ચ્યવન ઋષિ : ભૃગુ ઋષિ અને પુલોમાના પુત્ર, એક પ્રાગૈતિહાસિક મંત્રદ્રષ્ટા. ઋગ્વેદનાં કેટલાંક સૂક્તોના રચયિતા ‘ચ્યવાન’ તે જ પૌરાણિક સાહિત્યના ‘ચ્યવન’. એક વાર ભૃગુ ઋષિ નદીએ સ્નાન કરવા ગયા હતા ત્યારે એક રાક્ષસે પુલોમાનું અપહરણ કરતાં સગર્ભા પુલોમાનો ગર્ભ સ્રવી પડ્યો. તેના તેજથી પુલોમા બળી ગયો. આ ગર્ભસ્રાવથી જન્મેલું બાળક તે ચ્યવન (પ. ભ. આદિ-4-6-60-64). પદ્મ-પુરાણના પાતાલ ખંડ (14) પ્રમાણે આ રાક્ષસનું નામ દમન હતું. ચ્યવન ભાર્ગવ દાધીચ તરીકે પણ ઓળખાય છે. તેઓ ઇન્દ્ર અને પસ્થુ, તુર્વયાણના વિરોધી હતા. પાછળથી ઇન્દ્ર સાથે સંબંધ સુધર્યો હતો. પ્રાગૈતિહાસિક યુગના આ ઋષિનું ચરિત કેટલાક ચમત્કારોથી વર્ણવાયું છે. ચ્યવનની કથા ‘શતપથ બ્રાહ્મણ’માં પણ આપવામાં આવી છે. એ કથા વધુ સ્વાભાવિક છે. શતપથ બ્રાહ્મણ પ્રમાણે, એ ઋષિ પોતાનું શરીર સૂકવીને તજી દેવામાં આવેલ હોય એ પ્રમાણે જંગલમાં એક ઠેકાણે પડ્યા હતા. મનુના વંશજ શર્યાતિના પુત્રોએ એને જોયા અને ઢેફાં માર્યાં. આનાથી ઋષિ કોપાયમાન થયા. એને શાંત કરવા શર્યાતિ રાજા આવ્યો અને ઋષિને પોતાની પુત્રી સુકન્યા અર્પણ કરી. અશ્વિનીકુમારોએ સુકન્યાને અતિવૃદ્ધ, હાડકાંપાંસળાં દેખાતાં હોય તેવા ઋષિને ન પરણવા ખૂબ સમજાવી; પરંતુ સુકન્યા એકની બે ન થઈ ત્યારે અશ્વિનોએ ‘એક સરોવરમાં ચ્યવન સ્નાન કરે’ એમ કહેતાં સરોવરમાં સ્નાન કરવાથી ચ્યવન નવયૌવન પામ્યા. અશ્વિનોને યજ્ઞમાં દેવભાગ નહોતો મળતો એ અપાવવાની પ્રણાલી ચ્યવને ઇન્દ્રને ભયભીત કરીને અસ્તિત્વમાં લાવી આપી એવી કથા મહાભારતમાં અપાઈ છે.
મહાભારતના આરણ્યક પર્વમાં તથા ભાગવત મહાપુરાણના નવમા સ્કંધ(અધ્યાય 9)માં એના વિશે પૌરાણિક પ્રકારની માહિતી સુલભ છે. ચ્યવન તપ કરતા હતા એમના પર રાફડો બંધાઈ ગયો હતો. સુકન્યા રમતીખેલતી રાફડા નજીક આવી ને છિદ્રમાંથી તગતગતી આંખો એ શું છે એની તપાસ કર્યા વિના તેણે સળી ભોંકી ફોડી નાખી. પરિણામે શર્યાતિના સૈનિકોનાં મળમૂત્ર બંધ થઈ ગયાં. કારણ તપાસતાં સુકન્યાએ પોતે કરેલ અટકચાળાની જાણ કરતાં ઋષિને મનાવવા રાજાએ પોતાની કન્યા ઋષિને અર્પણ કરી. જંગલમાં પતિ-પત્ની બેઉ રહેતાં હતાં. સુકન્યા પતિસેવામાં મશગૂલ રહેતી. અશ્વિનીકુમારોએ એને વિચલિત કરવા ખૂબ પ્રયત્ન કર્યા; પરંતુ સુકન્યા વિચલિત ન થઈ. સુકન્યાના પાતિવ્રત્યથી પ્રસન્ન થયેલા અશ્વિનીકુમારોએ ઋષિને એક સરોવરમાં સ્નાન કરવા વિનંતી કરી. સરોવરમાં સ્નાન કરતાં ઋષિને નવયૌવન પ્રાપ્ત થયું.
ઉદવાસ વ્રત દરમિયાન માછીમારની જાળમાં માછલાં સાથે ચ્યવન આવી ગયા. તેમની ઉપેક્ષા નહુષે કરતાં ગવિજાત ઋષિના કહેવાથી ચ્યવન ભાર્ગવતી ગાયોનું દાન કર્યું. ચ્યવને નહુષને ગોધનનું મહત્વ સમજાવી પોતાની મહત્તા પ્રસ્થાપિત કરી હતી.
કુશિકવંશમાં જન્મને લીધે ભિન્નજાતિત્વનો દોષ દૂર કરવા કુશિક રાજદંપતીને પોતાની સેવામાં રાખ્યાં. એકવીસ દિવસ સૂતા રહ્યા. તેમણે રાજદંપતીને રથમાં અશ્વોને સ્થાને જોડી કસોટી કરી તેમાં પાર ઊતરતાં કુશિકવંશીય રાજદંપતી તેમની કૃપાને પાત્ર થયાં.
તેમને મનુની પુત્રી આરુષીથી ઔર્વ નામે પુત્ર થયો હતો.
ઐતિહાસિક ર્દષ્ટિએ ચ્યવન પ્રાગૈતિહાસિક યુગના, ભૃગુ વંશના એક ઋષિ હતા. તેની પત્ની મનુના વંશજ ચંદ્રવંશી શર્યાતિ રાજાની પુત્રી સુકન્યા હતી.
કે. કા. શાસ્ત્રી
દશરથલાલ ગૌરીશંકર વેદિયા