જલકી પ્યાસ ના જાએ : પ્રસિદ્ધ પંજાબી સાહિત્યકાર કર્તારસિંહ દુગ્ગલની નવલકથા. 1984માં પ્રગટ થયેલી. એ નવલકથા ભારતવિભાજન થતાં, ભારત અને પાકિસ્તાનમાં જે અત્યાચારો થયા અને જે લોકો પર પારાવાર સિતમ ગુજર્યો તે પ્રસંગની હૃદયદ્રાવક કહાની છે. એની વિશેષતા એ છે કે એમાં કોઈ નાયકનાયિકા નથી. અથવા બીજી રીતે કહીએ તો આમજનતા જ નાયકનાયિકા છે. કારણ કે એમાં એ સમયમાં જે કરપીણ હત્યાઓ થઈ, જે રમખાણો થયાં, તેનાં ચિત્રો હોવાથી એમાં કોઈ એક પાત્રની આસપાસ પ્રસંગોની ગૂંથણી થઈ નથી, પણ જનસમૂહ જ એમાં કેન્દ્રસ્થાને છે. એથી એમાં સળંગસૂત્રતા માત્ર પરિસ્થિતિ જ પૂરી પાડે છે. શરૂઆતથી અંત સુધી અમુક મર્યાદિત વ્યક્તિઓની આસપાસ કથાની ગૂંથણી થઈ નથી એ એની વિશેષતા છે. એ નવલકથા માટે પંજાબ સરકાર તરફથી લેખક દુગ્ગલને પુરસ્કાર અપાયો હતો.
ચન્દ્રકાન્ત મહેતા