છોટરાય ગોપાલ (જ. 1916, પુરુનગર, ઓરિસા, અ. 22 જાન્યુઆરી 2003, શાહિદનગર) : ઊડિયા ભાષાના જાણીતા નાટ્યકાર. તેમને પોતાની કૃતિ ‘હાસ્યરસાર નાટક’ માટે 1982ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.
કટક ખાતેના આકાશવાણી કેન્દ્રમાં વર્ષો સુધી સેવાઓ આપ્યા બાદ તેઓ 1975માં નિવૃત્ત થયા. 1940 પછીનાં વર્ષો દરમિયાન તેમણે નાટકો લખવા માંડેલાં. તેમણે લખેલી 35 કૃતિઓમાં 21 નાટકો, 8 સંગીતનાટકો અને 6 લઘુ નાટકોના સંગ્રહનો સમાવેશ થાય છે.
તેમણે રેડિયો અને ટેલિવિઝન માટે સંખ્યાબંધ નાટકો લખ્યાં છે. વળી ફિલ્મ માટે તેમણે લગભગ 20 પટકથાઓ લખી છે. તેઓ ઊડિયા નાટકના પ્રવર્તક તરીકે ખ્યાતિ પામ્યા હતા.
તેમનાં નાટકો માટે તેમને ઓરિસા સાહિત્ય અકાદમીનો તથા ઓરિસા સંગીત નાટક અકાદમીના ઍવૉર્ડ પ્રાપ્ત થયા હતા. 2002માં તેઓને ભારત સરકાર તરફથી પદ્મશ્રીના ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સમગ્ર ઓરિસામાં તેમનાં નાટકો રંગમંચ પર ભજવાયાં હતા. પશ્ચિમની કેટલીક મહત્વની નાટ્યકૃતિઓનું તેમણે અંગ્રેજીમાંથી ઊડિયા ભાષામાં ભાષાંતર કર્યું છે. તેઓ અનેક સાહિત્યિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા હતા. તેઓ ઓરિસા સંગીત નાટક અકાદમીના સભ્ય પણ રહેલા.
તેમની પુરસ્કૃત કૃતિ ‘હાસ્યરસાર નાટક’ હાસ્ય અને કરુણના સુંદર સમન્વયના કારણે અને તરંગલીલા તથા ચિત્તાકર્ષક પાત્રવિધાન અને વક્રોક્તિ તેમજ ઉપહાસનાં તત્વોના અસરકારક વિનિયોગના કારણે ઊડિયા સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે.
બળદેવભાઈ કનીજિયા