જંતર-મંતર

January, 2012

જંતર-મંતર : ભારતની પ્રાચીન વેધશાળા. ગણિતજ્ઞ અને કુશળ ખગોળવિદ્, જયપુર શહેરના સ્થપતિ (ઇજનેર) અને એના નિર્માતા સવાઈ જયસિંહ બીજાના નામે ઓળખાતા જયપુરના મહારાજા જયસિંહે દિલ્હી, જયપુર, ઉજ્જૈન, વારાણસી અને મથુરા એમ ઉત્તર ભારતમાં આવેલાં પાંચેક સ્થળોએ અઢારમી સદીના પૂર્વાર્ધમાં બાંધેલી થોડાક મીટરથી માંડીને 27.43 મી. સુધીની ઊંચાઈ ધરાવતા અને સામાન્ય જનને ભુલભુલામણી જેવા લાગતા ચણતરનાં અને ધાતુનાં વિવિધ કદનાં ખગોલીય ઉપકરણો ધરાવતી ભારતની પ્રાચીન વેધશાળાઓ.

આકૃતિ 1 : મહારાજા સવાઈ જયસિંહ(દ્વિતીય) (1686–1743)

‘જંતર-મંતર’ એ સંસ્કૃત શબ્દો ‘યંત્ર’ અને ‘મંત્ર’નું અપભ્રંશ છે. ‘જંતર’ના કેટલાક અર્થો પૈકી એક અર્થ ‘ઉપકરણ’ કે ‘ઓજાર’ યા ‘યંત્ર’; જ્યારે ‘મંતર’નો એક અર્થ ‘સૂત્ર’, ‘ઇલમ’ કે ‘મંત્ર’ એવો પણ થાય છે. આમ, સંસ્કૃતમાં એનો અર્થ થાય ‘ઉપકરણ અને સૂત્ર’. આ ઉપરાંત, ‘મંતર’નો એક પ્રચલિત અર્થ ‘ગૂઢ ગણતરીઓ’ એવો પણ થાય છે. આમ, ગૂઢ ગણતરીઓ કરતાં યંત્રો ધરાવતું સ્થળ તે ‘જંતર-મંતર’. એમને ‘યંત્રશાળા’ કે ‘યંત્રાલય’ એટલે કે યંત્રો માટેનું ખાસ ગૃહ કે ભવન (house of instruments) પણ કહેવાય છે. આ ઉપરાંત, અગાઉના સમયમાં વેધશાળાનું બીજું નામ ‘માનમંદિર’ પણ હતું. ‘માન’ એટલે માપવાની ક્રિયા. જ્યાં ગ્રહગતિ વગેરેને માપવાની ક્રિયા અહોરાત્ર ચાલે છે તે ભવન કે મંદિર એટલે ‘માનમંદિર’. જયસિંહની વારાણસી ખાતેની વેધશાળા આ નામથી પણ ઓળખાય છે. 1686માં જયસિંહનો જન્મ થયો હતો અને 1743માં અવસાન થયું હતું. એના 57 વર્ષના આયુષ્યકાળમાં દિલ્હી ઉપર મુઘલ બાદશાહોનું શાસન હતું અને ઔરંગઝેબ, બહાદુરશાહ, જહાંદરશાહ, ફર્રુખશિયર અને મુહમ્મદ શાહ એમ કુલ પાંચ મુઘલ સમ્રાટો એના સમકાલીન હતા. આ એવો કાળ હતો કે જ્યારે ભારતમાં મુઘલાઈ સામ્રાજ્યનો અસ્તકાળ ચાલી રહ્યો હતો અને મરાઠાઓ આંધીની જેમ ઉત્તર તરફ કૂચ કરી રહ્યા હતા. આવા રાજકીય રીતે સંપૂર્ણ અશાંત અને અંધાધૂંધીના કાળમાં સન 1727માં ભારતમાં એ કાળે સહુથી વ્યવસ્થિત અને વાસ્તુકલામાં અનોખા નગર એવા જયપુરનું એણે નિર્માણ કર્યું, એટલું જ નહિ પણ પોતાની આ રાજધાનીને દેશમાં વિદ્યાનું સહુથી વ્યસ્ત કેન્દ્ર બનાવી દીધું. આ નવું નગર જયપુર આમેરથી 76.5 કિમી. દૂર આવેલું છે. અહીં ભારતના વિદ્વાનો ઉપરાંત, પોર્ટુગલ, ફ્રાન્સ તથા જર્મની વગેરે જેવા દેશોમાંથી વિદેશી પંડિતો પણ આવવા લાગ્યા. આ વિદેશી વિદ્વાનો પોતાની સાથે ખગોળ અને ગણિતના નવા નવા ગ્રંથો પણ લાવતા હતા. આ બધાથી જયસિંહનું જ્ઞાન અને પુસ્તકાલય સમૃદ્ધ થતું ગયું. આજે તો આ પુસ્તકાલય નાશ પામ્યું છે.

જયસિંહને વેદ ભણાવવા માટે જગન્નાથ કરીને એક મરાઠા બ્રાહ્મણ રોકવામાં આવ્યા હતા, જે ખગોળ ઉપરાંત ફારસી, સંસ્કૃત અને અરબીના પણ બહુ સારા જાણકાર હતા. ખગોળમાં એ જયસિંહના ગુરુ હતા. પાછળથી જગન્નાથને જયસિંહના મુખ્ય ખગોળશાસ્ત્રી તરીકે નીમવામાં આવ્યા હતા. જયસિંહના કહેવાથી અંદાજે 1732માં જગન્નાથે ટૉલેમીના પુસ્તક ‘સિનટેક્સિસ’નો અરબીમાંથી સંસ્કૃતમાં અનુવાદ પણ કર્યો હતો, જેનું નામ ‘સમ્રાટ-સિદ્ધાંત’ એવું રાખ્યું હતું.

આ ઉપરાંત, જયસિંહ પાસે ગુજરાતના કેવળરામ કરીને એક સમર્થ ખગોળશાસ્ત્રી પણ હતા. એ એમના દરબારમાં 1725માં જોડાયા હતા. કેવળરામે ખગોળવિદ્યાના 8 અને સાહિત્યને લગતા 2 ગ્રંથો લખ્યા હતા. ખગોળના એમના ગ્રંથો નક્ષત્રોની સાચી સ્થિતિ તથા ગતિ બતાવવામાં બહુ ઉપયોગી હતા. જયસિંહે એમને ‘જ્યોતિષરાય’ની પદવીથી સમ્માનિત કર્યા હતા. કેવળરામે ‘જયવિનોદ-પંચાંગ’(અથવા જયપુર-પંચાંગ)નો પણ આરંભ કર્યો જેની અધિકૃતતા સમસ્ત દેશમાં સ્વીકારાઈ હતી. દર વર્ષે મકરસંક્રાંતિ પહેલાં પ્રકાશિત થતા આ પંચાંગને જયસિંહ પોતે તપાસી લેતો અને ત્યારબાદ એના પર રાજ્યની મહોર લાગતી. આરંભમાં આ પંચાંગ કાપડ પર લખાતું. આ પંચાંગનું બૃહદ્ સંકલન પોથીખાનામાં ઉપલબ્ધ છે. આ પંચાંગ આજે પણ નિયમિત રૂપથી પ્રકાશિત થાય છે.

જયસિંહને ખગોલીય યંત્રો બનાવવામાં પણ એટલો જ રસ હતો અને વિદેશોથી મોટો ખર્ચ કરીને ગ્રંથો ઉપરાંત યંત્રો વગેરે પણ તે વસાવતો હતો. જયપુરના જંતર-મંતરના સંગ્રહાલયમાં ધાતુનાં આવાં અનેક યંત્રો અને વિવિધ પ્રકારનાં ભગોલ-યંત્ર(astrolabe)નો સમૃદ્ધ સંગ્રહ આજે પણ જોઈ શકાય છે. જયસિંહે ખગોળનાં યંત્રો પર બે ગ્રંથો લખ્યા છે : ‘યંત્ર-પ્રકાર’ અને ‘યંત્રરાજ-રચના’, જે પૈકી પ્રથમ ગ્રંથમાં એણે ખગોળનાં વિવિધ ઉપકરણો ઉપર, જ્યારે બીજામાં ઍસ્ટ્રોલેબ(યંત્રરાજ કે વેધયંત્ર)ને કેન્દ્રમાં રાખીને લખ્યું છે.

આમ, ખગોળશાસ્ત્ર અને ગણિતના સિદ્ધાંતોથી પૂર્ણ વાકેફ થયા બાદ જયસિંહે ગ્રહોની સ્થિતિ જાણવા માટે મુસ્લિમ ખગોળ અનુસાર પિત્તળનાં કેટલાંક યંત્રો બનાવડાવ્યાં; પરંતુ, એણે જોયું કે સંસ્કૃત-પંચાંગો અને અરબી જંત્રીઓમાં દેખાડવામાં આવેલી ગ્રહોની સ્થિતિ બહુધા વાસ્તવિક સ્થિતિથી ભિન્ન હતી. આંકડાઓમાં આવા ફેરફાર આવવા બદલ એણે પિત્તળનાં યંત્રોને કારણભૂત માન્યાં. એક તો આવાં યંત્રો નાનાં કદનાં હતાં એટલે એમના પર અંશોનું સૂક્ષ્મ વિભાજન કરવામાં તકલીફ થતી હતી. આ ઉપરાંત, યંત્રોની ધરી હલવાથી અને કાળે કરી ઘસાઈ જવાથી અથવા તો એને તળિયે પરિવર્તન આવી જવાથી લાંબે ગાળે આવાં યંત્રો પૂર્ણ શુદ્ધ આંકડા આપી શકતાં ન હોવાનાં તારણ પર એ આવ્યો. આવી ત્રુટીના નિવારણ માટે પિત્તળનાં નાનાં યંત્રોને સ્થાને પથ્થર-ચૂનાનાં વિશાળ યંત્રો બનાવવાનો એણે નિર્ણય લીધો.

જયસિંહ રાજા તરીકે સ્વાયત્ત (સ્વતંત્ર) નહિ; પરંતુ, મુઘલોનો માંડલિક એટલે કે ખંડિયો રાજા હતો. અને ચણતરનાં વિશાળ યંત્રોનો જ્યારે એને વિચાર આવ્યો ત્યારે દિલ્હીની ગાદી પર 1719થી 1748 સુધી શાસન કરનાર મુઘલ સમ્રાટ મુહમ્મદશાહ હતો. પોતે શોધી કાઢેલી ત્રુટીઓ તરફ સમ્રાટનું ધ્યાન દોરવા સાથે એણે એ પણ સમજાવ્યું કે આવી ગણતરીઓની ભૂલને કારણે હિંદુ અને મુસ્લિમ ધાર્મિક તહેવારો-પર્વો અને ધર્મવિધિઓનાં સમય, તારીખો વગેરેમાં પણ ફેરફાર થઈ જાય છે. પરિણામે મુહમ્મદશાહે જરૂરી સહાય આપવા સાથે આવી કામગીરી પણ જયસિંહને જ સોંપી. પણ આ કાર્ય સરળ ન હતું. જયસિંહની સામે કેવી વેધશાળા બાંધવી તે પ્રશ્ન ઉપસ્થિત થયો. પ્રાચીન કાળમાં ભારતમાં વેધશાળાઓ અને એમાં વપરાતાં યંત્રોનો ઉલ્લેખ અમુક સંશોધકો કે પ્રવાસીઓનાં પુસ્તકોમાં મળતો હતો. જેમ કે નવમી સદીમાં થઈ ગયેલા કેરળના રાજા રવિ વર્માના દરબારમાં શંકરનારાયણ નામના ખગોળશાસ્ત્રીએ પોતાના ‘લઘુભાસ્કરીય-વ્યાખ્યા’ નામના ગ્રંથમાં ત્યાંની રાજધાનીમાં આવેલી ખગોલીય ઉપકરણો ધરાવતી એક વેધશાળાનો ઉલ્લેખ કર્યો છે. આ વેધશાળા સન 860ની આસપાસ કેરળમાં હોવી જોઈએ. એવી જ રીતે, દખ્ખણના બહમની સુલતાન તાજુદ્દીન ફિરોઝશાહ અથવા ફિરોજશાહ બહમની(ઈ. સ. 1397–1422)એ પણ 1408માં દોલતાબાદ નજીકની બાલાઘાટના ડુંગરોની એક ટૂક ઉપર વેધશાળા બંધાવવી શરૂ કરી હતી, પણ એના મુખ્ય અધિકારીનું અવસાન થતાં એ કામ અધૂરું રહ્યું. હિન્દુ રાજા વિક્રમાદિત્યના સમયમાં (એટલે કે અત્યંત પ્રાચીન સમયમાં) ઉજ્જૈન અને ધાર જેવી નગરીઓમાં વેધશાળાઓ હોવાનું અને ત્યાં તૈયાર થયેલી સારણીઓ એ કાળે વ્યાપકપણે હિંદુઓમાં વપરાતી હોવાનું ભારતના પ્રથમ મુઘલ સમ્રાટ બાબરે પોતાની આત્મકથામાં નોંધ્યું છે. આ ઉપરાંત આશરે પંદરમી સદીમાં થઈ ગયેલા અબ્દ અલ-રશીદ અલ-યાકુતી અને સંભવત: સોળમી સદીમાં થઈ ગયેલા અબ્દુલ્લાહ શુક્રી અલ કુનાવી જેવા કેટલાક સંશોધકોએ પણ પ્રાચીન ભારતની વેધશાળાઓના ઉલ્લેખો કર્યા છે, પણ એમાં ઉલ્લેખાયેલાં સ્થળો કે કેટલાંક નગરો આજે ખરેખર ક્યાં છે તે જાણી શકાતું નથી. બાબરના દીકરા હુમાયૂંનો ખગોળપ્રેમ જાણીતો છે. એણે પણ વેધશાળા બાંધવાનું વિચારેલું; પરંતુ એક આકાશી નિરીક્ષણ દરમિયાન પડી જવાથી એનું આકસ્મિક મૃત્યુ થતાં એ વાત અધૂરી જ રહી. આમ, જયસિંહ જેને અનુસરી શકે તેવી ભારતની એક પણ પ્રાચીન વેધશાળા અસ્તિત્વમાં ન હતી. તો સામે પક્ષે, ખગોલીય યંત્રો અંગેના સંદર્ભોનું પણ એવું જ હતું. જેમ કે ઈસુની પાંચમી સદીમાં થઈ ગયેલા આર્યભટ્ટે ખગોલીય યંત્રોને વર્ણવતો ‘આર્યભટ્ટ-સિદ્ધાંત’ નામનો ગ્રંથ લખ્યો હોવાનું મનાય છે, પણ એ તે કાળે જ નહિ, આજે પણ ઉપલબ્ધ નથી. બારમી સદીમાં થઈ ગયેલા ભાસ્કરાચાર્યે પોતાના ‘સિદ્ધાંતશિરોમણિ’ નામના ગ્રંથમાં ‘યંત્રાધ્યાય’ નામનો એક અલગ અધ્યાય પણ લખ્યો છે, જેમાં ગોલ, નાડીવલય, યષ્ટિ, શંકુ, ઘટી, ચક્ર, ચાપ, તુર્ય, ફલક, ધી વગેરે નામનાં યંત્રો વિશે વિગતે લખ્યું છે; પરંતુ આમાંથી એક પણ યંત્ર મળતું નથી. સંભવ છે કે લાકડા કે વાંસ જેવા નાશવંત પદાર્થોમાંથી તે બન્યાં હોવાથી આમ થયું હોય.

આકૃતિ 2 : જંતર-મંતર, જયપુર

દિલ્હી પર તુઘલક વંશના રાજા ફિરોઝશાહના શાસનકાળ એટલે કે 1351થી 1388 દરમિયાન એની રાજધાની ફિરોઝાબાદમાં ઊંચામાં ઊંચી એક મસ્જિદના મિનારા ઉપર એક ‘ભગોલ-યંત્ર’ મૂકવામાં આવ્યું હતું. જયસિંહે દિલ્હીમાં પોતાની પ્રથમ વેધશાળા સ્થાપવાનું બીડું ઝડપ્યું ત્યારે એની સામે અગાઉની ભારતીય વેધશાળાનું કોઈ ‘મૉડલ’ ન હતું. કઈ વેધશાળાને આદર્શ માનીને નવી વેધશાળાની રચના કરવી એ માટેના પ્રયત્નોમાં એણે હિન્દુ અને યુરોપિયન ખગોળશાસ્ત્ર ઉપરાંત મુસ્લિમ વિદ્વાનોના ગ્રંથોનો પણ અભ્યાસ કર્યો અને આખરે મુસ્લિમ પંડિતોના કાર્યને અનુસરવાનો નિર્ણય લીધો. આ માટે એણે આરબો અને મુસ્લિમો વાપરતા એવાં પિત્તળ જેવી ધાતુઓમાંથી બનાવેલાં યંત્રોને અજમાવ્યાં; પરંતુ એમના ઉપયોગથી એને પૂરો સંતોષ ન થયો.

આખરે એણે પંદરમી સદીમાં થઈ ગયેલા મૉંગોલ ખગોળશાસ્ત્રી – રાજા ઉલૂઘબેગ (1394–1449) પર પસંદગી ઉતારી. વળી, ઉલૂઘબેગ મુહમ્મદશાહ જેવા મુઘલ રાજવંશના પૂર્વજો સાથે પણ નજદીકના સંબંધે સંકળાયેલો હતો. પોતાની રાજધાની સમરકંદમાં એણે વેધશાળા બનાવી હતી. એણે ટૉલેમી અને હિપાર્કસનાં તારાપત્રકો અને ગ્રહોનાં કોષ્ટકોને સંસ્કારીને નવેસરથી તૈયાર કર્યાં હતાં. ઉલૂઘબેગે બનાવેલી આ ખગોલીય સારણીઓનું યુરોપમાં પણ સ્વાગત થયું હતું. વળી જયસિંહનો સમકાલીન અંગ્રેજ ખગોળશાસ્ત્રી ફ્લેમસ્ટીડ પણ ઉલૂઘબેગની સારણીઓને જ બહુધા અનુસર્યો હતો. એટલે ઉલૂઘબેગના કાર્યને અનુસરવામાં જયસિંહે વાંધો ન જોયો.

આ રીતે, જયપુરનો પાયો પણ નંખાયો ન હતો, એ પહેલાં સંભવત: 1721–1724 દરમિયાન ઉલૂઘબેગની સમરકંદની વેધશાળાને ધ્યાનમાં રાખીને અથવા કહો કે એની નકલ કરીને જયસિંહે દિલ્હી શહેરથી ત્રણેક કિલોમીટર દૂર આવેલા દાર અલ-ખિલાફત શાહજહાનાબાદ નામના એકાંત સ્થળે પોતાની પહેલી વેધશાળા બાંધી (આ સ્થળ આજે દિલ્હીના કૉનોટ પ્લેસમાં છે). આ વેધશાળા બાંધવામાં જયસિંહે પંડિત વિદ્યાધર ભટ્ટાચાર્યની પણ મદદ લીધી. આ જ વિદ્વાન પંડિતે પાછળથી જયપુરના મુખ્ય શિલ્પી તરીકે પણ કામગીરી બજાવી. દિલ્હીની વેધશાળાને આરંભમાં તત્કાલીન બાદશાહના માનમાં ‘મુહમ્મદશાહી વેધશાળા’ એવું નામ આપવામાં આવેલું. પણ પાછળથી આમપ્રજામાં તે ‘જંતર-મંતર’ નામે જ પ્રસિદ્ધ થઈ. આ વેધશાળામાંનાં યંત્રો દ્વારા મેળવાયેલા આંકડાને આધારે ગ્રહ-નક્ષત્રોની જે સારણીઓ જયસિંહે તૈયાર કરી એમને પણ એટલે જ પોતે જેનો આશ્રિત હતો તે તત્કાલીન બાદશાહની તરફ પોતાની કૃતજ્ઞતા અને વફાદારીના સબૂત તરીકે અને એનું નામ અમર કરી દેવા ‘ઝિજ-એ-મુહમ્મદશાહી’ એવું ફારસી શીર્ષક આપ્યું. ‘ઝિજ’ એટલે ખગોલીય-સારણી કે કોષ્ટક (astronomical table). સારણીઓનો આ સંપુટ સંભવત: 1728માં પૂર્ણ થયો અને એનું પ્રકાશન 1734માં થયું હોવાનું મનાય છે. હકીકતે, જયસિંહે આ સારણીઓ પણ સ્વતંત્ર રીતે નહિ, પણ ઉલૂઘબેગની સારણીઓને પરિશોધિત કરીને બનાવી હતી.

એ પછી દિલ્હીની વેધશાળાનાં યંત્રોથી પ્રાપ્ત આંકડાઓની ચકાસણી માટે જયસિંહે જયપુર, ઉજ્જૈન, બનારસ (વારાણસી) અને મથુરા એમ કુલ પાંચેક સ્થળોએ વેધશાળાઓ બાંધી. આ વેધશાળાઓ પણ ઉલૂઘબેગની વેધશાળાઓ પર જ આધારિત હતી; પરંતુ, કેટલાક આધુનિક સંશોધકોના મતે જયસિંહનાં જંતર-મંતરનાં યંત્રો, ઉલૂઘબેગનાં એવાં યંત્રોથી ચોકસાઈમાં ઊણાં ઊતરતાં હતાં. આ પાંચેપાંચ વેધશાળાઓમાં જયપુરની સહુથી મોટી છે અને એનું નિર્માણ સંભવત: 1728થી 1734 દરમિયાન થયું હોવાનું મનાય છે. એ પછી ઉજ્જૈન, વારાણસી અને છેલ્લે મથુરા ખાતેની વેધશાળાઓ કદાચ 1723થી 1734 વચ્ચેના ગાળામાં કે પછી 1737 સુધીના સમયગાળામાં બની હોવાનું મનાય છે. આમ, લગભગ 13થી 16 વર્ષના ગાળામાં જયસિંહે પાંચ વેધશાળાઓ બાંધી. સંખ્યાની ર્દષ્ટિએ આ એક વિક્રમ છે. કારણ કે વેધશાળાઓની આવી હારમાળા સર્જનાર સવાઈ જયસિંહ દુનિયાનો પહેલો ખગોળશાસ્ત્રી છે. તેવી જ રીતે, દુનિયાનું મોટામાં મોટું છાયાયંત્ર એટલે કે ધૂપઘડી (sundial) બનાવવાનું માન પણ જયસિંહને ફાળે જ જાય છે. આ છાયાયંત્ર ‘સમ્રાટ-યંત્ર’ તરીકે ઓળખાય છે અને તે જયપુરના જંતર-મંતરમાં આવેલું છે.

વારાણસી ખાતેની વેધશાળાનું નિર્માણ જયસિંહે નવેસરથી ન કરતાં, તે સ્થળે આવેલી એક પુરાણી ઇમારતની છત પર કર્યું. આ ઇમારત સોળમી સદીમાં થઈ ગયેલા જયસિંહના જ એક પૂર્વજ અંબર-નરેશ માનસિંહે બંધાવી હોવાનું મનાય છે. આ ઇમારત અગાઉથી ‘માનમંદિર’ તરીકે જ ઓળખાતી હોવાથી સંભવ છે કે એનો ઉપયોગ અગાઉ પણ વેધશાળા તરીકે થતો હોય. અથવા કદાચ એવું પણ હોય કે આ સ્થળે આવેલી કોઈ પુરાણી વેધશાળાનો જયસિંહે જીર્ણોદ્ધાર પણ કર્યો હોય. તેવી જ રીતે, મથુરા ખાતેની વેધશાળા માટે પણ એણે ‘કાંસે-કા-કિલ્લા’ તરીકે ઓળખાતી એક પુરાણી ઇમારત પર પસંદગી ઉતારી. યમુના નદીને કાંઠે આવેલો આ કિલ્લો પણ અંબર-નરેશ માનસિંહે જ બાંધેલો હતો. પણ પાછળથી ધર્માંધ ઝનૂનીઓના વારંવારના હુમલાઓએ વેધશાળાને ઠીક ઠીક નુકસાન પહોંચાડ્યું. એ પછી 1857ના બળવાની આસપાસના સમયમાં જ્યોતિપ્રસાદ નામના એક કૉન્ટ્રાક્ટરે પથ્થર અને ચૂનો વગેરે મેળવવા માટે મથુરાનો આ કિલ્લો આખેઆખો ખરીદી લીધો અને કિલ્લાની સાથે સાથે વેધશાળાના બચેલા અવશેષોનો પણ કાયમ માટે નાશ કરી નાખ્યો. આમ, જયસિંહની પાંચ વેધશાળાઓમાંથી આજે તો માત્ર ચાર જ વેધશાળાઓ હયાત છે.

જયસિંહના અવસાનના 21 વર્ષ બાદ એટલે કે 1764માં સૂરજમલના પુત્ર જવાહરસિંહે ભારે બર્બરતાપૂર્વક કરેલા હુમલામાં દિલ્હીની વેધશાળાને સારું એવું નુકસાન પહોંચાડ્યું. એ પછી આશરે દોઢ સદી બાદ, જયપુરના તત્કાલીન રાજાએ, 1911માં દિલ્હી દરબારમાં રાજા જ્યૉર્જ પંચમ પધારવાના પ્રસંગને અનુલક્ષીને 1910માં એનો જીર્ણોદ્ધાર કરીને આજનું રૂપ આપ્યું. આ કાર્યમાં કેટલાંક યંત્રોને તો નવેસરથી પણ બનાવ્યાં. એ જ અરસામાં જયસિંહની અન્ય વેધશાળાઓની પણ મરમ્મત કરવામાં આવી. આમ, સમયે સમયે આ વેધશાળાઓનું સમારકામ થતું રહ્યું છે.

જયસિંહની આ ચાર વેધશાળાઓમાંથી ઉજ્જૈનની વેધશાળા આજે પણ સક્રિય છે અને દર વર્ષે દૈનિક જ્યોતિષ્ક-પત્રક (પંચાંગ) બહાર પાડે છે. મધ્ય પ્રદેશની સરકારે અહીં એક નાનું પ્લેનેટોરિયમ અને ટેલિસ્કોપ પણ ગોઠવેલ છે.

જયસિંહના આ સર્વ જંતર-મંતરની ખાસિયત એ રહી છે કે એમનો ઉપયોગ વેધશાળા તરીકે કરવામાં આવ્યો હોવા છતાંય આ ઇમારતો આજની વેધશાળા જેવી દેખાતી નથી. તેમ છતાંય, નવાઈની વાત તો એ છે કે સરળ બાંધકામ દ્વારા બનાવેલા જંતર-મંતરમાં વેધશાળાની વેધ લેવા અંગેની લગભગ બધી જ પ્રવૃત્તિઓ થઈ શકે છે. આ વેધશાળાઓ આજની જેમ બંધિયાર ઘુમ્મટ ધરાવતી નહિ, પણ ખુલ્લા આકાશ નીચે આવેલી ‘ઓપન ઍર’ પ્રકારની છે. એમાં ગોઠવેલાં કેટલાંક ધાતુનાં અને મહદ્ અંશે ચણતરનાં ઉપકરણો ધરતી પર ખુલ્લામાં જ પથરાયેલાં છે.

અહીંથી માત્ર નરી આંખે જ વેધો લઈ શકાય છે. આ યંત્રો વડે સીધી રીતે અથવા તો આ યંત્રો ઉપર પડતી સૂર્યની છાયા વડે અમુક સમયે આકાશી પદાર્થો આકાશના કયા સ્થાનમાં આવેલા છે એ નક્કી કરવામાં આવતું હતું અને એ રીતે લેવાયેલા અનેક વેધો ઉપરથી આકાશી પિંડોની ગતિઓ નક્કી કરવામાં આવતી હતી. આ બધી વેધશાળાઓ વિદ્વાનો માટે હંમેશ ખુલ્લી રહેતી. અહીં વિદ્વાનો જે પણ કાંઈ સંશોધન કરતા એની જાણકારી જયસિંહને મળતી રહેતી. એ પોતે પણ અહીં સારો એવો સમય વિતાવતો અને પોતાના અભ્યાસમાં અભિવૃદ્ધિ કરતો.

આકૃતિ 3 : સમ્રાટયંત્ર, દિલ્હી. પૃષ્ઠભૂમિમાં મિશ્રયંત્ર દેખાય છે. સમ્રાટયંત્રથી તારાની સ્થિતિ દર્શાવતા નિર્દેશાંક (વિષુવાંશ અને ક્રાંતિ) માપી શકાય છે, જ્યારે મિશ્રયંત્ર વડે ઘણાં બધાં યંત્રોનું કામ થઈ શકે છે, એટલે જ એનું નામ આવું પાડ્યું છે.

ખગોળશાસ્ત્રમાં જયસિંહનું મૌલિક પ્રદાન બે બાબતો અંગેનું છે. એક તો વિષુવગતિ કે અયનગતિ(precession of equinoxes)ને માપવાનું અને બીજું તે ક્રાંતિવૃત્તની તિર્યક્તા (obliquity of the ecliptic) માપવાનું. આ અંગેના એના નિષ્કર્ષો ટૉલેમી અને ઉલૂઘબેગ જેવા એના પુરોગામીઓ કરતાં સચ્ચાઈની વધુ નિકટ છે.

આ બે બાબતો ઉપરાંત એનું ત્રીજું મૌલિક પ્રદાન ખગોલીય ઉપકરણો બનાવવા અંગેનું છે. એ ખરું કે, એણે આ વેધયંત્રો બનાવવામાં ઉલૂઘબેગનાં યંત્રોની નકલ કરી છે; પરંતુ કેટલાંક એવાં યંત્રો પણ છે, જેમની રચના ખુદ જયસિંહે સ્વતંત્રપણે કરી છે. આવાં યંત્રોમાં ‘સમ્રાટયંત્ર’, ‘રામ-યંત્ર’ અને ‘જયપ્રકાશ’નો સમાવેશ થઈ શકે. આ પૈકી ‘સમ્રાટ-યંત્ર’નું નામ જયસિંહે પોતાના ગુરુ પંડિત જગન્નાથ સમ્રાટના નામ પરથી તથા ‘રામ-યંત્ર’નું નામ પોતાના દાદા રામસિંહ(પ્રથમ)ના નામ પરથી, જ્યારે ‘જયપ્રકાશ’નું નામ પોતાના નામ પરથી પાડ્યું હોવાનું માનવામાં આવે છે.

‘સમ્રાટ-યંત્ર’ એક વિશાળ સમકોણીય શંકુ અથવા કહો કે એક પ્રકારનું છાયાયંત્ર કે ધૂપ-ઘડિયાળ છે, જે અડધી મિનિટ જેટલી ચોકસાઈ સુધીનો સમય પણ દર્શાવી શકે છે. એના વડે સૂર્યની ઊંચાઈ પણ માપી શકાય છે. આ ઉપરાંત, એના વડે વરસના જે ભાગમાં રાત અને દિવસ એકસરખાં લાંબાં થાય છે તે એટલે કે સંપાત (equinoxes) અને વિષુવવૃત્તથી સૂર્ય વધારેમાં વધારે દૂર હોય તે કાળ એટલે કે અયનાંત(solstices)ની સ્થિતિની જાણકારી પણ મેળવી શકાય છે.

આકૃતિ 4 : દિલ્હીમાં આવેલી જયસિંહની વેધશાળા. પાછળ જોડીમાંનું એક રામયંત્ર છે, જ્યારે  આગળ એક જોડી ‘જયપ્રકાશ યંત્ર’ છે. આ યંત્રનો કટોરા જેવો આકાર સ્પષ્ટ દેખાય છે. જયપ્રકાશ યંત્ર વડે કોઈ પણ ખગોલીય પિંડની સ્થિતિ કોઈ પણ સમયે માપી શકાય છે.

‘રામ-યંત્ર’ તે અંશાંકિત નળા કે સિલિન્ડરની અંદર ઊભો કરેલો લાંબો સ્તંભ છે અને આકાશી પિંડોની ઊંચાઈ અર્થાત્ ઉન્નતાંશ (altitude) અને દિશા અર્થાત્ દિગંશ (azimuth) અત્યંત શુદ્ધતાથી માપી શકે છે. એવું પણ બને કે સૂર્યનો ઉન્નતાંશ એટલો બધો વધી જાય કે છાયા સિલિન્ડરની અંદરની તરફ ન પડતાં ભોંય પર પડે. આ કારણે યંત્રની ભોંય પર પણ અંશાંકન કરેલું છે. આ યંત્ર જોડીમાં હોય છે.

સહુ યંત્રોમાં વધુમાં વધુ મૌલિક હોય તો તે છે ‘જયપ્રકાશ’. આ યંત્રનો આકાર પહોળા અંતર્ગોળ કટોરા જેવો છે અને એની અંદરની સપાટી પર અંશાંકન કરેલું હોય છે. આ કટોરાના કેન્દ્રને નિર્ધારિત કરવા માટે એના ઉપર બે તાર એવી રીતે બાંધવામાં આવેલા હોય છે કે એમનું મિલનબિંદુ કટોરાના બરાબર કેન્દ્ર પર પડે. આ બિંદુની છાયા જોઈને કહી શકાય છે કે સૂર્યના નિર્દેશાંક (દા.ત., હોરાકોણ અને ક્રાંતિ) કયા છે. આ રીતે આ યંત્ર વડે સમસ્ત ખગોલીય પિંડોની સ્થિતિ કોઈ પણ સમયે – અહર્નિશ માપી શકાય છે. ‘રામ-યંત્ર’ની જેમ આ યંત્ર પણ જોડીમાં જ હોય છે.

ઉપર દર્શાવેલાં ત્રણ મુખ્ય યંત્રો ઉપરાંત, જયસિંહની વેધશાળાઓમાં દિગંશ-યંત્ર, નાડીવલય-યંત્ર, દક્ષિણાવૃત્તિ-યંત્ર (meridian circle), ષષ્ઠાંશ-યંત્ર, મિશ્ર-યંત્ર, રાશિવલય-યંત્ર, કપાલ, ચક્ર-યંત્ર અને ક્રાંતિવૃત્ત-યંત્ર, વિવિધ ભગોલ-યંત્ર વગેરે જેવાં યંત્રો આવેલાં છે.

‘દિગંશ-યંત્ર’માં જુદી જુદી ઊંચાઈ ધરાવતી દીવાલોવાળાં બે વૃત્તો હોય છે, જેમના કેન્દ્રમાં લગભગ 1.22 મી. ઊંચો સ્તંભ ગોઠવેલો હોય છે. બંને વૃત્તોની ભીંતો અંશાંકિત હોય છે. આ યંત્રથી દિગંશ એટલે કે દિશા માપી શકાય છે.

‘નાડીવલય-યંત્ર’ એ વૃત્તાકાર પથ્થર છે, જેની બંને સપાટી સમાંતર અને આકાશીય વિષુવવૃત્તને બરાબર સમતલમાં હોય છે. આ યંત્રથી સૂર્ય (કે અન્ય આકાશી પિંડ) વિષુવવૃત્તની ઉત્તરે છે કે દક્ષિણે તેની જાણકારી તરત જ મળી જાય છે.

દક્ષિણાવૃત્તિ-યંત્ર એ એક પ્રકારનું યામ્યોત્તરવૃત્ત (transit circle) છે અને કોઈ મધ્યયુગીન વેધશાળામાં જોવા મળે તેવા ભિત્તીય વૃત્ત- પાદ (mural quadrant) જેવું દેખાય છે. એમાં મધ્યાહનવૃત્ત કે યામ્યોત્તરવૃત્ત (meridian) પર પડતી એક દીવાલ છે. આ દીવાલ ઉપર અંશાંકિત કરેલા બે વૃત્તપાદો (quadrant) જડેલા હોય છે, જેમની મદદથી આકાશીય પિંડોના યામ્યોત્તર ઉન્નતાંશ માપી શકાય છે.

‘ષષ્ઠાંશ-યંત્ર’માં એક અંધારી ઓરડી હોય છે, જેમાં વૃત્તનો છઠ્ઠો ભાગ યામ્યોત્તર સમતલમાં બનેલી ભીંત પર અંકિત કરેલો હોય છે. સૂર્યનાં કિરણોને એક છિદ્રમાંથી પ્રવેશવા દેવામાં આવે છે અને એ ક્યાં પડે છે, એ જોઈને સૂર્યનો ઉન્નતાંશ જાણી શકાય છે.

આકૃતિ 5 : નવી દિલ્હીસ્થિત મહારાજા સવાઈ જયસિંહ વેધશાળા(જંતરમંતર)માં આવેલું મિશ્રયંત્ર

‘મિશ્ર-યંત્ર’ એ ‘સમ્રાટ-યંત્ર’ જેવું છે; પરંતુ વચ્ચેની સીડી અને ભીંતોની આજુબાજુમાં બે યા અધિક અંશાંકિત અર્ધવૃત્ત હોય છે, જેનાં સમતલ ક્ષૈતિજ નથી હોતાં. દિલ્હીમાં જે મિશ્ર-યંત્ર છે એમાં પ્રત્યેક બાજુએ બે-બે અર્ધવૃત્તો છે. આમાંનું એક અર્ધવૃત્ત ગ્રિનિચનો યામ્યોત્તર પ્રદર્શિત કરે છે, જ્યારે બીજો ઝૂરિચ(જર્મની)નો. આમ આ પ્રકારના યંત્રથી દિલ્હીમાં બેઠા બેઠા જ ગ્રિનિચ કે ઝૂરિચમાં ગોઠવેલા સમ્રાટ-યંત્રથી જે રીતે વેધ લઈ શકાય, બરાબર તેવી જ રીતે આ બંને સ્થળોએ ગયા વગર વેધ લઈ શકાય છે.

‘રાશિવલય-યંત્ર’ સમ્રાટ-યંત્રોની જેમ બનાવેલાં બાર યંત્રોનો સમૂહ છે. એક-એક રાશિ માટે એક-એક યંત્ર છે અને જ્યારે યંત્રની સાથે સંકળાયેલી રાશિ ક્ષિતિજની ઉપર આવે છે ત્યારે એનું ધરાતલ યંત્રના ધરાતલમાં જ રહે છે.

‘કપાલ’ ઘણી બધી રીતે ‘જયપ્રકાશ’ને મળતું આવે છે; પરંતુ એનાથી ઉદય પામતી રાશિઓનો વેધ લઈ શકાય છે.

‘ચક્ર-યંત્ર’માં 1.8 મી. વ્યાસનું ધાતુનું એક અંશાંકિત ચક્ર છે જેનો અક્ષ (axis) પૃથ્વીના અક્ષને સમાંતર છે. આ ચક્ર પર એક દર્શક કે સંકેતક (pointer) લગાડેલું હોય છે. હકીકતે, આ યંત્ર આધુનિક વિષુવવૃત્તીય (equatorial) યંત્ર જેવું છે, ફરક માત્ર એટલો જ છે કે એમાં ટેલિસ્કોપને સ્થાને એક સરળ દર્શક છે.

‘ક્રાંતિવૃત્ત-યંત્ર’માં પિત્તળનાં બે વૃત્ત કે વર્તુળ હોય છે, જે પૈકી એક હંમેશાં વિષુવવૃત્તના ધરાતલમાં જ રહે છે, જ્યારે બીજું રવિમાર્ગના ધરાતલમાં લાવી શકાય તેવી રીતે ગોઠવેલું હોય છે. સૈદ્ધાંતિક રીતે, આ યંત્રથી ખગોલીય શર (celestial latitude) અને ખગોલીય ભોગ (celestial longitude) સીધાં જ માપી શકાય છે; પરંતુ વ્યવહારમાં તે બહુ સૂક્ષ્મ વેધ દર્શાવી શકતું નથી. યંત્રરાજ (ભગોલયંત્ર) તરીકે જાણીતા આ યંત્રથી ગ્રહનક્ષત્રોના ઉન્નતાંશ જાણી શકાય છે. આ યંત્રની શોધ સંભવત: ગ્રીકોએ કરી હોવાનું મનાય છે; પરંતુ ઍસ્ટ્રોલેબનો વિકાસ આરબ ખગોળશાસ્ત્રીઓ દ્વારા જ વધુ થયો. જયસિંહની વેધશાળામાં ખાસ કરીને જયપુરમાં એ જોવા મળે છે.

જયસિંહની પ્રત્યેક વેધશાળામાં આ બધાં જ યંત્રો હોય એવું નથી. જેમ કે દિલ્હીમાં એક સમ્રાટ-યંત્ર, એક જોડી જયપ્રકાશ, એક જોડી રામ-યંત્ર, અને એક મિશ્ર-યંત્ર મુખ્યત્વે છે. તો જયપુરમાં સમ્રાટ-યંત્ર, ષષ્ઠાંશ યંત્ર, રાશિવલય-યંત્ર, જયપ્રકાશ, કપાલ, રામ-યંત્ર, દિગંશ-યંત્ર, નાડીવલય-યંત્ર, દક્ષિણાવૃત્તિ-યંત્ર ઉપરાંત, ધાતુના બે વિશાળ યંત્રરાજ (ઍસ્ટ્રોલેબ) 5.28 મી. વ્યાસના પિત્તળનાં ઉન્નતાંશ ચક્ર-યંત્ર અને ક્રાંતિવૃત્ત-યંત્ર પણ આવેલાં છે. ઉજ્જૈનના જંતર-મંતરમાં મુખ્યત્વે સમ્રાટ-યંત્ર, નાડીવલય-યંત્ર, દિગંશ-યંત્ર અને દક્ષિણાવૃત્તિ-યંત્ર વગેરે છે, તો વારાણસીમાં સમ્રાટ-યંત્ર, નાડીવલય-યંત્ર, દિગંશ-યંત્ર અને ચક્ર-યંત્ર એમ કુલ ચાર પ્રમુખ યંત્રો આવેલાં છે.

જયસિંહે વેધશાળાઓ સ્થાપી એની પાછળનો મુખ્ય હેતુ ગાણિતિક ખગોળશાસ્ત્રનો એટલે કે આકાશી પિંડોનાં સ્થાન અને તેઓની ગતિ માપવા પૂરતો જ હતો અને એ જમાનામાં ખગોળનું જેટલું જ્ઞાન હતું, એટલા જ્ઞાનના પ્રમાણમાં જયસિંહની આ વેધશાળાઓનાં યંત્રો સારાં ગણી શકાય તેવાં હતાં; પરંતુ આ યંત્રોની એક મોટી મર્યાદા એ હતી કે એમના વડે આકાશી પિંડોની ભૌતિક

આકૃતિ 6 : દિલ્હીમાં આવેલી જયસિંહની વેધશાળા જેમાં રામયંત્ર દેખાય છે. રામયંત્રમાં એક જોડી યંત્ર હોય છે અને એનાથી ઉન્નતાંશ અને દિગંશ માપી શકાય છે. ફોટામાં આગળ એક જોડી જયપ્રકાશ યંત્ર છે. જયપ્રકાશ વડે કોઈ પણ ખગોલીય પિંડની સ્થિતિ ગમે તે સમયે માપી શકાય છે.

રચના સમજવી શક્ય ન હતી. આ મર્યાદા ઓળંગી જવા માટે કાચનું દૂરબીન (telescope) જરૂરી હતું, વળી જયસિંહે જ્યારે પોતાની પ્રથમ વેધશાળા બાંધી ત્યારે ખગોળમાં ટેલિસ્કોપના વપરાશને સોએક વર્ષથી પણ વધુ વર્ષો થઈ ચૂક્યાં હતાં, એટલું જ નહિ પણ પૅરિસ અને ગ્રિનિચ ખાતે ટેલિસ્કોપ ધરાવતી વેધશાળાઓનો પણ આરંભ થઈ ચૂક્યો હતો તેમજ ટેલિસ્કોપની સહાયથી કેટલીક મહત્વની શોધો પણ થવા માંડી હતી. માત્ર પરદેશમાં જ નહિ, ભારતમાં પણ ટેલિસ્કોપનો પ્રવેશ અને તે પણ જયસિંહના જન્મપૂર્વે જ થઈ ચૂક્યો હતો. વળી નવાં સંશોધનો સૂચવે છે કે જયસિંહે પોતે પણ ટેલિસ્કોપનો ઉપયોગ કર્યો હતો એટલું જ નહિ, આવા કાચવાળા ટેલિસ્કોપ બનાવ્યા પણ હતા. ટેલિસ્કોપ વડે જયસિંહે ચંદ્રને નિહાળ્યો હતો અને સૂર્ય-કલંકો તથા ગુરુ ગ્રહના ચંદ્રોનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત ટેલિસ્કોપની મદદથી એણે અન્ય ખગોલીય પિંડોનાં નિરીક્ષણો પણ કર્યાં હતાં. આમ છતાંય, એના જેવો વિદ્વાન ટેલિસ્કોપનું ખગોળમાં મહત્વ શું છે તે સમજી ન શક્યો એ ઘણું મોટું આશ્ચર્ય છે. જે કામ નાના કદના એકાદ ષષ્ટક કે ષડંશ (sextant) કે પછી એકાદ નાનકડા થિયોડોલાઇટ વડે ઘણી સહેલાઈથી અને ઝડપથી થઈ શકે તેવા કામ માટે જયસિંહે આવાં વિશાળ યંત્રો બાંધવામાં દ્રવ્યનો અને સમયનો જે વ્યય કર્યો તેને બદલે તે તે સ્થળોએ માત્ર એકાદ ટેલિસ્કોપ પણ જો મૂકી દીધું હોત તો ભારતના ખગોળના ઇતિહાસની તાસીર આજે છે તે કરતાં કાંઈક જુદી જ હોત.

સુશ્રુત પટેલ