છિદ્રાળુ ખડકો : ખડકો(કે જમીનો)માં રહેલા ખનિજકણો કે ઘટકો વચ્ચેની ખાલી જગા કે આંતરકણજગા ધરાવતા હોય અને એવી જગામાં પ્રવાહી રહી શકે ત્યારે તે ખડકો છિદ્રાળુ છે એમ કહેવાય. ખડકોમાં રહેલી આંતરકણજગા કે ખાલી ભાગને છિદ્ર કહેવાય. ખડકના કુલ એકમ કદની અપેક્ષાએ તેમાં રહેલાં છિદ્રોના કદના પ્રમાણને સછિદ્રતા કે સછિદ્રતા ગુણોત્તર કહેવાય છે, જે ટકાવારીમાં દર્શાવાય છે. સછિદ્રતા માપવા માટે છિદ્રમાપક (porosimeter) નામના સાધનનો ઉપયોગ થાય છે. પ્રવાહી તેમજ વાયુઓનાં કદ માટે જુદાં જુદાં છિદ્રમાપક વપરાય છે. નિયત દાબથી પ્રવાહી કે વાયુ ભરીને સછિદ્રતાનું માપ મેળવી શકાય છે.

ગોળાકાર કણોથી સંપૂર્ણપણે કણકદકક્ષાકીય (graded bedding) ગોઠવણીવાળા ખડકસ્તરોમાં જો કણો અરસપરસ ખૂબ જ નજીક નજીક રહેલા હોય તો તેમનું સછિદ્રતા-પ્રમાણ 27 % ગણાય છે; પરંતુ જો જોડાણ ઘનિષ્ઠ ન હોતાં છુટ્ટું હોય તો તે 47 % સુધીનું હોઈ શકે છે. હકીકતે જળકૃત ખડકો ક્યારેય સંપૂર્ણપણે કણકદકક્ષાકીય કે ઘનિષ્ઠ કણગોઠવણીવાળા હોતા નથી, એટલું જ નહિ તે સંપૂર્ણપણે કે અંશત: સંશ્લેષિત દ્રવ્યથી જોડાયેલા હોય છે, તેથી સછિદ્રતાના પ્રમાણની ટકાવારી 1 %(તેથી પણ ઓછી)થી માંડીને 50 % (કે તેથી વધુ) હોય છે. રેતીખડકો સામાન્યપણે છિદ્રાળુ ગણાય છે, જેમાં સછિદ્રતા 5 %થી 15 % હોય છે જ્યારે છૂટી રેતીનો જથ્થો, ગ્રેવલ કે ગોળાશ્મ ખડકોમાં તે 45 % સુધી પહોંચે છે. બધી જાતના માટીખડકો કે માટી વધુ પડતાં છિદ્રાળુ ગણાય છે, જેમાં ક્યારેક 50 % સછિદ્રતા હોઈ શકે છે. અહીં એ નોંધવું જોઈએ કે છિદ્રાળુ ખડક ભેદ્ય હોવો જ જોઈએ એ જરૂરી નથી – જેમ કે રેતીખડકો, રેતી અને ગ્રેવલ સામાન્યપણે સછિદ્ર તેમજ ભેદ્ય હોય છે, કારણ કે તે પ્રવાહીને પસાર કરી શકે છે; પરંતુ માટી કે મૃદખડકો સછિદ્ર હોવા છતાં અભેદ્ય હોય છે. કારણ કે તે પ્રવાહીને શોષી લેશે પણ તેમાંથી તેને જતું રહેવા દેશે નહિ.

ગિરીશભાઈ પંડ્યા