જમીન : ભૂસ્તરીય ર્દષ્ટિએ પૃથ્વીની ભૂમિસપાટીને આવરી લેતું સૌથી ઉપરનું અમુક મિમી.થી અમુક મીટરની જાડાઈવાળું નરમ, છૂટું, ખવાણ પામેલું પડ. જમીનશાસ્ત્રીઓના ર્દષ્ટિકોણથી જોતાં જમીન એટલે ભૂપૃષ્ઠનું સૌથી ઉપરનું આવરણ, જે ભૌતિક, પ્રાકૃતિક, રાસાયણિક અને જૈવિક પરિબળોની વિવિધ અસર હેઠળ રહી, વખતોવખત ફેરફારોને ગ્રાહ્ય બનતું રહે છે અને મૂળધારક વનસ્પતિને નિભાવે છે.
પૃથ્વીની બાહ્ય સપાટી પરની વનસ્પતિની વહેંચણી તાપમાન, પ્રકાશ, પાણી અને જમીનમાં રહેલાં વનસ્પતિપોષક દ્રવ્યો ઉપર આધાર રાખે છે. જમીન એ ભૂપૃષ્ઠના ખડકોના વિભંજન-વિઘટન જેવી ક્રિયાઓ દ્વારા તેમજ પ્રાણિજ-વનસ્પતિજ પદાર્થોથી બનેલું આવરણ છે. આ ઉપરથી જમીનની વ્યાખ્યા આ રીતે કરી શકાય : વિવિધ પ્રકારના તૂટેલા ખવાઈ ગયેલા ખડકજન્ય ખનિજકણો અને કોહવાતાં જીવજન્ય દ્રવ્યોનો બનેલો સંમિશ્રિત કુદરતી જથ્થો, જે ભૂપૃષ્ઠ પર જાડા-પાતળા પડ રૂપે મળી આવે છે.
કોઈ પણ વિસ્તારની જમીનના સપાટીસ્તર (surface soil) અને ઉપસ્તર(sub soil) – એવા 2 વિભાગ પાડી શકાય. સપાટીસ્તર સામાન્ય રીતે 15થી 25 સેમી. જાડાઈનું હોય છે. તેમાં રહેલાં વધુ પડતાં જીવજન્ય દ્રવ્યોને કારણે તે ઘેરા રંગવાળું બને છે અને વધુ ફળદ્રૂપ હોય છે. વનસ્પતિવિકાસ માટેના જરૂરી સૂક્ષ્મ જીવાણુ આ ઉપલા પડમાં રહેલા હોય છે. જમીનનું ઉપસ્તર અચોક્કસ જાડાઈનું હોય છે. આ સ્તર પ્રમાણમાં સખત, ઓછા જીવજન્ય દ્રવ્યવાળું, ઓછી ભેદ્યતાવાળું હોય છે; પરંતુ તે ભેજનો સંગ્રહ વધુ પ્રમાણમાં કરી શકે છે. આ બંને પડથી બનેલા જમીન વિભાગને ઇજનેરો રેગોલિથ પર્યાયથી ઓળખાવે છે.
જમીનશાસ્ત્રીઓએ સપાટીસ્તરથી તળખડક સુધીના વિભાગોને આવરી લઈને એક ઊર્ધ્વ છેદ તૈયાર કરેલો છે અને પડ મુજબ જુદી જુદી સંજ્ઞાઓ આપી છે : સૌથી ઉપરના વાસ્તવિક અર્થમાં જમીન તરીકે ઓળખાતા, પાતળા નરમ આવરણને A પડ, તેની નીચેના ઓછા નરમ વિભાગને B પડ, જમીનના ઉપસ્તરને C પડ અને તે પછીથી ઊંડાઈએ રહેલા સખત તળખડક વિભાગને D પડ જેવાં નામ આપ્યાં છે. આ ઉપરાંત સ્થાન-પ્રકાર-સંજોગ ભેદે A અને B પડને વધુ વિભાજિત કરી શકાય છે. ભૂપૃષ્ઠ પરનો જમીનસ્તર A સામાન્યત: ઓછા કાર્બનિક-સેન્દ્રિયદ્રવ્ય પ્રમાણવાળો હોય છે, જેમાંથી ચૂના-લોહ-ઍલ્યુમિનિયમ જેવાં દ્રવ્યોનો કસ B સ્તર તરફ સ્રાવ પામી જાય છે અને ત્યાં સૂક્ષ્મ માટીદ્રવ્ય અને કાંપકાદવ સહિત સંકેન્દ્રિત થાય છે.
હ્યૂમસ તરીકે ઓળખાતા વનસ્પતિજ સેન્દ્રિય દ્રવ્ય અને ખડક-ખવાણમાંથી તૈયાર થયેલા અકાર્બનિક ખનિજદ્રવ્યના સંમિશ્રણને જમીન તરીકે ઘટાવી શકાય. જમીનમાંનો અકાર્બનિક ભાગ સ્વસ્થાનિક ખડકોમાંથી પ્રાપ્ત થયેલો હોઈ શકે અથવા ખડકચૂર્ણમાંથી વહન પામી અન્યત્ર એકઠો થયેલો પણ હોઈ શકે. કોઈ પણ પ્રકારની જમીન તૈયાર થવા માટે ખડકખવાણ અને આબોહવા મહત્વનો ભાગ ભજવે છે. તેથી જ વિશિષ્ટ પ્રકારની જમીનો આબોહવાના પ્રકાર અને પટ્ટાને સમાંતર ગોઠવાયેલી જોવા મળે છે; તેમ છતાં એક જ પ્રકારની આબોહવાવાળા વિભાગોની જમીનોમાં તળખડકોના પ્રકાર મુજબ જમીનોમાં ભિન્નતા જોવા મળે છે. આ ઉપરાંત જમીનોનું નીચે મુજબ પણ વર્ગીકરણ કરવામાં આવેલું છે :
(1) વિભાગીય (zonal) : આબોહવા પરત્વે કાબૂ ધરાવતાં પરિબળો પર આધારિત રહીને એકધારા ખડકખવાણ વિસ્તારોમાં તૈયાર થતી અને એકસરખી રહેતી જમીનો. આવી જમીનો વિશાળ વિસ્તારોને આવરી લેતી હોય છે. તેના વધુ પેટા પ્રકારો કરવામાં આવેલા છે.
(ક) પેડાલ્ફર જમીનો : વધુ વર્ષાવાળા પ્રદેશોમાં તૈયાર થયેલી અને નિમ્ન પડ તરફ દ્રવ્યસ્રાવ પામેલી જમીનો.
(ખ) પેડોકલ જમીનો : ઓછી વર્ષાવાળા પ્રદેશોમાં બનેલી, કૅલ્શિયમ કાર્બોનેટવાળી, સ્રાવવિહીન જમીનો.
(2) આંતરવિભાગીય (intrazonal) ફેરફાર પામેલી વિભાગીય જમીનો : તેમાં ભેજ, દ્રાવ્ય ક્ષારો, લોહ ઑક્સાઇડ વગેરે દ્રવ્યોનું વધુ પડતું પ્રમાણ રહેલું હોય. આવી જમીનો સ્થાનિક અથવા મર્યાદિત વિસ્તારવાળી હોય છે.
(3) અવિભાગીય (azonal) : અપરિપક્વ જમીનો, જ્યાં હજી જરૂરી સ્થાનિક ખવાણની જમીન તરીકે ઓળખાવા માટેની આવશ્યક કક્ષા પ્રાપ્ત થઈ શકી નથી.
જમીનોનું બંધારણ : રાસાયણિક ર્દષ્ટિએ જોતાં જમીનો અકાર્બનિક અને કાર્બનિક ઘટકોની બનેલી છે. વિવિધ પ્રકારનાં પ્રાકૃતિક બળોની ક્રિયાઓને કારણે ખડકોમાંથી છૂટાં પડી એકત્ર થયેલાં ખનિજદ્રવ્યોનો જમીનના અકાર્બનિક ઘટકોમાં સમાવેશ કરવામાં આવે છે. ખનિજોમાંથી વનસ્પતિવૃદ્ધિ માટેનાં તત્વો મળી રહે છે. જમીનના કાર્બનિક ઘટકોમાં જીવજન્ય દ્રવ્યનો સમાવેશ થાય છે; તે કોહવાવાથી તૈયાર થતો કસ વનસ્પતિવિકાસ માટે નીચે પ્રમાણે અગત્યનો ભાગ ભજવે છે : જીવજન્ય દ્રવ્યને કારણે (1) જમીનની ભેજસંગ્રહ શક્તિમાં વધારો થાય છે, (2) ભેજ જળવાઈ રહે છે, (3) જમીન ચીકણી રહે છે, (4) વનસ્પતિવૃદ્ધિ-સહાયક સૂક્ષ્મ જીવાણુઓ વિકાસ પામે છે.
જમીનની કણરચના : જમીનની કણરચનામાં તેના બંધારણમાં રહેલા ખનિજકણોનાં પરિમાણ તેમજ તેમની ગોઠવણીનો સમાવેશ કરેલો છે. ખનિજકણોનું કદ મોટા કાંકરા કે રેતી જેવા પદાર્થોથી માંડીને માટી જેવું બારીક કે તેથી પણ સૂક્ષ્મ હોય છે. જમીનની ભેદ્યતા તેમાં રહેલા કણોના પરિમાણ અને ગોઠવણી ઉપર આધાર રાખે છે. મોટા કદવાળા કણોવાળી જમીનોમાં આંતરકણ જગા વધારે હોય છે તેથી પાણી ઝડપથી ઊતરી જાય છે; પરંતુ પાણીનું બાષ્પીભવન પણ સહેલાઈથી થઈ જાય છે; દા.ત., રેતાળ જમીન. બારીક કણોવાળી જમીનમાં આંતરકણ જગા ઓછી હોવાને કારણે પાણી સરળતાથી ઊતરી શકતું નથી. તે લાંબો સમય ભેજનો સંગ્રહ પણ કરી શકે છે કારણ કે તેમાં બાષ્પીભવનની ક્રિયા પણ અત્યંત ધીમી હોય છે; માટીથી બનેલી જમીનો તેનું ઉત્તમ ઉદાહરણ છે.
જમીનના રંગ : કોઈ પણ જમીનનો રંગ તેમાં રહેલાં જીવજન્ય દ્રવ્યો, ભેજસંગ્રહક્ષમતા તથા કોઈ પણ સ્વરૂપે તેમાં રહેલાં લોહદ્રવ્યો-ચૂનાયુક્ત દ્રવ્યો ઉપર આધાર રાખે છે. જીવજન્ય દ્રવ્યને કારણે જમીનનો રંગ ભૂખરો, કથ્થાઈ કે કાળો હોઈ શકે; પરંતુ આછો કે ઘેરો રંગ તેમાં રહેલા જીવજન્ય દ્રવ્યના પ્રમાણ પર, ભેજ પર તથા ચૂનાના પ્રમાણ પર આધારિત હોય છે. લોહદ્રવ્યને કારણે જમીનનો રંગ આછા પીળાથી રતૂમડો, લાલાશ પડતો કથ્થાઈ કે કથ્થાઈ હોઈ શકે છે. કેટલીક વાર અબરખની પતરીઓના વધુ પ્રમાણને કારણે જમીન ચમકવાળી દેખાય છે. રેતાળ જમીનો આછી પીળાશ પડતી કે બદામી રંગની; ગોરાડુ જમીનો પીળાશ પડતા લાલ રંગની; પડખાઉ જમીનો ઈંટ જેવા રંગવાળી, લાલાશ પડતા કથ્થાઈ કે કથ્થાઈ રંગવાળી અને રેગર જમીન કાળા રંગની જુદી જુદી ઝાંયવાળી હોય છે.
જમીનની ફળદ્રૂપતા : કોઈ પણ જમીનની ફળદ્રૂપતા તેના ખનિજ-બંધારણ પર અને જીવજન્ય દ્રવ્યના પ્રમાણ પર આધાર રાખે છે. જમીનમાં એકનો એક પાક વારંવાર લેવાથી જમીનની ફળદ્રૂપતા ઘટતી જાય છે કારણ કે તેમાંથી એક જ પ્રકારનાં દ્રવ્યો શોષાઈ જાય છે; આથી જમીનની ફળદ્રૂપતા જાળવી રાખવા માટે પાકની ફેરબદલી તથા કુદરતી તેમજ કૃત્રિમ ખાતરોની ભેળવણીની આવશ્યકતા રહે છે.
જમીનોના પ્રકારો : જમીનોની ઉત્પત્તિ પ્રમાણે તેના ‘સ્વસ્થાની’ (in situ) અને ‘સ્થાનાંતરિત’ (transported) જેવા બે પ્રકારો પાડી શકાય.
સ્વસ્થાની જમીન : તળખડકના વિભંજન-વિઘટનથી પોતાના જ સ્થાનમાં બનતી જમીનો સ્વસ્થાની જમીનો કહેવાય છે; જેમ કે અવશિષ્ટ જમીન, ક્યૂમ્યુલસ જમીન.
સ્થાનાંતરિત જમીન : આ પ્રકારની જમીન ગુરુત્વાકર્ષણ, પવન, નદી, હિમનદી, સરોવર, સમુદ્ર, મહાસાગર જેવાં પ્રાકૃતિક પરિબળોની વહનક્રિયા તેમજ નિક્ષેપક્રિયાને કારણે અન્યત્ર એકઠા થતા દ્રવ્યને લીધે બને છે. પહાડી જમીન, લોએસ, કાંપની જમીન, ગોરાડુ જમીન તેનાં ઉદાહરણો છે.
બંધારણ, ભેજસંગ્રહક્ષમતા, કણરચના, ભેદ્યતા જેવાં જમીનનાં લક્ષણોને અનુલક્ષીને તેના કેટલાક મુખ્ય પ્રકારો નીચે મુજબ છે :
(1) કાંપની જમીન : જુદા જુદા વિસ્તારોમાંથી નદીના પ્રવાહો સાથે ઘસડાઈ આવેલા વિવિધ પ્રકારના ખનિજકણોની નિક્ષેપક્રિયાથી આ પ્રકારની જમીન તૈયાર થાય છે. તેમાંના ખનિજકણો રેતીથી માંડીને માટીના કણો જેટલા બારીક હોય છે. કાંપની જમીનમાં લોહ, ઍલ્યુમિનિયમ, ચૂનો, પોટૅશિયમનાં તત્વો સારા પ્રમાણમાં રહેલાં હોય છે; પરંતુ જીવજન્ય દ્રવ્યનું તથા ફૉસ્ફરિક ઍસિડનું પ્રમાણ ઓછું હોય છે. આ જાતની જમીનના ખનિજકણો વહનક્રિયાને કારણે નાના અને ગોળાકાર હોય છે. કાંપની જમીનો નદીના ખીણપ્રદેશો, નદીની આજુબાજુના વિસ્તારો અને ત્રિકોણપ્રદેશોમાં મળી આવતી હોવાથી, તેને માટે પાણીનો પુરવઠો અત્યંત અનુકૂળ બને છે, પરિણામે આ જમીનો ફળદ્રૂપ નીવડે છે. સિંધુ-ગંગા-બ્રહ્મપુત્રનાં વિશાળ મેદાનો તેમજ ગુજરાતની નદીઓના વિસ્તારો કાંપની જમીનનાં ઉત્તમ ઉદાહરણો છે. કાંપનું દ્રવ્ય વખતોવખત ઉમેરાતું રહેતું હોવાથી આ પ્રકારની જમીન ફળદ્રૂપ રહે છે.
(2) ગોરાડુ જમીન : ગોરાડુ જમીન એ કાંપની જમીનનો એક વિશિષ્ટ પેટાપ્રકાર ગણાવી શકાય. આ પ્રકારની જમીનનું પડ ઘણી ઊંડાઈ સુધી વિસ્તરેલું હોય છે. તે સૂક્ષ્મદાણાદાર, બારીક તથા સહેજ પીળાશ પડતા રંગવાળી હોય છે; તેનો પીળો રંગ તેમાં રહેલા લોહદ્રવ્યને કારણે હોય છે; સ્થાનભેદે તે રાખોડી કે કથ્થાઈ રંગવાળી પણ હોઈ શકે છે. તેમાં રેતીનું/માટીનું પ્રમાણ વધુ હોય ત્યારે તેને રેતાળ ગોરાડુ/માટીવાળી ગોરાડુ જમીન કહે છે. પાણીનો જરૂરી પુરવઠો મળી રહેતાં આ જમીન ફળદ્રૂપ નીવડી શકે છે. આ પ્રકારની જમીનમાં ઉનાળામાં તડો પડતી નથી. અમદાવાદ-ખેડા જિલ્લાની જમીન આ પ્રકારની છે.
(3) રેગર – કપાસની કાળી જમીન : સ્વસ્થાની પ્રકારની જમીન. આ પ્રકારની જમીન બૅસાલ્ટ નામના જ્વાળામુખી ખડકના પોતાના જ સ્થાનમાં થતા વિભંજન-વિઘટનને કારણે બને છે. તે ભૂખરા કે કાળા રંગવાળી તેમજ સૂક્ષ્મદાણાદાર હોય છે. તેના બંધારણમાં કૅલ્શિયમ કાર્બોનેટ, મૅગ્નેશિયમ કાર્બોનેટ, પોટાશ, લોહ, ફૉસ્ફેટ્સ તથા જીવજન્ય દ્રવ્યો હોય છે. વરસાદ કે પાણીને કારણે ભીની થવાથી તે ચીકણી બને છે અને ભેજને લાંબો સમય સુધી સંગ્રહી શકે છે. આ પ્રકારની જમીનના પડની જાડાઈ 30 સેમી.થી 15 મીટર સુધીની હોઈ શકે છે; પરંતુ ઊંડાઈ મુજબ જુદા જુદા વિભાગો બંધારણની ભિન્નતાવાળા હોય છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છની જમીનો, દખ્ખણના લાવાપ્રદેશની જમીનો, મધ્યપ્રદેશની જમીનો આ પ્રકારની છે. તેનો કાળો રંગ લોહનાં સંયોજનો તથા જીવજન્ય દ્રવ્યને આભારી છે. ભારતમાં મળતી આ પ્રકારની જમીનનો કાળો રંગ તેમાં રહેલાં લોહસંયોજનોને કારણે છે. રશિયામાં પણ કાળી જમીન મળે છે, જેનો કાળો રંગ તેમાં રહેલા વધુ પડતા જીવજન્ય દ્રવ્યને કારણે છે. આ જમીન કપાસના પાકને માટે ઘણી અનુકૂળ આવે છે. આથી તેને ‘કપાસની કાળી જમીન’ નામે પણ ઓળખવામાં આવે છે.
(4) પડખાઉ જમીન : આ પ્રકારની જમીન મોટે ભાગે જુદી જુદી ઝાંયવાળા કથ્થાઈ રંગની હોય છે અને તે લૅટરાઇટ નામના તળખડકમાંથી પોતાના જ સ્થાનમાં પડખવાણને કારણે અસ્તિત્વમાં આવતી હોવાથી સ્વસ્થાની જમીન તરીકે ઓળખાય છે. આ જમીનના રાસાયણિક બંધારણમાં લોહ, ઍલ્યુમિનિયમ હાઇડ્રૉક્સાઇડ તથા થોડા પ્રમાણમાં મૅન્ગેનીઝ હાઇડ્રૉક્સાઇડ રહેલાં હોય છે. તેમાં મૅગ્નેશિયમ, કૅલ્શિયમ તેમજ સિલિકાનું પ્રમાણ ઘણું જ ઓછું હોય છે. મોસમી પ્રકારની આબોહવાવાળા વિસ્તારોના બૅસાલ્ટ કે એના જેવા ખડકોમાંથી આ જમીન બને છે. તેમાં વનસ્પતિવૃદ્ધિ માટેનાં દ્રવ્યોનો અભાવ હોવાથી ખેતીની પેદાશોની ર્દષ્ટિએ આ જમીન બહુ જ ઓછી ઉપયોગી નીવડે છે. પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, અસમ, તમિળનાડુ વગેરે વિસ્તારોમાં આવી જમીનો જોવા મળે છે.
(5) પહાડી જમીન : પર્વતોના વધુ ઢોળાવવાળા વિસ્તારોમાંથી પ્રાકૃતિક પરિબળોની ક્રિયાને કારણે તૈયાર થયેલા શિલાચૂર્ણને તળેટીમાં લાવવામાં ગુરુત્વાકર્ષણનું બળ મદદરૂપ બને છે. આ રીતે એકઠા થયેલા શિલાચૂર્ણની મદદથી બનતી જમીનના જથ્થાનું આ પડ ઘણું પાતળું અને મોટા પરિમાણવાળા કણોનું બનેલું હોવાથી ખેતી માટે નિરુપયોગી નીવડે છે.
(6) રેતાળ જમીન : આવી જમીનો મુખ્યત્વે ક્વાર્ટ્ઝના ખનિજકણોની બનેલી હોય છે અને માટીનું પ્રમાણ ઘણું જ ઓછું હોય છે. તે અત્યંત છિદ્રાળુ હોવાથી તેમાં પાણી સહેલાઈથી ઊતરી શકે છે. તેની ભેજસંગ્રહશક્તિ ઘણી જ ઓછી હોવાથી ખેતીની પેદાશો માટે ખાસ ઉપયોગમાં લેવાતી નથી. કચ્છ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે.
(7) રાતી જમીન : આ જમીન લાલ રંગની તેમજ રેતાળ ગોરાડુ જમીન જેવી હોય છે. તેનો રાતો રંગ તેમાં રહેલા લોહદ્રવ્યને કારણે હોય છે. આ જમીનના પડની જાડાઈ વધુ હોતી નથી. તે બૅસાલ્ટ અને લૅટરાઇટ કે ફક્ત લૅટરાઇટમાંથી તૈયાર થતી સ્વસ્થાની જમીન છે. બેલગામનો પશ્ચિમ ભાગ અને ધારવાડ વિસ્તારનાં ઘણાં સ્થાનોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે.
(8) લોએસ : ઉત્તર અમેરિકા, મધ્ય યુરોપ તેમજ એશિયાના વિસ્તારોમાં પવનની નિક્ષેપક્રિયાને કારણે એકઠી થયેલી પીળા કે કથ્થાઈ રંગની સૂક્ષ્મદાણાદાર માટીવાળી જમીનને લોએસના નામથી ઓળખવામાં આવે છે. તેની જાડાઈ અર્ધા મીટરથી 50 મીટર સુધીની હોઈ શકે છે. તેના બંધારણમાં ક્વાર્ટ્ઝ, ફેલ્સ્પાર, અબરખ, હૉર્નબ્લેન્ડ, કૅલ્સાઇટ, ઑગાઇટ વગેરે જેવા ખનિજકણો હોય છે; પવનની વહનક્રિયાને કારણે સામાન્ય રીતે તે અણીદાર હોય છે. આવી જમીનમાં પાણી સહેલાઈથી શોષાઈ જાય છે અને સપાટી સામાન્ય રીતે સૂકી રહે છે. જો સિંચાઈની મદદથી પાક લેવામાં આવે તો આ જમીન ફળદ્રૂપ નીવડે છે.
(9) ક્ષારવાળી જમીન : ઓછા વરસાદવાળા વિસ્તારોમાં જરૂરી જળપરિવાહને અભાવે, જમીનમાં રહેલા કેટલાક દ્રાવ્ય ક્ષારોની વહનક્રિયા પૂરતા પ્રમાણમાં થતી નથી; તેથી આ દ્રાવ્ય ક્ષારો જમીનના ઉપરના પડ તરફ ખેંચાઈ આવે છે અને એકઠા થાય છે. તેમના રાસાયણિક બંધારણમાં સોડિયમના કાર્બોનેટ – સલ્ફેટ, ક્લોરાઇડ તેમજ કૅલ્શિયમ-મૅગ્નેશિયમનાં સંયોજનો જુદા જુદા પ્રમાણમાં રહેલાં હોય છે. આ ક્ષારો જમીનમાં કેટલીક વાર પોપડા-સ્વરૂપે મળી આવે છે. ભારતમાં આ પ્રકારના ક્ષારોના પોપડાને ‘રેહ’ અથવા ‘કેલાર’ને નામે ઓળખવામાં આવે છે. ગંગાનાં મેદાનોનો સૂકો ભાગ, પંજાબ તથા રાજસ્થાનના વિસ્તારોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. આ ક્ષારો જમીનની ફળદ્રૂપતાનો નાશ કરે છે. જે વિસ્તારોમાં નહેરો દ્વારા સિંચાઈ થાય છે, ત્યાં પણ આ પ્રકારના ક્ષારો એકઠા થાય છે. આવા વિસ્તારો ખેતીની પેદાશો માટે અનુકૂળ બનતા નથી.
પ્રાચીન કાળની જમીનોના અવશેષો (palaeo soils) ખાસ જોવા મળતા નથી, તેમ છતાં આસનસ્થ મૃદ (seat-earths) તરીકે ગૅનિસ્ટર અને અગ્નિજિત માટી તેનાં ઉદાહરણો રૂપે લઈ શકાય.
ગૅનિસ્ટર : રેતીયુક્ત આસનસ્થ મૃદ સામાન્ય રીતે કોલસાનાં પડ નીચે મળે છે, જે શુદ્ધ સિલિકાનાં, આલ્કલી, લોહ અને ઍલ્યુમિનિયમના તદ્દન અલ્પ પ્રમાણવાળાં, પણ સ્ટિગ્મારિયા જેવી વનસ્પતિના મૂળના કાર્બોદિત અવશેષચિહનવાળાં હોય છે.
અગ્નિજિત માટી : ઉપર્યુક્ત અર્થવાળું; પરંતુ માટીના પ્રચુર પ્રમાણવાળું પડ.
પંકજનિત સ્તરો (dirt beds) કેટલીક સ્વચ્છ જળજન્ય ખડકશ્રેણીઓમાં જોવા મળે છે; દા.ત., દક્ષિણ ઇંગ્લૅન્ડના પરબેક અને વેલ્ડન વિભાગો.
સિવિલ ઇજનેરો ભૂમિ પરના તેના કોઈ પણ પ્રકારના નરમ, પોચા, છૂટા, ઓછા જામેલા સપાટી-આવરણને જમીન તરીકે ઓળખાવે છે, આ અર્થમાં ટર્શિયરી કાળની રેતી અને માટીને જમીન તરીકે ઘટાવી શકાય.
ગિરીશભાઈ પંડ્યા
વ્રિજવિહારી દીનાનાથ દવે