જળકૃત ખડકો, નિક્ષેપજન્ય : જળમાં નિક્ષેપ જમાવટથી તૈયાર થયેલા ખડકો. જળમાં પ્લવનશીલ (suspended) રહેલું ઘનદ્રવ્ય જમાવટ પામે ત્યારે તેને નિક્ષેપ કહેવાય. ઘનદ્રવ્ય ખનિજકણ કે જીવજન્ય કણ સ્વરૂપે હોઈ શકે. આ પ્રકારના કણો તેમના મૂળ માતૃજથ્થામાંથી ઘસારાખવાણની પેદાશ તરીકે છૂટા પડ્યા પછી હવા, જળ કે હિમના માધ્યમ દ્વારા વહન પામી જળમાં કે ભૂમિ પર અનુકૂળ સંજોગો મળતાં જમાવટ પામે છે. પોપડા પર અસ્તિત્વ ધરાવતા કોઈ પણ પ્રકારના ખડકોમાંથી ખવાણની પેદાશ તરીકે છૂટાં પડેલાં ઘન ખનિજદ્રવ્યો જળનિક્ષેપ દ્વારા પ્લાવિત થઈ જમાવટ પામે ત્યારે તેને જળજન્ય (aqueous) અને હવાના (પવનના) માધ્યમ દ્વારા અન્યત્ર જમાવટ પામે ત્યારે તેને વાતજન્ય (aeolian) નિક્ષેપ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના નિક્ષેપો નાનામોટા કદના ખડક-ટુકડા કે ખનિજકણો કે મૃદુકણો રૂપે હોઈ શકે છે. જમાવટ પામ્યા પછી તેમાંથી કૉંગ્લોમરેટ, રેતીખડક કે શેલ પ્રકારના નિક્ષેપજન્ય જળકૃત ખડકો રચાય છે; જો તે પ્રાણિજ કે વનસ્પતિજ દ્રવ્ય હોય તો તેમાંથી વિશિષ્ટ પ્રકારના ચૂનાખડકો કે કોલસા જેવા નિક્ષેપો અસ્તિત્વમાં આવે છે; જો તે રાસાયણિક રીતે દ્રાવ્ય પેદાશ હોય અથવા બાષ્પાયન પેદાશ હોય તો તેમાંથી ક્ષારો કે ચિરોડી જેવા નિક્ષેપો બને છે : ક્યારેક જ્વાળામુખી પ્રસ્ફુટિત દ્રવ્ય ઊડીને અન્યત્ર (ભૂમિ પર કે જળજથ્થામાં) જમા થાય તો તેમાંથી ટફ જેવા નિક્ષેપો રચાય છે.
નિક્ષેપોમાંથી ઉદભવતા બધા જ પ્રકારના જળકૃત ખડકોનું એક વિશિષ્ટ લક્ષણ એ બની રહે છે કે તે ક્રમશ: જમાવટ પામતા જતા હોવાથી સ્તરરચનાવાળા હોય છે, જેને પ્રસ્તર રચના (bedding) અથવા પ્રસ્તરીકરણ (stratification) કહેવાય છે અને તેનો પ્રત્યેક એકમ સ્તર (bed or stratum) તરીકે ઓળખાય છે. વળી, જ્યાં તે જમાવટ પામે છે ત્યાં તે મોટે ભાગે સમક્ષિતિજ (flat) હોય છે.
પૃથ્વીના પોપડા પરના કોઈ પણ પ્રકારના ખડકો પર નિરંતર થતા રહેતા ઘસારા અને ધોવાણની ક્રિયાઓને કારણે પ્રાપ્ત ઘનદ્રવ્ય વહન પામી સમુદ્ર-મહાસાગર જેવા જળજથ્થામાં કે ભૂમિ પર અન્યત્ર સંશ્લેષિત બની રચાતા ખડકોને નિક્ષેપજન્ય જળકૃત ખડકો તરીકે ઓળખાવી શકાય. બિનસંશ્લેષિત જથ્થાને માત્ર નિક્ષેપ તરીકે જ ઘટાવી શકાય. નિક્ષેપજન્ય ખડકોને તેમાં રહેલા દ્રવ્યના બંધારણીય લક્ષણ અને નિક્ષેપક્રિયાના પ્રકાર મુજબ નીચે પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવેલા છે :
નિક્ષેપજન્ય જળકૃત ખડકો | |||||
(1) | (2) | (3) | |||
કણજન્ય
(detrital) |
જીવજન્ય
(organic) |
રાસાયણિક ઉત્પત્તિજન્ય (chemical) |
|||
(i) | રેતાળ | (i) | ચૂના ખડકો
(અમુક પ્રકારો) |
(i) | ચૂના ખડકો
(અમુક પ્રકારો) |
(ii) | મૃણ્મય | (ii) | દરિયાઈ
અગાધ નિક્ષેપો (અમુક પ્રકારો) |
(ii) | બાષ્પજનિત નિક્ષેપો |
(iii) | ગોળાશ્મ-
વાળા |
(iii)
(iv) (v) (vi) |
અસ્થિયુક્ત સ્તરો
ચર્ટ (અમુક પ્રકારો) કોલસો ફૉસ્ફેટજન્ય નિક્ષેપો |
(iii)
(iv) |
નિક્ષેપજન્ય
લોહધાતુ ખનિજો ચર્ટ (અમુક પ્રકારો) |
બિનસંશ્લેષિત નિક્ષેપોનું જે ક્રિયા દ્વારા જમાવટ અને કણસંધાન પામેલા નિક્ષેપજન્ય જળકૃત ખડકોમાં રૂપાંતર થાય છે તેને ડાયજેનિસિસ કહે છે. ‘જળકૃત ખડક’ પર્યાય હેઠળ ઓળખાતા મોટા ભાગના ખડકોનો ઉપરના ત્રણે પ્રકારોમાં સમાવેશ થઈ જાય છે. આ ઉપરાંત નિક્ષેપજન્ય દ્રવ્યકણોનું ભૂરાસાયણિક ઉત્પત્તિ મુજબ પણ નીચે પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવેલું છે :
(1) પ્રતિકારજનિત (resistates) : તેમાં મુખ્યત્વે ખનિજકણોનું રાસાયણિક બંધારણ Si ધરાવતું હોય છે. તે ઘસારા અને ધોવાણનો મહદ્ અંશે પ્રતિકાર કરે છે અને તેમાંથી રેતાળ (arenaceous) તેમજ ગોળાશ્મ (rudaceous) ખડકો રચાય છે.
(2) જલસંયોજિત (hydrolysates) : જે ખનિજકણોનું રાસાયણિક બંધારણ Al, Si, Fe॥ ધારક હોય એવાં દ્રવ્યો મૃણ્મય પેદાશ રચે છે અને તેમાંથી મૃદખડકો (argillaceous rocks) રચાય છે.
(3) ઑક્સિજનિત (oxidates) : જળકૃત ઉત્પત્તિજન્ય લોહ (Fe|||) અને મૅંગેનીઝ (Mn|||) ધાતુખનિજોનો આ પ્રકારમાં સમાવેશ થાય છે.
(4) ઑક્સિજનરહિત (reduzates) : Fe॥, S, C જેવાં તત્વો ધરાવતાં દ્રવ્યોમાંથી બનતા જળકૃત ઉત્પત્તિજન્ય સલ્ફાઇડ નિક્ષેપો, કોલસો અને ખનિજતેલ આ પ્રકારમાં મુકાય છે.
(5) અવક્ષેપિત (precipitates) : આમાં Ca, Mg મુખ્ય તત્વો રહેલાં હોય એવાં દ્રવ્યો અવક્ષેપ પામવાથી રાસાયણિક ઉત્પત્તિજન્ય ચૂનાખડકો રચાય છે.
(6) બાષ્પજનિત (evaporites) : બાષ્પીભવન ક્રિયાથી ઉદભવતા Na, K, Ca, Mg તત્વધારક નિક્ષેપો-ક્ષારો, ચિરોડી વગેરે.
રાસાયણિક વર્ગીકરણ મુજબના ઉપરના પ્રત્યેક નિક્ષેપ-પ્રકારમાં તત્વોને પ્રાધાન્ય અપાયું છે અને reduzatesને બાદ કરતાં દરેકમાં ઑક્સિજન કાર્યરત રહે છે.
નિક્ષેપોની કણજમાવટ (sedimentation) ક્રિયામાં હંમેશાં પર્યાવરણના સંજોગોનું પરિબળ કાબૂ ધરાવતું હોય છે; નીચેની સારણી પરથી તે સ્પષ્ટ બને છે :
પર્યાવરણના સંજોગો | નિક્ષેપોના પ્રકાર | |
1 | ભૂસંનતિ | ગ્રેવૉક, ઘેરા રંગના શેલ, અસમ ખનિજબંધારણવાળા કૉંગ્લોમરેટ તેમજ ક્રમિક પ્રસ્તરણવાળા સ્તરો |
2 | ખંડીય છાજલીવાળા
દરિયાઈ વિભાગો |
ઑર્થોક્વાટ્ર્ઝાઇટ, ચૂનાખડકો, શેલ, સમખનિજબંધારણ-વાળા કૉંગ્લોમરેટ, ક્વચિત્ પ્રવાહ પ્રસ્તરવાળા નિક્ષેપો |
3 | મહાસાગરો સાથે મર્યાદિત
સંકલન ધરાવતાં થાળાં |
કાળા રંગના શેલ – ક્વચિત્ પાઇરાઇટ સહિતના |
4 | જળઆવક કરતાં બાષ્પીભવન વધુ થતું હોય એવાં કણજન્ય નિક્ષેપો ન મેળવતાં થાળાં | બાષ્પાયન પેદાશો |
5 | આંતરે આંતરે દરિયાઈ અતિક્રમણની શક્યતા હોય એવાં ખંડીય કિનારીઓ પરનાં થાળાં | રેતીખડકો અને શેલની વારાફરતી થતી નિક્ષેપક્રિયા કોલસાના થરો |
6 | પર્વતોના તળેટીવિસ્તારો તેમજ આંતરપર્વતીય થાળાં | આર્કોઝ, બ્રક્સિયા, રાતા રેતીખડકો |
7 | ત્રિકોણ પ્રદેશો | વીક્ષાકાર તેમજ પ્રવાહપ્રસ્તર-વાળા રેતીખડકો અને શેલ |
8 | રણ | લોએસ, રેતીના ઢૂવા પ્રકારનું પ્રસ્તરીકરણ થયું હોય એવા રેતીખડકો |
9 | હિમચાદરોની કિનારીઓવાળા વિભાગો | ટિલ, વાર્વ્ડમૃદ, રેતી અને ગ્રૅવલ |
10 | સરોવરો | સરોવરજન્ય બાષ્પાયનો, મૃદ અને રેતીખડકો |
11 | અગાધ દરિયાઈ ઊંડાણ | સ્યંદનો (oozes) |
સ્તરવિદ્યાત્મક છેદ(stratigraphic sections)ની માપણી અને મુલવણી પર આધારિત પોપડામાં જોવા મળતા નિક્ષેપજન્ય જળકૃત ખડકોના પારસ્પરિક પ્રમાણનો અંદાજ આ પ્રમાણે આપી શકાય :
શેલ – 47 %, રેતીખડકો – 30 %, ચૂનાખડકો – 22 %, અન્ય – 1 %.
ભૂરાસાયણિક મુલવણી મુજબ તેમનું પ્રમાણ નીચે મુજબ છે :
શેલ – 77 %, રેતીખડકો – 13 %, ચૂનાખડકો – 10 %.
જળકૃત ખડકોને વર્ગીકૃત કરવા માટેની સરળ ચતુષ્ફલક આકૃતિ જેમાં ચર્ટ અને કાર્બોનેટ અગ્રબિંદુ મુખ્ય રાસાયણિક અંશ-દ્રવ્યો તેમજ ક્વાર્ટ્ઝ અને મૃદ અગ્રબિંદુ મુખ્ય કણજન્ય દ્રવ્યો દર્શાવે છે.
ઉપર્યુક્ત બંને પ્રમાણભેદ મુખ્યત્વે તો જે તે ખડકોમાં રહેલી વિવિધ પ્રમાણવાળી અશુદ્ધિઓની વિસંગતતાને કારણે ઉદભવે છે; જેમ કે સામાન્યત: ચૂનાખડક તરીકે ઓળખાવાતા ખડકમાં ઠીક ઠીક પ્રમાણમાં રેતી કે માટીનું પ્રમાણ રહેલું હોઈ શકે છે. વળી મોટા ભાગનું મૃદદ્રવ્ય દરિયાઈ ઊંડાણ તરફ ચાલ્યું જતું હોય છે. તદુપરાંત વિકૃતિજન્ય નિક્ષેપોને કારણે પણ ભૂરાસાયણિક મુલવણીમાં ફેરફારને અવકાશ રહે છે.
ગિરીશભાઈ પંડ્યા