જનાર્દન જૉસેફ (1985) : હસમુખ બારાડીલિખિત બેઅંકી નાટક. વિજ્ઞાની જૉસેફ સંસ્થાકીય વ્યવસ્થાપકોને જે સંશોધન કરી આપે છે તે લોકતરફી છે પણ સંસ્થાને નફાકારક નથી, તેથી મૅનેજિંગ ડિરેક્ટર ચોપડા વગેરે સાથે તેમને સંઘર્ષમાં ઊતરવું પડે છે; અંતે જૉસેફ વ્યવસ્થાપકોની વાત કબૂલે છે પણ લોકપ્રતિનિધિ સમા કારકુનોનું વૃંદ જનાર્દનની આગેવાની હેઠળ એને જૉસેફના આત્મઘાત તરીકે ગણાવે છે. હવે વ્યવસ્થાપકો જૉસેફનું પૂતળું ઊભું કરવા સમારંભ યોજે છે, જેમાં જીવંત જૉસેફ ખુદ (ઈસુ ખ્રિસ્તના ક્રૂસની જેમ) સ્ટૂલ લઈને પ્રવેશે છે અને એના પર ઊભો થાય છે. વ્યવસ્થાપકો અને કારકુનોનું વૃંદ જૉસેફને પોતપોતાની ગમતી મુદ્રાઓ આપે છે. આટલી કથા કલાકારોના વૃંદ દ્વારા જાણે નાટ્યપ્રયોગ થતો હોય તેમ અહીં રજૂ થઈ છે; વૃંદ આપસમાં પાઠ વહેંચે છે; પ્રસંગો ભજવે છે; વૃંદો રચે અને તોડે છે; સ્થળ અને સમયને કુદાવવાના પુરાણકથાના સંદર્ભો સર્જે છે; અને અંતે કલાકારવૃંદ અવિરત સંઘર્ષમાં જ આશા જુએ છે કે ‘કાલે જૉસેફનો પાઠ હું કરીશ.’ સળંગસૂત્રતા અને ર્દશ્યવિભાજન, અભિનેય ભાષા અને ભાષાનો અભિનય, ચિત્રો અને ધ્વનિઓ તથા સ્થળકાળના વિશિષ્ટ સંદર્ભો સર્જતો આ રંગઆલેખ છે. એકંદરે માનવીના શોષણને સૂક્ષ્મ રીતે પ્રસ્તુત કરતી આ સ્થૂળ ઘટનાલોપી, શૈલીપરક (stylized) નાટ્યકૃતિનું 1981–82 દરમિયાનનું મંચન ધ્યાનાર્હ બન્યું હતું. એને 1986માં બટુભાઈ ઉમરવાડિયા નાટ્ય પારિતોષિક એનાયત થયું હતું.
જનક દવે