જગન્નાથ પંડિતરાજ (જ. 1590; અ. 1665) : સંસ્કૃત સાહિત્યના ઉત્તરમધ્ય કાલના પ્રતિભાવાન કવિ, કાવ્યશાસ્ત્રકાર અને બહુશ્રુત વિદ્વાન. આંધ્રના વેંગી નાડી કુલના તૈલંગ બ્રાહ્મણ. ગોદાવરી જિલ્લાનું મુંગુડુ કે મુંગુજ ગામ તેમનું વતન. પિતા પેરમ કે પેરુભટ્ટ અને માતા લક્ષ્મી. જગન્નાથના પિતા કાશીમાં નિવાસ કરતા હતા તેથી તેમનું બાલ્ય કાશીમાં વીત્યું. પિતાને જગન્નાથે મહાગુરુ કહ્યા છે. તેમની પાસે જગન્નાથે અનેક શાસ્ત્રોનું અધ્યયન કર્યું તથા જ્ઞાનેન્દ્ર ભિક્ષુ પાસે બ્રહ્મવિદ્યા (વેદાન્ત), મહેન્દ્ર પાસે ન્યાય અને વૈશેષિકદર્શન, ખંડદેવ પાસે મીમાંસા અને શેષ વીરેશ્વર પાસે વ્યાકરણ-મહાભાષ્યનું અધ્યયન કર્યું. આમ કિશોર વયમાં જ તે અનેક શાસ્ત્રોના આરૂઢ વિદ્વાન થયા. પછી તેમણે કર્ણાટકના કોઈ રાજાની સભામાં રહેવા પ્રયત્ન કર્યો. પણ ત્યાં તેમને પ્રોત્સાહન મળ્યું નહિ. તેથી તે ઉત્તરમાં જયપુરનરેશ પાસે ગયા અને ત્યાં રાજ્યાશ્રય વડે પાઠશાળા સ્થાપી તેના આચાર્ય થયા. અહીં તેમનો મોગલ દરબારના કોઈ મુકુંદ માથુર સાથે પરિચય થયો. જગન્નાથની વિદ્વત્તાથી પ્રભાવિત થયેલા મુકુંદ માથુરે તેમનો મોગલ બાદશાહ જહાંગીરના મંત્રી આસફખાન સાથે પરિચય કરાવ્યો. આસફખાને તેમને મોગલ દરબારમાં સ્થાન અપાવ્યું. આસફખાન સાથેનો જગન્નાથનો પરિચય દીર્ઘકાલનો અને સ્નેહપૂર્ણ રહ્યો. મોગલ બાદશાહો સાથેનો કવિનો સમય ઘણો સુખપૂર્ણ રહ્યો. દિલ્હીથી જગન્નાથ થોડોક વખત રજપૂત રાજા જગતસિંહ પાસે પણ જઈ આવ્યા. શાહજહાંના દરબારમાં એક કાજી હિન્દુ ધર્મની ટીકા કર્યા કરતો. તેને જગન્નાથે કુરાનનાં વિધાનો ટાંકી પરાસ્ત કર્યો. જગન્નાથના આ શાસ્ત્રકૌશલથી પ્રસન્ન થયેલા શાહજહાંએ તેમને પંડિતરાજનું બિરુદ આપ્યું અને લવંગી નામની સુરૂપ કન્યા સાથે તેમનો વિવાહ કરી આપ્યો, એવી કિંવદન્તી છે. દારા શિકોહ સાથે પણ તેમને સારો સંબંધ હતો. દારાના અવસાન પછી તે અસમના રાજા પ્રાણનારાયણ સાથે હતા. જગતસિંહ, આસફખાન અને પ્રાણનારાયણને જગન્નાથે તેમની કૃતિઓ ‘જગદાભરણ’, ‘આસફવિલાસ’ અને ‘પ્રાણાભરણ’માં કાવ્યનાયકોનાં ઓજસ્વી શબ્દચિત્રો આપી અમર કર્યા છે. ત્યાર પછી જગન્નાથ કોઈ રાજાના આશ્રયે ન ગયા. શેષવયમાં તે થોડોક વખત મથુરામાં અને અંતે કાશીમાં ગંગાતટે રહ્યા. તે લગભગ 75 વર્ષ જીવ્યા. લવંગી સાથેના પ્રસંગની સત્યતા વિશે વિદ્વાનોમાં એકમત નથી. ‘इयं सुस्तनी’ વગેરે લવંગી વિશેનાં પદ્યો અને એ સમગ્ર પ્રસંગ જગન્નાથના પ્રૌઢ પાંડિત્યનો વિચાર કરતાં સ્વીકાર્ય લાગતાં નથી. આમ છતાં લવંગી વિશેની કિંવદન્તી જગન્નાથના ‘ગંગાલહરી સ્તોત્ર’ સુધી પહોંચે છે એ હકીકત ટાળી શકાય તેમ નથી. જગન્નાથ પોતાના પાંડિત્ય વિશે એટલા બધા સભાન હતા કે તેમની અહંતાએ અપ્પય દીક્ષિત જેવા અનેક વિદ્વાનોને દૂભવેલા. આવા વિદ્વાનોને કારણે જગન્નાથનો કાશીવાસ સુખપૂર્ણ ન રહ્યો. તેમણે ગંગામાં દેહત્યાગ કર્યો.
જગન્નાથ કાલિદાસ પછીના ઉત્તમ કવિ ગણાયા છે. તેમનાં લહરીસ્તોત્રોમાં ‘અમૃતલહરી’ એ યમુનાસ્તોત્ર, ‘ગંગાલહરી’ કે ‘પીયૂષલહરી’ એ ગંગાસ્તોત્ર, ‘કરુણાલહરી’ એ વિષ્ણુસ્તોત્ર, ‘લક્ષ્મીલહરી’ એ લક્ષ્મીસ્તોત્ર અને ‘સુધાલહરી’ એ સૂર્યસ્તોત્ર છે. આ સ્તોત્રો તેમના કાવ્યગુણો ઉપરાંત કવિના ગાઢ ભક્તિરસનાં પરિચાયક છે. ‘ભામિની વિલાસ’માં પ્રાસ્તાવિક, શૃંગાર, કરુણ અને શાન્ત એમ 4 વિલાસો છે. અહીં જગન્નાથની કવિપ્રતિભા મુક્ત વિહરે છે. શાસ્ત્રીય કૃતિઓમાં ‘મનોરમા કુચમર્દન’ એ ભટ્ટોજી દીક્ષિતની સિદ્ધાન્તકૌમુદી ઉપરની ‘પ્રૌઢમનોરમા’ નામની સ્વોપજ્ઞટીકાનાં કેટલાંક વિધાનોનું ખંડન છે. અહીં જગન્નાથની સૂક્ષ્મેક્ષિકાનાં દર્શન થાય છે. ‘ચિત્રમીમાંસાખંડન’ પણ અપ્પય દીક્ષિતના કાવ્યશાસ્ત્રીય ગ્રંથ ‘ચિત્રમીમાંસા’નાં વિધાનોનું સૈદ્ધાન્તિક ખંડન છે. કાવ્યશાસ્ત્રમાં કવિની પ્રૌઢ વિદ્વત્તાનાં દર્શન તેમના અનુપમ ગ્રંથ ‘રસગંગાધર’માં થાય છે. આ ગ્રંથ અધૂરો મળે છે. પણ એ પાંચેય પ્રકરણો જગન્નાથે પૂરાં કર્યાં હશે એમ કેટલાક ઉલ્લેખો ઉપરથી સમજાય છે. ‘રસગંગાધર’ જગન્નાથની અંતિમ કૃતિ નથી. ‘ગંગાલહરી’ પણ અંતિમ કૃતિ નહિ હોય. કવિઓમાં જો કાલિદાસ કનિષ્ઠિકાધિષ્ઠિત હોય તો જગન્નાથ તેમના પછી અનામિકાએ આવે એવા ઉત્તમ કવિ છે. કાવ્યશાસ્ત્રમાં એમની પ્રતિભા અનુપમ છે. વ્યાકરણમાં તેમની સૂક્ષ્મેક્ષિકા અને શાસ્ત્રપ્રૌઢિ વિરલ છે.
વિનોદ મહેતા