જટાયુ : સીતાહરણ પ્રસંગે રાવણ સાથે ઝઝૂમનાર રામાયણનું એક પાત્ર. પ્રચલિત વાલ્મીકિ રામાયણની ત્રણેય વાચનામાં સીતાહરણની પૂર્વે જટાયુનો મેળાપ અને સીતાની રક્ષા કરવાની તેની પ્રતિજ્ઞાનો ઉલ્લેખ મળે છે. આ જટાયુ ગરુડજાતિનો એક માનવ હોવાનું મનાય છે. વિનતાના પુત્ર અરુણને શ્યેનીથી ઉત્પન્ન થયેલા બે પુત્રો તે સંપાતિ અને જટાયુ. આમ જટાયુ અરુણના ભાઈ ગરુડનો ભત્રીજો થાય. જટાયુ દશરથ રાજાનો મિત્ર હતો, અને એક રાજા હતો. રાજા તરીકે તે યોગ્ય રીતે પોતાની પ્રજાનું પાલન કરતો હતો. રામે જ્યારે તેને સૌપ્રથમ જોયો ત્યારે તે કોઈ રાક્ષસ હશે તેવું તેમને લાગ્યું હતું. પછી સીતાને તે ગીધ જેવો દેખાયો હતો. રામે જ્યારે તેને પૂછ્યું ત્યારે જટાયુએ પોતાની ઓળખાણ આપતાં કહ્યું હતું કે રામલક્ષ્મણ જ્યારે બહાર ગયા હશે ત્યારે તે સીતાની રક્ષા કરશે. પછીની ઘટનાઓથી રામલક્ષ્મણસીતાને પ્રતીતિ થઈ કે જટાયુ તેમનો હિતચિંતક છે.

પદ્મપુરાણના પાતાલખંડના ગૌડીય પાઠ અનુસાર રોહિણી નક્ષત્ર પર શનિની ર્દષ્ટિને લીધે અયોધ્યામાં અનાવૃષ્ટિ થઈ અને દશરથ શનિ સાથે યુદ્ધ કરવા ગયા અને શનિની ર્દષ્ટિમાત્રથી દશરથનો રથ તૂટી ગયો ત્યારે જટાયુએ દશરથને સાચવી લીધા અને દશરથનો વિજય થયો. આ રીતે દશરથ સાથે જટાયુની મિત્રતા બંધાઈ (મહાભારત, વન., 263.1; વા.રા., અરણ્ય., 14.3).

રાવણે સીતાનું હરણ કર્યું ત્યારે રાવણ પાસેથી સીતાને છોડાવવા જટાયુએ રાવણ સાથે યુદ્ધ કર્યું. જટાયુએ પોતાના તીક્ષ્ણ નખ અને ચાંચ દ્વારા રાવણને ઘાયલ કર્યો. રાવણનાં બધાં બાણ પોતાની પાંખથી જટાયુએ ઉડાડી દીધાં. અંતે રાવણે જટાયુની પાંખો તોડી નાખીને તેને મૃતપ્રાય કરી નાખ્યો, અને તે સીતાને લઈ ગયો. સીતાહરણના સમાચાર જટાયુએ રામને આપ્યા અને સીતાહરણના સમયને લક્ષમાં રાખીને આગાહી કરી કે સીતાની પુન:પ્રાપ્તિ અવશ્ય થશે (વા.રા., અરણ્ય., 68.12). રામે જટાયુનો આદર કરી તેને આલિંગન આપ્યું. પછી જટાયુએ પ્રાણત્યાગ કર્યો. રામલક્ષ્મણે જટાયુને પૂજ્ય ગણીને તેની ઉત્તરક્રિયા કરી. એ વખતે તેની ઉંમર સાઠ હજાર વર્ષની હતી (મહાભારત, વન., 279; વા.રા., અરણ્ય., 50-52; 68.26–36). જટાયુના મૃત્યુના સમાચાર જાણી તેનો મોટો ભાઈ સંપાતિ ત્યાં આવ્યો અને અંગદ વગેરેની મદદથી જટાયુનું તેણે તર્પણ કર્યું (વા.રા., કિષ્કિન્ધા., 58.33–45).

‘આનંદ રામાયણ’ની પરંપરા અનુસાર જટાયુ એ ઇક્ષ્વાકુના એકસો પુત્રોમાંનો સૌથી નાનો મૂર્ખ પુત્ર દંડક હતો, તેને ઇક્ષ્વાકુએ વિંધ્ય અને શિવાલિકની વચ્ચેના પ્રદેશનું રાજ્ય આપ્યું હતું. તે પોતાના ભાઈઓને માન આપતો ન હતો. અને ગુરુ ભાર્ગવના શાપથી તે ગીધ બન્યો હતો (આનંદ રામા., 7.18,100). જૈન ‘પઉમચરિય’ અનુસાર તેણે સુગુપ્ત મુનિનું શરણ લીધું હતું તેથી તે ધાર્મિક બન્યો હતો. તેની રક્ષા કરવા મુનિએ સીતાને વિનંતી કરી હતી. રામે એના શિર પરની જટાઓ જોઈને તેનું ‘જટાયુ’ નામ પાડ્યું હતું (પઉમચરિય, 41, 61, 72).

નારાયણ કંસારા