જહાંગીરનામા (તૂઝુકે-જહાંગીરી) : મુઘલ બાદશાહ જહાંગીરે લખેલી આત્મકથા. તેનું મૂળ નામ ‘તૂઝુકે-જહાંગીરી’ છે અને તે ફારસી ભાષામાં લખાયેલ છે. જહાંગીરનામા તરીકે જાણીતા આ પુસ્તકનું અંગ્રેજી ભાષાન્તર રોજર અને બીવરિજે કર્યું છે. જહાંગીરનામાનું મોટા ભાગનું લખાણ જહાંગીરે પોતે તેના શાસનના પ્રથમ 17 વર્ષના સમય દરમિયાન લખ્યું હોવાનું કહેવાય છે; પરંતુ આ પુસ્તકનું પાછળનું લખાણ જહાંગીરના શાસનના લગભગ બે વર્ષના ગાળા દરમિયાન તેના દરબારના વિદ્વાન મુહમ્મદ હાદીએ લખ્યું હોવાનું મનાય છે. જ્યારે જહાંગીરના શાસનનો ઇતિહાસ ‘ઇકબાલનામે – જહાંગીરી’ મુતમીદખાને લખ્યો હતો.

જહાંગીરનામામાં જહાંગીરના વ્યક્તિગત જીવન, પાદશાહ થયા પહેલાંની તેની કારકિર્દી, પાદશાહ તરીકેના લોકકલ્યાણ માટેના તેના આદેશપત્રો, તેનું વહીવટી તંત્ર, તેની સહિષ્ણુ ધર્મભાવના, તેની ન્યાયપ્રિયતા વગેરેનું સૂચન થાય છે. જહાંગીર તુર્કી, અરબી, ફારસી, હિન્દી વગેરે ભાષાઓનો જાણકાર હતો. તે વિદ્યા અને વિદ્વાનોનો ચાહક હતો તેવું તેમાંથી જાણવા મળે છે.

જહાંગીરનામામાં જણાવ્યા પ્રમાણે જહાંગીરનો પ્રકૃતિપ્રેમ તથા તેનું પશુપંખીઓ વિશેનું ઊંડું જ્ઞાન આશ્ચર્યકારક હતું. તેણે ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું અને તે પોતે પણ કુશળ ચિત્રકાર હતો. ઉપરાંત તે સંગીતકલા તથા બાગબગીચાનો પણ શોખીન હતો.

જહાંગીરના વિવિધ ગુણોના નિર્દેશન સાથે જહાંગીરનામામાં જહાંગીરની મદિરા પીવાની લતનો પણ ઉલ્લેખ થયો છે. આમ જહાંગીરનામા પરથી જહાંગીરના ચારિત્ર્ય અને સ્વભાવનાં વિવિધ પાસાંનો ખ્યાલ આવે છે. તેના સ્વભાવમાં અંતિમવાદી વલણ પણ જોવા મળે છે. તેનામાં કોમળતાની સાથે ક્રૂરતા, ન્યાય સાથે તરંગીપણું અને સંસ્કારિતા સાથે જડતાના ભાવ પણ ઊપસતા દેખાય છે. બીજી બાજુ જે બાબતોનો ઉલ્લેખ કરવો તેને ગમતો ન હોય તેવી બાબતો, દા.ત., તેના પિતા સામેનો તેનો બળવો, તેના પુત્ર ખુશરુના મૃત્યુના સંજોગો કે તેના પોતાના નૂરજહાં સાથેનાં લગ્નની વિગતોનો ઉલ્લેખ જહાંગીરનામામાં કરવામાં આવ્યો નથી. તેમ છતાં ઇતિહાસ માટે પ્રાથમિક કક્ષાની સાધનસામગ્રી તરીકે તેમજ સાહિત્યિક ર્દષ્ટિએ તૂઝુકે-બાબુરી પછી જહાંગીરનામા(તૂઝુકે-જહાંગીરી)નું સ્થાન ખૂબ મહત્વનું છે.

રમણલાલ ક. ધારૈયા