જાડેજા (કચ્છ અને સૌરાષ્ટ્ર) : કચ્છ ઉપરાંત ઉત્તર અને મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારો(આજના જામનગર અને રાજકોટ જિલ્લા)માં વસેલું રાજ્યકર્તા કુળ. જાડેજા વંશના પૂર્વજો વિશેની અનુશ્રુતિ મુજબ, કૃષ્ણચંદ્ર પછી યાદવ વંશમાં 154મી પેઢીએ સિંધમાં જાડો થયો. એણે પોતાના ભાઈ વેરૈંજીના પુત્ર લાખાને દત્તક લીધો. આ પરથી એ લાખો ‘જાડેજો’ એટલે જાડાનો પુત્ર કહેવાયો. આ લાખો જાડાણી (1147–1175) એ જાડેજાઓનો મૂળ પુરુષ થયો. તે સિંધ(નગર સમૈ)થી કચ્છ આવ્યો અને મધ્ય કચ્છમાં લાખિયાર વિયરોનગર વસાવીને તેને રાજધાની બનાવી. એના પુત્ર રત્તો રાયઘણે (1175–1215) આસપાસના પ્રદેશો જીતીને પોતાની સત્તા મજબૂત બનાવી. એની પાંચમી પેઢીએ થયેલા કાંયાજીએ કચ્છમાંથી કાઠીઓને હાંકી કાઢ્યા. કાંયાજીની ત્રીજી પેઢીએ લાખિયાર વિયરાની ગાદીએ હમીરજી આવ્યા; જ્યારે જાડેજા કુળના ગજણ વંશમાં કચ્છમાં બાડાની ગાદીએ હાલાજી આવ્યા. એ વંશના જામ રાવળે કપટ કરીને હમીરજીનો ઘાત કર્યો અને કચ્છમાં પોતાની સત્તા સ્થાપવા માટે પ્રયાસ કર્યા. હમીરજીના પુત્રો — ખેંગારજી અને સાહેબજીએ કચ્છમાંથી નાસી જઈને અમદાવાદમાં આશ્રય લીધો અને લશ્કરી મદદ મેળવી. 1510માં કચ્છમાં સત્તા પ્રાપ્ત કરવાની શરૂઆત કરી. 1548માં ખેંગારજીએ ભૂજને રાજધાની બનાવી. એ રીતે સમગ્ર કચ્છમાં જાડેજા રાજવંશની મુખ્ય શાખા સ્થાપનાર ખેંગારજી-1 (1510–1585) હતા. કચ્છમાં સતત 438 વર્ષ (1510–1948) સુધી જાડેજા શાસન ચાલુ રહ્યું.
કચ્છના જાડેજાઓની એક શાખા જામ રાવળના સમયથી નવાનગર(જામનગર)ની સ્થાપના (1543) સાથે ઉત્તર સૌરાષ્ટ્રમાં શરૂ થઈ. એના રાજવંશમાંથી ધ્રોળ, રાજકોટ અને ગોંડળની શાખાઓ ફંટાઈ. ઉપરાંત પ્રશાખાઓ રૂપે ભાણવડ, ખીરસરા, જાલિયા, દેવાણી, વીરપુર, ખરેડી વગેરે સ્થળોમાં પ્રસ્થાપિત થઈ. જ્યારે સૌરાષ્ટ્રમાં મોરબીમાંનો જાડેજા વંશ કચ્છના મૂળ વંશની શાખા રૂપે હતો. તેની શરૂઆત લગભગ 1697 પછી થઈ. આ ઉપરાંત માળિયા-મિયાણા, વીરપુર તથા કોટડા સાંગાણીમાં પણ જાડેજા કુળની રિયાસતો હતી.
અઢારમી સદીથી કચ્છ-સૌરાષ્ટ્રના જાડેજા રાજ્યકર્તાઓએ પોતાની રિયાસતોના વહીવટી અને સાંસ્કૃતિક વિકાસ માટે વખતોવખત પ્રયાસ કર્યા હતા. કચ્છના રાજવી દેશળજી–1એ ‘દેસરા પરમેસરા’નું બિરુદ મેળવી કચ્છની આગવી સાંસ્કૃતિક અસ્મિતાનું સર્જન કર્યું; પરંતુ તેમના જીવનકાળ દરમિયાન 1741માં તેમના પુત્ર લખપતજીએ સત્તા લઈ લીધી. લખપતજીએ રાજ્યવહીવટમાં પ્રજાહકનો હિસ્સો આપતું એક તામ્રપત્ર લખી મહાજનનું મહત્વ વધાર્યું. તેમણે ભૂજમાં વ્રજ ભાષાની પાઠશાળા સ્થાપી અને બે વાર યુરોપની મુલાકાત લઈ આવેલા રામસિંહ માલમની ઉત્કૃષ્ટ કળા-કારીગરીને પ્રોત્સાહન આપ્યું. લખપતજી પછી ગાદીએ આવેલા ગોડજીના શાસન દરમિયાન (1760–1778) કચ્છના વહાણવટાનો ખૂબ વિકાસ થયો. ત્યારપછી રાયઘણજીના શાસન દરમિયાન (1778–1813) જમાદાર ફતેહમહમદે સત્તા પોતાના હાથમાં કેન્દ્રિત કરી અને કચ્છની સરહદો બહારના પ્રદેશોમાં લશ્કરી હકૂમત સ્થાપી. કચ્છના સુંદરજી સોદાગરે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સહકાર આપીને સૌરાષ્ટ્રમાં કંપનીની સત્તાને મજબૂત બનાવી. ઓગણીસમી સદીના બીજા દાયકાથી કચ્છ પણ બ્રિટિશ હકૂમતની વગ હેઠળ આવ્યું. દેશલજી–2ના શાસન દરમિયાન (1819–1860) ગુલામોનો વેપાર (1836), દૂધપીતીનું અનિષ્ટ (1841) તથા સતીપ્રથા (1852) નાબૂદ કરવામાં આવ્યાં. દેશલજી–2 પછી પ્રાગમલજી-2ના સમયથી કચ્છના આધુનિકીકરણની શરૂઆત થઈ, વહીવટી સુધારા ઉપરાંત શિક્ષણ અને આરોગ્ય માટે સુવિધાઓ ઊભી કરવામાં આવી. પ્રાગમલજી પછી 9 વર્ષની સગીર વયે ગાદીએ આવનાર રાજવી ખેંગારજી ત્રીજા હતા. તે અતિ પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવનાર રાજવી હતા. તેમના શાસન (1876–1942) દરમિયાન કચ્છમાં ઘણાં પરિવર્તન આવ્યાં. શિક્ષણ, ખેતીવાડી, સિંચાઈ, રેલવે વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું અને કંડલા બંદરનો વિકાસ કરવામાં આવ્યો. ખેંગારજીનું માનસ એકંદરે રૂઢિચુસ્ત હતું. પ્રથમ ગોળમેજી પરિષદમાં તેમણે રાજવીઓના પ્રતિનિધિ તરીકે હાજરી આપી; પરંતુ પ્રજાકીય માગણીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું નહિ. કચ્છમાં જાડેજા વંશના છેલ્લા રાજવી મદનસિંહના ખૂબ ટૂંકા શાસનકાળ (4 માર્ચ 1948થી 31 મે 1948) દરમિયાન ભૂજની ટંકશાળમાં કચ્છ રાજ્યનો છેલ્લો ચલણી સિક્કો ‘જય હિંદ’ પાડવામાં આવ્યો.
સૌરાષ્ટ્રનાં જાડેજા કુળોનાં રાજ્યોમાં નવાનગર(જામનગર)નું રાજ્ય મહત્વનું સ્થાન ધરાવતું હતું. જામ વિભાજીના શાસન દરમિયાન (1852–1895) સનદી અને ફોજદારી અદાલતોની સ્થાપના થઈ. તેમણે શિક્ષણ, આરોગ્ય અને બંદરોની સગવડ વધારી અને વેપારને ઉત્તેજન આપ્યું.
નવાનગરના ત્યારપછીના મહત્વના રાજવી રણજિતસિંહ 1907માં ગાદીએ આવ્યા. એમણે કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં શિક્ષણ લીધું હતું. તેમણે વિશ્વભરમાં મહાન ક્રિકેટ ખેલાડી તરીકેની નામના મેળવી. તેમની સ્મૃતિમાં રણજી ક્રિકેટ ટ્રૉફી ભારતમાં પ્રચલિત છે. 1920માં ‘લીગ ઑવ્ નેશન્સ’માં ભારતના પ્રતિનિધિ તરીકે નિયુક્ત થયા. પ્રથમ ગોળમેજી પરિષદમાં તેમણે રાજાઓના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો. 1932માં ‘ચેમ્બર ઑવ્ પ્રિન્સીઝ’ના પ્રમુખ થયા. તેમના શાસન દરમિયાન બંદરો તેમજ રેલવેનો વિકાસ થયો. રાજવી તરીકે ભારે કરવેરા નાખીને લોકોમાં તે અપ્રિય બન્યા. 1933માં તેમનું અવસાન થયું. નવાનગરના છેલ્લા રાજવી દિગ્વિજયસિંહે 1933થી 1948 સુધી શાસન કર્યું. 1937–44 દરમિયાન તે ‘ચેમ્બર ઑવ્ પ્રિન્સીઝ’ના ચાન્સેલર રહ્યા. આઝાદી પછી સૌરાષ્ટ્ર રાજ્યની રચનામાં એમણે મહત્વનો ભાગ ભજવ્યો. ‘બ’ વર્ગના રાજ્ય તરીકે સૌરાષ્ટ્રના તે પ્રથમ રાજપ્રમુખ થયા. તેમના કુટુંબી જનરલ રાજેન્દ્રસિંહજી જનરલ કરીઅપ્પા પછી સ્વતંત્ર ભારતના લશ્કરી વડા થયા.
રાજકોટના જાડેજા કુળના સ્થાપક નવાનગરના જામ સતોજીના પૌત્ર વિભોજી હતા. તેમનું અવસાન 1635માં થયું. 1746માં ગાદીએ આવેલા લાખોજીના પુત્ર અને લાખોજીની હયાતીમાં જ ગાદી પર આવનાર મહેરામણજી ગણ્યકોટિના કવિ હતા. તેમણે 1782માં ‘પ્રવીણસાગર’ નામના હિંદી ગ્રંથની રચના કરી. ઓગણીસમી સદી દરમિયાન ઠાકોર સુરાજીના શાસનના સમય(1825–1844)માં રાજકોટના રાજકુટુંબમાં બાળકોની હત્યાનો પ્રસંગ બનતાં અંગ્રેજ સરકારે રાજવીને રૂ. 12,000ના આકરા દંડની સજા કરીને ફરી આવો પ્રસંગ નહિ બને એવી ખાતરી એમની પાસેથી લીધી. 1862માં બાવાજીરાજ રાજકોટની ગાદીએ આવ્યા. 1870માં રાજકોટમાં રાજકુમાર કૉલેજની સ્થાપના થઈ. એમના અમલ દરમિયાન ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી 1881 સુધી રાજકોટના દીવાન રહ્યા. બાવાજીરાજ પછી 1889માં લાખાજીરાજ સગીર વયે ગાદીએ આવ્યા. 1930 સુધીના તેમના શાસન દરમિયાન રાજ્યમાં ઉદ્યોગો અને શિક્ષણનો વિકાસ થયો. તેમના પ્રોત્સાહનથી 1921માં કાઠિયાવાડ રાજકીય પરિષદનું પ્રથમ અધિવેશન રાજકોટમાં ભરવામાં આવ્યું. એમણે 1923માં પ્રજા દ્વારા ચૂંટાયેલા સભ્યોની પ્રજા-પ્રતિનિધિ સભાનું ઉદઘાટન કર્યું. ધર્મેન્દ્રસિંહજીના શાસન (1830–1940) દરમિયાન રાજકોટ પ્રજામંડળે એમના અન્યાયી પગલાં અને કરવેરા સામે લડત શરૂ કરી. પરિણામે ગાંધીજીને પણ 1939માં તેને અંગે ઉપવાસ કરવા પડ્યા. રાજકોટના છેલ્લા રાજવી પ્રદ્યુમ્નસિંહજી (1940–1948) હતા.
1697 પછી મોરબીમાં સ્થપાયેલ જાડેજા કુળના રાજવીઓમાં વાઘજી(1870–1922)એ ´ગ્લૅન્ડ અને યુરોપનો પ્રવાસ કર્યો હતો. વહીવટી અને આર્થિક સુધારાઓની સાથે સાથે તેમણે સંગીત, સાહિત્ય અને નાટ્યકલાને પ્રોત્સાહન આપ્યું. તેમના પછી ગાદીએ આવેલા છેલ્લા રાજવી લખધીરસિંહે (1922–1948) નવલખી બંદરનો વિકાસ કર્યો અને રેલવેનું વિસ્તરણ કરી વેપારને ઉત્તેજન આપ્યું. તેમણે હરિજનો માટે બે શાળા શરૂ કરી. જોકે 1931માં ખાદીપ્રચાર અને અન્ય રચનાત્મક પ્રવૃત્તિઓ પર આ રાજવીએ પ્રતિબંધ મૂક્યો. તેથી થોડો સમય સત્યાગ્રહ પણ થયો.
સૌરાષ્ટ્રના જાડેજા કુળના શાસન હેઠળનાં નાનાંમોટાં રજવાડાંમાં ગોંડળનું સ્થાન પણ મહત્વનું છે. રાજકોટ જાડેજા કુળના કુંભોજીએ અઢારમી સદીની મધ્યમાં ગોંડળ વિસ્તારમાં પોતાનું અલગ રાજ્ય સ્થાપ્યું. અહીંના શાસકોમાં ભગવતસિંહજીએ (1869–1944) ગોંડળને એક સમર્થ અને નમૂનેદાર શાસન ધરાવતા રાજ્ય તરીકે ખ્યાતિ અપાવી. ભગવતસિંહે 1883 તેમજ 1886માં ઇંગ્લૅન્ડ અને યુરોપનો પ્રવાસ કર્યો. મુંબઈ યુનિવર્સિટીના ફેલો ઉપરાંત તે પુણેની ડેક્કન એજ્યુકેશન સોસાયટીના ઉપપ્રમુખ બન્યા. 1887માં એડિનબરો યુનિવર્સિટીએ તેમને એલએલ.ડી.ની ઉપાધિ આપી. રાજ્યમાં એમણે શાળાઓ, હૉસ્પિટલો, અદાલતો વગેરે શરૂ કરાવ્યાં. તેમણે ધોરાજી, ઉપલેટા, ગોંડળ વગેરે નગરોનું વ્યવસ્થિત આયોજન કર્યું. કન્યા-કેળવણીને ફરજિયાત કરી. તેમનાં શિક્ષિત પત્ની નંદકુંવરબાએ પડદા- પદ્ધતિનો ત્યાગ કર્યો. ભગવતસિંહનું સૌથી મહત્વનું પ્રદાન ‘ભગવદગોમંડળ’ તરીકે ઓળખાતા ગુજરાતી ભાષાના બૃહત્ કોશની રચના છે. જોકે તેઓ પ્રજાકીય આંદોલનના વિરોધી રહ્યા.
આમ સૌરાષ્ટ્ર અને કચ્છના જાડેજા રાજવીઓએ આ પ્રદેશોની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં નોંધપાત્ર પ્રદાન કર્યું. જોકે મુખ્ય રાજવી કુળ સિવાયનું જાડેજા કુળ એકંદરે શિક્ષણ અને પરિવર્તનને અભાવે પછાત રહ્યું. ઓગણીસમી સદીના લગભગ પ્રથમ છ દાયકા સુધી ‘દૂધપીતી’નું દૂષણ આ કુળમાં પ્રચલિત હતું. સ્વતંત્રતા પછી આ કુળ પણ નવાં પરિવર્તનોને સ્વીકારતું થયું છે અને વિવિધ ક્ષેત્રે પ્રગતિ સાધતું રહ્યું છે.
રામસિંહજી રાઠોડ