંત્રો, વાહનો, દવાઓ, પેટ્રો-રસાયણો, સિમેન્ટ, કાપડ, કોલસો અને ખનિજોનું ખનન, કાચા તેલને જમીનમાંથી બહાર કાઢીને તેનું શુદ્ધીકરણ વગેરે ઉદ્યોગોમાં અને બાકીનાં 73 સાહસો વેપારવણજ, પરિવહન, બાંધકામ, નાણાવ્યવસ્થા, દૂરસંચાર, પર્યટન, સલાહસૂચન વગેરે સેવામાં રોકાયેલાં હતાં. આ ઉપરાંત કેન્દ્ર સરકારે કરેલાં રોકાણોવાળી પરંતુ સરકારની સીધી વહીવટી જવાબદારી વગરની 7 કંપનીઓ, 6 વીમા-કંપનીઓ અને 7 નાણાકીય સંસ્થાઓ કાર્યરત હતી તથા વધુ 10 સાહસો ઉત્પાદન શરૂ કરવાની તૈયારીમાં હતાં. 1 એપ્રિલ 1951ના દિને ભારતમાં માત્ર રૂ. 29 કરોડના રોકાણવાળાં 5 સાહસો હતાં. તેમાં ગણનાપાત્ર વૃદ્ધિ થઈને 31 માર્ચ, 1991ના દિને રૂ. 1,13,234 કરોડના રોકાણવાળાં 246 સાહસો જાહેર ક્ષેત્રમાં અસ્તિત્વમાં આવ્યાં હતાં.

પરંતુ જાહેર ક્ષેત્રનાં સાહસોની એકંદર કામગીરી સંતોષજનક ન જણાવાથી કેન્દ્ર સરકારે 24 જુલાઈ 1991ના દિને ઔદ્યોગિક નીતિનું જે જાહેરનામું બહાર પાડ્યું તેમાં જાહેર ક્ષેત્રની નીતિમાં કરેલા ફેરફારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ નીતિ અનુસાર : (1)  વ્યૂહાત્મક, ઉચ્ચ પ્રૌદ્યોગિક અને આવશ્યક આંતર-સંરચના (strategic, high-tech and essential infra-structure) ઉપર જાહેર ક્ષેત્રની રચના થાય તે હેતુથી તેનાં રોકાણોનું પુનરવલોકન કરાશે. જાહેર ક્ષેત્ર માટે કેટલોક વિસ્તાર અનામત રખાશે પણ તેમાં તેનો એકાધિકાર રહેશે નહિ અને ખાનગી ક્ષેત્રને તેમાં પસંદગીના ધોરણે પ્રવેશ અપાશે; (2) દીર્ઘકાલીન માંદાં સાહસોના પ્રશ્ર્નોના ઉકેલ માટે ઔદ્યોગિક અને નાણાકીય નિગમ સમક્ષ રજૂ કરાશે અને સાહસોના પુન:સ્થાપનથી અસર પામેલા કામદારોનાં હિતના રક્ષણ માટે સામાજિક સલામતીનું તંત્ર ઊભું કરાશે; (3) સાહસોમાં પ્રજાની વિશાળ ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને મૂડીનાં સાધનો વધારવા માટે સરકારી માલિકીના શૅરોનો અમુક અંશ મ્યુચ્યુઅલ ફંડો, નાણાકીય સંસ્થાઓ, સામાન્ય પ્રજા અને કામદારોને વેચવામાં આવશે; (4) જાહેર ક્ષેત્રની કંપનીઓનાં સંચાલનમંડળો વધુ વ્યાવસાયિક (professional) બનાવી તેમની સત્તા વધારાશે; (5) સંચાલન તંત્રને વધુ સ્વાયત્ત અને જવાબદાર બનાવી સમજૂતી-જ્ઞાપન પત્ર (memorandum of understanding  MOU) દ્વારા સાહસની કામગીરી સુધારવા ઉપર ભાર મુકાશે અને (6) જાહેર સાહસની કામગીરી વિશે સંપૂર્ણ ચર્ચા કરવા માટે સરકાર અને જાહેર ક્ષેત્ર વચ્ચે સહીસિક્કા થયેલું જ્ઞાપનપત્ર લોકસભા સમક્ષ મુકાશે.

જાહેર ક્ષેત્રની સ્થાપના, તેનું સ્વરૂપ તથા તેનો વિકાસ જે તે દેશની રાજકીય તથા આર્થિક વિચારસરણી, જુદા જુદા સમયે સ્વીકારાયેલી આર્થિક નીતિ, દેશવિદેશ સાથેના તેના આર્થિક સંબંધોનું સ્વરૂપ, તેના વહીવટી વિભાગોની કાર્યક્ષમતા વગેરે પર આધાર રાખે છે. આ નીતિના સિદ્ધાંત અને તેના અમલ અંગે ઘણો વિવાદ સર્જાયો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

જયન્તિલાલ પો. જાની