છીંદવાડા : મધ્યપ્રદેશનો જિલ્લો. વિસ્તાર 11,815 અને વસ્તી 18,48,882 (2001). મધ્યપ્રદેશના દક્ષિણ વિસ્તારમાં આવેલું મહત્વનું કેન્દ્ર. છીંદવાડા શહેર ઉપરાંત મધ્યપ્રદેશનો એક જિલ્લો પણ છે. અગ્નિકૃત ખડકો વડે નિર્મિત છીંદવાડા એક નાનો વિસ્તાર ધરાવતો ઉચ્ચપ્રદેશ છે. તેની ઊંચાઈ 600 મી. જેટલી જોવા મળે છે. આ વિંધ્યાચળ પર્વતનો એક પ્રાકૃતિક પ્રદેશ છે. આમાંનો છીંદવાડા એ મૈકલ પહાડનો એક વિસ્તાર છે. 220 2’ ઉ. અ. અને 780 55’ પૂ રે. પર તે આવેલું છે. અહીં જાન્યુઆરીનું તાપમાન 150 સે. અને મેનું 320 સે. નોંધાય છે. વાર્ષિક સરેરાશ વરસાદ 1250 મિમી. પડે છે; પરંતુ વરસાદ ખૂબ જ અનિયમિત છે. પૂર અને દુષ્કાળનો સતત ભય રહે છે. દક્ષિણ વિસ્તારમાં બૈતૂલ અને શિવની વચ્ચે છીંદવાડા જિલ્લાનું સૌથી મોટું મથક અને રેલવે સ્ટેશન છે. છીંદવાડા મૅંગેનીઝના ઉત્પાદન માટે ખૂબ જ જાણીતું મથક છે, જેનો ઉપયોગ ભિલાઈના લોખંડ-પોલાદના કારખાનામાં થાય છે. અહીં કોલસો પણ મળે છે. રસ્તા અને રેલવેની ઓછી સગવડને કારણે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ ઓછો થયો છે.

ગોવિંદભાઈ વિસરામભાઈ પટેલ