જગન્નાથપુરી

January, 2012

જગન્નાથપુરી : ભારતના પૂર્વભાગમાં ઓડિસા રાજ્યમાં 20° ઉ. અક્ષાંશ અને 86° પૂ. રેખાંશ પર બંગાળના ઉપસાગરને કિનારે આવેલું સુપ્રસિદ્ધ નગર. કૉલકાતાથી 500 કિમી. દક્ષિણે, ચેન્નાઈથી 1000 કિમી. ઉત્તરે રેલવે માર્ગથી જોડાયેલું આ નગર કટક શહેરથી દક્ષિણ-પશ્ચિમે 40 કિમી.ના અંતરે છે. ભારતના પૂર્વ-પશ્ચિમ છેડાઓને જોડતો ઓખાપુરી રેલમાર્ગ શરૂ થયો છે.

ઈ. સ. 1178—92ના સમય દરમિયાન ગંગ વંશના રાજા અનંગ ભીમદેવે જગન્નાથના મંદિરના સ્થાપત્યનું નિર્માણ કર્યું હતું. મંદિરને બે મોટા દુર્ગો, પ્રાંગણ, નિજમંદિર, ગર્ભગૃહ અને ચાર દિશામાં ચાર દરવાજાઓ છે. દરવાજાઓ પર વિવિધ આકૃતિઓ ઉપરાંત પ્રાણીઓનાં શિલ્પ છે. તેને આધારે તે સિંહદ્વાર, અશ્વદ્વાર, વ્યાઘ્રદ્વાર અને હસ્તિદ્વાર તરીકે ઓળખાય છે. સિંહદ્વાર પાસે કોણાર્કના મંદિરમાંથી લાવવામાં આવેલો એક સ્તંભ છે. તેને મરાઠાઓ અહીં લાવ્યા હતા. આ છે અરુણ સ્તંભ. નિજમંદિરમાં આવેલા ગર્ભગૃહમાં 4.89 × 1.215 મી. ઊંચી રત્નવેદી પર લાકડાની બનાવેલી અપૂર્ણાવસ્થાની જગન્નાથજીની મૂર્તિ છે. તેની આજુબાજુ લક્ષ્મીજી અને કરમાબાઈ(સત્યભામા)ની મૂર્તિઓ છે. તે ઉપરાંત અલગ વેદિકા પર બલરામ અને સુભદ્રાની તે પ્રકારની મૂર્તિઓ છે. દર બાર વર્ષે આ મૂર્તિઓ બદલવામાં આવે છે. કિંવદંતી પ્રમાણે આ મૂર્તિઓ માટે લાકડું દરિયામાં ઘસડાઈને આવે ત્યારે તેનું નિર્માણ કરવામાં આવે છે. લોકકથા પ્રમાણે ઈ. સ. 318માં યયાતિ કેસરી નામના રાજાને આ મૂર્તિઓ જંગલમાંથી મળી હતી તથા ઈ. સ. 474માં તેની વિધિવત્ સ્થાપના મંદિરમાં કરવામાં આવી હતી. બળરામ અને સુભદ્રા સાથે જગન્નાથજીની મૂર્તિઓની એક પરંપરા ભારતમાં પ્રવર્તિત છે. અમદાવાદ અને અન્ય નગરોમાં આ પ્રકારનાં મંદિરો જોવા મળે છે.

જગન્નાથપુરીની રથયાત્રાનું એક ર્દશ્ય

મંદિરનાં મુખ્ય દ્વાર કાળા પથ્થરનાં બનેલાં છે તથા તેના પર સુંદર કોતરકામ કરવામાં આવ્યું છે. 137.1 × 91.4 મી.ના વિશાળ સભામંડપમાં કીર્તન અને સ્તુતિગાન કરવામાં આવે છે. માંગલિક પ્રસંગોના સમયે પ્રેમભક્ત કવિ જયદેવની પ્રસિદ્ધ કાવ્યરચના ‘ગીતગોવિંદ’નું ગાન વાદન અને નર્તનસહિત કરવામાં આવે છે. સામાન્ય રીતે ભરતનાટ્ય પ્રકારની નૃત્યશૈલીના પ્રયોગ વિશેષ પ્રમાણમાં આયોજિત થાય છે.

મંદિરની અંદર અને મેદાનમાં ચારે બાજુએ શ્રીગણેશ, વટેશ્વર, ક્ષેત્રપાલ, નરસિંહ, વિમળાદેવી, સરસ્વતી, લક્ષ્મી, ઈશાનેશ્વર (ભગવાન શિવ), સુદર્શનચક્ર, ગરુડ, જયવિજય ઇત્યાદિની મૂર્તિઓ આવેલી છે. વૈષ્ણવ સંપ્રદાયનો પ્રભાવ વિશેષ પ્રમાણમાં છે. અહીંની નોંધપાત્ર બીના એ છે કે એકાદશીની મૂર્તિને ઊંધી લટકાવવામાં આવી છે. અહીં કોઈ પણ વ્યક્તિ કે અનુયાયી ઉપવાસ કરતા નથી. વાર-તહેવારના દિવસો અને તિથિઓએ જગન્નાથજીને વામન, દામોદર અથવા બુદ્ધ ઇત્યાદિનાં સ્વરૂપ આપવામાં આવે છે. વળી, તેને અનુરૂપ વેશભૂષા અને શણગાર સજાવવામાં આવે છે. મંદિરના ગર્ભદ્વારમાં હવા-ઉજાસ અલ્પ પ્રમાણમાં હોવાથી દિવસે પણ દીપકો રાખવામાં આવે છે.

જગન્નાથજીના મહિમાનો પરમ ઉત્સવ ‘રથયાત્રા’ ‘આષાઢ શુક્લ દ્વિતીયા’નો છે. 1.828 × 13.71મી. લાંબા-પહોળા અને બે માળ ઊંચા સુશોભિત રથમાં ભગવાનની મૂર્તિને પધરાવવામાં આવે છે. તે અગાઉ ભગવાનને ‘ખીચડા’નાં નૈવેદ્ય ધરાવવામાં આવે છે. તેને ‘કરમાબાઈનો ખીચડો’ કહેવામાં આવે છે. આવા ગંજાવર રથને હજારો માણસો દોરડા વડે ખેંચે છે. અગાઉ ઓરિસાના રાજા રથયાત્રાના માર્ગને ઝાડૂ મારીને સાફ કરતા હતા, એટલે કે સેવામાં ઊંચનીચનો કોઈ ભેદ ન હતો. દરેક શ્રદ્ધાળુ યાત્રિક રથને ખેંચવામાં પુણ્યકાર્ય અને કૃતકૃત્યતા અનુભવે છે. આ ઉત્સવ દરમિયાન લાખો માણસો ભારતભરમાંથી, વિશેષત: બંગાળ અને ઓરિસામાંથી આવે છે. સંગીત-નૃત્ય-વાદનમંડળીઓ, ભક્તમંડળીઓ ઊડિયા અને બંગાળી ભાષામાં કીર્તનો કરે છે તેની શ્રુતિ એક લહાવો મનાય છે. સામાન્ય રીતે ભાત(ચોખા)નો પ્રસાદ રાખવામાં આવે છે. ઉપરાઉપરી સાત મોટાં વાસણ(હાંડા)માં ભાત રાંધવાની વિશેષતા અહીં જ જોવા મળે છે.

જગન્નાથપુરીનું એક અન્ય મહત્વનું સ્થળ શાંકરમઠ છે. આદિ શંકરાચાર્યે દિગ્વિજય પછી ભારતની ચારે દિશામાં ચાર મઠની સ્થાપના કરી હતી – પશ્ચિમમાં દ્વારકા, ઉત્તરમાં બદરી, દક્ષિણમાં શૃંગેરી અને પૂર્વમાં પુરીનગર. આ મઠોના અધિપતિને શંકરાચાર્ય કહેવામાં આવે છે. ભારતની હિંદુ ધર્મની ધાર્મિક બાબતોમાં તેમનાં મંતવ્યોને આદરસહિત સ્વીકારવામાં આવે છે. પૂર્વના પ્રદેશો પર પુરીના મઠનું આધિપત્ય નિશ્ચિત કરવામાં આવ્યું છે.

अङ्गबङ्गकलिङ्लश्च मगधोत्कलबर्बरा: ।

गोवर्धनमठाधीनादेशा: प्राच्यां व्यवस्थिताः ।।

                                                              (मठाम्नाय)

‘પુરી’ને ચારધામની યાત્રા સાથે સંલગ્ન કરવામાં આવ્યું છે. જગન્નાથપુરીના ધાર્મિક આચાર-વિચાર, ઉત્સવો અને સાહિત્ય પર વૈષ્ણવ સંપ્રદાયની અસર વિશેષ છે. બંગાળના ગૌરાંગ ચૈતન્ય મહાપ્રભુનું પ્રદાન ઉલ્લેખનીય છે. જગન્નાથ સંપ્રદાય પર શ્રીકૃષ્ણભક્તિમાર્ગની વ્યાપક અસર છે. વસ્તી આશરે 16,77,796 (2022) છે.

વિનોદ મહેતા