છાયા, રતિલાલ કાશીલાલ (જ. 20 નવેમ્બર 1908, ભડ, જિ. જૂનાગઢ; અ. 16 ઑક્ટોબર, 1995, પોરબંદર) : સાગરકવિ તરીકે જાણીતા. મુંબઈ યુનિવર્સિટીમાંથી મૅટ્રિક્યુલેશન (1939) અને એસ.ટી.સી.(1944)માં પાસ. ભાવસિંહજી હાઈસ્કૂલમાં (1929–1967) ગુજરાતી-અંગ્રેજીના શિક્ષક.
‘ઝાકળનાં મોતી’ (1933), ‘સોહિણી’ (1951) તથા ‘હિંડોલ’ (1962) એ ત્રણ કાવ્યસંગ્રહો પૈકી ‘હિંડોલ’ને 1961–62ના વર્ષનું ગુજરાત રાજ્યનું પ્રથમ પારિતોષિક મળ્યું હતું. એમનાં કાવ્યોમાં સૌંદર્યદર્શન, ચિંતન, લલિતશૈલી અને ગેયત્વ જોવા મળે છે. તેમની કવિતામાં કવિવર રવીન્દ્રનાથ ઠાકુર અને શ્રી અરવિંદના રહસ્યવાદ અને તત્વદર્શનની છાંટ છે. ‘ધરતીનું સંગીત’માં આફ્રિકાના પ્રવાસ દરમિયાન રચાયેલાં કાવ્યો છે. ‘સૂરને પાલવ’ અને ‘નવપલ્લવ’ તેમના અપ્રસિદ્ધ કાવ્યસંગ્રહો છે.
તેમના નિબંધસંગ્રહ ‘પ્રજ્ઞા પુરાણી’માં શિક્ષણ, કળા, ચિત્ર, શિલ્પ, સંગીત, સ્થાપત્ય, ધર્મસંસ્કૃતિ અને સાહિત્યિક વિવેચનના નિબંધો છે.
‘સંસૃતિનો સ્મૃતિશેષ’માં 1908થી 1990 સુધીનો આત્મકથાત્મક અહેવાલ સમાવ્યો છે.
તેમના સંપાદિત અને સહસંપાદિત ગ્રંથોમાં ‘સ્મૃતિ અને સંસ્કૃતિ’ (ખંડ 1, 2) તથા જાપાનની પુષ્પકલા ઉપરનો સચિત્ર ગ્રંથ ‘ઇકેબાના’ વગેરે ઉલ્લેખનીય છે.
એમના ગુજરાતી અનુવાદોમાં ‘બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય’, શેઠ નાનજી કાલિદાસ મહેતાની આત્મકથાનો અંગ્રેજી અનુવાદ ‘ડ્રિમ હાફ-ઍક્સપ્રેસ્ડ’ ઉલ્લેખનીય છે. ‘ગીતકથા’ અંગ્રેજી ગ્રંથ ‘ધ બૅલડ’નો અનુવાદ છે.
પત્રકારત્વમાં ‘જયભારત’ મુંબઈ દૈનિકમાં સાહિત્યકલાના લેખોનું સંપાદન કર્યું. નિવૃત્તિ પછી ‘અભીપ્સા’ પાક્ષિકનું દોઢ વર્ષ સુધી સંપાદન કર્યું. ‘ગોલ્ડન ક્રીપર્સ’ નામનો અંગ્રેજી ગદ્યકાવ્યોનો જાપાની ટાન્કા સ્વરૂપનો કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ કર્યો. આ ઉપરાંત ‘ગ્લિમ્પસિસ ઑવ્ સૌરાષ્ટ્ર’ (1968) ,‘પુષ્પસંયોજના’ (1972) વગેરે પ્રકીર્ણ ગ્રંથો તેમણે રચ્યા છે.
‘પથદીપ’ સાંસ્કૃતિક મંડળના ઉપક્રમે તેમણે સાહિત્ય, કલા, સંગીત, પુરાતત્વ, ચિત્રકલા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની સભાનતા કેળવવા પ્રયત્ન કર્યો.
તેમણે સંસ્કૃતિ ટ્રસ્ટના ‘તત્વદર્શન’ સામયિકનું સહસંપાદન પણ સંભાળેલું.
હિમાંશુ ભટ્ટ