જાગુષ્ટે, ગોવિંદરાવ (જ. 15 મે 1888, અમદાવાદ; અ. 19 સપ્ટેમ્બર 1963, અમદાવાદ) : ગુજરાતીમાં લખેલાં ધાર્મિક પુસ્તકોના જાણીતા વિક્રેતા અને પ્રકાશક. તેમના પિતા મહાદેવ રામચંદ્ર જાગુષ્ટેએ અમદાવાદમાં બોધપ્રદ વાર્તાઓ અને ખાસ કરીને ધર્મ સાથે સંકળાયેલી નાની નાની પુસ્તિકાઓના પ્રકાશનકાર્યનો પ્રારંભ કરેલો. આ પ્રકારની પુસ્તિકાઓ ગુજરાતની આમજનતાની રુચિને અનુકૂળ આવે એવી શૈલીમાં લખાતી હતી, જેને લીધે તેમનું નામ ગુજરાતનાં ગામડાંઓમાં અને નાનાં શહેરોમાં જાણીતું બનેલું. જાગુષ્ટે પરિવારનું મૂળ વતન મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારના શ્રીવર્ધન તાલુકાનું એક નાનકડું ગામ. ત્યાંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, જેમાં મહાદેવ જાગુષ્ટેને રસ ન હતો. તેથી નવા વ્યવસાયની શોધમાં પત્ની શાંતાબાઈને લઈને તેઓ મુંબઈ ગયા. ત્યાં શરૂઆતમાં પુસ્તકોની એક દુકાનમાં નોકરી કરી અને તે દરમિયાન પુસ્તક-પ્રકાશન અને વેચાણ-વ્યવસાયની કેટલીક ખૂબીઓ સમજી લઈને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવાના ઇરાદાથી અમદાવાદ આવ્યા. શરૂઆતમાં સસ્તી કિંમતની પુસ્તિકાઓ વેચવાનું શરૂ કર્યું અને સાથોસાથ ભાગીદારીમાં પ્રિન્ટિંગ પ્રેસ પણ ચલાવતા રહ્યા. જીવનનાં અંતિમ વર્ષોમાં સુઘડ છપાઈવાળી ગુજરાતી નવલકથાઓ પણ પ્રકાશિત કરતા હતા. 1916માં તેમનું અવસાન થતાં ‘મહાદેવ રામચંદ્ર જાગુષ્ટે’ નામથી વર્ષો સુધી પ્રકાશન અને વેચાણનું કામ કરતી પેઢી તેમના સુપુત્ર ગોવિંદરાવને વારસામાં મળી.
ગોવિંદરાવ પોતે માત્ર ચાર ચોપડી ભણેલા હતા; પરંતુ પિતા સાથે કામ કરવામાં જે અનુભવ મળ્યો તેમાંથી પ્રકાશન અને વેચાણના વ્યવસાયની સૂઝ તેમણે સારી પેઠે ખીલવી હતી. ધીમે ધીમે તેમના નેજા હેઠળની પેઢીનો વ્યાપ વધતો ગયો અને તેમાં દર મહિને આશરે 2–3 નવલકથાઓનો ઉમેરો થતો ગયો. આમ છતાં ધાર્મિક પુસ્તકો તરફ વધારે લગાવ હોવાથી અરવિંદ વિચારમાળા, કવિ ન્હાનાલાલની રચનાઓ, આનંદશંકર ધ્રુવરચિત પુસ્તકો, મણિલાલ નભુભાઈ દ્વિવેદી દ્વારા તૈયાર કરવામાં આવેલી શ્રીમદ્ ભગવદગીતાની સંપાદિત આવૃત્તિ વગેરે કૃતિઓ પ્રકાશનાર્થે હાથમાં લીધી. પિતાના વારસામાં મળેલાં સસ્તાં પુસ્તકોના પ્રકાશનની સાથોસાથ ભણેલા વર્ગની રુચિ પોષવા માટે મોટા કદનાં પુસ્તકોનું પ્રકાશનકાર્ય પણ કરવા લાગ્યા. ધંધાનો વિકાસ અને વિસ્તાર કરવાનો ગોવિંદરાવનો અભિગમ ક્રમશ: સફળ થતો ગયો. તેને લીધે સમગ્ર ગુજરાતમાં ‘મહાદેવ રામચંદ્ર જાગુષ્ટે’ પ્રકાશન મંડળીનું નામ ગાજતું થયું. અમદાવાદના પુસ્તક-વિક્રેતાઓના મંડળના પ્રમુખ તરીકે પણ ગોવિંદરાવે સેવાઓ આપેલી.
આજે પણ આ પેઢીની દુકાન વિભાજિત સ્વરૂપે અમદાવાદમાં છે, જે મુખ્યત્વે ધાર્મિક પુસ્તકોનાં પ્રકાશન અને વેચાણ માટે ખ્યાતિ ધરાવે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે