છાસિયો : કપાસમાં ફૂગથી થતો રોગ. ખાસ કરીને દેશી જાતોમાં આ રોગ લાગે છે. મહારાષ્ટ્ર રાજ્યમાં સંકર-4 અને જી. કોટ-10 જેવી અમેરિકન જાતોમાં પણ આ રોગ લાગે છે તેવું માલૂમ પડેલું છે. ભેજવાળા તેમજ નીચાણવાળા ભીના વિસ્તારમાં આ રોગથી નુકસાનની શક્યતા વધી જાય છે.
છાસિયો સામાન્યત: પાકટ પાન ઉપર આવે છે. પાનની ઉપલી સપાટી ઉપર પ્રથમ પીળાશ પડતાં ધાબાં દેખાય છે. પાછળથી નીચેની સપાટી ઉપર બદામી અથવા રાખોડી રંગનાં ખૂણિયા આકારનાં ટપકાં દેખાય છે; પરંતુ કોઈક વખત આવાં ટપકાં ઉપલી સપાટી ઉપર પણ દેખાય છે. વિશેષ આક્રમણ હોય ત્યારે પાન ખરી પડે છે.
વધુ ભેજ હોય તેવા નીચાણવાળા વિસ્તારમાં રોગ વધારે પ્રમાણમાં આવે છે. રોગનો ફેલાવો પવન મારફત થાય છે.
રોગને અટકાવવાના ઉપાયો : રોગની શરૂઆત થતાં 300 મેશવાળી ગંધકની ભૂકી હેક્ટરે 15થી 20 કિગ્રા.ના પ્રમાણમાં અથવા 0.2 % કુમાન અથવા 0.2 % તાંબાયુક્ત દવાનો છંટકાવ બે વખત કરવાથી રોગ કાબૂમાં આવે છે.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ