જલપાઇગુરી

January, 2012

જલપાઇગુરી :  ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક.

ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ :  આ જિલ્લો 26 40´ ઉ. અ. અને 89 પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે કાલીમપોંગ જિલ્લો, ઈશાને ભુતાન દેશ, પૂર્વે અલીપુરડુઅર (Alipurduar) જિલ્લો, અગ્નિ દિશાએ કૂચબિહાર જિલ્લો, દક્ષિણે અને નૈઋત્યે બાંગ્લાદેશ, પશ્ચિમે સિલીગુરી જિલ્લો તેમજ વાયવ્યે દાર્જીલિંગ જિલ્લાઓથી ઘેરાયેલો છે. આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્યની સીમાઓ ધરાવતો મહત્ત્વનો જિલ્લો છે.

આ જિલ્લો નિમ્ન ગંગાના મેદાનના ભાગ રૂપે આવેલો છે. અહીંનાં મેદાનો તિસ્તા, કાર્લા, જલઢાકા તથા ટોરસા નદીઓ દ્વારા લવાયેલા નિક્ષેપથી બન્યો છે. આ જિલ્લાના તળેટી ક્ષેત્ર અને તરાઈક્ષેત્રને દુઆર (Duar) કહે છે. આ જિલ્લો સમુદ્રની સપાટીથી આશરે 89 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ જિલ્લામાં કેટલાક નિમ્ન ભૂમિ ભાગો જે બિલ (Bill) તરીકે ઓળખાય છે. આ જિલ્લાની નદીઓમાં જલઢાકા, તિસ્તા, માલ અને શાખા નદીઓનો પણ સમાવેશ કરી શકાય.

આબોહવા – વનસ્પતિ – પ્રાણીસંપત્તિ : આ જિલ્લાની આબોહવા એશિયાની અગ્નિ દિશાના ભાગ રૂપે ગણાય છે. મે માસ એ આ જિલ્લાનો સૌથી ગરમ હોય છે એટલે કે તાપમાન 32 સે. રહે છે. જ્યારે જાન્યુઆરી માસ સૌથી ઠંડો રહે છે. તે સમયગાળામાં તાપમાન 11 સે. જેટલું રહે છે. વાર્ષિક સરેરાશ ભેજનું પ્રમાણ 82% હોય છે. વાર્ષિક વરસાદ 3160 મિમી. જેટલો પડે છે. ડિસેમ્બર માસ સૌથી સૂકો હોય છે. જુલાઈમાં વરસાદ 809 મિમી. જેટલો પડે છે. મે માસ દરમિયાન અહીં અવારનવાર વાતાવરણીય તોફાનો અનુભવાય છે.

આ જિલ્લામાં જંગલો નિત્ય લીલાં અને ભેજવાળા પાનખર જંગલોનું મિશ્રિત સ્વરૂપ છે. અહીં ભેજનું પ્રમાણ
80% જેટલું રહે છે. આ વિસ્તારમાં રોઝવુડ, કદમ, કુસુમ, ભારતીય ચેસ્ટનટ, હૉલ્લોચ જેવાં વૃક્ષો અધિક હોય છે. વાંસનું પ્રમાણ નહીંવત્ કહી શકાય. આ જંગલોમાં ચીત્તળા, બાર્કીંગડિયર, જંગલી ભૂંડ અને લંગૂર જોવા મળે છે.

અર્થતંત્ર : આ જિલ્લો તિસ્તા નદી દ્વારા બે ભાગમાં વહેંચાયેલો છે. સમતળ અને ફળદ્રૂપ મેદાનોના બનેલા પશ્ચિમ ભાગમાં ગીચ જંગલો ઉપરાંત ‘ચા’ના વિશાળ બગીચા આવેલાં છે. અહીં તમાકુ, શેરડી, ડાંગર, બટાટા, શણ અને તેલીબિયાંની ખેતી પણ થાય છે. ડુંગરાળ ભાગોમાંથી કોલસો, તાંબું, ચૂનાના પથ્થર તથા ડોલોમાઇટનું ખાણકામ થાય છે. આ જિલ્લામાં ‘તિસ્તા મહાનન્દા સંલગ્ન નહેર’ આવેલી છે. આથી ખેતીને વધુ પ્રોત્સાહન મળેલું છે. અહીં લાકડા વહેરવાની મિલો પણ આવેલી છે.

વસ્તી : આ જિલ્લાનો વિસ્તાર 3,385 ચો.કિમી. છે. 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 38,72,846 છે. સાક્ષરતાનું પ્રમાણ આશરે 79% છે. દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 954 છે. પછાત જાતિનું પ્રમાણ આશરે 42% જ્યારે આદિવાસીઓનું પ્રમાણ 14.68% છે. અહીં  હિન્દુઓની વસ્તી 82% જ્યારે મુસ્લિમોની વસ્તી
13%, ક્રિશ્ચિયનોની વસ્તી 3% છે. આ સિવાય બૌદ્ધ લોકો પણ વસે છે. આ જિલ્લામાં બંગાળી (65%), સાદરી (13%), નેપાળી (5%), હિન્દી (5%); આ સિવાય સાન્તાલી, મુન્ડા, રાજબોંગસી, કુરુખ વગેરે ભાષા પણ બોલાય છે. અહીં સરકારી અને ખાનગી શાળાઓ પણ છે. બંગાળી અને અંગ્રેજી મુખ્ય ભાષામાં શિક્ષણ અપાય છે. નેપાળી અને હિન્દીનો પણ ઉપયોગ થાય છે. આર્ટ્સ, કૉમર્સ, સાયન્સ કૉલેજો આવેલી છે. CBSE અને ICSE શાળાઓનું પ્રભુત્વ વધુ છે.

જલપાઈગુરી (શહેર) : જલપાઈગુરી જિલ્લાનું પાટનગર જે તિસ્તા નદીના જમણા કાંઠા પર વસેલું છે.

ભૌગોલિક સ્થાન : જે 26 40´ ઉ. અ. અને 88 73´ પૂ. રે. પર સ્થિત છે. આ શહેરનો વિસ્તાર 12.95 ચો. કિમી. છે. જે સમુદ્રની સપાટીથી આશરે 89 મીટર ઊંચાઈએ આવેલું છે. 2011 મુજબ વસ્તી 1,07,341 છે. મેટ્રોની વસ્તી 1,69002 છે. આ શહેરની પૂર્વે 35 કિમી. દૂર જોડકુ શહેર સિલીગુરી આવેલું છે. આ શહેરમાં સરેરાશ વરસાદ 3,395 મિમી. જ્યારે સરેરાશ તાપમાન 22.8 સે. રહે છે.

આબોહવા – વનસ્પતિ : અહીંનું સરેરાશ તાપમાન 24.8 સે., પરંતુ ઉનાળામાં તાપમાનમાં વૈવિધ્ય જોવા મળે છે. લઘુતમ તાપમાન 20થી 22 સે. જ્યારે મહત્તમ તાપમાન 28થી 34 સે. રહે છે. ઑગસ્ટ માસમાં 29 સે. રહે છે એટલે કે સૌથી ગરમ રહે છે. કેટલીક વાર તાપમાન 35 સે. સુધી પણ પહોંચી જાય છે. 21મી જુલાઈ 1986ના રોજ જલપાઈગુરીમાં તાપમાન 41 જેટલું પહોંચ્યું હતું જે એક રેકૉર્ડ સમાન છે. શિયાળામાં મહત્તમ તાપમાન 22થી 25 સે. જ્યારે લઘુતમ તાપમાન 10 સે. જેટલું રહે છે. જલપાઈગુરીમાં 5મી ફેબ્રુઆરી, 1914ના વર્ષમાં તાપમાન 2.2 સે. જેટલું નીચું અનુભવાયું હતું.

પરિવહન – પ્રવાસન : જલપાઈગુરી પ્રદેશમાં મહત્ત્વનાં ચાર રેલવેસ્ટેશનો આવેલાં છે: (1) જલપાઈગુરી શહેરમાં આવેલું સ્ટેશન સૌથી જૂનું છે. (2) મોહિતનગર, (3) જલપાઈગુરી રોડ (સ્થાપના 1944), (4) રાનનગર જલપાઈગુરી જંકશન.

એશિયન હાઈવે-2 અને રાષ્ટ્રીય ધોરી માર્ગ 27 (નવો નંબર 31D)જે ભારતનાં વિવિધ શહેરો સાથે સંકળાયેલો છે. આ શહેરના મુખ્ય બસસ્ટેશનનું નામ નેતાજી સુભાષચંદ્ર બોઝ છે. અહીં નૉર્થ બેંગાલ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશનની બસોની સેવા ઉપલબ્ધ છે. ભુતાન દેશની બસો પણ આ મથક સાથે સંકળાયેલ છે. આ સિવાય આ શહેરમાં અનેક બસસ્ટૅન્ડ આવેલાં છે. ખાનગી બસો, ટૅક્સીઓ, રિક્ષાઓ પણ અહીં ઉપલબ્ધ છે. આ શહેરનું નજીકનું હવાઈ મથક બાગડોગરા છે. જે સિલીગુરી ખાતે આવેલું છે. જે જલપાઈગુરીથી 35 કિમી.ના અંતરે આવેલું છે અને ભારતનાં વિવિધ શહેરો સાથે સંકળાયેલું છે.

જલપાઈગુરીથી કાંચનજંગા શિખર જોઈ શકાય છે. રાઈકટ મંદિર, ગોરુમારા રાષ્ટ્રીય ઉદ્યાન, ચાપરામારી વન્યજીવ અભયારણ્ય વગેરે જોવાલાયક સ્થળો છે. ભુતાનની સીમા આ જિલ્લા સાથે સંકળાયેલી હોવાથી મોટર માર્ગે ભુતાન જનાર પ્રવાસીઓ આ માર્ગ વધુ પસંદ કરે છે.

ઇતિહાસ : જલપાઈગુરી શબ્દ જોઈએ તો જલપાઈનો અર્થ ‘સિલોન’ ઓલિવ ગુરીનો અર્થ ‘સ્થળ’ થાય છે. પ્રાચીન સમયમાં તે કમરપુરા રાજ્યનો ભાગ હતો. મધ્યકાળમાં કામતા રાજ્યનો ભાગ બન્યો. 1865 પહેલાં જલપાઈગુરી ભુતાનની દક્ષિણ સીમા સાથે સંકળાયેલું હતું. 1865માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા ડુઆર યુદ્ધમાં ભુતાન ઉપર પ્રભુત્વ મેળવ્યું હતું. 1949માં જલપાઈગુરીનો સમાવેશ ભારતમાં થયો.

નીતિન કોઠારી

બીજલ પરમાર