ચૌધરી, રમાકાન્ત લક્ષ્મીકાન્ત (જ. 1846; અ. 1889) : જાણીતા અસમિયા કવિ અને નાટ્યકાર. 1870માં તેમણે કૉલીજિયેટ સ્કૂલમાંથી એફ.એ.ની પરીક્ષા પાસ કરી. પછી ગુવાહાટીમાં ડેપ્યુટી કમિશનરની ઑફિસમાં તેઓ કારકુન તરીકે જોડાયા. થોડો વખત ગોઆલપર અને ધુબ્રી ખાતે નોકરી કર્યા પછી ગુવાહાટીમાં શિરસ્તેદાર તરીકે સેવાઓ આપી.
બ્લૅંક વર્સમાં રચેલ ‘અભિમન્યુવધ’ (1875) તેમની પ્રથમ કૃતિ છે. તે ત્રણ ખંડમાં વિભાજિત અને 98 પાનાનું દીર્ઘકાવ્ય છે. તેમાં ભીષ્મ પિતામહના નેતૃત્વ હેઠળ શરૂ થયેલા મહાભારતના યુદ્ધથી માંડી અભિમન્યુવધ સુધીની ઘટનાઓને આવરી લેવામાં આવી છે. તેઓ બંગાળના પ્રસિદ્ધ કવિ અને નાટ્યકાર માઇકલ મધુસૂદન દત્તને પોતાનો આદર્શ ગણતા હતા.
ઓગણીસમી સદીના છેલ્લા દાયકામાં તેમણે ‘સીતાહરણ’ અને ‘રાવણવધ’ નામક બે નાટકો આપ્યાં છે. પણ તેમાંનું એકેય આજે ઉપલબ્ધ નથી. આધુનિક અસમિયા કવિતામાં બ્લકવર્સ (‘અવૃત્તાક્ષર’ છંદ)નો વિનિયોગ કરનાર તેઓ પહેલા અસમિયા કવિ છે. વળી તેઓ આધુનિક અસમિયા પૌરાણિક નાટકોના પિતા પણ છે.
અનિલા દલાલ