જાહેર ઉપયોગિતા : નાગરિકોના રોજિંદા જીવનને સીધી રીતે સ્પર્શતી આવશ્યક વસ્તુઓ કે સેવા. દા.ત., પાણી-પુરવઠો, વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર, વીજળી-પુરવઠો, જાહેર સ્વાસ્થ્યની સેવા વગેરે. આવી વસ્તુઓ કે સેવા પૂરી પાડવાની પ્રક્રિયા સાથે વિશિષ્ટ પ્રકારની તકનીક સંકળાયેલી હોવાથી તેના પર મહદ્ અંશે રાજ્યનું નિયંત્રણ હોય છે તથા તેના ઉત્પાદન ઘટકો તેના પુરવઠા પર સંપૂર્ણ અથવા આંશિક ઇજારો ધરાવતા હોય છે.
તેના 4 મુખ્ય ઉદ્દેશોમાં : (1) જનજીવન સરળતાથી ચાલી શકે તે માટે પ્રજાજીવનને સ્પર્શતી વસ્તુઓ અને સેવા પૂરી પાડવી; (2) સમાજજીવનને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવું, સર્વસામાન્ય નાગરિકનો જીવનસ્તર સુધારવો; (3) આર્થિક રીતે નબળા વર્ગના લોકો પણ આવી વસ્તુઓ અને સેવા ઓછા ખર્ચે પ્રાપ્ત કરી શકે તે રીતે તેનો પુરવઠો જાળવવો અને (4) તેનો પુરવઠો બેવડાય (duplication) નહિ તે જોવું.
સૈદ્ધાંતિક રીતે જાહેર ઉપયોગિતાના ઘટકોનું સંચાલન ખાનગી, જાહેર તથા સહકારી સાહસ દ્વારા થઈ શકે છે; તેમ છતાં વ્યવહારમાં તે સરકાર કે જાહેર સાહસો અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હસ્તક હોય છે. દા.ત., કેન્દ્ર અને રાજ્ય સરકારો, મ્યુનિસિપલ કૉર્પોરેશનો, પંચાયતો વગેરે.
પિનાકીન ર. શેઠ