જલપાઇગુરી : પશ્ચિમ બંગાળ રાજ્યમાં ઉત્તરમાં આવેલો જિલ્લો તથા નગર. તિસ્તા નદીના જમણા કાંઠા પર વસેલું આ નગર આશરે 26° 40’ ઉ. અ. અને 89° પૂ. રે. પર જિલ્લા તથા વિભાગીય મથક ઉપરાંત કૃષિપેદાશોનું વિતરણ કેન્દ્ર છે. અહીં શણ, દીવાસળી અને લાકડાં વહેરવાના ઉદ્યોગો અગ્રસ્થાન ધરાવે છે. તે દાર્જિલિંગ, સિલિગુરી અને સૈયદપુર (બાંગ્લાદેશ) સાથે રેલ અને સડકમાર્ગે સંકળાયેલું છે. નજીકમાં રેલવે વર્કશૉપ આવેલી છે. ઉત્તર બંગાળ યુનિવર્સિટી સાથે સંલગ્ન 6 કૉલેજો અહીં છે.

જલપાઇગુરી જિલ્લાની ઉત્તરની અને દક્ષિણની સીમા અનુક્રમે ભૂતાન અને બાંગ્લાદેશને સ્પર્શે છે. આશરે 6227 ચોકિમી. ક્ષેત્રફળને આવરી લેતા આ જિલ્લાની વસ્તી 38,69,675 (2011) જેટલી છે. આ જિલ્લામાં ‘તિસ્તા મહાનન્દા સંલગ્ન નહેર’ આવેલી છે. આ જિલ્લો તિસ્તા નદી દ્વારા બે ભાગમાં વહેંચાયેલો છે. સમતળ અને ફળદ્રૂપ મેદાનોના બનેલા પશ્ચિમ ભાગમાં ગીચ વસ્તી છે. અહીં ડાંગર, શણ અને શેરડી જેવા પાકો અગત્યના છે. તેનો પૂર્વ ભાગ ડુંગરાળ છે. જ્યાં સિંકુલા ટેકરીઓમાં થઈને ભૂતાનમાં જતા 6 માર્ગો આવેલા છે. પૂર્વ ભાગમાં ગીચ જંગલો ઉપરાંત ચાની વિશાળ બાગાયતો છે. અહીં તમાકુ, શણ, બટાટા અને તેલીબિયાંની ખેતી પણ થાય છે. ડુંગરાળ ભાગોમાંથી કોલસો, તાંબું, ચૂનાપથ્થર તથા ડોલોમાઇટનું ખાણકામ થાય છે. આ જિલ્લાના દક્ષિણ ભાગમાં નવમી સદીના ભીતરગઢ નામના પ્રાચીન નગરના અવશેષો જોવા મળે છે.

બીજલ પરમાર